ચોક્કસ, તમે મારાથી નારાજ હશો. મેં કદાચ તમને ગેરમાર્ગે દોર્યા હોવાનો અહેસાસ થતો હશે. મારા પર ગુસ્સો પણ આવતો હશે. હું એ જ વ્યક્તિ છું, જેણે વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના તત્કાલીન ‘ચાયવાલા મુખ્યમંત્રી’ અને ‘વર્તમાન ચોકીદાર’ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે ભા.જ.પ.ને મત આપવા લોકોને અપીલ કરી હતી. પણ મારે કબૂલ કરવું જોઈએ કે, એ મારા જીવનની બીજી સૌથી મોટી ભૂલ હતી. મેં સૌ પ્રથમ મોટી ભૂલ મંડલ-કમંડલના પ્રણેતા અને દેશને જ્ઞાતિજાતિના રાજકારણના અવળા માર્ગે દોરનાર વી.પી. સિંહને ટેકો આપીને કરી હતી. એ સમયે મને મારા મિત્ર અને ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરે ચેતવણી આપી હતી. તેમણે મને સમજાવ્યો હતો કે આ માણસ દેશ માટે કશું સારું નહીં કરે, એનો એકમાત્ર આશય કૉંગ્રેસને હરાવવાનો અને તમને સીડી બનાવીને પ્રધાનમંત્રી બની જવાનો છે. પણ મને વી.પી. સિંહમાં આશાનું કિરણ દેખાયું હતું અને મારા સહિત તેમને સમર્થન આપનાર બધાને ધોબીપછાડ મળી હતી. વી.પી. સિંહે સત્તામાં આવીને જે કર્યું એ બધું અમારી અપેક્ષાથી વિપરીત હતું અને અમે અવાક થઈ ગયા હતા.
મારી બીજી સૌથી મોટી ભૂલ – તમે એને ‘હિમાલય જેવી મોટી ભૂલ’ પણ કહી શકો – નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની હતી. અમે બધા યુ.પી.એ.-૨ સરકારની નીતિઓથી એટલા બધા નારાજ થઈ ગયા હતા કે એના વિકલ્પરૂપે કોની સાથે ઊભા હતા, એનું વિશ્લેષણ જ કર્યું નહોતું. મેં ગુજરાત મૉડેલને બરાબર વાંચ્યું-સમજ્યું જ નહીં, પ્રોપેગેન્ડામાં જ વહી ગયો. હું એકરાર કરું છું કે મેં અર્થતંત્ર અને સરકારી તંત્રને ફેસ વેલ્યુ તરીકે લીધા હતા. અમે ગુજરાતના વિકાસથી અંજાઈ ગયા હતા અને અંગ્રેજી અખબારો જે કહેતાં હતાં એને જ સાચું માનતા હતા. પણ મોદી પ્રધાનમંત્રી બન્યા પછી એમની કાર્યશૈલી પરથી સમજાયું છે કે, એજન્સીઓ અને સંસ્થાઓનો દુરુપયોગ કરવો એ જ સાચું ગુજરાત મૉડેલ હતું. સંસદ કામ જ કરતી નથી અને મોટા બિલને એમ જ મની બિલ કહીને મંજૂર કરવામાં આવે છે. એ જ તો ગુજરાત મૉડેલ હતું. છેલ્લાં પાંચ વર્ષ આપણે જોયું છે કે, મોદી સરકારે બધી બંધારણીય સંસ્થાઓને ‘પાંજરામાં પુરાયેલા પોપટ’ જેવી બનાવી દીધી છે. આ શાસનમાં ‘અઘોષિત કટોકટી’ જેવું વાતાવરણ ઊભું થયું છે. સરકારે તમામ સંસ્થાઓને ટટ્ટુ બનાવી દીધી છે, અને વિરોધપક્ષોને મૂળિયાં સહિત ઊખાડી ફેંકવાની વાત કરે છે. એ જ તો ગુજરાત મૉડેલ હતું, જે આપણે કોઈએ બરાબર રીતે ચકાસ્યું જ નહીં. હકીકતમાં વિરોધ પક્ષ જ લોકશાહીનું હાર્દ છે. જો એ ન રહે તો … આ હવે તમારે વિચારવાનું છે.
અહીં મારે ભારતની લોકશાહી સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને એના પર મોદી સરકાર વિશે વાત કરવી છે. ભક્તજનો (અત્યારે તો ભક્તજનો કહો એટલે મોદીભક્તો જ માનવામાં આવે છે) મારા પર આરોપ મૂકે છે કે મને સરકારમાં મંત્રી બનાવવામાં ન આવ્યો એટલે હું મોદી અને મોદી સરકારની ટીકા કરું છું. ચાલો, એમનો આરોપ સાચો માની લઈએ તો પણ જે હકીકત છે એ કંઈ થોડી બદલાઈ જાય છે?!
આપણે મોદી સરકારની કામગીરીના કાર્યકાળને ત્રણ ખંડમાં વહેંચી શકીએ : એક, વર્ષ ૨૦૧૪થી નવેમ્બર ૨૦૧૬ એટલે કે સત્તામાં આવ્યા ત્યારથી નોટબંધી જાહેર થઈ ત્યાં સુધી. બે, નોટબંધીથી રાફેલ કૌભાંડના પર્દાફાશ સુધી અને ત્રણ, રાફેલ કૌભાંડના પર્દાફાશથી સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યાં સુધી.
વાતની શરૂઆત મે, ૨૦૧૪માં દિલ્હીની ગાદી પર નરેન્દ્ર મોદીના રાજ્યાભિષેકથી કરીએ. લોકસભાની ચૂંટણીમાં પ્રજાએ ભા.જ.પ.ને સંપૂર્ણ બહુમતી એટલે ૨૮૨ બેઠકો આપી હતી. તમે વિચારો કે એની પાછળનું કારણ શું હતું? એક, યુ.પી.એ.-૨ સરકારના ભ્રષ્ટાચારો અને ગોટાળાથી મુક્ત પારદર્શક અને લોકપાલની નિમણૂક કરે એવી સરકારને સત્તાનશીન કરવી. બે, યુ.પી.એ. સરકારે સી.બી.આઈ. જેવી બંધારણીય સંસ્થાઓને ‘પાંજરામાં પુરાયેલા પોપટ’ જેવી બનાવી દીધી હતી. આ સંસ્થાઓને ફરી સ્વતંત્ર અને નિષ્પક્ષ બનાવી શકે એવી સરકારને દિલ્હીમાં લાવવી, જેથી આ સંસ્થાઓ તટસ્થ રહીને રાષ્ટ્રહિત માટે કામ કરી શકે. ત્રણ, યુ.પી.એ. સરકારના છેલ્લાં બે વર્ષમાં નીતિગત નિષ્ક્રિયતા આવી ગઈ હતી, જેના પરિણામે દેશના આર્થિક વિકાસની ગાડી ઊંધા પાડે ચઢી ગઈ હતી, જેને સીધા પાટે ચઢાવી દેશને ફરી આર્થિક વૃદ્ધિના માર્ગે અગ્રેસર કરે એવી વ્યક્તિને દેશનું સુકાન સોંપવું. ચોથું, યુ.પી.એ.-૨ સરકારના ગાળામાં કૉંગ્રેસને સત્તાનો મદ આવી ગયો હતો. એટલે કૉંગ્રેસને લોકશાહીનું મહત્ત્વ સમજાવવું અને લોકશાહી પુનઃસ્થાપિત કરી બધાને સાથે લઈને ચાલી શકે એવા વાજપેયી જેવી કાર્યશૈલી ધરાવતું નેતૃત્વ પુનઃસ્થાપિત કરવું. પાંચ, યુ.પી.એ.-૨માં દેશમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા બની ગઈ હતી અને યુવા પેઢી સહિત તમામ વર્ગોમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. એટલે દેશમાં આશાનો સંચાર કરે એવી સરકાર માટે જનતાએ પોતાનો પવિત્ર અને કિંમતી મત આપ્યો હતો.
હવે તમે જ વિચારો કે મોદી વડા પ્રધાન બન્યા પછી ખરેખર જનતાએ જે આશા સાથે ભા.જ.પ.ને મતોની લહાણી કરી હતી એમાંથી એક પણ આશા ફળીભૂત થઈ છે? મોદી સરકારે સુકાન સંભાળ્યા પછી નોટબંધી સુધી આ સરકારે બે કામ કર્યાં : એક, કટ્ટર હિંદુત્વને મજબૂત કર્યું અને બે, મોદીએ શક્ય હોય એટલા દેશોનો પ્રવાસ કર્યો. ઇમેજ મૅનેજિંગ અને હેડલાઇન મૅનેજ કરતી આ સરકાર શરૂઆતના ગાળામાં ‘કૉંગ્રેસ વત્તા ગાય’ માત્ર બની ગઈ હતી. ઉત્તરનાં રાજ્યોમાં ગૌમાંસના ફાલતુ મુદ્દાઓ ઉઠાવીને ભા.જ.પ. હિંદુઓની સરકાર છે એવી ઇમેજ ઊભી કરી. બીજી તરફ, મોદીએ ચીન, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, જાપાન જેવા દેશોનો પ્રવાસ કર્યો.
અહીં સવાલ હિંદુ કે મુસ્લિમનો નહોતો. સવાલ ફક્ત ઇમેજ બિલ્ડિંગનો હતો. ઉત્તરપ્રદેશની ચૂંટણી વર્ષ ૨૦૧૭માં આવતી હતી અને એને ધ્યાનમાં રાખીને હિંદુત્વનો જુવાળ ઊભો કરવામાં આવ્યો હતો. એ સમયે પ્રધાનમંત્રી તરીકે મોદી પાસે અપેક્ષા હતી કે તેઓ તેમના કાર્યકર્તાઓને નિયંત્રણમાં રાખે અને દેશની છાપ ન ખરડાય એ માટે સમયસર કાર્યવાહી કરે. પણ સેલિબ્રિટીઓને જન્મદિવસે ટિ્વટર પર કાળજીપૂર્વક શુભેચ્છા પાઠવતાં પ્રધાનમંત્રી પાસે ગૌરક્ષકોને સલાહ આપવાનો સમય નહોતો. ‘મન કી બાત’માં ભારતની સંસ્કૃતિની વાત કરતાં પ્રધાનમંત્રી ગૌમાંસ પર દરરોજ થઈ રહેલી હિંસા પર એક હરફ પણ ઉચ્ચારતા નહોતા. તમે જુઓ, જ્યારે પણ મોડે મોડે એમણે વાત કરી ત્યારે શું કહ્યું? ‘ગાંધીજી પણ ગૌહત્યાના વિરોધી હતા.’ આમ કહીએ તો, તેમણે પરોક્ષરૂપે ગૌરક્ષકોની પીઠ થાબડી હતી.
મોદીએ પ્રધાનમંત્રી બન્યા પછી તરત જ વિદેશપ્રવાસોનો અનંત સિલસિલો શરૂ કરી દીધો હતો. શરૂઆતમાં મને મોદીના પ્રવાસથી આશા જન્મી હતી અને તેમની વિદેશનીતિ ઉચિત લાગતી હતી. મને લાગ્યું હતું કે ભારતીય ઉપખંડના પડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત થવાથી આર્થિક, સાંસ્કૃતિક, સામાજિક સંબંધો વધારે ગાઢ બનશે અને તેનાં સારાં પરિણામો મળશે. નરસિંહરાવે પૂર્વ એશિયાના દેશો સાથે સંબંધો સ્થાપિત કરવાની નીતિની શરૂઆત કરી હતી અને મોદી એને આગળ વધારી રહ્યા હતા. ચીન હિંદ મહાસાગરમાં પોતાનું પ્રભુત્વ જમાવવા પ્રયાસ કરી રહ્યું છે અને મોદી તેની સામે આક્રમક નીતિ અપનાવી રહ્યા છે એવું મને લાગતું હતું. પણ તમને જાણીને નવાઈ લાગશે કે, એક વર્ષ પછી વિદેશ મંત્રાલયના એક ટોચના અધિકારી સાથે મારી વાત થઈ હતી. તેમણે મને જે કહ્યું એનાથી મને બહુ મોટો આંચકો લાગ્યો હતો. તેમણે મને નિરાશા સાથે કહ્યું હતું કે, “આપણી વિદેશનીતિ હવે ‘સેલ્ફી ઇવેન્ટ’ બની ગઈ છે. વિદેશમાં ચક્કર મારો અને ફોટા પડાવો. આજે તમે પાકિસ્તાનને ગળે મળો. એના ઘરમાં જઈ ખાઓ-પીઓ, બીજે દિવસે કહો કે આપણી લડાઈ ઓર તેજ થશે. પછી આ ફોટા અને વીડિયો ભારતના ‘બિકાઉ અને પકાઉ’ મીડિયામાં વહેંચો અને ઘરઆંગણે મજબૂત નેતા હોવાની છાપ ઊભી કરો. એનાથી વિશેષ કશું જ નથી.” હકીકતમાં મોદી જે દેશોમાં જતા અને ત્યાં જે સમજૂતીઓ અને કરારો થતાં એનું ફોલો અપ લેવાતું જ નથી. મોદીએ શ્રીલંકા સાથે સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો, પણ શ્રીલંકાને એનું જ એક બંદર ૯૯ વર્ષના ભાડાપટ્ટે આપવામાં ભારત સરકાર સદંતર નિષ્ફળ નીવડી. ચીનના રાષ્ટ્રપ્રમુખ સાથે ગુજરાતમાં ઝૂલા ઝૂલ્યા અને પછી ચીને દોકલામમાં પગપેસરો કરી લીધો. તમે પ્રવીણ સ્વામી જેવા સુરક્ષા નિષ્ણાતોને વાંચો. તમને સમજાશે કે દોકલામમાં તમામ અધિકારો ચીને પડાવી લીધા છે. મીડિયા ભારતમાં એવી છાપ ઊભું કરી રહ્યું છે કે દોકલામમાં ચીનને રોકવામાં મોદી સફળ રહ્યા, પણ હકીકત એ છે કે ચીને દોકલામ સુધી પહોંચવાના બે હાઈવેનું નિર્માણ કર્યું છે, બૅરકો બનાવી દીધી છે. દુનિયાના દેશો પણ સમજી ગયા છે કે મોદીનો વિદેશપ્રવાસ એક ઇવેન્ટથી વિશેષ કશું જ નથી. આપણી વિદેશનીતિ હવે સેલ્ફી ઇવેન્ટના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. મને આપણા પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પણ જણાવ્યું છે કે મોદી સરકારનાં પાંચ વર્ષના શાસનકાળની વિદેશનીતિનું પરિણામ એક લાઇનમાં કહેવું હોય તો – દુનિયાનો કોઈ દેશ હવે ભારતને ગંભીરતાપૂર્વક લેતો નથી.
આ જ કાળખંડમાં મોદી સરકારે પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીર પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. અહીં મારે સ્પષ્ટ કરવું જોઈએ કે મેં ક્યારે ય સર્જિકલ સ્ટ્રાઇક પર શંકા કરી નહોતી. મારો પ્રશ્ન એ હતો અને અત્યારે પણ છે કે તમારે સર્જિકલ સ્ટ્રાઇકને ‘ફર્જિકલ સ્ટ્રાઇક’ બનાવવાની શું જરૂર હતી? આવી સ્ટ્રાઇક તો અગાઉની સરકારોએ પણ કરી હતી. જ્યારે અટલજીના નેતૃત્વમાં જશવંત સિંહ અને જ્યોર્જ ફર્નાન્ડિસ સંરક્ષણ મંત્રીઓ હતા, ત્યારે પણ થઈ હતી. પણ કોઈએ ૫૬ ઈંચની છાતી હોવાનો દેખાડો કર્યો નહોતો કે એના પુરાવા જાહેર કર્યા નહોતા. સરકારે પુરાવા જાહેર કરીને પોતે જ એ બતાવી આપ્યું કે દેશની જનતાને તેમની વાતોમાં ભરોસો નથી. તમે વિચારો કે મોદી અને મોદી સરકાર પોતે પોતાની વિશ્વસનીયતા પર કેવો અભિગમ ધરાવે છે. વાજપેયીને પુરાવા જાહેર કરવાની જરૂર નહોતી પડી. સૌને તેમની કાર્યશૈલીમાં ભરોસો હતો.
જ્યારે વિપક્ષે આ તમામ મુદ્દા ગંભીરતાપૂર્વક ઉઠાવ્યા અને મોદી સરકારને સૂટબૂટની સરકાર પણ ગણાવી ત્યારે મોદી સરકાર બીજા જ એજન્ડા પર કામ કરતી હતી. આ બીજો એજન્ડા એટલે મોદી સરકારનો બીજો ખંડ : નોટબંધી, ઉત્તરપ્રદેશની ચૂંટણી અને જી.એસ.ટી.ના નિર્ણયોનો. સૌપ્રથમ વાત નોટબંધીથી કરીએ. દેશની જનતાને આજે પણ નોટબંધી પાછળનું સાચું કારણ ખબર નથી. કેટલાક પત્રકારો એને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતવા માટેનો માસ્ટરસ્ટ્રોક ગણે છે. પણ હું આ વાત માનવા તૈયાર નથી. ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસ મૃતપ્રાયઃ સ્થિતિમાં હતી, સમાજવાદી પક્ષનું શાસન હતું એટલે સરકારવિરોધી લહેર હતી અને બહુજન સમાજવાદી પાર્ટીનાં માયાવતી અગાઉ જેટલાં મજબૂત રહ્યાં નહોતાં. એટલે ત્યાં તો મોદીલહેર અને સર્જિકલ સ્ટ્રાઇક જ કાફી હતી. મોદીએ નોટબંધીને શરૂઆતમાં કાળાં નાણાં પરની ‘સર્જિકલ સ્ટ્રાઇક’ ગણાવી હતી. પણ તમે જ વિચારો કે, આખા દેશને બૅંકની બહાર લાઇનમાં ઊભો રાખીને કેટલું કાળું નાણું બહાર આવ્યું?
રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયાના આંકડા જ બયાન કરે છે કે, જે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરવાનો રાતોરાત નિર્ણય લેવાયો એમાંથી ૯૯ ટકા નોટો તો બૅંકમાં પરત આવી ગઈ. તો સરકારનાં કાળાં નાણાં પરની ‘સર્જિકલ સ્ટ્રાઇક’ના દાવામાં કેટલો દમ છે? મારું દૃઢપણે માનવું છે કે, નોટબંધી હકીકતમાં દેશમાં ‘બ્લેક મની’ને ‘વ્હાઇટ મની’ કરવાનું આયોજનબદ્ધ ષડ્યંત્ર હતું. આઝાદ ભારતનાં છેલ્લાં ૭૦ વર્ષમાં નોટબંધી આર્થિક ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ હતું. આ કૌભાંડમાં ભારતીય રિઝર્વ બૅંકનાં તત્કાલીન ગર્વનરે નાણાં મંત્રાલયના અન્ડર સેક્રેટરીની જેમ કામ કર્યું હતું. સરકારે નોટબંધીથી ભ્રષ્ટાચારમાં મોટો ઘટાડો થયો હોવાનો દાવો કર્યો છે. પણ હકીકત એવી છે જ નહીં. જે લોકો પાસે કાળું નાણું હોય છે તેઓ રોકડમાં રાખતા નથી. ફિલ્મોમાં બતાવે છે તેમ તેમના પલંગમાં ગાદલાં નીચે રૂપિયાની થપ્પીઓ હોતી નથી. આવી થપ્પીઓ નાના ચોર કરે છે. મોટા ચોરોનું કાળું નાણું રિયલ એસ્ટેટ, જ્વેલરી વગેરે સ્વરૂપે હોય છે. નોટબંધી અર્થતંત્રને ‘તઘલખી તમાચો’ હતો. એનાથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઔદ્યોગિક ક્ષેત્ર (એમ.એસ.એમ.ઈ.)ને મરણતોલ ફટકો પડ્યો છે. આ ઉદ્યોગો આજે પણ તેમાંથી બહાર આવવા માટે મથામણ કરી રહ્યા છે. ગ્રામીણ અર્થતંત્ર વેરવિખેર થઈ ગયું છે. એનાથી ચીજવસ્તુઓની માગમાં ઘટાડો થયો છે અને ઉપભોક્તા ક્ષેત્ર હજુ પણ બેઠું થઈ શક્યું નથી. કન્સ્ટ્રક્શન અને ટેક્સટાઇલ ક્ષેત્રની કમર તૂટી ગઈ છે. મોદીએ શરૂઆતમાં એને ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું, પણ મારે કહેવું છે કે આત્મહત્યા કરવી એ પણ ક્રાંતિકારી પગલું જ છે. જો કે મોદીને તેમની અત્યાર સુધીની રાજકીય કારકિર્દીની સૌથી મોટી ભૂલ ‘નોટબંધી’ સમજાઈ તો હશે, પણ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવાનો શું અર્થ!
આ જ ખંડમાં ભારતીય વેપારીઓ નોટબંધીથી પેદા થયેલી સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા એવામાં મોદીએ ઉતાવળમાં જી.એસ.ટી.નો અમલ આખા દેશ પર લાદી દીધો. તમે કલ્પના કરો કે જી.એસ.ટી.નો અમલ કેટલી ઉતાવળથી કરવામાં આવ્યો. શું ઉતાવળથી જી.એસ.ટી.નો નિર્ણય લઈને સરકાર નોટબંધીના મુદ્દાને ભૂલાવવા ઇચ્છતી હતી? જી.એસ.ટી.ના અમલના ત્રણ મહિનાની અંદર જ એમાં સાત વાર ફેરફાર કરવામાં આવ્યા. કેટલી વાર? સાત વાર. એ પછી પણ જી.એસ.ટી.માં સુધારા ચાલુ જ છે. ચોક્કસ, કોઈ પણ આર્થિક સુધારા લાગુ કરવામાં આવે પછી એમાં સુધારાવધારા થાય. પણ આટલી ઝડપથી! એનો અર્થ એ છે કે તમે જી.એસ.ટી.નો અમલ લાંબા ગાળાનો વિચાર કર્યા વિના કર્યો હતો અને ‘જેવા પડશે એવા દેવાશે’ એવી નીતિ અપનાવી હતી.
આ દરમિયાન મોદીના શાસનકાળનો અંતિમ ત્રીજો તબક્કો શરૂ થયો, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો રહ્યો રાફેલકાંડ. દેશનાં સૈન્ય દળોને સક્ષમ બનાવવા માટેનો દાવો કરવાની આડમાં થયેલો આ સોદો મોદીની એડવર્ટાઇઝિંગ એજન્સીઓએ કુશળતાપૂર્વક ઊભી કરેલી પ્રામાણિક હોવાની છાપ ભૂંસવા માટે પૂરતો છે. તમે જુઓ, છેલ્લાં એકથી દોઢ વર્ષથી આ સોદાએ મોદીને પહેલીવાર બૅકફૂટ પર લાવી દીધા છે. શરૂઆતમાં રાફેલના સોદામાં કૉંગ્રેસના આક્ષેપોમાં કોઈ દમ લાગતો નહોતો. પણ ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ફ્રાંસ્વા ઓલાંદેના ખુલાસાથી મોદી સરકારનાં કરતૂતોનો પર્દાફાશ થઈ ગયો છે. જ્યારથી સુપ્રીમ કોર્ટમાં આ કેસ ગયો છે ત્યારથી સરકાર દર અઠવાડિયે નવાં જૂઠ્ઠાણાં ફેલાવી રહી છે, અને બીજા જ દિવસે એને પોતાનાં જૂઠ્ઠાણાંમાં પંક્ચર પાડવાની ફરજ પડે છે. આ કૌભાંડમાં તમારે ફક્ત તમારી ‘કૉમનસેન્સ’નો જ ઉપયોગ કરવાનો છે. હું જાણું છું કૉમનસેન્સ કૉમન નથી એવું આઇન્સ્ટાઇન કહેતા હતા. પણ ચાલો હું તમારી કૉમનસેન્સને બહાર લાવવા મદદ કરું. તમે નાનામાં નાનો ધંધો કરવાનું વિચારશો, તો પણ તમારા ભાગીદાર તરીકે અનુભવી હોય એને પસંદ કરશો કે બિનઅનુભવીને? અત્યંત ઓછી સમજણ ધરાવતી વ્યક્તિ પણ કહેશે કે અનુભવીને જ પસંદ કરીશું. તો પછી વર્ષોથી યુદ્ધ માટેના વિમાન બનાવતી ફ્રાંસની કંપની દ્સૉલ્ટે અનિલ અંબાણીને પાર્ટનર તરીકે શા માટે પસંદ કર્યા? અનિલ અંબાણી પાસે તો રમકડાંનાં પ્લેન બનાવવાનો પણ અનુભવ નથી. અહીં ઓલાંદેની વાત આપણે સાચી માનવી પડશે કે ભારત સરકારે ઑફસેટ પાર્ટનર તરીકે એક જ માણસને રજૂ કર્યો હતો અને અમારી પાસે એની સાથે જોડાણ કર્યા વિના કોઈ વિકલ્પ નહોતો. બીજી વાત, અનિલ અંબાણીના ગ્રૂપ પર રૂ. ૧,૨૧,૦૦૦ કરોડનું દેવું છે. તો શું દ્સૉલ્ટ જેવી કંપની આટલું મોટું દેવું ધરાવતી કંપનીને પાર્ટનર તરીકે પસંદ કરે? તો પછી અનિલ અંબાણીને પાર્ટનર બનાવવા માટે દ્સૉલ્ટ પર દબાણ કોણે કર્યું હતું?
અને, રાફેલ સોદામાં નિર્મળા સીતારામન્ પણ ખોટું બોલી રહ્યાં છે. યુ.પી.એ. સરકારે ૧૨૬ વિમાન ખરીદવાનો સોદો કર્યો હતો, જેને ઘટાડીને મોદી સરકારે ૩૬ વિમાન ખરીદવાનો સોદો કર્યો છે. આ માટે સીતારામન્ કહે છે કે ઍરફોર્સ પાસે આટલી મોટી સંખ્યામાં વિમાનનું નિર્માણ કરવા માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. મારે તેમને પૂછવું છે કે જે સરકાર અમદાવાદથી મુંબઈ વચ્ચે રૂ. ૧,૨૦,૦૦૦ કરોડના ખર્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે કામ કરી શકે, જે સરકાર સરદાર પટેલની મૂર્તિ બનાવવા માટે રૂ. ૩,૫૦૦ કરોડનો ખર્ચ કરી શકે છે, જે પ્રધાનમંત્રી પોતાની જાહેરાતો પાછળ રૂ. ૪,૦૦૦ કરોડનો ખર્ચ કરી શકે, એ જ સરકાર દેશની સુરક્ષાને મજબૂત કરવા પાંચથી છ વર્ષમાં ઍરફોર્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું ન કરી શકે? આ અંગે મારે, તમારે અને આપણે સૌ ભારતવાસીઓએ વિચારવાનું છે.
છેલ્લે, મારે એટલું જ કહેવું છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે સી.બી.આ.ઈ, ચૂંટણીપંચ, સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ જેવી સંસ્થાઓને ‘પાંજરામાં પુરાયેલા પોપટ’ જેવી બનાવી દીધી છે. શ્રીમતી [ઇન્દિરા] ગાંધીએ પણ પાકિસ્તાન સામેનું યુદ્ધ જીત્યા પછી લોકશાહી સંસ્થાઓને દગો દેવાનું શરૂ કર્યું હતું. તેઓ સહન નહોતાં કરી શકતાં કે એમના ઉપર કોઈ હોય એટલે જેમાં પણ એ પાયો દેખતાં એને કાપતાં. મેં એ સમયે પણ લખ્યું હતું, “અંતમાં કોઈની પાસે એટલી શક્તિ નહીં હોય કે તમને નુકસાન પહોંચાડી શકે, તો કોઈની પાસે એટલી તાકાત પણ નહીં હોય કે તમારી મદદ કરી શકે.” અત્યારે શું બની રહ્યું છે?! તમામ સંસ્થાઓ સરકારના ઇશારે નાચી રહી છે. વિરોધીઓને નિશાન બનાવી રહી છે. એટલું જ નહીં આ સરકારનો વિરોધ કરતાં નાગરિકો, સામાજિક કાર્યકર્તાઓને ઠેકાણે પાડવા માટે પણ ટ્રોલસેના બનાવવામાં આવી છે, જે તમને માનસિક રીતે હતાશ કરવા ગમે એટલા નીચા સ્તરે ઊતરવા તૈયાર છે. મીડિયા તો સરકારી જાહેરાતો મેળવવાની લાલચમાં ધૃતરાષ્ટ્ર બની ગયું છે, સરકારના ટટ્ટુની જેમ કામ કરી રહ્યું છે. તમે સંસદમાં હોય તો તમારું આચરણ કેવું હોય? પ્રધાનમંત્રી કે મંત્રી કોઈ ખોટી વાત કહે તો એનું પરિણામ શું આવે? જુઓને, ઇંગ્લૅન્ડમાં ગૃહમંત્રીએ એક નાની ખોટી વાત કહી અને એમણે સંસદમાંથી રાજીનામું આપવું પડ્યું. અને આપણે ત્યાં રોજ જે મનમાં આવે તે કહી દે છે! બાકી રહ્યું હતું તો આપણા દેશની ન્યાયિક વ્યવસ્થાની સ્વતંત્રતા પણ જોખમમાં મુકાઈ છે એની ચેતવણી સર્વોચ્ચ ન્યાયાલયના ચાર ન્યાયાધીશોએ આપી દીધી છે. એટલે મને સામાન્ય નાગરિકની સ્વતંત્રતા અને તેમના મૂળભૂત અધિકારો પર હવે જોખમ તોળાઈ રહ્યું હોય એવું પ્રતીત થાય છે. પણ મારે જતાં જતાં ‘ચોકીદાર’ મોદીને એક સંદેશ આપવો છે :
તુમ સે પહેલે વો જો ઇક શખ્સ યહાં તખ્ત-નશીં થા,
ઉસ કો ભી અપને ખુદા હોને પે ઇતના હી યકીં થા; …
અબ વો ફિરતે હૈ ઇસી શહર મેં તન્હા લિયે દિલ કો,
ઇક જમાને મેં મિજાજ ઉન કા સર-એ-અર્શ-એ-બરીં થા
(હબીબ જાલિબ)
[છેલ્લાં પાંચ વર્ષમાં અરુણ શૌરિએ કરેલી લેખિત-મૌખિક અભિવ્યક્તિનું સંકલન-શબ્દાંકન : કેયૂર કોટક]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 06-09