‘અહીં’ અને ‘તહીં’
બે ચેતના સંપન્ન નાગરિક છે
જે યદા-કદા-સર્વદા
રિયલ કે વર્ચ્યુઅલ
અંદરોઅંદર અહીંની અને ત્યાંની વાતો કરે છે.
‘અહીંની અને ત્યાંની જાણકારીથી અપડેટ રહેવા માટે
‘અહીં’ ‘તહીં’ની ગતિવિધીઓ પૂછે છે
અને ‘તહીં’ ‘અહીં’ની.
‘અહીં’ અહીંની ગતિવિધિઓ જણાવે છે
અને ‘તહીં’ ત્યાંની.
‘અહીં’ અને ‘તહીં’ની
અહીંની અને ત્યાંની વાતો સાંભળી
અહીંના અને ત્યાંના ઘણાં બધાં લોકો
હસતાં હસાવતાં પોતાની દૃષ્ટિ માંજે છે
અને અહીં અને ત્યાં ચર્ચા કરે છે.
અહીં અને ત્યાંના લોકો
‘અહીં’ અને ‘તહીં’ની વાતોમાં
ગંભીરતા અને રોચકતા બન્ને મેળવે છે.
‘અહીં’ અને ‘તહીં’ની વાતો સાંભળીને જ
અહીંના અને ત્યાંના લોકોને સમજણ પડે છે
કે ના કેવળ રોચકતા ગંભીર હોઈ શકે છે
પરંતુ ગંભીરતા પણ રોચક હોય શકે છે.
‘અહીં’ અહીંનો માણસ છે
અને ‘તહીં’ ત્યાંનો.
ના ‘અહીં’ અહીંનો થઈને ત્યાંનો લાગે છે
અને ના ‘તહીં’ ત્યાંનો થઈને અહીંનો લાગે છે.
‘અહીં’ અને ‘તહીં’ અહીં અને ત્યાંની વાતો કરતા
સંમત-અસંમત થાય છે
અસંમત થવા પર ના તો ‘અહીં’
‘તહીં’ના દૃષ્ટિકોણને અહીં ખેંચી લાવે છે
ને ના ‘તહીં’ ‘અહીં’ના દૃષ્ટિકોણને ત્યાં ખેંચી જાય છે.
અહીં કે ત્યાં એવું સાંભળવામાં નથી આવ્યું કે
‘અહીં’ અને ‘તહીં’એ અહીં અને ત્યાંની વાતોથી
અહીંનું ત્યાં અને ત્યાંનું અહીં કર્યું હોય.
‘અહીં’ અને ‘તહીં’ સમાજ, રાજકારણ, ધર્મ,
કલા, સાહિત્ય, વેપાર, ઈત્યાદીની વિસંગતિઓ
નોંધે છે અને બધાંને જાણ કરે છે.
‘અહીં’ અને ‘તહીં’ ના ઘરમાં ટી.વી. જુએ છે
કે ના અહીં-ત્યાં ડાફોડિયાં મારે છે.
હા, છાપાં નિયમિત મંગાવે છે
જેથી ભૂંસાના ઢગલામાંથી સોય
શોધવાનો મહાવરો થતો રહે.
બન્ને પુસ્તકો અને જિંદગી વાંચવાના શોખીન છે
ફોનનો ઉપયોગ બન્ને કરે છે
પરંતુ બન્ને ફોનને પોતાનો ઉપયોગ કરવા દેતા નથી.
અહીં અને ત્યાંના જે સામાન્ય-અસામાન્ય વિષયોને
અહીં અને ત્યાંના સાધારણ-અસાધારણ લોકો
જોતાં નથી અથવા જોવા માગતાં નથી
એમને ‘અહીં’ અને ‘તહીં’ બારીકાઈથી જુએ છે
અને પરખે પણ છે.
‘અહીં’ અને ‘તહીં’ એમની અહીં-ત્યાંની વાતોને
તાર્કીક અને પ્રામાણિક બનાવવા માટે
ક્યારેક અહીં-ત્યાંના લોકજીવનના કિસ્સા
અને વિદ્વાનોના પ્રાસંગિક ઉદાહરણો પણ ટાંકે છે.
‘અહીં’ અને ‘તહીં’ બન્ને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ,
વૈજ્ઞાનિક્તાના પક્ષમાં, લોકતાંત્રિક અને માનવતાવાદી છે.
‘અહીં’ અને ‘તહીં’ વ્યર્થ બાબતોથી દૂર રહે છે
રામ ઇતિહાસ છે કે મિથક : એવી ચર્ચામાં નથી પડતાં
‘અહીં’ અને ‘તહીં’ની સામે ‘રામ’ શબ્દ
જ્યારે પણ મૂંઝવણ પેદા કરે છે
ત્યારે ‘આ’ ઉપસર્ગ લગાવીને ‘આરામ’ બનાવી દે છે.
‘અહીં’ અને ‘તહીં’ના મતાનુસાર
રામનું નામ બે જ અવસર પર ઉચ્ચારવું શોભાસ્પદ છે
એક — કોઈને પ્રથમ વખત મળીએ ત્યારે
અને બીજું — કોઈથી અંતિમ વખત છૂટા પડતી વખતે.
‘અહીં’ અને ‘તહીં’ના વાર્તાલાપથી શીખવા મળે છે કે
સંવાદહીનતાના આ ભયાનક ગાળામાં
એકબીજા જોડેનો સંવાદ ખૂબ જ જરૂરી છે.
~
e.mail : rupaleeburke@yahoo.co.in