હુકમ છે કે હવે છોડે બધા સ્વચ્છંદ ઉડવાનું
ભલેને હોય પાંખો પણ નહીં પોસાય લગીરે
અમે નક્કી કર્યાં તે ઝાડ ઉપર બેસવું પડશે
અને ટહુકવું પડશે દબાતા સૂરમાં ધીરે
હવે સિવાય ગાયો નોંધ લે સઘળાં પશુઓ પણ
હરે, ફરે, ચરે, પણ ના કરે વિવાદ તેનો તે
નડે કે શીંગડા મારે, પરંતુ ગાય છે માતા
ગણાશે ધર્મદ્રોહી, વાદ લેશે ગાયના જે જે
અમારા રાજમાં પંખી-પશુ-માણસ બધાં સરખાં
પશુપંખી બધા તો દાબમાં રહેશે જ રહેશે પણ
નવી આબોહવામાં ઉછરેલા માણસો પેલા
નહીં ગાંઠે જરા પણ કેમ કે છે આજ બંધારણ
હુકમ ના પાળવાની તો સજા દેખાય ના તેવી
અનાદર જે કરે છે તે અમારા ધ્યાનમાં રહેતા
અમારા સાણસામાં તે બધા સપડાય છે એવા
દશા એ જોઇને ગભરૂ બધા ત્યાંથી સબક લેતા
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 16
![]()


ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે ભારતમાં જેટલા સમાજો છે, એટલી ઓળખો છે અને જેટલી ઓળખો છે એટલી તિરાડો છે. એ તિરાડોનો અંગ્રેજો લાભ લે છે અને અંગ્રેજો એક પ્રજાને બીજી પ્રજાની નજીક આવવા દેતા નથી. તેમના ધ્યાનમાં એ પણ આવ્યું હતું કે ઓળખો અને અસ્મિતાઓને પાતળી પાડવા અને તિરાડો બૂરવા માટે કોઈ પણ પક્ષે કોઈ પ્રયાસ પણ કરવામાં આવતો નથી. સંવાદનો જ અભાવ છે. જે છે એ કાં તો પોતાના મતનો પ્રચાર છે અથવા બીજાનો પ્રતિવાદ છે, સંવાદ નથી.