શબ્દલીલા
અસમાનતાને ઓગાળવા માટે પ્રયોજાતા નવા શબ્દોની વિચિત્ર નિયતિ હોય છે. અસમાનતા સામેની આગ ચળવળને બળતણ પૂરું પાડે છે, તો ક્યારેક એ આગમાં સૂકા ભેગું લીલું પણ બળતું હોય છે. તેનો એક નમૂનો રજનીકુમાર પંડ્યા સાથે થયેલી વાતચીત અને તેમની પાસેથી મળેલી વિગતોમાંથી જાણવા મળ્યો.
રજનીકુમાર પંડ્યાએ તેમની બેહદ વખણાયેલી નવલકથા ‘કુંતી’માં એક પાત્રના મોઢે સંવાદ મૂક્યો હતો, ‘હિંમતકુમાર, ઘણાંને પુરુષાર્થ ફળે છે. તમને સ્ત્રીયાર્થ ફળ્યો.’ વર્ષ ૧૯૮૯-૯૦ દરમિયાન આ નવલકથા ‘ચિત્રલેખા’માં હપતાવાર પ્રગટ થઈ, ત્યારે ‘સ્ત્રીયાર્થ’ શબ્દ ચલણમાં ન હતો. એ નિતાંત રજનીકુમારની સર્જકતાનું પરિણામ હતો. અભિવ્યક્તિના ધસમસતા પ્રવાહમાં, નીપજાવવા ખાતર નહીં, પણ સ્વાભાવિક ક્રમમાં નીપજી આવતા નવા શબ્દો રજનીકુમારના લેખનની ખાસિયત છે. તેમણે યોજેલા ‘સ્ત્રીયાર્થ’ પાછળનો તર્ક સ્પષ્ટ હતો : પુરુષ કરે તે પુરુષાર્થ, તો સ્ત્રી કરે તે સ્ત્રીયાર્થ કેમ નહીં?
૧૯૯૦ના અરસાના નારીવાદી વિમર્શમાં આ શબ્દ પોંખાય ને ચલણી બને એવી પૂરી સંભાવના હતી. પણ બન્યું તેનાથી સાવ ઊલટું. બકુલાબહેન ઘાસવાલાએ ‘સ્ત્રીયાર્થ’ શબ્દ સામે વાંધો ઉઠાવતું ચર્ચાપત્ર સુરતના દૈનિક ‘ગુજરાતમિત્ર’માં લખ્યું. ત્યાર પછી બીજી કેટલીક બહેનોએ પણ તેમના વાંધાને સમર્થન આપતાં ચર્ચાપત્રો લખ્યાં. એ વાતનાં આઠેક વર્ષ પછી, ૧૯૯૮માં ‘ટીવીના પડદે રજૂ થતું નારીરૂપ’ એ વિષય પર નવલેખિકાઓ માટેની એક શિબિર તીથલમાં યોજાઈ હતી. તેમાં વક્તા તરીકે રજનીકુમારે સ્ત્રીગૌરવના હેતુથી – એ સંદર્ભે ‘સ્ત્રીયાર્થ’ શબ્દ પહેલી વાર પ્રયોજ્યાનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેમના પર નવેસરથી પસ્તાળ પડી. એક બહેને કહ્યું કે ‘અમારે એવા સદ્ભાવની જરૂર નથી’, તો બીજાં બહેને કહ્યું,’ તમારી આ સાઇકોલૉજી એમ બતાવે છે કે તમે પુરુષો સ્ત્રીઓને નિર્માલ્ય ગણો છો.’ બે-ચાર બહેનોએ તો વળી, ખબર નહીં શું સમજીને, ‘તમારે પણ મા-બહેન-પત્ની-પુત્રી હશે’, એવું આક્રમકતાથી કહ્યું — જાણે, ‘સ્ત્રીયાર્થ’ શબ્દથી સ્ત્રીજાતિનું અપમાન થતું હોય.
તીથલની એ શિબિરમાં બીજાં બહેનોની સાથે ભાવનગરનાં પ્રતિભાબહેન ઠક્કર પણ હાજર હતાં. વર્ષો પછી, ૨૦૧૫માં પ્રતિભાબહેને લેખિકાઓનું એક વૃંદ સ્થાપ્યું અને તેનું નામ આપ્યું ‘સ્ત્રીયાર્થ’. તેમાં ઘણી બહેનો ઉત્સાહભેર સામેલ થઈ. અત્યાર લગીમાં ‘સ્ત્રીયાર્થ’ વૃંદ તરફથી એ જ નામે કેટલાંક પ્રકાશનો પણ થયાં છે. ત્યારે એવો સવાલ સહજ થાય કે ૧૯૯૦માં ને ૧૯૯૮માં ‘સ્ત્રીયાર્થ’ શબ્દનો ઉગ્ર વિરોધ કરનારાં બહેનોનો ‘સ્ત્રીયાર્થ’ વિશે અભિપ્રાય હવે બદલાયો હશે કે અગાઉ એ શબ્દ કોઈ પુરુષ દ્વારા યોજાયો, તેની સામે વાંધો પડ્યો હશે સાચું કારણ તો ત્યારે વાંધો પાડનારાં અને હવે તે શબ્દનો ઉત્સાહભેર સ્વીકાર કરનારાં બહેનો જ કહી શકે.
રજનીકુમારે નીપજાવેલો શબ્દ ઝુંબેશના ભાગ રૂપે નહીં, સર્જકતાની અભિવ્યક્તિ રૂપે હતો. સમાનતાના ઊંચા આદર્શની દૃષ્ટિએ ઇચ્છનીય તો એ ગણાય કે પુરુષો ‘પુરુષાર્થ’ ન વાપરે, સ્ત્રીઓ ‘સ્ત્રીયાર્થ’ ન વાપરે અને બંને ‘મનુષ્યાર્થ’ જેવો કોઈ સર્વસામાન્ય શબ્દ અપનાવે — જેમ, ગુજરાતી ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના ટૂંકા ગાળાના તંત્રી-અવતાર દરમિયાન, ‘નિરીક્ષક’તંત્રીએ મહિલાઓના આત્મકથાનકની કૉલમ માટે ‘પ્રથમ પુરુષ એકવચન’ને બદલે ‘પ્રથમ વ્યક્તિ એકવચન’ જેવું શીર્ષક પ્રયોજ્યું હતું. (તેમના મતે, વ્યાકરણની દૃષ્ટિએ સ્ત્રી+અર્થ = સ્ત્ર્યર્થ વધુ યોગ્ય ગણાય.)
પરંતુ મનુષ્યાર્થ જેવું કંઈ તો થાય ત્યારે ખરું. ત્યાં સુધી ‘સ્ત્રીયાર્થ’ના આરંભે આક્રમક અસ્વીકાર અને પછી ઉલ્લાસભેર સ્વીકાર પાછળનું રહસ્ય, કોઈ પણ ભાષાપ્રેમીને કે સમાજના પ્રવાહોના વિદ્યાર્થીને મૂંઝવે એવું નથી?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 24
![]()


ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એટલે ભૌતિક (physical), ડિજિટલ અને જૈવિક (biological) જગતની સરહદો ભૂંસાઈ જવી તે. તેમાં કૃત્રિમ બુદ્ધિ (AI), રૉબોટિક્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, થ્રીડી છાપકામ, જનીન – ઇજનેરી, ક્વૉન્ટમ ગણતરી અને એવી બીજી ટેક્નોલૉજીથી થતા વ્યવહારોનો સમાવેશ થાય છે. આ ક્રાંતિથી આપણે જે રીતે જીવીએ છીએ, કામ કરીએ છીએ અને એકબીજા સાથે જે વ્યવહાર કરીએ છીએ તેમાં મૂળભૂત ફેરફારો આવે છે. માનવજાતે ભૂતકાળમાં કદી અનુભવ્યા ના હોય તેવા બહોળા પ્રમાણમાં જટિલ રીતે પરિવર્તન આવી રહ્યું છે. ખાનગી ક્ષેત્ર, સરકાર અને નાગરિકસમાજ ત્રણેયે તેનો સંકલિત અને સર્વગ્રાહી પ્રતિભાવ આપવો પડે તેમ છે.
પાકિસ્તાન નામના પ્રયોગમાંથી આપણા માટે કોઈ ધડો હોય તો એ ત્રણ છે. એક તો એ કે ધર્મ જોડનારું પરિબળ નથી, બલકે એ તોડનારું પરિબળ છે. પાકિસ્તાનની સ્થાપના ઇસ્લામ ધર્મની અને ઇસ્લામ ધર્મીઓની રક્ષા માટે કરવામાં આવી હતી અને એ પછી માત્ર ૨૫ વરસમાં પાકિસ્તાનનું વિભાજન થયું હતું. ખરું પૂછો તો ધર્મ પોતે જ વિભાજન ધર્મી છે. જો એમ ન હોત તો ધર્મસંસ્થામાં આટલાં વિભાજન ન થયાં હોત. દુનિયામાં એવો કયો ધર્મ છે જે સંપ્રદાય, પેટા-સંપ્રદાય કે ફિરકાઓથી મુક્ત છે? એક પણ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ વૈષ્ણવ ધર્મનો પેટા સંપ્રદાય છે અને એમાં પાછા ચાર પેટા-સંપ્રદાય છે. આમ ધર્મ પોતે જ વિભાજન ધર્મી છે. ધર્મ જ્યારે સ્વભાવત: વિભાજન ધર્મી હોય ત્યારે એ ક્યારે ય કોઈ પ્રજાને કાયમ માટે જોડી રાખી શકે ખરો?