વિનોદ રાય નામનો એક માણસ યાદ આવે છે? ૨૦૧૧-૨૦૧૪નાં વર્ષોમાં એ ભારતના મધ્યમવર્ગનો ભગવાન હતો. કૉમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(સી.એ.જી.)ના વડા તરીકે એક દિવસ તેમણે કહ્યું હતું કે ૨/જી સ્પેક્ટ્રમ ઍલોટમેન્ટમાં ભ્રષ્ટાચાર થયો છે. કેટલો? અડસટાને આધારે તેમણે કહ્યું હતું કે ૧,૭૬૬ અબજ રૂપિયાનો. સ્પેક્ટ્રમ ઍલોટમેન્ટમાં ભ્રષ્ટાચાર થયો હતો એમાં તો કોઈ શંકા નહોતી, પણ આટલા બધા રૂપિયાનો? ૨૦૧૪ની સાલમાં વિનોદ રાયે પાછી સમાધિ લગાવી અને અડસટાના આધારે શોધી કાઢ્યું કે કોલસાની ખાણોની ફાળવણીમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેમાં ભારત સરકારે ૧,૮૫૬ અબજ રૂપિયાનું નુકસાન કર્યું છે. બંને કૌભાંડોમાં મળીને દેશને ૩,૬૨૨ અબજ રૂપિયાનું નુકસાન થયું હતું.
આજકાલની પ્રચલિત પરિભાષામાં કહીએ તો બે કૌભાંડો મળીને દેશે ૩ લાખ ૬૬ હજાર કરોડ રૂપિયા; એટલે કે બેંકોની કૂલ એન.પી.એ.(નોન પરફોર્મિંગ એસેટ)નો ચોથો ભાગ અને નરેન્દ્ર મોદીએ રીઝર્વ બેન્કોના ગવર્નરો બદલીને રીઝર્વ બેન્કની રીઝર્વ ઉપર જેટલી રકમની તરાપ મારી છે એની બેવડી રકમ કહેવાય. આવડો મોટો ભ્રષ્ટાચાર! ન ભૂતો ન ભવિષ્યતિ. એ પછી તો ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન થયાં એ તમે જાણો છો. મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો અને સર્વોચ્ચ અદાલતે પહેલાં સ્પેક્ટ્રમની અને એ પછી કોલસાની ફાળવણીને રદ્દ કરી. પ્રધાનો અને બીજા અનેક લોકો આરોપી તરીકે જેલમાં ગયા.
જેનામાં થોડી બુદ્ધિ હતી અને જેઓ પ્રમાણિક હતા તેમને લાગ્યું હતું કે આ આંકડાં કોઈ ગળે રીતે ઉતરે એવા નથી. બીજું એનાથી વધારે સવાલ ગણતરીની પદ્ધતિ વિશેની હતી. અડસટે આંકડો માંડો અને ગુણાકાર કરો તો હજુ વધારે મોટો આંકડો પેદા કરી શકાય, પણ તેનો આધાર શું? પણ ઘોંઘાટ એવો કરવામાં આવ્યો હતો કે જો કોઈ બોલે તો તેને દેશદ્રોહી, કૉંગ્રસતરફી, બિકાઉ, ના-સમજ ઠરાવવામાં આવે. આજની જેમ જ એ સમયે પણ અદાલતો દબાણનો અનુભવ કરતી હતી. ફરક એટલો કે અત્યારે દેશભક્ત શાસકોનો ડર છે અને ત્યારે રસ્તા પર ઊતરેલા દેશભક્તોનો ડર હતો. લેબલ ચોડશે તો? આ કામમાં પાછા તેઓ નિષ્ણાત છે.
ખેર, સ્પેક્ટ્રમ અને કોલસાની ફાળવણી રદ્દ કરવામાં આવી અને આરોપીઓ સામે ખટલા ચાલ્યા; પણ પછી શું થયું? ભ્રષ્ટાચાર સાબિત થયો નહીં. કોઈને સજા થઈ નહીં. નુકસાનના જે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા એ સી.એ.જી. સાબિત કરી શકી નહીં. આ બાજુ કહેવાતા કૌભાંડને નામે આંદોલનકારીઓ સત્તા સુધી પહોંચી ગયા; કોઈ બી.જે.પી.ના રસ્તે તો કોઈ આમ આદમી પાર્ટીના રસ્તે. આમાં કૉંગ્રેસ ધૂળ ચાટતી થઈ ગઈ. આપણે કોણ લાભ ખાટી ગયું અને કોણ લૂંટાઈ ગયું એની સાથે મતલબ નથી, મતલબ એ વાતનો છે કે ટેલિકૉમ અને કોલ એ બંને ક્ષેત્રો પાયમાલ થઈ ગયા. કોલસાને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું છે. ભારતનું અર્થતંત્ર ખાડે ગયું છે એમાં સી.એ.જી. વિનોદ રાયનો અને આંદોલનકારી દેશપ્રેમીઓનો ઘણો મોટો ફાળો છે. બંને અત્યારે ચૂપ છે.
જ્યાં મજબૂત કાયદાનું રાજ હોય એવો બીજો કોઈ દેશ હોત તો વિનોદ રાય આજે જેલમાં હોત. જે માણસે જાણીબૂજીને દેશને નુકસાન પહોંચાડ્યું હોય એ છૂટો કેમ ફરી શકે? એની જગ્યાએ તેઓ નિવૃત્તિ પછીના મોભાના હોદ્દાઓ ધરાવે છે. જાણીબૂજીને એટલા માટે કે તેમણે પોતે જ કબૂલ્યું છે કે કૌભાંડ પરત્વે દેશનું ધ્યાન ખેંચવા માટે તેમણે ભ્રષ્ટાચારના આંકડા ફૂગાવ્યા હતા. સરવાળે શું બન્યું એ આપણી સામે છે. જૂઠ ક્યારે ય પ્રજાનું કલ્યાણ ન કરી શકે. ૨૦૧૧-૨૦૧૪નો દેશપ્રેમનો જુવાળ એક કાવતરું હતું અને એ કાવતરમાં અનેક લોકો સંડોવાયેલા હતા એમ આ લખનારનું સ્પષ્ટ માનવું ત્યારે પણ હતું અને આજે પણ છે. વિનોદ રાય અત્યારે જેલમાં જવાની જગ્યાએ જે હોદ્દાઓ ભોગવે છે એ તેમને કરેલી ‘સેવા’નો શિરપાવ છે.
જ્યારે કહેવાતું સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર આવ્યું ત્યારે આઠ મોટી ખાનગી ટેલિકૉમ કંપની બજારમાં હતી. તેમાંની આજે માત્ર બે જ બચી છે અને તે કેટલો સમય બચશે એ સવાલ છે. રિલાયન્સની જીઓ એ સમયે નહોતી. એમ.ટી.એન.એલ./બી.એસ.એન.એલ. નામના સગા દીકરાને તો તેના મા-બાપોએ જ ભરજુવાનીમાં મારી નાખ્યો કે જેથી પિતરાઈ ભાઈઓને સંઘર્ષ ન કરવો પડે. મુકેશ અંબાણી કેટલા નસીબદાર કહેવાય, નહીં? તેઓ જ્યારે જીઓ લઈને બજારમાં આવ્યા ત્યાં સુધીમાં વિનોદ રાયે, દેશપ્રેમી આંદોલનકારીઓએ અને પાછળથી દોરીસંચાર કરનારાઓએ અને શાસકોએ એમ.ટી.એન.એલ./બી.એસ.એન.એલ. સહિત સાત કંપનીઓને મારીને મેદાન સાફ કરી આપ્યું હતું. આને કહેવાય ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ!
અત્યારે જીઓ, ઍરટૅલ અને વોડાફોન-આઈડિયા એમ ત્રણ ઓપરેટરો મેદાનમાં છે. સરકારી માલિકીની એમ.ટી.એન.એલ./બી.એસ.એન.એલ. તો મૃત્યુશૈયા પર છે. ના, એને દફનાવવામાં નહીં આવે. એને ત્રણમાંથી કોઈ એકને વેચી દેવામાં આવશે જેને એમ.ટી.એન.એલ./બી.એસ.એન.એલ.ના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રસ છે. ગ્રાહકો તો ખાસ બચ્યા નથી અને જે બચ્યા છે એ ભલે જતા રહે. એ કોને વેચવામાં આવશે એનો અડસટો લગાડવા વિનોદ રાય જેવા તપસ્વી સાધકની મદદની જરૂર નથી. દરેક જાણે છે કે એ કોના ગજવામાં જશે.
અત્યારે જે બે કંપનીઓ સામે અસ્તિત્વનું સંકટ તોળાઈ રહેલું છે અને જેનો અસ્ત થઈ ગયો છે એ કોઈ દૂધે ધોયેલી નથી કે નહોતી. ગોરખધંધા બધા જ કરતા હતા, જેવી જેની આવડત અને જેવી જેની પહોંચ. ગોરખધંધા બે પ્રકારના હતા. એક બાજુ શાસકોને ખરીદીને દેશને લૂંટવાનો અને બીજી બાજુ ટ્રાય જેવા સરકારી તંત્ર ચલાવનારાઓને ખરીદીને પ્રજાને લૂંટવાની. એક મોટી સાગમટી લૂંટ અને બીજી બે બે પૈસાની પણ વ્યાપક લૂંટ. નાના નાના ચોરોને એક વાત સમજાતી નહીં કે જ્યાં બળિયાના બે ભાગ હોય ત્યાં ન્યાય અને સમાન તક હોતાં નથી. જ્યારે તમારા કરતાં વધારે બળિયો મેદાનમાં આવે ત્યારે તમારો કોળિયો ઝૂંટવાઈ જતો હોય છે. ન્યાય કોઈ એકપક્ષીય હોતો નથી. તમે ભલે અન્યાય કરો, પણ તમારી સાથે ન્યાય થાય એવું નથી બનતું. મારે એની ભેંસનો ન્યાય પ્રવર્તતો હોય ત્યાં મોટાં ગજવાવાળાઓ માલ લૂંટી જતા હોય છે, કારણ કે તેમની ખરીદશક્તિ મોટી હોય છે.
વાત એમ છે કે જ્યારે તેમના સારા દિવસો હતા ત્યારે ભારતી ઍરટૅલે અને વોડાફોને સ્પેક્ટ્રમના વપરાશના પૂરા પૈસા સરકારને ચૂકવ્યા નહોતા, જેને એડજસ્ટેડ ગ્રૉસ રેવન્યુ કહેવામાં આવે છે. પાછું બન્યું એવું કે વિનોદ રાયની કૃપાએ ફડચામાં ગયેલી નાની નાની કંપનીઓને આ બે ઓપરેટરોએ દેવાં, કરવેરાની કે બીજી ચૂકવણીની જવાબદારી સાથે ખરીદી લીધી હતી. તેમને એમ હતું કે હંમેશ મુજબ શાસકોને મેનેજ કરી લેવાશે અને મેનેજ કરી પણ લીધા. તેમનાં નસીબ ફૂટલાં કે સર્વોચ્ચ અદાલત મેનેજ થઈ શકી નહીં અને એડજસ્ટેડ ગ્રૉસ રેવન્યુ ચૂકવવાનો આદેશ આવી પડ્યો. સરકારે તો અલબત્ત મદદ કરી જ હતી. સર્વોચ્ચ અદાલતના આદેશ છતાં કંપનીઓને સરકાર તરફથી પત્ર લખીને સત્તાવાર રીતે કહેવામાં આવ્યું હતું કે તમારે એડજસ્ટેડ ગ્રૉસ રેવન્યુ ચૂકવવાની જરૂર નથી અને જો તમે નહીં ચૂકવો તો સરકાર કોઈ પગલાં નહીં લે.
સર્વોચ્ચ અદાલતનો ચૂકવણીનો સ્પષ્ટ આદેશ હોવા છતાં કયા અધિકારથી સરકારે બાંયધરી આપી હતી કે તમારે પૈસા ચૂકવવાની જરૂર નથી? કોની ચોકીદારી એ લોકો કરે છે? દેશની તિજોરીની કે ખાનગી ઉદ્યોગપતિઓની? આ જોઇને સર્વોચ્ચ અદાલત ભડકી છે. અદાલતનો રોષ કંપનીઓ પર ઉતર્યો એનાં કરતાં સરકાર પર વધારે ઉતર્યો હતો. હવે સરકાર કંપનીઓને મદદ કરી શકે એમ નથી. કેટલા પૈસા ચૂકવવાના છે? વોડાફોનને ૫૩ હજાર કરોડ રૂપિયા અને ભારતી ઍરટૅલને ૩૫ હજાર કરોડ રૂપિયા. અદાલતે કહ્યું હતું કે આજે ને આજે જ પૈસાની ચૂકવણી કરવામાં આવે.
જો આ કંપનીઓએ પૈસા ચૂકવવાનું શરૂ કર્યું હોત તો આટલો બોજો વ્યાજ સહિત એક સાથે આવત નહીં, પણ તેમને તો શાસકો પર ભરોસો હતો અને શાસકો ભરોસાપાત્ર નીવડ્યા પણ હતા. વળી પૈસા ચોરીના હતા, કોઈ હકના તો નહોતા, જે સર્વોચ્ચ અદાલત ચૂકવવાનું કહેતી હોય. આખી રમત ઊંધી વળી છે અને એમાં વોડાફોન-આઈડિયાના માલિકોએ કહ્યું છે કે જો આટલા પૈસા ચૂકવવાના આવે તો અમારી પાસે કંપની બંધ કરવા સિવાય કોઈ માર્ગ નથી. આ બાજુ બહેન નિર્મલા સીતારામને કહ્યું છે કે સરકાર કંપનીઓના સંપર્કમાં છે.
દરમિયાન મફતના ભાવમાં જીઓ બજારમાં આવ્યા પછી આ બે કંપનીઓને બજારમાં ટકી રહેવા માટે ટેલિકૉમના દર ઘટાડવા પડ્યા છે. આને કારણે ભેગો કરેલો નફો ધોવાઈ ગયો છે અને ઉપરથી નુકસાન થઈ રહ્યું છે. જીઓ સામે બે પ્રતિસ્પર્ધી કંપનીઓ છે એમાંથી એકનો અસ્ત થવાનો છે એમ કહેવાય છે. બજારમાં તો એવી પણ વાત છે કે જીઓ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો તાણી રહી છે અને મૂકેશ અંબાણી થોડા પ્રમાણમાં કંપનીનો હિસ્સો વેચવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
તો આ આખી વાર્તાનો સાર એટલો કે વેપારના મૂળભૂત તત્ત્વોની જગ્યાએ ચાલાકીઓ અને સરકાર પર નિર્ભર રહેવામાં જોખમ હોય છે. વિનોદ રાયે, દેશભક્ત આંદોલનકારીઓએ અને શાસકોએ મળીને સરવાળે દેશની ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીઝનો દાટ વાળ્યો છે. આવી રહેલી ઈજારાશાહીમાં દેશનો નાગરિક લૂંટાવાનો છે. પાડાને વાંકે પખાળીને ડામ એ આનું નામ!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 ફેબ્રુઆરી 2020
![]()


ગીત પૂરું થાય છે પણ મનમાં સૂરનો કલરવ ગુંજી રહ્યો છે. એ બેઠકમાં રાગ દરબારી પર આધારિત આ ગીતના ગાયક એ બીજું કોઈ નહીં, આપણા જાણીતા સાહિત્યકાર, લેખક કનુભાઈ સૂચક હતા અને ગીત સ્વરબદ્ધ કરનાર સુગમ સંગીતનું જૂનું અને જાણીતું નામ મોહન બલસારા. કનુભાઇ તન્મય થઈને જે રીતે ગાતા હતા એ જોઈને જ લાગે કે સૂરના કલરવમાં એ અંતરધ્યાન થઈ ગયા હતા.
આ ગીત જેમણે સ્વરબદ્ધ કર્યું છે એ સંગીતકાર મોહન બલસારાનો પરિચય કનુભાઇ સૂચકને ઘરે જ થયો હતો. એમનું નિરાભિમાન અને સાદગી સ્પર્શી ગયેલાં. સાક્ષાત્ સંસ્કારમૂર્તિ લાગે. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ઘેલછા કે પૈસાની લાલસા વિના વર્ષો સુધી સુગમ સંગીતના વર્ગો લીધા હતા અને જિંદગીમાં ક્યારે ય ગાયું ન હોય એવી બહેનોને ગાતી કરી એ એમની સૌથી મોટી સિદ્ધિ. એમની ગેરહયાતિમાં આજે ય એ બહેનો મોહનભાઈનું ઋણ યાદ કરે છે. તેઓ વાયોલીન ખૂબ સારું વગાડતા. લતા મંગેશકરથી લઈને કેટલા ય કલાકારો સાથે એમણે વાયોલીન સંગત કરી હતી. એ વખતના રણજિત સ્ટુડિયોમાં મ્યુઝિશયન તરીકે એક માત્ર મોહનભાઈ હતા. મોહનભાઈએ મકરંદ દવે, રમેશ પારેખ, હરીન્દ્ર દવે, મહેશ શાહ, મેઘબિન્દુ તથા કનુભાઈ સૂચક સહિત ઘણા કવિઓનાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે, પરંતુ સૂરનો કલરવ એમને પોતાને પણ અંગત રીતે ખૂબ ગમતું હતું કારણ કે પ્રકૃતિ અને પરમાત્માનું અજબ જોડાણ તેઓ આ ગીતમાં અનુભવતા હતા.
સૂરનો કલરવ ગીત સાંભળવાની તક મેળવી લેજો. સીડીમાં રવીન્દ્ર સાઠેના અવાજમાં રેકોર્ડ થયું છે. ગીતના સ્વરનો ગુંજારવ મન-હૃદયને જરૂર પરિતૃપ્ત કરશે.