અમારા પરમ મિત્ર અને સુરેશ જોષી વર્તુંળના એક રત્ન સુનીલ કોઠારીનું ગઈ કાલે ૨૭મી ડિસેમ્બરે દિલ્હીમાં અવસાન થયું. ભારતે એક તેજસ્વી વિદ્વાન અને સન્નિષ્ઠ નૃત્ય-સમીક્ષક તેમ જ ઇતિહાસકાર ગુમાવ્યો. ૧૯૩૩માં જન્મ, મૃત્યુ ૨૦૨૦, ૮૭ વર્ષનું આયુષ્ય.
મુમ્બઈમાં જન્મેલા સુનીલ વ્યવસાયે તો ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ. પણ પછી એ આંકડાઓથી – ફિગર્સથી – છૂટીને નૃત્યકલાસંલગ્ન ફિગર્સમાં જ કારકિર્દી વિકસાવી. ૧૯૫૬થી સક્રિય સુનીલે ૬૪ વર્ષ લગી કરેલી કલાસેવા ગમ્ભીર અધ્યયનનિષ્ઠાનું એક આદર્શ દૃષ્ટાન્ત છે.
મને સુનીલનો પરિચય આમ તો સુરેશભાઈને કારણે કેમ કે એ ‘ક્ષિતિજ’-માં નૃત્યકલા વિશે તેમ જ ફિલ્મો વિશે લખતા. જયન્ત પારેખ અને સુનીલ કોઠારી ક્યારેક ‘જ સુ પા કો’ જેવી મિક્સ્ડ્ બાયલાઈન બનાવીને લખતા. એ રહસ્યની અમને લોકોને બહુ મૉડેથી ખબર પડેલી.
અમે મુમ્બઈમાં પહેલી વાર મળેલા, રસિક શાહને ત્યાં, ઇન્ડિયા હાઉસવાળા ઘરે. કોઈ છોકરીની વાત હતી, સુનીલ રશ્મીતાને કહે – એ છછૂંદરીની શી વાત કરું તને રશ્મીતા … કરીને ચલાવેલું. અમે બધાં બહુ હસેલાં. રશ્મીતાને એ શબ્દ ખૂબ ગમી ગયેલો એટલે જ્યારે મળવાનું થાય ત્યારે પૂછે, સુનીલભાઈ, પેલી છછૂંદરી ક્યાં છે, એને વિશે કંઈક કહો ને. તે સુનીલ કશીક વાર્તા જોડી કાઢે. હમેશાં ઉલ્લાસથી હસતા જ જોવા મળે. વાત શરૂ કરે ને ધીમે ધીમે ગમ્ભીર થઈ જાય. તે છતાં ગમે ત્યારે વાતને વિશાળ હાસ્યમાં પળોટી નાખે.
હું બોડેલી કૉલેજમાં પ્રિન્સિપાલ હતો ત્યારે નૃત્યકલા વિશે વ્યાખ્યાન માટે બોલાવેલા. મને કહે – હું મારી નૃત્યકાર છોકરીઓને લઈને આવીશ. મેં કહેલું, સુનીલભાઈ, આ તો ગામડું છે. તો કહે, ભલે ને મશ્કરીઓ કરે, બીજું શું કરશે. અને વડોદરાની મ્યુઝિક કૉલેજની ચારેક વિદ્યાર્થિનીઓ વડે મુદ્રાઓ અને અંગભંગિઓના લાઇવ દૃષ્ટાન્તો સાથે સરસ વ્યાખ્યાન કરેલું. મશ્કરી કરનારા હશે પણ સદ્ વિદ્યાના પ્રતાપે સ્તબ્ધ બલકે શાણા થઈને જોતા-સાંભળતા હતા.
ભરતનાટ્યમ્ ઓડિસી છાઉ કથક કે કુચિપુડી આદિ ભારતીય પ્રશિષ્ટ નૃત્યવિધાઓ એમનો ધ્યાનવિષય. એમણે અનેક નૃત્યકલા-વિદ્યાર્થિનીઓને તેમ જ નૃત્યાંગનાઓને ભણાવ્યું છે. કેટલીક તો દેશની મહાન નૃત્યાંગનાઓ રૂપે પ્રસિદ્ધ છે. એક વાર કોલકાતામાં એક સુખ્યાત નૃત્યાંગનાના કાર્યક્રમમાં અમે સાથે બેઠેલા. નૃત્યાંગનાના બ્લાઉઝની સિલાઇ ખભા પાસેથી બેએક ઇન્ચ ઊકલી ગઈ હશે. એ એમના ધ્યાનમાં આવી ગયેલું. કહે, હું જો એને કહીશ ને તો જીવનભર નહીં ભૂલે : તમે કહેશો? : ના, કદી નહીં, કેમ કે મને બહુ માને છે, પરફૅર્મન્સમાં આવુંતેવું અકસ્માતે બની શકે છે …
ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં ફુલ્લબ્રાઇટ પ્રૉફેસર પદે હતા અને છેલ્લે રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીમાં ઉદય શંકર ચૅર પદે હતા. બન્ને સ્થળોએ નૃત્યકલા શીખવી છે, ચર્ચાઓ – પરિચર્ચાઓ કરી છે. એમનાં અનેક પ્રકાશનોમાં ‘ભરતનાટ્યમ્ : ઈન્ડિયન ક્લાસિકલ આર્ટ ફૉર્મ’, ‘ન્યૂ ડિરેક્શન્સ ઈન ઈન્ડિયન ડાન્સ’, ‘સત્ત્રીય ડાન્સિસ ઑફ અસમ’, ’રસ : ધ ઈન્ડિયન પરફૉર્મિન્ગ આર્ટ્સ ઇન ધ લાસ્ટ 25 યર્સ’ તેમ જ ‘ફોટોબાયોગ્રાફી ઑફ રુક્મિની દેવી’ વિશિષ્ટપણે પ્રશંસનીય રહ્યાં છે.
સુનીલને પદ્મશ્રી, અને સંગીત નાટક અકાદમીએ ગૌરવ પુરસ્કાર તેમ જ ડાન્સ ક્રિટિક ઍસોસિએશન, ન્યૂ યૉર્કે લાઇફ ટાઇમ ઍચિવમૅન્ટ અવૉર્ડ અર્પ્યા છે. દિલ્હીમાં એશિયન ગેમ્સ વિલેજ ખાતે રહેતા હતા. પણ સરકાર દ્વારા તાજેતરમાં કહેવાયું કે બીજે જાવ. દુ:ખ સાથે નૉંધવું પડે છે કે અમુક કલાકારો આપણને નથી પરવડતા.
’બાંધ ગઠરિયાં’-વાળા આપણા નાટ્યકાર ચં.ચી. મહેતા સાથે તેમ જ સ્વતન્ત્રપણે સુનીલે દુનિયાભરમાં અનેક પ્રવાસો કર્યા છે. સુનીલ ક્યારે ક્યાં હોય કે હશે એની ઘણી વાર એમને પણ ખબર ન રહી હોય. ક્યારેક અમદાવાદ આવેલા, ફોન કર્યો કે આવું છું, રોકાઈશ. પણ પછી જ્યાં હતા ત્યાં જ રહી પડેલા. સાહચર્યમિત્રો સમક્ષ સુરેશભાઈ વિશે એમણે ગયા મહિને આપેલો ઑનલાઈન વાર્તાલાપ, એમનું કદાચ છેલ્લું વક્તવ્ય.
સુજોસાફો-આયોજિત સુરેશ જોષી જન્શતાબ્દી ઉત્સવમાં મારે એમને બોલાવવા હતા, સુરેશભાઈ સાથેનાં સંસ્મરણો માટે. પછી ખબર પડી કે હૉસ્પિટલમાં છે. પછી ખબર પડી કે સાજા થઈ ગયા છે. દરમ્યાન મેં વ્હૉટ્સઍપ મૅસેજ મૂકેલો કે – I hope you are okay now, can I call you? પણ એ મૅસેજ અનુત્તર રહેવા સરજાયો હશે ! સુનીલ એમના અન્તિમ પ્રવાસે ઊપડી ગયા … એમના આત્માને શાન્તિ માટે પ્રાર્થના કરીએ …
= = =
(December 27, 2020: USA)
![]()


“કૌન બનેગા કરોડપતિ ?”માં અમિતાભ બચ્ચન રિઝર્વ બેન્કની જાહેરાતમાં અને કાર્યક્રમની વચમાં આવતી જાહેરાતોમાં એક વાત અચૂક કહે છે કે કોઈ પણ બેન્ક ખાતાની વિગતો માંગે તો ન આપવી. રિઝર્વ બેન્ક કહે છે – જાણકાર બનો, સતર્ક રહો. છેતરવાની અનેક યુક્તિઓ ચાલે છે ને આપણામાંથી કેટલાક છેતરાય પણ છે. કાયદો બધાંએ જાણવો જ જોઈએ, એવું કહેવાય છે, પણ એ બધાં જ જો જાણતાં હોત તો બધાં જ વકીલ હોત ! એલ.આઇ.સી. કે મ્યુચ્યલ ફંડ અંગે ચેતવવામાં આવે છે કે એની બધી વિગતો વાંચી-જાણીને સહી કરો, પણ વાસ્તવિકતા એ છે કે એની વિગતો સાધારણ માણસ વાંચી જ ન શકે એ રીતે, એવા ઝીણા ટાઈપમાં છપાયેલી હોય છે કે તે વાંચવા બેસો તો વીમો કે ફંડ પાકી જાય. મોટે ભાગે આપણે બધાં જ સામેવાળા પર ભરોસો મૂકીને જ સહીઓ કરતાં હોઈએ છીએ ને એમાં જ ઘણીવાર છેતરાવાનું પણ થાય છે. એ ખરું કે કેટલીક કંપનીઓનો ઈરાદો છેતરવાનો નથી હોતો, પણ કેટલીક કંપનીઓ તો છેતરવા જ બજારમાં આવતી હોય છે. એમાં જે ફસાય છે તે સાધારણ માણસો હોય છે. જેની બહુ કમાણી નથી કે બહુ બચત નથી એવા માણસો છેતરાય છે. એવા માણસો કરોડોની સંખ્યામાં હોય છે ને છેતરપિંડી નાની રકમની હોય તો પણ છેતરનારને મોટો નફો રળી આપે છે.