કોરોનાનો પરાજ્ય
કરશે અવશ્ય વિજ્ઞાન
વિશ્વાસ અમને.
કિંતુ
કોરોનાનો ય માનવો પડે આભાર.
કેમ કે
એણે કરાવ્યાં બંધ
મંદિર-મસ્જિદ-ચર્ચનાં દ્વાર!
અટક્યો આરતી-બાંગ-ઘંટારવનો
ઘોંઘાટ !
એણે કરાવી બંધ
ખિલાફત-રામરાજ્યની બુમરાણ
એણે અટકાવી દીધો
સાધુ-સંતો-મૌલવીઓ-પાદરીઓનાં
ભાષણોનો ત્રાસ !
એણે અટકાવી દીધાં યુદ્ધ !
ઘૂરકિયાં કરતાં અણુશસ્ત્રો થયાં ચૂપ !
મિસાઈલોના સૂસવાટા થયા શાંત !
ઉડાડી દીધાં મહાસત્તા થવાનાં સ્વપ્ન !
એણે શિખવાડ્યું જીવવું
ભગવાન વગર !
એણે શિખવાડ્યું
લેવા વિજ્ઞાનનો આધાર
કોરોનાનો આભાર!
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 મે 2020
![]()


દેશ અભૂતપૂર્વ લૉક ડાઉનના બીજા (હવે ત્રીજા) તબક્કા નીચે કચડાઈ રહ્યો છે, ત્યારે લૉક ડાઉન સફળ થયું કે નહીં અને એ સફળતા એટલે શું, તેના પર નજર નાખવાનું યોગ્ય ઠરશે. લૉક ડાઉનથી કોરોના વાઇરસના ફેલાવાને અંકુશમાં રાખી શકાયો છે, તેવા દાવાને અત્યારે બાજુ પર રાખીએ, એટલા માટે કે જો સફળતા મળી જ હોત, તો લૉક ડાઉન લંબાવવામાં આવ્યું ન હોત અને એટલા માટે પણ કે નિષ્ણાતો કદાચ આપણને એમ કહે છે કે વાઇરસને આસાનીથી નાથી શકાય તેમ નથી, તે કદાચ થોડાક વધુ સમય માટે આપણી વચ્ચે રહેશે અને અને થોડા થોડા સમયે તે માથું ઊંચક્યા કરશે. પણ કોરોના વાઇરસ સામેના ‘યુદ્ધ’માં વિજય મળે તો પણ જ્યારે ભારત સામાન્યવત્ સ્થિતિમાં પાછું ફરશે ત્યારે તે પહેલાંના જેવી નહીં, પણ એક નવી જ સામાન્ય સ્થિતિ હશે.
વડા પ્રધાન કહે છે કે કોવીડ સંકટ બહુ મોટું સંકટ છે અને દેશે તેની સામે યુદ્ધ કરવાનું છે. કોઈ મૂરખ હશે એ જ વડા પ્રધાનની વાત સાથે સંમત નહીં થાય. પણ સવાલ એ છે કે જો મહામારી સામે યુદ્ધે ચડવાનું છે તો એ કોણે ચડવાનું છે? અત્યારે જ દેશમાં કોરોના વાઈરસ સામે યુદ્ધ લડાઈ રહ્યું છે તો એ કોણ લડી રહ્યા છે? ભક્તોને વિનંતી કે દિમાગ જરાક ખુલ્લું રાખે. તમારી આસપાસ કોરોના સામે કોણ લડાઈ લડી રહ્યું છે?