ભારતે કોરોના વાઇરસના રોગચાળામાં માત્ર જિંદગીઓ અને અર્થતંત્રની સ્થિરતા જ ગુમાવી છે એમ માનવાની આપણે ભૂલ ન કરવી જોઇએ.
આપણો આખો દેશ નેવું દિવસમાં થોડા વધારે ઉમેરીએ એટલા સમયથી લૉકડાઉનમાં છે. અમુક રાજ્યોમાં આ લૉકડાઉન થોડઘણાં નિયમો લાગુ કરી ખોલી નખાયું છે તો અમુક રાજ્યોમાં હજી પણ તેનું પાલન કડક રીતે થઇ રહ્યું છે. એકદંડિયા મહેલમાં પુરાયેલા આપણે બહારની દુનિયામાં શું થઇ રહ્યું છે તે જાણવા માટે જે પણ માધ્યમો પર આધારિત છીએ તે માધ્યમો પોતાનાથી બનતું બધું જ કરી રહ્યા છે જેથી સાચી માહિતી આપણા સુધી પહોંચે. કેટલાક માધ્યમોનો ઝુકાવ સરકાર તરફી છે તો અમુક પોતાના મુદ્દા અલગ રીતે રજૂ કરી રહ્યા છે. લૉકડાઉનને કારણે બહુ બધું બદલાઇ ગયું છે, બધું પૂરેપૂરું અનલૉક થશે ત્યારે અમુક બાબતો, આદતો આ પરિવર્તનનો ભાગ અને ભોગ બની હશે. જે લોકશાહીના નામના આપણે ખોંખારા ખાઇએ છીએ તેનો પણ આ લૉકડાઉનમાં આપણે ધારીએ કે અનુભવીએ છીએ તેના કરતાં ઘણો વધારે ભોગ લેવાઇ ગયો છે.
લૉકડાઉનમાંથી પસાર થઇ રહેલી લોકશાહીને ઘણાં ઘા વાગ્યા છે. જેમ કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત જ્યાં ભા.જ.પા.ની સરકાર છે ત્યાં અર્થતંત્રને બેઠું કરવાના નામે લેબર લૉઝ સસ્પેન્ડ કરી દેવાયા છે. કામદારોની રક્ષા કરતા કાયદાઓ સસ્પેન્ડ કરવાથી અર્થતંત્ર કેવી રીતે બેઠું થઇ શકે છે, તેની કોઇ સ્પષ્ટતા નથી કરાઇ. શું કામદારોના ભોગે બિઝનેઝ લૉબી પોતાની ઢીલી પડેલી પકડ મજબૂત કરશે? બીજા એક પરિવર્તનમાં ઉદ્યોગકારોને જે પણ બાંધકામ કે ઇન્સ્ટોલેશન કરવા હોય તે માટેનાં પર્યાવરણીય ક્લિયરન્સ કામગીરી પૂરી કર્યા પછી પણ મેળવશે તો ચાલશે. ટૂંકમાં તમ તમારે જે નખ્ખોદ વાળવું હોય એ વાળી લો પછી દંડ ભરીને પ્રોજેક્ટ નિયમાધિન હોય એ રીતે પાટે ચડાવી દેજો.
અહીં લોકો છીંકથી બચવાની માથાકૂટમાં હોય એટલે આવા ફેરફારો પર કોઇનું ધ્યાને પણ નથી જવાનું એ સરકાર બરાબર જાણે છે. અમુક રાજ્યોમાં જ્યારે પત્રકારોએ દાડિયા મજૂરોની વ્યથાનું ‘સાચું’ રિપોર્ટિંગ કર્યું ત્યારે ઇન્ડિયન પિનલ કોડ હેઠળ તેમની પર ગુના નોંધવામાં આવ્યા. ગુજરાતમાં તો માત્ર સમાચારમાં અટકળ બંધાઇ કે કેન્દ્ર સરકાર વિજય રૂપાણીથી ખુશ નથી અને કદાચ કંઇક તખ્તો પલટાય તો તે લખનાર એડિટર પર સત્તાવિરોધી, સત્તાદ્રોહી હોવાનાં આરોપ મુકાયા. ન્યુઝ લૉન્ડ્રી અનુસાર બે ડઝન પત્રકારો પર જાતભાતનાં ચાર્જીઝ ઠોકી દેવાયા છે, કારણ કે લૉકડાઉનને કારણે પડી રહેલી હાલાકીનું સચોટ અને વાસ્તવિક ચિત્રણ તેમણે લોકો સમક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો.
પ્રકાશ જાવડેકર જે કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી છે તેમણે તો ભારતમાં મીડિયાની સ્વતંત્રતા પર કોઇપણ પ્રકારનો બાધ કે રિપોર્ટીંગમાં અવરોધ હોવા પર સાફ મનાઇ ફરમાવી દીધી છે. 1975માં લદાયેલી કટોકટરીને પચાસ વર્ષ પૂરાં થવામાં હજી સમય છે પણ અત્યારનાં સંજોગોમાં એ દિવસોમાં જે પ્રકારે બેફામ પગલાં લેવાયાં હતાં તે યાદ આવી જાય તેવાં ઘણાં લક્ષણો છે. જે સ્વતંત્રતાને આપણે આપણો હક માનીએ છીએ તેનું સિંહાસન ડોલી ગયું હોય તેવા ઘણા બનાવો લૉકડાઉન દરમિયાન બન્યા છે. વળી આ માત્ર મીડિયા સામે સરકારની લાલ આંખ, આમ જનતા સાથે પોલીસનું બેફામ વર્તન જેવી બાબતો સુધી સીમિત નથી. સિઝરો નામના એક રોમન સ્ટેટ્સમેનનું વાક્ય હતું કે યુદ્ધનું ટાણું હોય ત્યારે કાયદો મૂક થઇ જાય છે પણ આ વિધાનને તો ગણતરીમાં પણ નથી લેવાતું. પણ લોર્ડ એટકિને કહ્યું હતું કે શસ્ત્રો ચાલે ત્યારે કાયદા ચૂપ નથી હોતા, એ વિધાન વધુ જાણીતું બન્યું છે.
આપણે યુદ્ધની સ્થિતિમાં નથી પણ અત્યારનાં સંજોગો તેનાથી અલગ પણ નથી. હજારો લોકો હેરાન થયા અને સંસદ રિસેસ પર રહી તો ન્યાયતંત્ર કોમામાં રહ્યું એવી ટિપ્પણી જાણીતા વકીલ દુષ્યંત દવેએ કરી હતી. સુપ્રિમ કોર્ટે મજૂરોના મામલે થયેલા પિટીશન્સ જે અભિગમ અપનાવ્યો તેના સંદર્ભે આ આડકતરી ટકોર થઇ હતી. રોગચાળામાં ઇસ્લામોફોબિયાનો ખેલ પણ ખેલાયો. જો તીરુપતિ મંદિર 20મી માર્ચે બંધ કરાયું તો તબલીગી જમાતની મોટી મિટિંગને સરકારની પરવાનગી કેમ મળી? શા માટે એક એવો અભિગમ બંધાવા દેવાયો જેમાં અમુક ધર્મનાં લોકો રોગચાળો ફેલાવવા કારણભૂત હતા તેમ કહેવા દેવાયું? આવા તો ઘણાં પ્રશ્નો છે જેનો હજી કોઇ જ જવાબ નથી. આપણે એ યાદ રાખવું રહ્યું કે આ લૉકડાઉને લોકશાહીનાં ફેફસાંની ક્ષમતા પણ ક્ષીણ બનાવી દીધી છે અને તેને ફરી સક્ષમ કરવા આપણી જવાબદારી છે.
બાય ધી વેઃ
ભારતે કોરોના વાઇરસના રોગચાળામાં માત્ર જિંદગીઓ અને અર્થતંત્રની સ્થિરતા જ ગુમાવી છે એમ માનવાની આપણે ભૂલ ન કરવી જોઇએ. સરકાર કોઇ પણ પક્ષની હોય આ લૉકડાઉને સાબિત કર્યું છે કે આપણો આખો દેશ આંખના પલકારામાં લોકશાહીને નેવે મૂકી દઇ શકે એટલો ગાલાવેલો છે. લૉકડાઉનમાં જે કરવું પડ્યું તે રાષ્ટ્રની વાસ્તવિકતા ન બની જાય તેની તકેદારી રાખવાની ન તો સરકારને પડી છે, ન વહીવટી તંત્રને પડી છે ન તો કાયદાને પડી છે તેવી ટિપ્પણી દિલ્હી હાઇ કોર્ટનાં ચિફ જસ્ટિસ એ.પી. શાહે તેમના એક લેખમાં કરી હતી. લોકશાહીને ફરી થાળે પાડવા, તેના હચમચી ગયેલા થાંભલાઓને મક્કમ કરવા બહુ જ વિશ્વાસ અને માનસિક શક્તિની જરૂર પડશે અને એક મજબૂત લોકશાહી જીવી ચૂકેલા આપણે એ કામ પાર પાડી શકીએ એવી આશા.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જૂન 2020
![]()



આનો અર્થ ભાષા મરી ગઈ એમ નથી કરવાનો, સમજવાનું એ છે કે ભાષા પરિવર્તનશીલ છે. વધારે સમજવાનું એ છે કે જે પરિવર્તનશીલ છે એના પર કેટલો ભરોસો કરવો
એમની અપ્રકાશિત પહેલી નવલકથા ‘Mercier et Camier’-માં જાણ્યે-અજાણ્યે આ પરિશોધનો પ્રારમ્ભ છે અને નવલત્રયી ‘Molly, Malone merut અને l’innammable’-માં વિકાસ છે. ક્રમે ક્રમે બૅકેટની એ પરિશોધ એમને નાટક તરફ દોરી જાય છે. એક નાટકનું નામ જ સૂચક રાખ્યું છે, ‘Act withiout Words’. દરમ્યાન એમને એમ પણ સમજાય છે કે ભાષાવિષયક અશ્રદ્ધામાંથી ભાષાક્રીડા – લૅન્ગ્વેજગેમ – અને તેથી હાસ્ય પણ પ્રગટી શકે છે. ‘Waiting for Godot’-માં ટ્રેજિકને એમણે કૉમિકમાં કદાચ એ પરિશોધના સર્જનાત્મક ધક્કાથી જ એકરસ રસ કરી દીધું.