દેશ આઝાદ થયો ત્યારે કૉન્ગ્રેસના નેતાઓના મનમાં સ્વતંત્ર ભારતની એક રૂપરેખા હતી. એ રૂપરેખા ભારતના બંધારણમાં મૂર્ત સ્વરૂપ પામી હતી. મૂર્ત સ્વરૂપ પામી એમ પણ કહેવું ખોટું છે. ખરું પૂછો તો સવાસો વરસના વિમર્શના અંતે વિકસેલી કલ્પના રાજ્યનો મુસદ્દો બની હતી. નાના-મોટા મતભેદો ઓગાળી દેવામાં આવ્યા હતા અને વ્યાપક સર્વસંમતી સાથે રાષ્ટ્રીય સંકલ્પ બંધારણના સ્વરૂપમાં અસ્તિત્વમાં આવ્યો હતો. એ સંકલ્પને મૂર્ત સ્વરૂપ આપવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્યોમાં રચાયેલી સરકારોની હતી. એ સમયે દરેક જગ્યાએ કૉન્ગ્રેસની સરકારો હતી એટલે એમ કહી શકાય એ કૉન્ગ્રેસની હતી. જવાહરલાલ નેહરુ દેશના પહેલા વડા પ્રધાન તરીકે દર પખવાડિયે રાજ્યોના મુખ્ય પ્રધાનોને લાંબા પત્રો લખીને વિચારવિમર્શ કરતા હતા. પહેલી પ્રાથમિકતા હતી વિકાસ માટેની અને સુદ્રઢ લોકતંત્ર માટેની સંસ્થાઓ સ્થાપવાની. બન્ને પ્રકારની મળીને સો કરતાં વધુ સંસ્થાઓ નહેરુના સમયમાં સ્થપાઈ હતી. જી હાં, સો કરતા વધુ. તમને નથી લાગતું કે આવું કામ એ જ કરી શકે જેને શું કરવું છે એની જાણ હોય?
આ તો એક પક્ષ થયો. એક બીજો પક્ષ પણ હતો જેને ગાંધી અને નેહરુની કલ્પનાના ભારત સામે જ મૂળભૂત વાંધો હતો. એવા બે પક્ષો હતા : એક સામ્યવાદીઓ અને બીજા હિન્દુત્વવાદીઓ. એ સમયે હિન્દુત્વવાદીઓ કરતાં સામ્યવાદીઓનો ભય વધુ હતો. સામ્યવાદીઓ પાસે ચુસ્ત વિચારધારા છે, જગતમાં અનેક દેશો સામ્યવાદી વિચારધારા અપનાવીને સામ્યવાદી બન્યા છે અને ભારતના સામ્યવાદીઓને રશિયા અને ચીનનો ટેકો સાંપડી શકે છે. તેઓ કદાચ બંધારણપ્રણિત ભારતીય રાજ્યને ઉથલાવી શકે છે. આ ઉપરાંત સામ્યવાદીઓ બુદ્ધિશાળી હતા, તેમને તેમના વિચારો રજૂ કરતા આવડતું હતું અને યુવાનોમાં સામ્યવાદ માટે આકર્ષણ હતું. એ સમયે હિન્દુત્વવાદીઓનો જરા ય ભય નહોતો, કારણ કે તેમની પાસે કોઈ સ્પષ્ટ વિચારધારા નહોતી, જે કાંઈ હતી એ સ્પષ્ટ નહોતી અને તેમને રજૂ કરતા આવડતી પણ નહોતી. આને કારણે દેશના હિંદુઓ તેમને ઘાસ નાખતા નહોતા.
અહીં એક વાત નોંધવી જોઈએ. ડૉ. રામમનોહર લોહિયા જેવા ડાબેરી સમાજવાદીઓ અને મોટા ભાગના કૉન્ગ્રેસીઓ સામ્યવાદથી ડરતા હતા અને હિન્દુત્વવાદીઓથી નિશ્ચિંત હતા ત્યારે જવાહરલાલ નેહરુનો અભિગમ જૂદો હતો. તેઓ સામ્યવાદ કરતાં હિંદુ રાષ્ટ્રવાદને વધારે ગંભીરતાથી લેતા હતા અને તેમાં તેમને દેશ સામે ખતરો નજરે પડતો હતો. બહુમતી કોમવાદ એટલે ફાસીવાદ અને ફાસીવાદ કરતાં મોટો કોઈ માનવતાનો દુ:શ્મન નથી એમ તેઓ માનતા હતા. સંઘપરિવારને જવાહરલાલ નેહરુ અને નેહરુ પરિવાર સાથે શા માટે દુશ્મની છે એ સમજાઈ ગયું હશે. બીજા આવો સ્પષ્ટ વિચાર ધરાવનારા વિચારક વિનોબા ભાવે હતા. બાકી મોટા ભાગના લોકો હિન્દુત્વવાદીઓ કરતાં સામ્યવાદથી વધુ ડરતા હતા.
સમય વિતતો ગયો એમ સ્થિતિ બદલાતી ગઈ.
કલ્પનાને સાકાર કરનારી કૉન્ગ્રેસ ચૂંટણી લડનારી અને યેનકેન પ્રકારેણ જીતનારી બની ગઈ. એ સમયના સમાજશાસ્ત્રી રજની કોઠારીની ભાષામાં કહીએ તો કૉન્ગ્રેસ ઈલેકશન વિનિંગ મશીનમાં ફેરવાઈ ગઈ. વિચારધારા, રાષ્ટ્રનિર્માણની પ્રાથમિકતા, કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ, લોકતાંત્રિક સંસ્થાઓનું સુદ્રઢીકરણ વગેરે પાછળ ધકેલાઈ ગયાં અને ચૂંટણીમાં વિજય અને સત્તા મુખ્ય બની ગયાં. આ બાજુ સામ્યવાદ જગત આંખમાં ખતમ થવા લાગ્યો અને ભારતમાં પણ તેમનો પ્રભાવ ઘટવા લાગ્યો. હિન્દુત્વવાદીઓને સેક્યુલર લોકતાંત્રિક વિરોધ પક્ષના અભાવનો લાભ મળવા લાગ્યો.
અહીં સુધી તો જાણે ઠીક છે, પરંતુ સંઘપરિવારની ભારત વિશેની કલ્પના કેવી છે? તેમનો અધિકાર છે તેમની કલ્પનાના ભારતને સાકાર કરવાની, પણ કલ્પના શું છે? આજ સુધી આપણે આ જાણતા નથી. સંઘપરિવાર જગતનું એક માત્ર રાજકીય પરિબળ છે જે શું કરવા માગે છે એ કહેવામાં આવતું નથી. અનેક અવસરે – અનેક મોઢે – અનેક વિરોધાભાસી વાતો કરવામાં આવે છે. કેટલીક વાર તો એક જ અવસરે બે જણ વિરોધાભાસી વાત કરે છે. આ ગોપનીયતા છે કે ગમારપણું એ જગત સામે કોયડો છે.
હવે વડા પ્રધાનની ચૂંટણીસભાઓ પર એક નજર કરો. જો તેમને શાસન વિષે કાંઈ કહેવાનું ન હોય તો તેમને અક્ષરશ: કાંઈ કહેવાનું નથી. ૨૦૧૪માં તેમને વિકાસની બાબતે વચનો આપવાનો મોકો હતો; ‘હું આમ કરી આપીશ કે હું તેમ કરી આપીશ’ વગેરે, એટલે ઉછળી ઉછળીને બોલતા હતા. હવે જ્યારે શ્રેય લઈ શકાય એવું કોઈ કામ કરી શકાયું નથી, ત્યારે શું બોલવું એ તેમને સૂઝતું નથી. સામ્યવાદીઓની રાજકીય સ્થિતિ બી.જે.પી. કરતા ક્યાં ય નબળી છે, પણ એ છતાં તેઓ તેમની કલ્પનાના વૈકલ્પિક ભારત વિષે બોલી શકશે. સામ્યવાદી નેતા સિતારામ યેચુરીને ચૂંટણી પ્રચાર કરતી વખતે મમતા બેનર્જીની સાત પેઢીને યાદ કરીને ગાળો આપવાની જરૂર પડતી નથી. નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીની સાત પેઢીને યાદ કરીને ગાળો આપવી પડે છે; કારણ કે જો શ્રેય લેવા માટે કાંઈ નથી અને નવા દાવા કરી શકાય એમ નથી તો, કહેવા માટે પણ કાંઈ નથી.
નરેન્દ્ર મોદી તેમની ચૂંટણીસભાઓમાં તેમની એક પણ સિદ્ધિની વાત નથી કરતા, કારણ કે ઝોળી લગભગ ખાલી છે. જે બીજાનો શ્રેય આંચકી જાય એ પોતાના શ્રેયની યાદ ન અપાવે એવું બને ખરું? ૨૦૧૪નો ચૂંટણીપ્રચાર જાણે કે દૂરના ઇતિહાસની ઘટના હોય એમ ભૂલી જવાયો છે. આનાં કરતાં તેમણે પોતાની કલ્પનાના ભારત વિષે વિચાર્યું હોત, એ કલ્પનાને વધુને વધુ સ્પષ્ટ કરી હોત, એ કલ્પનાને આત્મસાત કરી હોત, લોકોની સાથે તેને ઈમાનદારીપૂર્વક વહેંચી હોત, મુક્ત સંવાદ સાધ્યો હોત, લોકો સાથે વિચારોની આપ-લે કરી હોત, વિરોધીઓનો વિચારથી મુકાબલો કર્યો હોત તો આજે ગાળોનો આશ્રય ન લેવો પડ્યો હોત. તેઓ પણ જવાહરલાલ નેહરુની માફક રાજ્યોનાં મુખ્ય પ્રધાનો સાથે પંદર વરસ સુધી ૧૫ પાનાંનાં પત્રો લખીને સહચિંતન કરી શક્યા હોત. જગત આખામાં વિરોધીઓને વિચારો દ્વારા તમે લડતા જોયા હશે. વિચારની જગ્યાએ ગાળોનો આશ્રય તેને જ લેવો પડે જેની પાસે વિચારદરિદ્રતા હોય.
આ ઉપરાંત નરેન્દ્ર મોદી સંભવિત પરાજયના ભયથી ઘાંઘા થઈ ગયા હોય એમ તેમની ભાષા ઉપરાંત બોડી લેન્ગવેજ પણ કહે છે.
08 મે 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 મે 2019
![]()


તમે હાલરડાં સાંભળીને મોટા થયાં છો? તમારાં સંતાનોને હાલરડાં સંભળાવ્યાં છે? તો જરૂર તમે આ લેખ સાથે તાદાત્મ્ય અનુભવી શકશો. મે મહિનાનો બીજો રવિવાર માતૃદિન તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. આજે માતા વિશેના નહીં પણ માતાના અતુલનીય પ્રેમગીત એટલે કે હાલરડાંની વાત કરવી છે.
ગુજરાતી સાહિત્ય અને લોકસંગીતની સર્વકાલીન કૃતિ શિવાજીનું હાલરડું સાંભળતાં જ દેહમાં જાણે વીરરસનો સંચાર થવા લાગે છે. લોકસંસ્કૃતિનો ધબકાર જેમની રગેરગમાં ઝિલાયો છે, ધીંગી ધરા અને માભોમને કાજે જેમણે અઢળક ગીતો રચ્યાં છે, એ શબ્દના સોદાગર ઝવેરચંદ મેઘાણી કેવું અનોખું હાલરડું આપણને આપે છે. ધ્યાનથી સાંભળજો. બાળકને ઉંઘાડવા માટેનું નહીં પરંતુ જગાડવા માટેનું આ એકમાત્ર હાલરડું છે. આ વીરાંગના માતા દીકરાને પોઢાડતા શું કહે છે એ તો સાંભળો.
આ હાલરડું સૌપ્રથમ વિખ્યાત લોકગાયક હેમુ ગઢવીના બુલંદ કંઠે ગવાયું અને ખૂબ પ્રચલિત થયું. પછી તો લગભગ દરેક લોકકલાકાર એ ગાય છે. તાજેતરમાં મુંબઈમાં સર્જિકલ સ્ટ્રાઈક સંદર્ભમાં યોજાયેલા એક સંગીત કાર્યક્રમમાં ચેતન ગઢવીએ આ રચના પ્રસ્તુત કરીને વન્સમોર મેળવ્યો હતો. ચેતન ગઢવી આ ગીત વિશે રસપ્રદ વાત કરે છે. "આ હાલરડું મારા હૃદયની બહુ નજીક છે. હજુ એકાદ વર્ષ પહેલાં જ ફરતાં ફરતાં હું અનાયાસે મહારાષ્ટ્રમાં આવેલા જીજીબાઈના કિલ્લે પહોંચી ગયો હતો. સિંદખેડ રાજા એ જીજીબાઈનું જન્મ સ્થળ. ત્યાંની ટનલો એવી છે કે આજે પણ એમાંથી છ ઘોડા અસવાર સાથે નીકળી શકે. બહારથી ખબરેય ન પડે કે ભૂગર્ભમાં આવો જબરદસ્ત કિલ્લો છે. આ કિલ્લો આજે પણ અતીતની અનેક યાદો અને અવશેષો લઈને ઊભેલો છે જે પોતાના ઇતિહાસની ગર્વિલી વાતોનો સાક્ષી છે. શિવાજીનો જન્મ થયો એ રૂમ સુધી હું જઈ આવ્યો હતો અને આ હાલરડાની બે પંક્તિઓ મેં એ સમયખંડને અનુભવવા માટે ત્યાં ગાઈ હતી. આ હાલરડું ગાતાં પહેલાં શ્રોતાઓને સમજ આપવી જરૂરી છે કે હાલરડામાં માતા બાળકને જગાડે છે, ઊંઘાડતી નથી. જગાડવું એટલે જાગૃત કરવું એ અર્થ અહીં અભિપ્રેત છે. મા કહે છે કે દીકરા આજે તું બાળક છે એટલે ઊંઘી લે. કાલે તારે મોત સામે ઝઝૂમવાનું છે :
બાળકને પોઢાડવાની ક્રિયામાં હાલરડાંની એક આખેઆખી સંસ્કૃતિ સમાય છે જેમાં ગાય, દૂધ, ઘી, માખણ, લાડુથી લઈ પરીરાણી અને શિવાજીના હાલરડાની જેમ વીરરસ પણ આવે છે. વાઇફાઇના આ હાઈફાઈ જમાનામાં હાલરડાં પણ દુર્લભ થતા ગયાં છે. વિલુપ્ત થઈ રહેલાં હાલરડાં પર ૩૦૦ પાનાંનો ગ્રંથ પ્રગટ કરનાર, ઇન્દોરમાં જન્મેલાં હંસાબહેન હાલરડાં વિષે વાત કરતાં કહે છે, "વિશ્વના દરેક ખૂણે, જ્યાં માતૃભાષા છે, ત્યાં હાલરડાં છે. શોધનિબંધ માટે દુનિયાભરના અનેક દેશોની ‘એમ્બેસી’ સાથે પત્રવ્યવહાર કર્યો. યુરોપના વિવિધભાષી લલબાય (હાલરડાં) મળ્યાં. ભારતનાં વિવિધ પ્રદેશોનાં વિવિધ લોકબોલીમાં હાલરડાં ઉપલબ્ધ થયાં, પણ એનાં વિષે કોઇ ખાસ ઉપયોગી લેખિત સામગ્રી ન મળી કે જેના આધારે શોધપ્રબંધ લખી શકાય. તેથી ફિલ્ડ વર્ક શરૂ કર્યું. ગુજરાત, સુરત, ડાંગ, કચ્છ બધે ફરી. આદિવાસી વિસ્તારમાં તેમનાં નેહડામાં પણ ગઈ. ગુજરાત પછી આંધ્ર, મધ્ય પ્રદેશ ગઇ. ૧૨ વર્ષો બાદ ૧૯૮૧માં મારો શોધનિબંધ ‘હિન્દી ઔર ગુજરાતી કા લોરી સાહિત્ય : તુલનાત્મક અધ્યયન’ હિન્દીમાં તૈયાર કર્યો. આ નિબંધ પુસ્તકાકારે પ્રકાશિત થયો. ત્યારબાદ આ જ શોધનિબંધ ગુજરાતીમાં પણ ‘માતૃહૃદયની સૌમ્ય વિરાસત’ નામે પ્રસિદ્ધ થયો હતો. આટલી બધી જહેમત ઉઠાવીને પીએચ.ડી. કરનાર ડો. હંસા પ્રદીપે ‘નેણલે તેડાવું નીંદરપરીને’ તેમ જ ‘હુલુ હુ…લુ… હા..લ..રે’ જેવાં હાલરડાંનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે.