કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોને આ વર્ષના આરંભથી દોઢ વર્ષ સુધી મોંઘવારી ભથ્થું નહીં આપવા અંગે જે નિર્ણય લીધો છે, તેને અમે આવકારીએ છીએ. છેલ્લા પ્રાપ્ય આંકડા મુજબ સરકારી સાહસોના કામદારો સહિત દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના માત્ર ૧.૭૩ કરોડ કર્મચારીઓ છે. સ્વાભાવિક રીતે જ તે ભારતીય સમાજના મધ્યમ, મધ્યમ મધ્યમ, ઉચ્ચ મધ્યમ અને ઉચ્ચ વર્ગના છે, જ્યારે લગભગ ૪૬ કરોડ કામદારો અસંગઠિત વર્ગમાં છે કે જેમાંના મોટા ભાગના સ્થિર માસિક પગાર કે વેતન ધરાવતા નથી. તેથી અમે, આ રીતે બચેલી રકમ ગરીબોને સીધી જ તેમના બેંક ખાતામાં રોકડ સ્વરૂપે આપવા અને એ રીતે બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જણાવાયેલી ફરજ બજાવવા વિનંતી કરીએ છીએ.
ગત ઑક્ટોબર મહિનામાં જુલાઈ મહિનાથી અસર પામે તે રીતે પાંચ ટકા ડી.એ. વધારવામાં આવ્યું ત્યારે સરકાર પર વર્ષે રૂ.૧૬ હજાર કરોડનો બોજો વધશે, તેમ કહેવાયું હતું. આટલો જ બોજો પેન્શનરોને પણ ડી.એ.માં વધારો આપવામાં આવે તો પડે છે. એટલે કે વર્ષમાં રૂ. ૩૨ હજાર કરોડનો ખર્ચ પાંચ ટકા ડી.એ. એક વાર વધારવાથી વધે છે. સરકારે કર્મચારીઓ અને પેન્શનરોનું માત્ર દોઢ વર્ષમાં ત્રણ વખત ડી.એ. વધારવામાં નહીં આવે એમ કહ્યું છે. એનો અર્થ એ થાય કે કુલ રૂ. ૯૬ હજાર કરોડ બચી જશે. અમારી સરકારને વિનંતી છે કે આ રૂ.૯૬ હજાર કરોડ ગરીબોને આપવામાં આવે. એ માટે રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા-૨૦૧૩ હેઠળ ઓળખી કાઢવામાં આવ્યા છે તે ૮૦ કરોડ ગરીબોને તેમના બેંક ખાતામાં દર છ મહિને રૂ. બે બજાર પાંચ વ્યકિતના પરિવાર દીઠ આપવામાં આવે. રૂ. બે હજારનો પ્રથમ હપ્તો તો તત્કાળ આપવામાં આવે. પી.એમ. કેર્સ ફંડમાં એક જ સપ્તાહમાં જે રૂ. ૬,૫૦૦ કરોડ જમા થયા છે અને જૂના પ્રધાનમંત્રી રાહતનિધિમાં જે રૂ.૩,૮૦૦ કરોડ સિલક છે, તે પરિવાર દીઠ રૂ.૬૦૦ એક સમયના અનુદાન તરીકે આ ગરીબ પરિવારોને તત્કાળ આપવામાં આવે. કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા ૪૮.૩૪ લાખ છે અને પેન્શનરો ૬૫.૨૬ લાખ છે. તે ભારતીય સમાજમાં મોટે ભાગે ઉચ્ચ વર્ગમાં સ્થાન ધરાવે છે. આ વર્ગ આટલું બલિદાન કામચલાઉ ધોરણે આપે અને તે રકમ બીજા કશાયમાં વાપર્યા વિના સરકારે સીધી કંગાલિયતમાં જીવી રહેલા ગરીબોને આપવી જોઈએ. ઉપરાંત, અમે બધી રાજ્ય સરકારોને પણ કેન્દ્ર સરકારને અનુસરીને તેમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સ્થગિત કરવાની અને રકમ સીધી રાજ્યના ગરીબોના બેંક ખાતામાં જમા આપવાની પણ વિનંતી કરીએ છીએ.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 ઍપ્રિલ 2020