વિનય સીતાપતિ મારા ગમતા પત્રકાર અને લેખક છે અને તેનું મુખ્ય કારણ એ છે કે તેમણે મારા ગમતા વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવનું રાજકીય જીવનચરિત્ર લખીને તેમને ન્યાય આપ્યો છે. ભારતના અર્થતંત્રને અને વિદેશનીતિને યોગ્ય સમયે નિર્ણાયક વળાંક આપનારા મુત્સદી વડા પ્રધાનની જેટલી કદર થવી જોઈએ એટલી થતી નથી. કૉનગ્રેસે તો તેમની ઉપેક્ષા કરવાનું પાપ કર્યું છે. આ વિનય સીતાપતિનું બીજું પુસ્તક પ્રકાશિત થયું છે જે નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય રાજકારણમાં આગમન પહેલાના ભારતીય જનતા પક્ષ વિશેનું છે. ‘જુગલબંધી: ધ બીજેપી બીફોર મોદી’ નામનાં પુસ્તકમાં જે જુગલબંધીની વાત આવે છે એ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી વચ્ચેની જુગલબંધીની વાત છે. એ પુસ્તક હજુ મારા હાથમાં આવ્યું નથી, પણ એ પુસ્તક તેમાં આવતાં એક કથનને કારણે વિવાદમાં છે, એટલે આ લેખ લખવાનો પ્રસંગ બને છે.
૧૯૯૮માં અટલ બિહારી વાજપેયીની સરકારે અણુપરીક્ષણ કર્યું હતું, એ તમે જાણો છો. ૧૯૯૮નું અણુપરીક્ષણ ભારતનું બીજું પરીક્ષણ હતું, એ પહેલાં ઇન્દિરા ગાંધીએ ૧૯૭૪માં રાજસ્થાનમાં પોખરાણમાં પહેલું પરીક્ષણ કર્યું હતું. અટલ બિહારી વાજપેયીની સરકારે જ્યારે અણુપરીક્ષણ કર્યું, ત્યારે અત્યારના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતવટો ભોગવતા હતા અને તેમને ગુજરાત બી.જે.પી.ના અંતર્ગત રાજકારણમાં માથું મારવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. નરેન્દ્ર મોદીને ગુજરાતથી દૂર રાખવા બી.જે.પી.ના પંજાબ અને હરિયાણા એકમના પ્રભારી તરીકે ચંડીગઢ મોકલી દેવામાં આવ્યા હતા. આ બાજુ અત્યારના ગૃહપ્રધાન અમિત શાહ ત્યારે ૩૩ વરસની વયના એક વિધાનસભ્ય હતા અને ગુજરાતની બહાર ભાગ્યે જ કોઈ તેમને ઓળખતું હતું. વિનય સીતાપતિ કહે છે કે જ્યારે વાજેપેયીની સરકારે અણુવિસ્ફોટ કર્યો ત્યારે અમિત શાહે વાજપેયીની આકરી ટીકા કરતો પત્ર લખ્યો હતો અને વાજપેયીને પ્રસિદ્ધિભૂખ્યા માણસ તરીકે ઓળખાવ્યા હતા.
ના, એટલા માટે નહીં કે તેઓ શાંતિવાદી છે અને અણુશસ્ત્રોના વિરોધી છે. એટલા માટે પણ નહીં કે તેઓ જૈન છે અને અહિંસામાં માને છે. તેમણે તેમના પત્રમાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈનો હવાલો આપીને લખ્યું હતું કે અણુવિસ્ફોટ કરવાથી ભારત કાયમ માટે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર લશ્કરી પગલાં દ્વારા પાકિસ્તાન પાસેથી છોડાવવાની શક્યતા ગુમાવી દેશે. ભારતના પગલે પાકિસ્તાન અણુવિસ્ફોટ કરશે અને પાકિસ્તાન પણ અણુશક્તિ મેળવીને અણુશસ્ત્રો બનાવશે અને એ રીતે ભારત સામે લશ્કરી સરસાઈ મેળવી લેશે. પાકિસ્તાન એક વાર અણુશસ્ત્રો દ્વારા લશ્કરી સરસાઈ મેળવી લેશે એ પછી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને જીતવું અશક્ય બની જશે.
વિનય સીતાપતિ કહે છે કે તેમણે પોતે અમિત શાહનો આવો કોઈ પત્ર જોયો નથી કે વાંચ્યો નથી, પરંતુ તેના ત્રણ મિત્રોએ એ પત્ર જોયો છે અને વાંચ્યો છે અને એ ત્રણ સૂત્રો ઉપર તેમને પૂરો ભરોસો છે અને માટે અમિત શાહના કથનને ટાંક્યું છે. સીતાપતિએ એ ત્રણ મિત્રોનાં નામ આપ્યાં નથી, પરંતુ દાવો કર્યો છે કે તેઓ તેમના કથનને વળગી રહે છે અને જો જરૂર પડશે તો પત્ર જોનારા અને વાંચનારા ત્રણેય મિત્રો બાજુમાં ઊભા રહેશે. એવો પ્રસંગ તો ત્યારે આવશે જ્યારે અમિત શાહ અદાલતના દરવાજા ખખડાવશે.
પહેલી ચર્ચા મોરારજી દેસાઈના કહેવાતા કથન વિશે. ભારતમાં અને વિશ્વમાં અનેક સુરક્ષા નિષ્ણાતો એમ માનતા હતા કે ભારત પરંપરાગત યુદ્ધમાં પાકિસ્તાનને સરસાઈ આપી શકશે, પરંતુ જો ભારત અણુશસ્ત્રો વિકસાવશે તો એ લશ્કરી સરસાઈ ગુમાવી દેશે કારણ કે આજકાલના યુગમાં અણુટેકનોલોજી મેળવવી મુશ્કેલ નથી અને પાકિસ્તાન એ મેળવી લેશે. ભારતે ૧૯૭૪માં પહેલીવાર અણુપરીક્ષણ કર્યું હતું અને ત્યારથી પાકિસ્તાને અણુશક્તિ વિકસાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. અટલ બિહારી વાજપેયીએ અણુવિસ્ફોટ કરવાનો નિર્ણય લીધો એ પહેલાં જ ભારત અને પાકિસ્તાન અણુશસ્ત્રો બનાવવાને ઉંબરે આવીને ઊભા હતા. ૧૯૯૮માં ભારતે અણુવિસ્ફોટ ન કર્યો હોત તો પણ કોઈ ગુણાત્મક ફરક પડવાનો નહોતો તે ત્યાં સુધી કે ભારત અને પાકિસ્તાનના લશ્કરી સંતુલનમાં પણ કોઈ ફરક પડવાનો નહોતો. આમ લશ્કરી સંતુલન કે સરસાઈની વાત ૧૯૮૫ સુધીમાં પૂરી થઈ ગઈ હતી.
બીજું, હિન્દુત્વવાદીઓની નજર શું એકલા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર ઉપર જ છે? તેમના અખંડ હિંદુસ્તાનમાં પાકિસ્તાન અને બંગલાદેશનો પણ સમાવેશ થાય છે અને ભારત માતાના નકશામાં તો ભારત, પાકિસ્તાન અને બંગલાદેશ ઉપરાંત નેપાળ અને શ્રીલંકાનો પણ સમાવેશ થાય છે. જો આજના અણુયુગમાં કોઈ પ્રદેશ લશ્કરી માર્ગે હડપવો શક્ય ન હોય અને લોકોનું હ્રદય જીતવાનો જ એક માત્ર માર્ગ ઉપલબ્ધ હોય તો નવી વાસ્તવિકતા સ્વીકારીને નવો માર્ગ અપનાવવો જોઈએ એમ નથી લાગતું? જે ચીપિયો વાગવાનો નથી એને પછાડતા રહેવાનો શો અર્થ? કાશ્મીરની ખીણમાં દોઢ વરસથી ભારત સરકારને જે અનુભવ થઈ રહ્યો છે એ આનું પ્રમાણ છે. કોઈ પણ પ્રકારના રાજકીય સંવાદ અને ઉપાય વિના કાશ્મીરનું કોકડું ગૂંચવાયેલું છે.
ત્રીજું, અમિત શાહે જો ખરેખર ઉક્ત પત્ર લખ્યો હોય અને અટલ બિહારી વાજપેયીને મોઢામોઢ ‘પ્રસિદ્ધિભૂખ્યા’ તરીકે ઓળખાવ્યા હોય તો ટીકા કરવાની મોકળાશ આપનારા અને લોકતંત્રની ખેવના કરનારા વાજપેયીની જેટલી કદર કરીએ એટલી ઓછી છે. અમિત શાહે વાજપેયી પાસેથી કેટલાક સંસ્કારોનું ગ્રહણ કરવું જોઈએ. જો વાજપેયી કિન્નાખોર સરમુખત્યાર હોત તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે ક્યાં હોત?
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 ડિસેમ્બર 2020
![]()


ડો. ઉષા ઉપાધ્યાય ગુજરાત વિધાપીઠનાં સિનિયર પ્રોફેસર અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ છે. તેઓ જાણીતાં કવયિત્રી તથા વિવેચક પણ છે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રમાં તેમણે લોક સાહિત્ય, ભારતીય કવિતાઓ, સાહિત્યની સમાનતાઓ અને મહિલાઓ અંગેના વિષયો ઉપર ઘણું કામ કર્યું છે. સંશોધન સર્જનાત્મક સાહિત્ય સંપાદનો એમનો રસનો વિષય છે. વિદ્યાપીઠ એમને માટે તીર્થ સમાન છે. નાનપણથી જ શબ્દ સાથે ઊંડો સંબંધ. ઘરમાં સાહિત્યનું વાતાવરણ હતું. માતા-પિતાએ એમને પહેલો પરિચય પુસ્તકોનો જ કરાવ્યો હતો. ગ્રીક કવિ હોમરના મહાકાવ્ય ‘ઇલિયડ’નો ગુજરાતી અનુવાદ શાળા કક્ષાએ જ વાંચી લીધો હતો. પ્રકૃતિ પ્રેમી પણ ખરાં. કાવ્યયાત્રા કેવી રીતે શરૂ થઈ એ વિશે ઉષાબહેન કહે છે, " પહેલેથી જ હું પ્રકૃતિની નજીક રહી છું. મારા પિતા ઘનશ્યામ ત્રિવેદી ગુજરાત વિદ્યુત બોર્ડમાં હોવાને લીધે પપ્પાનું પોસ્ટિંગ જુદી જુદી જગ્યાઓએ થયાં કરતું. એ રીતે મારું બાળપણ બિલિમોરામાં વીત્યું. દક્ષિણ ગુજરાત એ હરિયાળો પ્રદેશ. એની ઘેઘૂર વનસ્પતિનો લાભ મને ભરપૂર મળ્યો. ઉમાશંકર જોશીની પંક્તિઓ; વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ ..!ની દીક્ષા નાનપણમાં જ મળી. અખૂટ ઉત્સાહ અને સૌંદર્યના પાઠ પ્રકૃતિ પાસેથી શીખી.
આ ગીતને સ્વરબદ્ધ કરીને ગાનાર કવયિત્રી નંદિતા ઠાકોર વાગ્ગેયકાર કહી શકાય. અમેરિકામાં ‘સ્વરાંકન’ નામે સુગમ સંગીતનું ગૃપ ચલાવે છે. ‘અમે-તમે અને આપણે’ નામની ફેસબુક સિરીઝમાં એમણે અનેક નામી-અનામી બહેનોનાં સર્જનને રજૂ કર્યાં છે, જે હવે એમની યુટ્યુબ પર પણ સાંભળી શકાય છે. આ ગીત વિશે નંદિતા ઠાકોર કહે છે, "મારે ક્યાંક કાવ્યપઠન કરવાનું હતું ત્યારે મારા પપ્પાએ આ કાવ્ય સૂચવ્યું હતું. જળ બિલ્લોરી શબ્દનો લય મને બહુ ગમ્યો. શબ્દ અને કાવ્ય બન્નેમાં અપાર શક્યતાઓ રહેલી છે. તમે પેઈન્ટર હો તો એમાં ચિત્રો દેખાય, ડાન્સર હો તો નૃત્ય દેખાય, મૂવમેન્ટ્સ કરવાનું મન થાય. મને પણ તરત કમ્પોઝ કરવાનું થયું હતું. જો કે, પછી એ ઘણાં વર્ષે થયું. માત્ર કવયિત્રીઓની રચનાઓનો શો બે વર્ષ પહેલાં અમેરિકામાં કર્યો ત્યારે જે રીતે મનમાં આવ્યું એ જ રીતે કમ્પોઝ થયું. આ ગીત અમે પાંચ છ બહેનોએ સાથે ગાયું હતું. બધાને બહુ જ ગમ્યું. સેકન્ડ અંતરામાં વેરીએશન લઈને તબલાંના બોલ બોલીને નાખ્યા. પછી તો એ ઘણી વાર ગવાયું. ઉષાબહેનનું એક હરિગીત મીરાં ને મેવાડ … પણ અનાયાસે કમ્પોઝ થઈ ગયું હતું. પરંતુ, જળ બિલ્લોરી ગીત મને ગાવાની ખૂબ મજા આવે છે.
એકીકૃત બિહારની સત્તરમી અને વિભાજિતની પાંચમી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી એન.ડી.એ. ગઠબંધને ૧૫ બેઠકોની બહુમતીથી સત્તા જાળવી રાખી છે. ૧૧ કરોડની વસ્તી અને ૭.૭૯ કરોડ મતદાર ધરાવતા બિહારમાં દેશની કોરોનાકાળમાં યોજાયેલી આ પ્રથમ ચૂંટણીમાં રાજ્યની આરોગ્યની સ્થિતિ, સરકાર વિરોધી ભાવના, સ્થળાંતરિત મજૂરોનો સવાલ, બેરોજગારી, ગરીબી, શિક્ષણ, પૂર, વિકાસ, રાજ્યની આર્થિક હાલત અને જાતિવાદ જેવા સ્થાનિકથી લઈને સરહદે ચીન સાથે અશાંતિ, અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી, નાગરિકતા-સંશોધન કાનૂન, ત્રિપલ તલાક પર પ્રતિબંધ, રામમંદિર, શ્રમ અને કૃષિકાયદા જેવા રાષ્ટ્રીય ચૂંટણી-મુદ્દાઓ પર જનમત વ્યક્ત થાય તેવી આશા હતી.