જાણીતા ઉર્દૂ ગઝલકાર અને હિન્દી ફિલ્મો માટેના પટકથાલેખક જાવેદ અખ્તરે તાજેતરમાં હિન્દુત્વવાદીઓની તુલના તાલેબાનો સાથે કરી ત્યારે વિવાદ જાગ્યો હતો. ઘણા લોકોએ તેમણે કરેલી તુલના યોગ્ય ગણાવી હતી અને હિન્દુત્વવાદીઓનાં સંકુચિત વિચારો અને વ્યવહારનાં ઉદાહરણ આપ્યાં હતાં તો હિન્દુત્વવાદીઓએ તેમની ભાષા(એ કેવી છે એ તો તમે જાણો જ છો)માં જાવેદ અખ્તરની આકરી નિંદા કરી હતી.
જાવેદ અખ્તરે તાલેબાનો અને હિન્દુત્વવાદીઓની કરેલી તુલના સો ટકા સાચી નથી, અંશત: સાચી છે. તાલેબાનો ધર્મનિષ્ઠા ધરાવે છે અને ધાર્મિક રાજકારણ કરે છે જ્યારે હિન્દુત્વવાદીઓ (સંઘપરિવાર અને તેના નેતાઓ) ધર્મનિષ્ઠા વિનાનું ધાર્મિક રાજકારણ કરે છે. પહેલા પ્રકારના રાજકારણને મૂળભૂતવાદ (ફન્ડામેન્ટલિઝમ) તરીકે ઓળખાવવામાં આવે છે અને બીજા પ્રકારના ધર્મનિષ્ઠા વિનાના ધાર્મિક રાજકારણને કોમવાદ (કમ્યુનાલિઝમ) તરીકે ઓળખાવવામાં આવે છે. મૂળભૂતવાદીઓ ધર્મના
મૂળભૂત સિદ્ધાંતોની બાબતમાં બાંધછોડ કરતા નથી, આકંઠ નિષ્ઠા ધરાવે છે અને ખરેખર એમ માને છે કે સંસાર અત્યારે જે પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે એનું કારણ ધર્મના માર્ગેથી ફંટાઈ જવાનું છે. તમે તમારા ઈશ્વર માટે શ્રદ્ધા ધરાવતા હો તો તેના આદેશની અવગણના કેવી રીતે કરી શકો? બધાને એક ખીલે બાંધવા જોઈએ, બાકી સંખ્યાના ધોરણે બળાબળની રમત રમવી એ ધર્મનો દુરુપયોગ છે. તાલેબાનો અને બીજા અનેક મુસલમાનો આ રીતે મૂળભૂતવાદીઓ છે.
આપણે તેમની સાથે સંમત થઈએ કે ન થઈએ, પણ એટલું ખરું કે તેઓ તત્ત્વનિષ્ઠા ધરાવે છે, ટકોરાબંધ તત્ત્વનિષ્ઠા ધરાવે છે અને માટે તેમનું રાજકારણ આખી દુનિયા જોઈ શકે એવું ખુલ્લું, પ્રામાણિક અને પોતાની જાન કુરબાન કરનારું હિંમતવાળું હોય છે. તેઓ બે મોઢે બોલતા નથી, અનેક મોઢે બોલતા નથી, સગવડ મુજબ સૂર બદલતા નથી, પોતાની વાત છૂપાવતા નથી, દુનિયાની પરવા કરતા નથી, ટોળાંમાં તેઓ ફરતા નથી, ટોળાં રચતાં નથી, ટોળાંને ઉશ્કેરતા નથી, ટોળાંની વચ્ચે સલામતી અને બહાદુરી શોધતા નથી, પ્રતિકૂળતાઓની વચ્ચે પણ તેઓ ઊભા રહેવાની ખુમારી ધરાવે છે અને જાન ફગાવી દેતા ડરતા નથી. તેઓ તેમની તત્ત્વનિષ્ઠા માટે પોતાનાંઓને પણ રસ્તામાંથી દૂર કરવામાં સંકોચ કરતા નથી અને આજે મુસ્લિમ જગતમાં આ જ બની રહ્યું છે.
આગળના લેખોમાં કહ્યું હતું એમ કોઈ ધર્મ ફિરકામુક્ત નથી એટલે ધર્માનુયાયીઓને એક ખીલે બાંધવા હોય અને વિધર્મીઓને પણ અંદર લઈ આવવા હોય તો સધર્મીઓ અને ધર્માંતર કરાવીને સધર્મી બનાવેલા વિધર્મીઓને કયા ફિરકાના ખીલે બાંધવા એ સમસ્યા છે. આને પરિણામે મુસ્લિમ વિશ્વમાં મૂળભૂતવાદીઓ પોતપોતાની મૂળભૂત ધર્મનિષ્ઠા સ્થાપિત કરવા માટે આપસમાં લડી રહ્યા છે.
ધર્મના નામે કોમવાદી રાજકારણ આ અર્થમાં સલામત છે. ધર્મનિષ્ઠા હોય તો મતભેદ થાય ને! ચોક્કસ ધર્મમાં માનનારા પરિવારમાં જન્મ થયો છે એટલું ધાર્મિક ઓળખ અપનાવવા માટે પૂરતું છે, એનાથી આગળ ધર્મ તરફ જોવાનું જ નહીં. આમાં સમસ્યા એટલી કે કોમવાદી રાજકારણીએ ચોવીસે કલાક ખેપાની બનીને જીવવાનું જેના તરફ મદનમોહન માલવિયાએ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે ધર્મનિષ્ઠા વિનાનું ધાર્મિક રાજકારણ તત્ત્વનિષ્ઠ કેવી રીતે હોઈ શકે? આપણો ધર્મ જે કહેતા અને કરતા રોકતો હોય એ માત્ર રાજકીય ફાયદાઓ માટે કેવી રીતે કરી શકાય? જે ધર્મને (ધર્મચીંધી મર્યાદા) ન સાંભળે અને જે ધર્મને ન અનુસરે એ સાચો ધર્મનિષ્ઠ કેવી રીતે હોઈ શકે? માત્ર કોઈની સામે રાજકીય સરસાઈ મેળવવા માટે ધર્મચીંધી મર્યાદા ઓળંગવાની?
આઝાદી પહેલાં મુસલમાનોમાં ઇસ્લામનું મૂળભૂતવાદી રાજકારણ અને કોમવાદી રાજકારણ એમ બન્ને ધારાઓ અસ્તિત્વમાં હતી. મૌલવીઓ મૂળભૂતવાદી રાજકારણ કરતા હતા અને ભણેલાગણેલા આર્થિક રીતે સંપન્ન મુસલમાનો કોમવાદી રાજકારણ કરતા હતા. ઉદારમતવાદી સેક્યુલર મુસલમાનો આ બેની વચ્ચે ભીંસ અનુભવતા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મૂળભૂતવાદી મુસલમાનો હતા તેમાંના મોટાભાગના મુસલમાનો ભારતના વિભાજનના વિરોધી હતા અને જે લોકો અંગત જીવનમાં પ્રગતિશીલ પણ રાજકારણમાં કોમવાદી હતા એ બધા જ ભારતના વિભાજનના હિમાયતી હતા. પાકિસ્તાન એ લોકોને જોઈતું હતું જેઓ અંગત જીવનમાં ઉદારમતવાદી પણ કોમવાદી મુસલમાનો હતા, ધર્મનિષ્ઠ મુસલમાનોને નહોતું જોઈતું.
પણ આમાં આશ્ચર્ય થવા માટે કોઈ કારણ નથી. કારણ કે કોમવાદી મુસ્લિમ નેતાઓને ધર્મ સાથે કોઈ લેવાદેવા નહોતી, તેમને તો સત્તા જોઈતી હતી અને સત્તા મેળવવામાં સંખ્યા મદદરૂપ થઈ શકે, ધર્મનિષ્ઠા મદદરૂપ ન થઈ શકે. ઊલટી ધર્મનિષ્ઠા તો અવરોધરૂપ બને. આપસી વિભાજન પેદા કરે. હિંદુ બહુમતી દેશમાં મુસલમાનો લઘુમતીમાં (પાછી સાવ લઘુમતી નહીં, ભારતની વસ્તીમાં ૨૫ ટકાનો હિસ્સો ધરાવતી ઘણી મોટી લઘુમતી અને ઉપરથી ભારતના કેટલાક પ્રાંતોમાં બહુમતી ધરાવતી લઘુમતી) હતા એટલે સંખ્યાનિષ્ઠ કોમવાદીઓએ ધર્મનિષ્ઠ મૂળભૂતવાદીઓને માત કર્યા અને પાકિસ્તાન મેળવ્યું.
પાકિસ્તાન ધર્મનિષ્ઠા તો છોડો, મૂલ્યનિષ્ઠા વિનાના ખેપાની કોમવાદી રાજકારણનું પરિણામ છે અને પાકિસ્તાન હાજરાહજૂર તમારી સામે છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 સપ્ટેમ્બર 2021
![]()


તાજેતરમાં જ યુનાઇટેડ કિંગ્ડમની જાહેરાતને પગલે હોબાળો થઇ ગયો. યુ.કે.એ પોતાના દેશમાં આવનારા બીજા રાષ્ટ્રના નાગરિકો માટે ગાઇડલાઇનની જાહેરાત કરી. યુ.કે. દ્વારા ટ્રાફિક લાઇટ એટલે કે લાલ, લીલી અને પીળી એમ ત્રણ કેટેગરીમાં કયા રાષ્ટ્રોને પ્રવેશ આપવો અને ન આપવોની નીતિ નક્કી કરાઇ હતી, અને ઑક્ટોબરમાં, આ નિયમોમાં ફેરફાર કરવાનું નક્કી થયું. આ નિયમો અનુસાર પીળી એટલે કે એમ્બર સિગ્નલ મળેલા દેશોની લિસ્ટને ગ્રીન સિગ્નલ મળેલા દેશોના લિસ્ટ સાથે ભેળવી દેવાની વાત હતી અને રેડ સિગ્નલ મળ્યું હોય તેવા દેશોને અલગ રાખવાના. આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવાના હેતુથી યુ.કે. સરકાર આ ગડમથલમાં હતી. નવા નિયમો અનુસાર રાષ્ટ્રોના વેક્સિનેશન સ્ટેટસને આધારે ત્યાંના નાગરિકોને વિઝા આપવો કે નહીં તે નક્કી કરવામાં આવશે તેમ અનુસરવાનું નક્કી થયું. પણ વેક્સિનને મામલે યુ.કે.એ જે જાહેરાત કરી તેનાથી હોબાળો થઇ ગયો અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર અણધાર્યું દબાણ આવી ગયું.
કોવિશીલ્ડ વળી યુ.કે.ના ઑક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાનું જ ભારતીય વર્ઝન છે પણ છતાં ય આ ભેદભાવની નીતિને કારણે સરકારથી માંડીને આમ જનતામાં રોષ ભભૂકી ઊઠ્યો. ભારતના સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના પૂણે પ્લાન્ટમાં એસ્ટ્રાઝેનેકાના ભારતીય વર્ઝનનું ઉત્પાદન થયું છે છતાં ય ભારતને યુ.કે.એ વેક્સિનનું બહાનું કરી માન્ય રાષ્ટ્રોની યાદીમાંથી બહાર રાખ્યો. આ વર્ષની શરૂઆતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તરફથી યુ.કે.ને મોકલવાના ૧૦ મિલિયન એસ્ટ્રાઝેનેકાના ડોઝમાંથી પાંચ મિલિયન તો મોકલવામાં પણ આવ્યા. (આ લખાઇ રહ્યું છે ત્યારે જાહેરાત બદલાઇ ચૂકી છે, તેની વાત આગળ ઉપર કરીએ, પણ મુદ્દો પહેલેથી સમજવો રહ્યો.)