અરે, આ તે કેવાં ટીચર
વાત કરે છે સાધુ જેવી, પોતે છે વરણાગી
‘મેં’, ‘મેં’, ‘હું’, ‘હું’, રટણ રહે ને દુલારાના દાવા
ઉધામા તો એવા જાણે દુનિયાભરનો રાજા
ના ફિકર કે ફીચર તોયે લેખાયાં ટીચર
વર્ગખંડમાં કડપ દાખવે સોટીના ચમકારે
નીચું મસ્તક, આંખો નીચી રહેતાં બાળક ચૂપ
આ પણ જાણું, તે પણ જાણું કરતા બૂમબરાડા
શકટશ્વાનની કહેતી સમજો નિતનવેલાં રૂપો
ફેટિશ લેખી નમે પૂજે સૌ બાળ કતારે ઊભાં
ભક્ત જોઈને પોરસ ચઢતાં ખીલતાં ટીચર ઝાઝું
ભાષાના તો ધોધધધૂકા ચાલે ફેંકંફેકા
એ થાયે ને એ ઉથાપે લાજ-શરમ ના આવે
હું બોલું ને ચૂપ તમે-એ શસ્ત્ર રોજ ઉગામે
વર્ગખંડની બહાર નીકળી બાળક ચણભણી રહેતા
ધાકધોકે ટીચર પાછું બૂધે સીધું કરતાં
ઊભીઆડી ચાલ ચાલીને વર્ગખંડને વ્યાપે
ને બડેખાંજી જુએ ધ્યાનથી કોણ છે આછોપાછો?
દાવ નવો એ રોજ રમે ને તૂત નવું જન્માવે
પાડે તાળી બાળ બિચારાં ખેલ રાજી થઈ ન્યાળે
ઘંટ વાગતાં મરઘો થઈને દફતર ઘેરે દોડે
વળતેદહાડે ભોળું દફતર એ જ ટીચરને ખોળે!
અરે, આ તે કેવાં ટીચર!…
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 15
![]()


૧૯૯૨માં યોશોહિરો ફ્રાન્સિસ ફુકુયામા નામના રાજ્યશાસ્ત્રના જાપાની-અમેરિકી વિદ્વાને એક ચર્ચાસ્પદ સિદ્ધાન્ત રજૂ કર્યો. જે પુસ્તકમાં તે પ્રકાશિત થયો તેનું શીર્ષક પણ ઉખાણા જેવું હતું, ‘ધ એન્ડ ઑફ હિસ્ટરી ઍન્ડ ધ લાસ્ટ મેન’ – ઇતિહાસનો અંત અને અંતિમ માનવ. તેમની દલીલ હતી કે લાંબા સંઘર્ષના અંતે માનવજાતે ઉદારમતવાદી લોકતાંત્રિક રાજ્ય પ્રાપ્ત કર્યું છે અને હવે આપણને કદાચ (રાજ્યતંત્રની વધુ સારી પદ્ધતિ માટે) આગળ જવાની જરૂર નહિ જણાય. હવેથી રાજ્યશાસ્ત્ર આખી સંસ્કૃતિનું પરિવર્તન કરી નાખી શકે એવા વિચારોના બદલે પરચૂરણ વિચારોનો જ વહેવાર કરશે. આ તો તેમની દલીલનો એક ભાગ હતો. બીજા ભાગમાં તેમનું માનવું હતું કે આપણી જૂની, ભુલાઈ ગયેલી જંગલી ટેવો ક્યારેક ફરી સપાટી પર આવી શકે છે અને લાંબા સંઘર્ષના અંતે જે લાભ પ્રાપ્ત થયા છે, તેના પર પાણી ફેરવી દઈ શકે છે. સૌની સમાનતા અને મુક્તિ માટે જે મહાન ચળવળો થઈ તે ભુલાઈ પણ જઈ શકે છે. દલીલના બે ભાગ ભેગા થઈને એકવીસમી સદીમાં ઇતિહાસની એકતરફી આગેકૂચનો બિલકુલ અંત પણ લાવી શકે છે. ફુકુયામાને સંસ્કૃતિઓના ભાવિ અંગે ભારે જિજ્ઞાસા હતી, અને તેનાથી પ્રેરાઈને તેમણે એવી આશંકા વ્યક્ત કરી કે એક સમયની બર્બરતાથી લિબરલ ડેમોક્રસી સુધીની પ્રગતિ પછી માનવજાત ક્યાંક ક્ષુલ્લક વિચારોમાં, અસ્થિરતામાં, પુરાણા ભયમાં અને જુનવાણી સંકુચિત માનસિકતાની જાણે કે આધુનિક આવૃત્તિમાં ગર્ત ન થઈ જાય.