= = = = મળે તો ચાલો ને કોરોનાનાં જીવાણુઓને શોધી કાઢીએ – કદાચ આપણામાં જ છુપાયા હોય. = = = =
= = = = ઍબ્સર્ડિટીના મહાન સર્જક અને દાર્શનિક કામૂને યાદ કરી કહું કે પ્લેગ હોય કે કોરોના, ત્યારે જીવનની ઍબ્સર્ડિટી એના ફુલ્લ ફૉર્મમાં અનુભવાતી હોય છે. માનવજાત એક બીજી વારની દિશામાં વળી જાય છે. ત્યારે વ્યક્તિમાત્રને આત્મશોધનની તક લાધે છે. માણસ રાંક બની રહે છે. એને થાય છે, હવેથી હું સચ્ચાઈભર્યું ખરું જીવન જીવીશ. = = = =
દુનિયા આખી કોરોનાગ્રસ્ત છે ને એ કશા મહાકાય ભૂરાંટા જાનવરની જેમ વકરી રહ્યો છે, ત્યારે મને મારા પ્રિય સાહિત્યકાર આલ્બેર કામૂની નવલકથા ‘ધ પ્લેગ’-ની દુનિયા યાદ આવે છે. થાય છે, કોરોના – નામની નકરી વાસ્તવિકતા અને ‘પ્લેગ’-ની સર્જનાત્મક વાસ્તવિકતા, બન્ને વચ્ચે કેટલું બધું સામ્ય છે ! ‘ધ પ્લેગ’ વાંચી જવાનું કહેલું મને, મારા ગુરુ સુરેશ જોષીએ.
કામૂને કોઈએ પૂછેલું : પ્લેગ એટલે શું? : કામૂએ કહેલું : પ્લેગ એટલે બસ, જિન્દગી !
અલ્જીરિયાના ઓરાન નગરમાં બ્યુબોનિક પ્લેગ ફાટી નીકળ્યો છે. (આ પ્લેગના ચેપથી ગળાની કે બગલ વગેરેની ગ્રન્થીઓ સૂજીને પાકી જતી હોય છે). બન્યું એવું કે એકાએક અનેક ઉંદરો મરવા લાગ્યા. ક્રમે ક્રમે ઓરાનમાં પ્લેગ શરૂ થયો. જવાબદાર સત્તાધીશો સ્તબ્ધ અને કર્તવ્યમૂઢ. નગરને પ્લેગગ્રસ્ત જાહેર કરાય છે.
જુઓ, કોરોનાએ સરજેલી આજની પરિસ્થિતિ સાથે ઓરાનની પરિસ્થિતિ કેટલી બધી મળતી આવે છે : ધીમે ધીમે ઓરાન સારા વિશ્વથી કપાઈ ગયું છે, આખું નગર ક્વોરેન્ટાઇન્ડ છે : રોગ પ્રાણઘાતક છે: એની કોઈ દવા નથી : ઘણાં મૃત્યુ થયાં છે, ઘણાં થઈ રહ્યાં છે, ઘણાં થવાનાં છે : મૃત્યુઆંક જાહેર કરાતો રહે છે : મુખ્ય પાત્ર છે, ડૉક્ટર રીઅય. એ અને એના સાથી નગરવાસીઓ આ મહામારીનો સામનો કરી રહ્યા છે. તેઓ મૉતને રોકી તો નથી શકતા પણ તેને ઓછું પીડાકારી શી રીતે કરી શકાય તે માટે મથતા હોય છે. તેમ છતાં, થયા કરે છે એવું કે કેટલાયે દાખલાઓમાં તેઓને સફળતા નથી મળતી.
કામૂની બીજી વિખ્યાત કૃતિ ‘ધ મિથ ઑફ સિસિફસ’-નો શાપિત નાયક રોજ્જે પીઠ પર શિલા ઊંચકીને ડુંગર પર જાય છે ને શિલાને ત્યાંથી પાછી ફૅંકે છે ને બીજે દિવસે વળી ને વળી એમ જ કરે છે. કામૂની ત્રીજી વિખ્યાત કૃતિ 'ધ આઉટસાઇડર'-નો નાયક પણ પોતાની ખરાઈને પુરવાર નથી કરી શકતો. એના સત્યને કોઈ સ્વીકારતું નથી, ન તો ધર્મ, ન તો કૉર્ટ. આત્મસત્યનો અ-સ્વીકાર ઍબ્સર્ડિટીનો તીવ્રતમ અનુભવ હોય છે. (આ નવલકથા વિશે વાંચો મને, 'ખેવનાપૂર્વક' માં. ૨૦૧૧). બૅકેટની વિખ્યાત કૃતિ ‘વેઇટિન્ગ ફૉર ગોદો’-માં પણ બન્ને જણા રોજ્જે નિષ્ઠાપૂર્વક ગોદોની રાહ જુએ છે ને રોજ્જે એમને સમાચાર મળે છે કે ગોદો આજે નહીં, કાલે આવશે. (વાંચો મારો અનુવાદ, 'ગોદોની રાહમાં' ૧૯૯૯). આ દાખલાઓ એટલે ટાંક્યા કે આપણને ખયાલ આવે કે —
માનવપ્રયત્ન પૂરેપૂરો ખરો, પણ પરિણામ? શૂન્ય. અર્થહીનતા. થાક. કંટાળો. નિરાશા. અથવા પ્રયત્નની અવિરામ ઘટનાવલિ. જીવનમાં ઘર ઘાલીને બેઠેલા અસંગતનો – ઍબ્સર્ડનો – દુર્નિવાર અનુભવ.
આ રીઅયનું પણ એ જ ભવિતવ્ય છે. નવલમાં દર્શાવાયું છે કે રીઅય વારંવાર નિરાશ થઈ જાય છે. એને થાય છે : શું હું આમાં સફળ થઉં જ નહીં ! ઈશ્વર મારી પાસે શુંયે માગે છે ! પ્રયાસ પડતો મેલું? : પણ ના, એ એમ નથી કરી શકતો. એ મથે છે ને થાકે છે, વળી મથે છે ને વળી થાકે છે. જો કે એ જ એના આત્મગૌરવનની સાચવણીનો સિલસિલો છે. ભલે સફળતા નથી મળતી, પ્રામાણિક પુરુષાર્થ તો કરી જ શકાય છે. પોતે છે અને ખરો મનુષ્ય છે એવી અધિકૃતતાને વર્યો છે, રીઅય.
નવલમાં, છેવટે આવું બધું થાય છે : રીઅયની જાણ બહાર એની પત્નીનું મૉત. જીવન અસ્તવ્યસ્ત. અંધાધૂંધી. મારામારી. ગોળીબાર. ધરપકડો. વગેરે વગેરે સઘળું અશાન્તિકર થવા માંડે છે, કહો કે દુ:ખોની હારમાળા સરજાય છે.
નવલકથામાં ઘણાં પાત્રો છે, ને લગભગ બધાં પાત્રો માનવજીવનની વિવિધતાનાં વાહક છે. સત્તાધીશો પછી ધર્મપુરુષો વ્હારે ધાય એમ ઓરાનમાં પણ બને છે. નગરના પાદરી ફાધર પાન્નડુ પ્રવચન આપતા હોય છે. કહે છે : ઓરાન પર પ્લેગ ઈશ્વરે નગરજનોની શ્રદ્ધાની કસોટી કરવા મોકલ્યો છે. ઈશ્વર ઘઉં અને છૉંડાંને જુદાં કરવા માગે છે અને તમે જોશો કે ઘઉં કરતાં છૉડાં વધારે નીકળ્યાં હશે ! તમારે લોકોએ ઈશ્વરના આ ન્યાયને નતમસ્તકે સ્વીકારવો જોઈશે. બાળકના મૃત્યુ નિમિત્તે પાન્નડુ આવા મતલબનું કહે છે : આ કશું બુદ્ધિગમ્ય નથી. કાં તો તમે ઈશ્વરને વિશે આસ્થાળુ બનો કે પછી એમાં ન માનતા થઈ જાવ. એ પાન્નડુ પણ મરે છે. રીઅયને ખાતરી નથી થતી કે એઓશ્રી પ્લેગથી મર્યા કે કુદરતે મોકલેલા મૃત્યુને વર્યા …
રીઅયનો એક સાથી એવો છે જેને લાગણી કે ભાવભાવના વગરનો જડસો કહી શકાય. એ એમ કહેતો ફરે છે કે – મેં દરેકને સમજી લીધાં છે, મારે કોઈ વિશે કશા ચુકાદા નથી આપવા. એ રીઅયને કહે છે : તમને આમ મચી પડવાનું કોણે સુઝાડ્યું ? : પીડાએ. હું ડૉક્ટર તે મને એમ થયા કરે કે લોકનાં મૃત્યુ માટે હું જ દોષી છું : એ સાથી વધુ તો રીઅયને જે કહી ગયો છે એ કોરોનાગ્રસ્ત આપણે સૌએ સાંભળવા-જોગ છે. કહે છે :
આપણા બધામાં, દરેકમાં, અંદર, એક પ્લેગ વસે છે. પૃથ્વી પરનું કોઈ કરતાં કોઈ એથી મુક્ત નથી. અને હું એ પણ જાણું છું કે આપણે આપણા પર કાયમ ચાંપતી નજર રાખવી જોઈશે. બને કે કોઈ બેફામ પળે આપણે સામા માણસની સમ્મુખે શ્વાસોચ્છ્વાસ લેતા હોઈએ ને એને ચેપ લગાડી બેસીએ. એકદમનું કુદરતી કશું હોય ને તો, તમને કહું, તે છે, માઈક્રોબ —રોગાણું ! બાકી બધું – જેમ કે, સ્વાસ્થ્ય, નીતિમત્તા, શુદ્ધિ – માણસની ઇચ્છાથી હોય છે, અડગ જાગૃતિને કારણે હોય છે. સારો માણસ, જે ભાગ્યે જ બીજાને ચેપ લગાડે છે, ક્યારેક જ ધ્યાન ચૂકી ગયો હોય છે. જો કે એવી ચૂક ન થાય એ માટે જબરી ઈચ્છાશક્તિની અને સજાગ ચિત્તની જરૂર પડે છે.
ઍબ્સર્ડિટીના મહાન સર્જક અને દાર્શનિક કામૂને યાદ કરી કહું કે પ્લેગ હોય કે કોરોના, ત્યારે જીવનની ઍબ્સર્ડિટી એના ફુલ્લ ફૉર્મમાં અનુભવાતી હોય છે. માનવજાત એક બીજી વારની દિશામાં વળી જાય છે. ત્યારે વ્યક્તિમાત્રને આત્મશોધનની તક લાધે છે. માણસ રાંક બની રહે છે. એને થાય છે, હવેથી હું સચ્ચાઈભર્યું ખરું જીવન જીવીશ …
અન્તે, જેમ આવ્યો’તો એમ એક દિવસ પ્લેગ જતો રહે છે. એટલે રીઅયે નગરજનોના આનન્દનો કલશોર સાંભળે છે ત્યારે એને થાય છે કે આ પ્રકારે આવેલો આનન્દ હમેશાં જોખમમાં હોય છે. એને થયું, આ ઉત્સવી ટોળાંઓને ભલે જાણકારી નથી પણ પુસ્તકોમાંથી તો તેઓ ઘણું શીખી શક્યાં હોત : કે પ્લેગના બૅક્ટેરિયા કદી પણ મરતા નથી અથવા કહો કે અદૃશ્ય થઈ જતા નથી : કે વરસોના વરસો લગી ઊંઘતા રહી શકે છે – ફર્નિચરમાં અને લિનનનાં ટેબલક્લૉથની નીચે : કે બેડરૂમોમાં, સેલર્સમાં, ટ્રન્ક્સમાં અને પુસ્તકોની અલમારીઓમાં સંતાઈને પડ્યા રહે છે : અને એક દિવસ, વિનાશ તેમ જ મનુષ્યોના બોધ-પ્રબોધનને માટે, પોતાના ઉંદરોને એ વળી કશા સુખી શહેરમાં મરવાને માટે પાછા મોકલે છે …
મળે તો ચાલો ને કોરોનાનાં જીવાણુઓને શોધી કાઢીએ -કદાચ આપણામાં જ છુપાયા હોય …
= = =
(March 27, 2020 : Ahmedabad)
![]()


પહેલાં આખા જગતને લૂંટીને હાથ લાગે એટલું ઘરભેગું કરવા સરહદો તોડી. વૈશ્વિકતા અને ઉદારતાનું નામ આપ્યું. પછી ખુલ્લી સરહદોનો ડર લાગવા માંડ્યો એટલે રાષ્ટ્રવાદના નામે ‘અમે’ અને ‘તમે’ના ઝઘડા આદર્યા. અને આજે હવે માનવી સામે ચાલીને પોતાને ટૂંકી, નાનકડી, પોતાનો પંડ સમાય એટલી સરહદમાં પૂરી રહ્યો છે. તમને નથી લાગતું કે આ બ્રહ્માંડમાં જો ઈશ્વર ક્યાં ય હોય તો એ અટ્ટહાસ્ય કરતો હશે? તમે શું સમજો છો પોતાની જાતને? તમારાં લાખો વર્ષ એ કુદરત માટે એક પળ માત્ર છે. તમારું ક્રોધ અને દ્વેષથી ભરેલું આયખું કુદરત માટે એક પળનો લાખમો ભાગ છે. કદાચ એવું પણ હોય કે ઈશ્વર માનવીના સંકટની ખાસ નોંધ પણ ન લેતો હોય, કારણ કે માનવી ક્યાં સૃષ્ટિના કેન્દ્રમાં છે! આપણે આપણી જાતને મહત્ત્વ આપીએ છીએ, બાકી ઈશ્વર માટે તો માનવી અબજો પ્રજાતિઓમાં એક છે. હા, સૌથી વધુ અવળચંડો અને તેથી તેના પર ઈશ્વર નજર રાખતો હોય અને આજે ખડખડાટ હસતો હોય એમ બને.
ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝની જગવિખ્યાત નવલકથા ‘વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યૂડ’ મને ખૂબ જ ખૂબ, ખૂબ જ ખૂબ, ગમતી, મારી પ્રિય નવલકથા છે. એ વિશે મેં એક દીર્ઘ અને બીજાં બે ટૂંકાં વ્યાખ્યાનો આપ્યાં છે. લેખ કરવાનું રહી ગયું છે.