
ચંદુ મહેરિયા
વરસ ૨૦૨૫-૨૬ના કેન્દ્રીય અંદાજપત્રમાં આવકવેરાની મુક્તિ મર્યાદા વધારીને વાર્ષિક રૂ. બાર લાખ કરવામાં આવી છે. એટલે કે હવે વરસે બાર લાખ રૂપિયા કમાતી વ્યક્તિને કોઈ આવકવેરો ભરવો પડશે નહીં. સરકારના આ નિર્ણયને વ્યાપક આવકાર મળી રહ્યો છે. પરંતુ પંચ્યાસી વરસ પૂર્વેની એક બીજી આવકવેરાની મુક્તિ પરત લેવામાં આવી છે અને તેને દેશની સર્વોચ્ચ અદાલતની પણ મહોર લાગી છે તેની ખાસ ચર્ચા થતી નથી.
છેક અંગ્રેજોના જમાનામાં, ૧૯૪૪માં, સવેતન કામ કરતાં ખ્રિસ્તી પાદરીઓ અને સાધ્વીઓએ કોઈ આવકવેરો ભરવો નહીં, તેવો આદેશ કરવામાં આવ્યો હતો. કારણ કે તેઓ તેમનું વેતન ધર્મસંસ્થાને અર્પણ કરી દે છે. આઝાદી બાદની સરકારોએ પણ આ નિર્ણય બરકરાર રાખ્યો હતો. સિત્તેર વરસ પછી ૨૦૧૪માં આવકવેરા વિભાગે આદેશ કર્યો કે જે પાદરી અને નન સરકારી તિજોરીમાંથી પગાર મેળવે છે, તેમના ટી.ડી.એસ.ની પણ કપાત કરવાની રહેશે. આ નિર્ણયનો વિરોધ થયો અને તેને અદાલતમાં પડકારવામાં આવ્યો.
આકરી તાવણી પછી ખ્રિસ્તી ધર્મમાં નન કે પ્રિસ્ટનું પદ મળે છે. ખ્રિસ્તી સાધુ-સાધ્વીએ નિર્ધનતા, આજ્ઞાકારિતા અને શુદ્ધતા એ ત્રણ પ્રતિજ્ઞાઓ લેવાની હોય છે. તેમણે ઘર-પરિવારનો ત્યાગ કરી એકલા અને અલગ રહેવાનું હોય છે. તેઓ લગ્ન કરી શકતા નથી. તપસ્વીનું જીવન જીવવાનું હોય છે. નન અને પાદરી ધનહીનતાના શપથ ગ્રહણ કરે છે. એટલે તેમણે કોઈ ધન સ્વીકારવાનું હોતું નથી કે સંપત્તિ ભેગી કરી શકતા નથી. મિલકત વસાવી શકતા નથી. પોતાના જૂના પરિવારમાં આકસ્મિક સંજોગો સર્જાય અને કોઈ ઉત્તરાધિકારી ન હોય ત્યારે પણ તે કુટુંબનો વારસો પ્રાપ્ત કરી શકતા નથી.
તેમણે સમાજના ભલાનું, કલ્યાણનું કામ કરવાનું હોય છે. કેટલાંક સાધુ-સાધ્વી શાળા-કોલેજોમાં અધ્યાપક હોય છે તો કેટલાક આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે. ગવર્નમેન્ટ ગ્રાન્ટ મેળવતી શાળા-કોલેજ અને હોસ્પિટલમાં કામ કરતાં ફાધર કે નનના કિસ્સામાં તેઓને સરકારી તિજોરીમાંથી પગાર મળે છે. જો કે તેઓ તેમનું સંપૂર્ણ વેતન ચર્ચને દાનમાં આપી દે છે. જેનાથી લોકોનાં કલ્યાણનાં કામો થાય છે. અર્થાત તેઓ વેતન લે છે ખરા પરંતુ તેનો અંગત ઉપયોગ કરતા નથી, પરંતુ લોકહિતાર્થે તે નાણાંનું દાન કરી દે છે. સમાજ કલ્યાણના ઉમદા હેતુથી કામ કરતાં સાધુ-સાધ્વીને તેમની આવક પર કોઈ ઈન્કમટેક્ષ ભરવો પડતો નથી તેવું છેક આઝાદી પૂર્વે ચાળીસના દસકથી નક્કી થયું હતું.
પરંતુ ૨૦૧૪માં જ્યારે આવકવેરા વિભાગે ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થામાં કાર્યરત ફાધર-નન પણ આવકવેરાને પાત્ર છે અને તેમના ટી.ડી.એસ.ની કપાત કરવી અનિવાર્ય છે તેવી સૂચના આપી અને અમલ થયો ત્યારે તેનો ભારે વિરોધ થયો હતો. ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓએ આ નિર્ણયને અન્યાયકર્તા ગણાવી અદાલતમાં ધા નાંખી હતી. મદ્રાસ હાઈકોર્ટની એકલ પીઠે મિશનરીઓની અપીલની તરફેણમાં ચુકાદો આપ્યો, પરંતુ સરકારે તે સામે અપીલ કરતા એકથી વધુ જજોની બેન્ચે અગાઉનો ચુકાદો ઉલટાવ્યો અને સરકારના નિર્ણયને માન્ય રાખ્યો. કેરળે હાઈકોર્ટે પણ નન અને પાદરીની આવક આવકવેરાને પાત્ર છે તેવો ચુકાદો આપ્યો હતો.
રાજ્યોની વડી અદાલતોના વિરુદ્ધના ચુકાદા સામે ૯૩ જેટલી પિટિશનો સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. મિશનરીઓની દલીલ હતી કે જ્યારે કેથોલિક નન અને પાદરી સ્વૈચ્છિક ગરીબી, નિર્ધનતા કે ધનહીનતા (vow of poverty) અર્થાત કોઈ ધન ધારણ નહીં કરવાના શપથ લે છે ત્યારે તેમની સ્થિતિ નાગરિક મૃત્યુ(સિવિલ ડેથ)ની હોય છે. એટલે તેમણે કોઈ કરવેરા ચુકવવાના હોતા નથી.
નવેમ્બર ૨૦૨૪માં તત્કાલીન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વાય.વી. ચંદ્રચૂડની આગેવાનીમાં ત્રણ જજોની બેન્ચે મિશનરીઓની તમામ અરજીઓ ફગાવી દીધી હતી. અદાલતનો ચુકાદો હતો કે આવક ધારણ કરતા દેશના તમામ નાગરિકો એ ધર્મના બાધ વિના સમાન રીતે કરવેરા ભરવાના હોય છે. આવકવેરા કે કરવેરાના કાયદા તમામ નાગરિકો માટે એક સમાન છે અને તેમાં કોઈ સાધુ-સાધ્વીને મુક્તિ મળી શકે નહીં. જો નન અને પાદરી સરકારી અનુદાનમાંથી વેતન મેળવતા હોય તો તેમણે પણ આવકવેરો ભરવો પડે. બંધારણના અનુચ્છેદ ૨૫ મુજબ તેમાં કોઈના ધર્મ સ્વાતંત્ર્યના અધિકારનો ભંગ થતો નથી. કોઈ ધાર્મિક પ્રથાઓની પરવા કર્યા વિના નન અને ફાધરનો ટી.ડી.એસ. કાપવાનો સરકારી નિર્ણય સર્વથા ઉચિત છે. ધર્મને વચ્ચે લાવ્યા વિના કાયદાનો સમાન ધોરણે અમલ થવો જોઈએ. આજે ખ્રિસ્તી પાદરી તેમનું વેતન ચેરીટેબલ ટ્રસ્ટમાં જમા કરાવે છે એટલે આવકવેરો લાગુ ના પડે તેવી દલીલ કરે તો કાલે બીજા ધર્મોના સાધુ-સંતો પણ આવી માંગણી કે દલીલ કરી શકે છે. એટલે સરકાર કે અદાલત ધર્મના ધોરણે કોઈ છૂટ આપી શકે નહીં તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે મિશનરીઓના વકીલની પાદરી કે નનની સિવિલ ડેથની સ્થિતિનો પણ સ્વીકાર કર્યો નથી. કોઈ વ્યક્તિની એવી કાયદાકીય સ્થિતિ કે જેમાં તે શારીરિક દૃષ્ટિએ જીવિત છે પરંતુ નાગરિક કે સામાજિક સભ્યના રૂપમાં કોઈ અધિકારો કે વિશેષાધિકારોથી વંચિત હોય તેને સિવિલ ડેથ કે નાગરિક મૃત્યુ કહેવાય છે. અદાલતની દલીલ હતી કે જો સિવિલ ડેથની સ્થિતિ હોય તો તે સવેતન નોકરી જેવી નિયમિત ગતિવિધિ પણ કરી શકે નહીં. વળી તેમનું વેતન સરકાર ચર્ચમાં જમા કરાવતી નથી. પરંતુ વેતનધારક ખુદ તેના ધાર્મિક નિયમો અનુસાર જમા કરાવે છે. એટલે પગારધારક પગાર પોતાના અંગત ઉપયોગ માટે રાખતો નથી અને દાન કરી દે છે એટલા માત્રથી તેને આવકવેરામાંથી મુક્તિ મળી શકે નહીં. નન અને પાદરીના ધર્મસંસ્થાને ચેરિટી માટે દાનથી તેમની કરદેયતા મટી જતી નથી. લોકોના કરવેરાથી એકત્ર થયેલાં નાણાં જેને પણ વેતનરૂપે ચુકવાય તેણે કાયદેસરનો ટી.ડી.એસ. કપાવવો જ પડે.
ધાર્મિક લઘુમતી એવા ખ્રિસ્તી સાધુ-સાધ્વીઓને આવકવેરો લાગુ પડે છે તેવો નિર્ણય કદાચ વહીવટી હોઈ શકે છે. પરંતુ ૨૦૧૪માં કેન્દ્રમાં રાજકીય સત્તાપલટા પછીનો આ નિર્ણય છે. એટલે તેમાં લઘુમતી તરફની રાજકીય કુદૃષ્ટિનો સવાલ ઊઠી શકે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સામયિક‘પાંચજન્યએ આવકવેરાની આ છૂટને“ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના આધારે વિશેષાધિકાર મેળવવાનું દુ:સાહસ“ગણાવ્યું છે ત્યારે લઘુમતીના તુષ્ટિકરણ અને લઘુમતીની રંજાડની દલીલો પણ સામસામી થઈ શકે છે.
સમાજ કલ્યાણ માટે કામ કરતી ધાર્મિક સંસ્થાઓ સહિતના ચેરિટેબલ ટ્રસ્ટોને અપાતા દાનને આવકવેરાની ચોક્કસ કલમ હેઠળ આવકવેરામાંથી મુક્તિ આપવાનો નિયમ છે અને તેનો ભરપૂર લાભ લઈને આવકવેરાથી બચનારો એક વર્ગ પણ દેશમાં મોજુદ છે. એ સંજોગોમાં પોતાની સંપૂર્ણ આવક લોકકલ્યાણ માટે દાન કરી દેનાર ખ્રિસ્તી સાધુ-સાધ્વીની આવક કાયદેસર આવકવેરાને પાત્ર હોઈ શકે છે, પરંતુ તે ચેરિટેબલ ટ્રસ્ટને મળેલી આવકવેરાની મુક્તિ મર્યાદા હેઠળ કદાચ મુક્તિને પાત્ર હોવાનું પ્રમાણપત્ર પણ તે મેળવી શકે છે. એટલે આ બાબતમાં એક હાથે આપવાનું અને બીજા હાથે લઈ લેવાનું પણ બની શકે તેમ છે. તેનાથી કોઈ ચોક્કસ રાજકીય વિચારધારા સંતોષાય અને વહીવટી કામ વધે તેમ પણ બનવા જોગ છે.
e.mail : maheriyachandu@gmail.com