લોકતાંત્રિક ભારત દેશની સર્વોચ્ચ અદાલત આજે પોતે પોતાના વિષે ચુકાદો આપશે. સર્વોચ્ચ અદાલતમાં અત્યારે જે જજો બેઠા છે તેઓ આજે તેમના પોતાના વિષે ચુકાદો આપશે. ચુકાદાને વધાવનારાઓ કે તેની નિંદા કરનારાઓ ભારતના ભવિષ્ય વિષે ચુકાદો આપશે. આમ તો સર્વોચ્ચ અદાલતના સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ સામેના અદાલતનો તિરસ્કાર કરવાના કેસમાં આ બધાએ ચુકાદો આપી જ દીધો છે હવે માત્ર ‘સજા’ની ઔપચારિકતા બાકી છે. ભારતના મુક્ત અવાજને, ભારતના ખુલ્લા સમાજને અને ભારતના લોકતંત્રને દંડવાં કે જવા દેવાં એ નક્કી કરવાનું છે.
કોઈ પણ દેશના લોકતાંત્રિક ઇતિહાસમાં આવી ક્ષણો આવતી હોય છે. ૧૯૭૦ના દાયકામાં સર્વોચ્ચ અદાલત અને તેના એ સમયના જજો ભીંસમાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીની આપખુદશાહી હતી અને કોઈ પણ આપખુદ શાસકને અદાલતોની સ્વતંત્રતા આંખના કણાની માફક ખૂંચતી હોય છે. માત્ર અદાલત જ નહીં, ચૂંટણીપંચ સહિતની તમામ લોકશાહી સંસ્થાઓ તેમના માર્ગમાં અવરોધ પેદા કરતી હોય છે. એમાં અત્યારના શાસકો માત્ર આપખુદ નથી, તેમની તો હિંદુ રાષ્ટ્ર વિશેની એક કલ્પના પણ છે જે તેઓ લાગુ કરવા માગે છે. હિંદુ રાષ્ટ્ર અને સેક્યુલર રાષ્ટ્ર પરસ્પર વિરોધી છે. તેનું સહઅસ્તિત્વ શક્ય નથી.
જો હિંદુ રાષ્ટ્ર સાકાર કરવું હોય તો બે વિકલ્પ છે; એક છે ભારતના બંધારણમાં પરિવર્તન. હવે બંધારણનો ઢાંચો આમૂલાગ્ર બદલવો અઘરો છે અને જગત પાછું ટીકા કરે. તો એના વિકલ્પે બીજો માર્ગ છે બંધારણની એટલે બંધારણપુરસ્કૃત લોકતંત્રની અને લોકતાંત્રિક મૂલ્યોની રખેવાળી કરનારી અદાલતની કમર તોડી નાખવાની. ન્યાયતંત્ર સિવાયની બીજી લોકશાહી સંસ્થાઓની પણ કમર તોડી નાખવાની. લાલચ, ખરીદી-વેચાણ અને ભય આ ત્રણ માર્ગ અપનાવવામાં આવે છે. આ ઉપરાંત ન્યાયતંત્રની બાબતે એક ચોથો વિકલ્પ પણ છે. છેક નીચેથી વૈચારિક રીતે અનુકૂળ હોય એવા જજોને ન્યાયતંત્રમાં દાખલ કરતા જવાના. એ જજ પછી એક દહાડો સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ન્યાયમૂર્તિ બને, ત્યારે અનુકૂળ ન્યાયતંત્રનું વર્તુળ પૂરું થઈ જાય. એ પછી દેશમાં જે લોકશાહી બચે એ માત્ર કલેવરરૂપે હોય, એમાંથી પ્રાણ જતા રહ્યા હોય.
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતની જેમ બીજા અનેક દેશો સંસ્થાનવાદી ગુલામીથી આઝાદ થયા હતા. એ બધા દેશો માટે ભારત દેશ દીવાદાંડીરૂપ હતો. જગતમાં જોટો જડે નહીં એટલી બહુવિધ પ્રજાએ સાથે મળીને લડીને આઝાદી મેળવી. લડીને આઝાદી મેળવી, તાસકમાં નહોતી મળી. બહુવિધ પ્રજાએ આઝાદી માટે લડતા લડતા વિમર્શ કર્યો અને સેક્યુલર લોકતાંત્રિક દેશની રચના કરવાનો સંકલ્પ કર્યો. દેશના ભાગલા પડ્યા અને કોમી લોહી વહેતું હતું ત્યારે બંધારણસભાના સભ્યોએ વિચલિત થયા વિના શાંત ચિત્તે જગતનું શ્રેષ્ઠ બંધારણ ઘડ્યું હતું. જો તેમની અંદરનો હિંદુ જાગ્યો હોત અથવા જાગવા દીધો હોત અને વિચલિત થયા હોત તો ત્યારે જ જગત માટે દીવાદાંડીરૂપ નીવડેલા ભારતીય રાજ્યનું કાસળ નીકળી ગયું હોત.
એ સમયે બીજા દેશોએ પણ ભારતનું અનુકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આધુનિક વિશ્વમાં સભ્ય તેમ જ સંસ્કારી બની રહીને આધુનિક બનવાનો અને વિકાસ સાધવાનો મનસૂબો બીજા તાજા આઝાદ થયેલા દેશો પણ ધરાવતા હતા. ભારત જેવો ગરીબ અને વિપુલ વિવિધતા ધરાવતો દેશ જગતનું શ્રેષ્ઠ બંધારણ ઘડી શકે અને દરેક અર્થમાં આધુનિક વિશ્વમાં જગ્યા મેળવી શકે તો આપણે કેમ નહીં! એ યુગમાં ભારત સાચે જ અધિકારપૂર્વકનું વિશ્વગુરુ હતું. જવાહરલાલ નેહરુનો જગતમાં જે દબદબો હતો એનું કારણ તેમનું વ્યક્તિત્વ તો હતું જ, પણ એનાથી વધારે મોટું કારણ એ નિર્ણાયક યુગમાં ભારતનું વિશ્વગુરુનું સ્થાન હતું. પાકિસ્તાનની બંધારણસભાના સભ્યોની અંદરનો મુસલમાન જાગ્યો અથવા પરાણે જગાડવામાં આવ્યો અથવા અંદરના માણસને ધરાર મારીને મુસલમાનને બંધારણસભામાં બેસાડવો પડ્યો એવું જો ભારતની બંધારણસભાના સભ્યોની બાબતમાં બન્યું હોત તો ભારત વિશ્વગુરુ ન બન્યું હોત. નેહરુનો કોઈએ ભાવ ન પૂછ્યો હોત. એ તો ઠીક છે, ભારતની હાલત આજે પાકિસ્તાન જેવી હોત.
પણ કેટલાક લોકોને ત્યારથી જ ભારત રાજ્યના અપનાવવામાં આવેલા સ્વરૂપ સામે વાંધો હતો. બહુમતીમાં હોઈએ અને માથાભારે ન હોઈએ તો બહુમતીનો શો અર્થ? કમસે કમ અમે બહુમતીમાં છીએ એની ખાતરી તો કરાવવી જ જોઈએ ને! આવું બંધારણ ન ચાલે જેમાં બહુમતી પ્રજાની શિરજોરી ન હોય. માથાભારે થવામાં શક્તિ શોધવી અને શક્તિનો અહેસાસ મેળવવો એ લઘુતાગ્રંથિનાં લક્ષણો છે. આવા લઘુતાગ્રંથિથી પીડાતા હિન્દુત્વવાદીઓને ભારત રાજ્યનું લોકતાંત્રિક સેક્યુલર સ્વરૂપ સ્વીકાર્ય નહોતું. તેમણે સત્તા સુધી પહોંચવા માટે તેનો જ ઉપયોગ કર્યો હતો, પણ હવે જે સીડી વાપરી હતી એ સીડી ફગાવી દેવી છે. કારણ એ છે કે બંધારણપુસ્કૃત સેક્યુલર-લિબરલ-ડેમોક્રેટિક સ્ટેટ માથાભારે થવામાં આડે આવે છે અને ઉપરથી ન્યાયતંત્ર, મુખ્યત્વે સર્વોચ્ચ અદાલત તેની રખેવાળી કરે છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતની સર્વોચ્ચ અદાલતે બંધારણની અને બંધારણીય મૂલ્યોની રખેવાળી કરવાનું એક ખાસ અને પવિત્ર કામ સર્વોચ્ચ અદાલતને સોંપ્યું છે.
તેઓ તો બંધારણનો ઢાંચો જ બદલવા માગે છે, પણ એ પહેલાં અત્યારે તેઓ રખેવાળોની કરોડરજ્જુ ઉપર આઘાત કરી રહ્યા છે. લાલચ, ભય અને ભરતી એમ ત્રણ માર્ગ અપનાવવામાં આવી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વરસોથી સર્વોચ્ચ અદાલતના જજો કસોટીમાં નાપાસ થઈ રહ્યા છે જે રીતે ૧૯૭૦ના દાયકામાં સર્વોચ્ચ અદાલતના કેટલાક જજો નાપાસ થયા હતા. ત્યારે કેટલાક જજો નાપાસ થયા હતા, સમૂળગી સર્વોચ્ચ અદાલત નાપાસ નહોતી થઈ. ન્યાયમૂર્તિ કૃષ્ણા ઐયર, ન્યાયમૂર્તિ ખન્ના અને ન્યાયમૂર્તિ હેગડે જેવા પ્રાત:સ્મરણીય જજો ત્યારે સર્વોચ્ચ અદાલતમાં હતા જેમણે સર્વોચ્ચ અદાલતને નાપાસ નહોતી થવા દીધી. બીજી બાજુ ન્યાયમૂર્તિ રે, ન્યાયમૂર્તિ બેગ, ન્યાયમૂર્તિ બહારુલ ઇસ્લામ જેવા હતા જેમણે ભય અથવા લાલચમાં આવીને પોતાનું, સર્વોચ્ચ અદાલતનું અને ન્યાયતંત્રનું નાક કપાવ્યું હતું. ૧૯૭૦ના દાયકાથી ઊલટું આજે જજો સાથે સમૂળગી સર્વોચ્ચ અદાલત નાપાસ થતી નજરે પડી રહી છે.
પ્રારંભમાં જ કહ્યું એમ આજે સર્વોચ્ચ અદાલત અને તેમાં બિરાજમાન જજો પોતે પોતાના વિષે ચુકાદો આપવાના છે. ચુકાદો પ્રશાંત ભૂષણ વિષે નહીં હોય, તેમના પોતાના વિશે હશે. બંધારણની, બંધારણીય મૂલ્યોની અને બંધારણપુસ્કૃત સેક્યુલર-લિબરલ-ડેમોક્રેટિક સ્ટેટની રક્ષા કરવાની તાકાત તે ધરાવે છે કે નહીં એનો ચુકાદો આવવાનો છે. આગળ કહ્યું એમ તેઓ તેમના વિષે ચુકાદો તો આપી જ ચુક્યા છે, માત્ર દંડવાનું બાકી છે. જોઈએ, આજે અદાલતો અને જજો પોતે જ પોતાને દંડે છે કે નહીં!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 ઑગસ્ટ 2020
![]()



કવિ તુષાર શુક્લે અનેક વિષયોમાં અનન્ય કાવ્યો અને ગીતો આપ્યાં છે. પછી એ ગીત ભાષા વિશે હોય, માતૃત્વ-પિતૃત્વનું હોય, માનવ સહજ પ્રેમનું હોય કે પ્રકૃતિ ગીત. આંખોમાં બેઠેલા ચાતક, એમ પૂછીને થાય નહીં પ્રેમ, તારી હથેળીને દરિયો માનીને જેવાં ગીતો વિનાં સુગમ સંગીતના કાર્યક્રમો અધૂરા લાગે. શબ્દો સાથે તુષારભાઈની ગાઢ મૈત્રી. તુષારભાઈની વાક્પ્રતિભા કોઈને ય પ્રભાવિત કરી શકે. વિષય ઉપર એકદમ માપસર, સીધું અને હ્રદયપૂર્વક જોડાણ થાય એવું એમનું સંચાલન કે પ્રવચન હોય. એવા આ કવિએ આકાશવાણી કાર્યક્રમ નિયામક તરીકે જોડાયા ત્યારે આ ગીત લખ્યું હતું. ત્રણ-ચાર દાયકા પહેલાંની વાત છે. આ ગીત વિશે તુષાર શુક્લ કહે છે, "કવિતા આપોઆપ સૂઝતી હોય છે. હું માનું છું કે પહેલી પંક્તિ ઉપરથી આવે છે. બાકીની કડી કવિ પછી જોડતા જાય. ચોમાસું આસપાસ…વાળી વાત કવિતામાં પહેલીવાર આવી અને મન પ્રસન્ન થઈ ગયું. બાકીની પંક્તિઓ પછી ગોઠવાતી ગઈ. યુવાનીમાં પ્રવેશેલી નાજુક નમણી કન્યાને લાગે છે કે સંયમ, લજ્જા છોડીને હવે વ્યક્ત થવું જરૂરી છે. વરસાદી વાતો તો એક આભાસ છે. પ્રેમ ખયાલોમાં ન ચાલે. છત્રી-છજાં છોડીને ભરપૂર ભીંજાવું પડે. પ્રેમ થયો હોય તો ઈચ્છા કહેવી પડે. ઈજન સ્વીકારવું પડે. આષાઢી ઉલ્લાસને હ્રદયમાં ભરી લેવા ઈચ્છતી નાયિકાનું નિતાંત લાગણીભર્યું આ ગીત છે. જો કે, મારે કહેવું જ જોઈએ કે આ ગીતમાં સ્વરાંકન અને ગાયકીની વિશેષ મજા છે. નયનેશ જાનીએ મીઠું સ્વરાંકન કર્યું છે. નિશા કાપડિયાએ તો આ ગીતને એટલું લોકપ્રિય બનાવ્યું છે કે હવે તો ઘણા કલાકારો આ ગીત ગાય છે. હવે આ ગીત અમારું નહીં, નિશાનું થઈ ગયું છે.
સ્વરકાર નયનેશ જાનીનું પણ આ મનગમતું સ્વરાંકન છે. નયનેશ જાની માત્ર સુગમસંગીતને જ સમર્પિત છે અને ૩૫ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. એમણે બહુ સરસ વાત કરી આ ગીત વિશે. "આ ગીત સૌપ્રથમ દૂરદર્શન પર ’મહેફિલ’ નામે એક કાર્યક્રમ આવતો હતો એમાં રજૂ થયું હતું. દૂરદર્શન દ્વારા ૮૦ના દાયકામાં મોટી સ્પર્ધા યોજવામાં આવી હતી. હર્ષજિત ઠક્કર રોય એના નિયામક. ૩૦૦૦ એન્ટ્રી આવી હતી જેમાંથી ૩૦૦ સ્પર્ધકો પસંદ થયા. એમાંથી ફાઈનલ રાઉન્ડમાં ૩૦ને પ્રવેશ મળ્યો. હું પણ સ્પર્ધક હતો અને ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. નિશા પણ ફાઈનલમાં આવી. ફાઈનલ રાઉન્ડ માટે મેં જ તૈયાર કરાવેલું આંખોમાં બેઠેલા ચાતક ગાવાનું એણે નક્કી કર્યું ત્યારે મને ચેતવવામાં આવ્યો કે નિશાને બીજું ગીત ગાવાનું કહો તો કદાચ તમારો નંબર લાગી જાય! પણ એ તો જાત સાથે છેતરપિંડી કરી કહેવાય. એ તો મારી બહેન સમાન એટલે મેં એને વધારે સારી રીતે તૈયાર કરાવ્યું અને નિશા પ્રથમ આવી હતી. શબ્દોને સમજી ભાવપૂર્વક ગાનારી એ કલાકાર છે. આ બહુ જ જરૂરી છે. શબ્દોને તોડી-મરડીને ગાવાથી ગીતનું કાવ્યત્વ જ ગુજરી જાય. કવિતા શું માગે છે એ તો જુઓ! ફિલ્મ સંગીતની જેમ ત્રણ મિનિટમાં ગીત પરફોર્મ કરવાની કલા હસ્તગત કરવાની જરૂર છે. આ ગીત તુષાર શુક્લે મને આપ્યું ત્યારે જ એવું ગમી ગયું કે આકાશવાણીથી પાછાં ઘરે જતાં બસમાં એનું મુખડું બની ગયું હતું. પછી તો આખું ગીત કરવાની એવી ચટપટી લાગી કે ઘરે પહોંચીને જમ્યા વિના સીધો હારમોનિયમ પર બેસી ગયો હતો.
આ ગીત સાથેની સ્મૃતિઓ સંકોરતાં ગીતનાં મૂળ ગાયિકા નિશા કાપડિયા કહે છે કે, "આ ગીત સાથે જ મારી મુંબઈમાં એન્ટ્રી થઈ. ૧૯૮૯માં કોપવૂડ સંગીત સંમેલન બહુ મોટા પાયે મુંબઈમાં યોજાયું હતું. હું ભૂજની અને ગીતના સંગીતકાર નયનેશભાઈ કલોલથી આવ્યા હતા.