પ્રાણીચિકિત્સા(વેટરિનરી)માં માસ્ટર્સના અભ્યાસ માટે હું થોડા મહિના પહેલાં આસામ આવી, ત્યારે મને ખ્યાલ નહીં કે માનવજાત માટે સદીની સૌથી મોટી આફત ગણાવાયેલા કોવિડ-૧૯નો સામનો મારે ઘરેથી દૂર રહીને કરવાનો આવશે. છેલ્લા દોઢેક મહિનાથી હું દેશના એક ખૂણે ગૌહત્તીમાં આવેલી મારી હૉસ્ટેલના રૂમમાં સહીસલામત બેઠી છું. સલામત જ વળી. કેમ કે, ઇશાન ભારતનાં સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાતમાંથી ચાર રાજ્યો કોવિડ-૧૯ મુક્ત છે—અને કેમ ન હોય? કાતિલ સચ્ચાઈ ધરાવતી એક ટિપ્પણી વાંચી હતીઃ ‘બાકીના દેશે તો ઇશાન ભારત સાથે પહેલેથી જ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રાખ્યું?’
મારું ઘર ત્રણેક હજાર કિલોમીટર દૂર મુંબઈમાં છે — વધારે ચોક્સાઈથી કહું તો દક્ષિણ મુંબઈમાં. હાલમાં હું દેશના સૌથી સલામત ખૂણે છું, જ્યારે મારો પરિવાર બરાબર ‘તોફાનના કેન્દ્રમાં’ છે. તેથી તેમના વિશે સતત ચિંતા રહે તે સ્વાભાવિક છે. ‘સોબો’ (સાઉથ બોમ્બે) તરીકે વિખ્યાત દક્ષિણ મુંબઈમાં ભદ્ર, વગદાર, ભણેલાગણેલા — ટૂંકમાં, સમાજના સૌથી ઉપલા વર્ગના કહેવાય એવા લોકો રહે છે. (ભણતરને સમજ કે નૈતિકતા સાથે સાંકળવાની ભૂલ આપણે હંમેશાં કરતાં હોઈએ છીએ.) એક ઉદાહરણ પરથી ખ્યાલ આવી જશેઃ અમારા બિલ્ડિંગથી ચાર-પાંચ બિલ્ડિંગ છોડીને મુકેશ અંબાણીનું ‘એન્ટિલા’ છે.
તેના આધારે એવું માની લેવાનું મન થાય કે દક્ષિણ મુંબઈના લોકો વર્તમાન આફત સાથે અને તેનાથી થનારા નુકસાન સાથે પનારો પાડવા માટે એક કરતાં વધારે અર્થમાં સજ્જ હશે. સીધી વાત છેઃ સમાજ તરીકે આપણે સત્તા, સામાજિક મોભો અને સંપત્તિને બુદ્ધિ, સમાનુભૂતિ અને વ્યવહારુપણા સાથે સાંકળતાં હોઈએ છીએ. પણ ત્યાંનું વાસ્તવિક ચિત્ર કંઈક જુદું જ છે. અમારા બિલ્ડિંગની કો-ઑપરેટિવ સોસાઇટીમાં એક યુરોલૉજિસ્ટનું દવાખાનું છે. આરોગ્ય સેવાઓને ‘આવશ્યક’ જાહેર કરવામાં આવી છે એ ખરું, પણ આરોગ્ય એટલે કોનું આરોગ્ય, એની ચોખવટ કરવાની રહી ગઈ. એટલે આરોગ્યની ચિંતાઓ વચ્ચે સામસામી ટક્કર થાય છે.
આવા સમયે ડૉક્ટરો સામાન્ય રીતે અનિવાર્ય હોય એવા દરદીઓ સિવાય બીજા લોકોને તપાસતા નથી. તેમાં અપવાદ હશેઃ ઓળખીતાં કે ઓળખીતાંનાં ઓળખીતાં. છતાં, એક ડૉક્ટર દરદીને તપાસે તેમાં શો વાંધો હોઈ શકે? પણ, લોકોની વાત થાય?
એક દિવસ અમારી સોસાઇટીના ડૉક્ટરે દરદીઓને જોવા માટે દવાખાનું ખોલ્યું. તેમની પાસે આવેલા દરદીઓ કોવિડ-૧૯ના ન હતા. છતાં અમારા બિલ્ડિંગમાં રહેતા કેટલાકને લાગ્યું કે આવું કેવી રીતે ચાલે? ડૉક્ટરે તેમની પરવાનગી લેવી જોઈએ. કેટલાકે તો બિલ્ડિંગના ચોકીદારને બોલાવીને દરદીઓને રોકવાનું સૂચવ્યું. વાત તો પોતાની સંકુચિતતાને સાવચેતીનું મહોરું પહેરાવીને રજૂ કરવાની હતી. થોડું બૂમરાણ મચ્યું, ચર્ચા ને વાદવિવાદ થયાં. છેવટે મૅનેજિંગ કમિટીએ કાનૂની મુદ્દો આગળ કરીને વિવાદનો વીંટો વાળવો પડ્યો.
ઘરે વાત થઈ ત્યારે મને આ કિસ્સો જાણવા મળ્યો. પણ એ જાણ્યા પછી મારી પિન ત્યાં અટકી ગઈ છે. જેમ સમય વીતે, તેમ મને એ વધુ ને વધુ વિચિત્ર લાગતું જાય છે. આ લોકો એટલું કેમ નહીં સમજતાં હોય કે તબિયતના પ્રશ્નો પેદા થવાના જ છે, મહામારી હોય કે ન હોય. રોગો કંઈ પિત્ઝા પરના ટૉપિંગ જેવા નથી કે આપણે તેની પસંદગી કરી શકીએ. કોરોનાની સમાંતરે બીજા રોગો અને તેની સાથે સંકળાયેલું જીવન-મૃત્યુનું ચક્કર પણ ચાલુ જ રહેવાનું છે. શું આ બધું એ લોકોને તે પોતે કે તેમનાં કોઈ સ્વજન આ સ્થિતિમાં મૂકાય ત્યારે જ સમજાશે? હું તો એટલું જ ઇચ્છું કે એવું થાય ત્યારે પણ એ લોકો સાથે કોઈ એવો વ્યવહાર ન કરે, જેવો તેમણે બીજાં દરદીઓ સાથે કર્યો હતો.
અને એ પણ કહી દઉં કે ડૉક્ટર દરદીઓને તપાસે તેનો વિરોધ કરનારામાંથી ઘણા લોકો એવા હતા, જે વડાપ્રધાનની અપીલ પ્રમાણે ડૉક્ટરોને બિરદાવવા તાળીઓ-થાળીઓ વગાડવામાં જોડાયા હતા. પોતીકી સુખસુવિધાને ઘસરકો સરખો પડવા દીધા વિના તમે કહો તેવું માન આપીએ. શરત એટલી કે આરોગ્યનું કામ કરનારા બીજે ક્યાંક, કમ સે કમ અમારી નજરથી દૂર હોવા જોઈએ.
મને આઘાત એ વાતનો લાગે છે કે આવી ચિંતા કરનારા લોકો કોણ છે? આ રહી તેમની બીજી કેટલીક ચિંતાઓઃ કામવાળાં ક્યારે પાછાં આવશે ને ક્યાં સુધી આપણે (આપણા જ) ઘરનું કામ ઢસડવું પડશે? આજકાલ નેટફ્લિક્સ પર સડસડાટ જોઈ પાડવા જેવી કઈ સિરીઝ છે? જિમ ક્યારથી શરૂ થશે? શરાબની દુકાનો ફરી ક્યારથી ખુલશે? … અને આ લોકો પોતાના બિલ્ડિંગમાં એક ડૉક્ટર અનિવાર્ય હોય એવા કોવિડ-૧૯ સિવાયના દરદીઓને તપાસે, તેનો પણ વિરોધ કરે છે. આ વિચારે મને ત્રાસ પડે છે ને રોષ ચઢે છે. સાથોસાથ, ઊંડે ઊંડે એવી આશા પણ જાગે છે કે આ લોકોમાં ક્યારેક, નજીકના ભવિષ્યમાં, સમાનુભૂતિ જેવી કોઈ લાગણી જાગે. દયા, ઉદારતા કે આર્થિક સહાય નહીં, સમાનુભૂતિ.
આવું કંઈ થાય ત્યારે મને હંમેશાં લાગે છે કે આપણે ‘અભણ’ શબ્દને ફક્ત અક્ષરજ્ઞાનના અભાવ સાથે જ સાંકળવો જોઈએ અને તેને વ્યાપક નકારાત્મક અર્થમાં વાપરવાનું બંધ કરી દેવું જોઈએ અને તેનાથી વ્યક્તિનું માપ કાઢવાનું પણ છોડી દેવું જોઈએ. કહેવાતા ભણેલા લોકોની આવી માનસિકતા સૂચવે છે કે તેમણે જ હજુ કેટલું બધું શીખવાનું બાકી છે.
છેલ્લી વાતઃ
મહામારીના સમયમાં ‘ફિઝિકલ ડિસ્ટન્સિંગ’ શબ્દ કેટલો યોગ્ય છે ને ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ અનેક રીતે કેટલો અનર્થકારી છે, તે પણ સમજાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ —સામાજિક રીતે અંતર — રાખવાનું મન તો જરૂર થાય છે, પણ એ કોરોનાગ્રસ્તોથી નહીં, પેલા કહેવાતા ભણેલાઓની માનસિકતાથી. કેમ કે, કોરોના કરતાં આવી માનસિકતાનો વાઇરસ વધારે ખતરનાક છે.
(અનુવાદઃ ઉર્વીશ કોઠારી)
e.mail : pooja.sahil2004@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 મે 2020
![]()


‘આપણા બધાંની અંદર પ્લેગ છે,’ આલ્બર્ટ કામૂની પ્રખ્યાત નવલકથા ‘ધ પ્લેગ’માં એક પાત્ર તાહૂ કહે છે.
સમય જતાં ખોરાકની અછત ઊભી થાય છે, જેને પરિણામે ગરીબોને ખૂબ સહન કરવું પડે છે. સમૃદ્ધ લોકોને કશાની ખોટ નથી. પ્લેગની પોતાની નિષ્પક્ષ કામગીરી (પ્લેગનો હુમલો વર્ગભેદ જોતો નથી) સમાનતા પ્રોત્સાહિત કરી શકી હોત. પરંતુ એનાથી અવળી જ અસર એણે કરી અને અન્યાયની લાગણીને વેગ આપ્યો. બધાંને મૃત્યુની સમાનતાની ખાતરી હતી પરંતુ બીજી કોઈ જાતની સમાનતા એમને જોઈતી નથી. ગરીબ લોકો ગામડાંને ઝંખે છે, જ્યાં એમને સસ્તા ભાવે ખાવાનું મળી રહે અને જ્યાં કોઈ પણ નિયંત્રણ વગરની જિંદગી જીવી શકે. એ સહજ રીતે માને છે કે એમને આવી વધારે સારી જગાએ જવાની પરવાનગી મળવી જોઈએ. એમનો વિદ્રોહ શેરીઓમાં બોલાતા ‘રોટી અથવા ચોખ્ખી હવા’ જેવાં સૂત્રોમાં ઝીલાય છે. પરંતુ એમના વિરોધને તરત ડામવામાં આવે છે. બીજી બાજુ, પ્લેગનો ફાયદો ઉઠાવીને પૈસા બનાવનાર લોકો પણ છે. જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જાય છે અને નાના સ્તરે હિંસા અને લૂંટફાટ ફેલાય છે ત્યારે સત્તાધીશો માર્શલ લૉની ઘોષણા કરે છે અને કરફ્યુ લાદે છે.
‘ધ પ્લેગ’ બીજા વિશ્વયુદ્ધના અંત પછી ૧૯૪૭માં લખાયેલી નવલકથા છે. એમાં માનવપરિસ્થિતિનું વર્ણન છે. મૃત્યુના મોમાં ધકાયેલા લોકો કેવી રીતે જીવે છે? મૃત્યુનો ડર, પરિસ્થિતિને સમજવાની અને એની સામે સજ્જ થવાની અક્ષમતા, સામાજિક એકલતા અને નિર્વાસિતતાનો અનુભવ, ભવિષ્ય અંગે અનિશ્ચિતતા, આ બધું મનુષ્યના જીવનને વ્યાખ્યાયિત કરે છે. આ સંકટમાં પ્રેમ, શાંતિ વગેરે અનુભવોનું શું મૂલ્ય છે અને આ અનુભવોની શું શક્યતા છે, એ વિશે પણ નવલકથા પ્રશ્નો ઉઠાવે છે. ઘણા વિવેચકોએ નોંધ્યું છે કે નવલકથા નાઝી જર્મની વિશે છે. પ્લેગ એ ફાસીવાદનું રૂપક છે. નવલકથાની પશ્ચાદભૂમિમાં નાઝી જર્મનીનોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાંસ પર કરેલા કબજાનો સંદર્ભ છે. નવલકથામાં ફાસીવાદના સકંજામાં ફસાયેલી પ્રજા કેવી રીતે જીવે છે એની વાત છે. કામૂ પોતે એક સર્જક તરીકે ફ્રાંસમાં ફાસીવાદના પ્રતિકારના સંઘર્ષમાં સક્રિય રીતે જોડાયેલા હતા. ડૉક્ટર રિયુ જેમ પોતાના તબીબી સાધનો વડે પ્લેગની સામે લડે છે, તેમ કામૂ શબ્દની મદદથી અન્યાય સામે અને પછીથી ફાસીવાદ સામે લડ્યા હતા. ફ્રેંચ પ્રતિકાર દરમિયાન એ એક બિનકાયદેસર ચાલતા વર્તમાનપત્ર ‘Combat’(સામનો)ના મુખ્ય તંત્રી હતા. નોબેલ પુરસ્કારના સ્વીકાર વખતે કરેલા પ્રવચનમાં એમણે કહ્યું હતું કે લેખકે લખવા ઉપરાંત ઘણું કરવાનું હોય છે. એક લેખક તરીકે એ સત્ય અને સ્વતંત્રતાના સિદ્ધાંતોને વરેલા હતા.
ભાવનગર અને વડોદરામાં અભ્યાસ દરમિયાન સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લેવો, ટૂંકા સમય માટે જેલવાસ પણ ભોગવવો જેવા અનુભવોથી ઘડાયેલા તે પેઢીનાં કુંદનિકાબહેન આજની પેઢી કરતાં ય ઘણું આગળનું વિચારતા. તેમણે મુંબઇ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સનો અભ્યાસ પણ કર્યો. ‘નવનીત'નાં સંપાદનનું સુકાન તેમણે 1962થી 1980 અને તે પહેલાં ‘યાત્રિક’નું સંપાદન 1955થી 1957 સુધી સંભાળ્યું હતું.