મને સપનાંમાં
પોપાબાઈનું રાજ યાદ આવે.
આમ તો રાજમાં હતું કંઈ નહીં !?
એવું કહેવાય છે ને કે
ખાલી ચણો વાગે ઘણો
કે ચા કરતાં કીટલી ગરમ
શું એવું જ કંઈક હશે આ રાજમાં?
કે પછી
રાંડ્યા રાજની રાંડી પ્રજાને
પોપાબાઈના રાજથી કોઈ
મતલબ ન'તો !?
કે એવું શું પોપાબાઈ ચલવતાં
કે
નહીં
એ તો રામ જાણે!
ઘૈડિયા ય ગુજરી ગયા
ને ઇતિહાસ તો હોય જ નહીં
બિચારા પોપાબાઈના રાજનો
એટલે થયું
ચાલ આજે
કવિતામાં
પોપાબાઈનું કરીએ પુણ્યસ્મરણ!
પોપાબાઈ ગમે તેમ તો ય રાજમહિષી.
આમ તો રોજ
પણ રોજ નહીં તો
ક્યારેક જય તો કરવી જ પડેને!?
મારા પૂર્વજોએ ન'તી કરી જય
તો લ્યો હું કરું
જય જય પોપાબાઈ સરકાર!
![]()


આફતને અવસરમાં પલટવાની કળા તો બી.જે.પી.ની જ. તાજું ઉદાહરણ સી.બી.એસ.ઈ.ના સિલેબસમાંથી વિચારધારાને માફક ના આવે તેવા ટોપિક્સને હઠાવવાનું છે. ધોરણ ૯થી ૧૨ના ૧૯૦ વિષયનાં શિક્ષણ, નિરીક્ષણ, પરીક્ષણની જવાબદારી નિભાવતા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને કોરોના મહામારીની અસાધારણ પરિસ્થિતિમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી અભ્યાસક્રમમાં ૩૦% ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રનું માનવ સંસાધન વિકાસ મંત્રાલય અભ્યાસક્રમ ઘટાડાનો ઉદ્દેશ તો, ‘વિદ્યાર્થીઓ પર તણાવ અને બોજ ઘટાડવાનો’ જણાવે છે. પરંતુ જે પ્રકારના મુદ્દા અભ્યાસક્રમમાંથી દૂર કર્યા છે, તેની પાછળ વિચારધારાની પ્રેરણા હોવાનો આરોપ સ્વાભાવિક છે. ધોરણ ૯થી ૧૨ના રાજનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયના જે પાઠ વરસ ૨૦૨૦-૨૧માં ભણાવવાના નથી તેની યાદી કંઈક આવી છે : ધર્મનિરપેક્ષતા, સમવાયતંત્ર, નાગરિકતા, પાડોશી દેશો સાથેના સંબંધો, જી.એસ.ટી., ભારતમાં વૈશ્વિકીકરણ, ઉદારીકરણ, ખાનગીકરણના વિશેષ સંદર્ભમાં વ્યાપાર પર સરકારની નીતિમાં બદલાવની અસર, સ્થાનિક સરકાર, લોકતંત્ર અને વિવિધતા, લોકતંત્ર સામેના પડકારો, લોકપ્રિય સંઘર્ષો અને આંદોલનો તથા લિંગ, ધર્મ અને જાતિ.
સરહદી સમસ્યા વિશે સાવ ટૂંકમાં વડાપ્રધાનની વર્તણૂકનો હિસાબ મથાળામાં આપી દીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોભાલના પરચા બરકરાર રાખવા માટે એવું પણ કહેવાયું કે ‘જોયું? દોભાલે ચીનના વિદેશી બાબતોના મંત્રી સાથે વાતચીત કરી, એટલે કેવું કોકડું ઉકલી ગયું ને ચીની સેના પાછી હઠવા લાગી.’ વિચારો, દોભાલની છબિની આટલી ચિંતા હોય, તો વડાપ્રધાનના મહિમાની ચિંતા કેટલી હશે?