એક હતું પ્રજાબંધુ. પ્રજાના અવાજને એકનિષ્ઠાથી રજૂ કરતું અમદાવાદનું સાપ્તાહિક. છઠ્ઠી માર્ચ, ૧૮૯૮એ એનો જન્મ થયેલો. એ જીવ્યું ત્યાં સુધી પારકી જણીના છઠ્ઠીના જાગતલ જેવી એની ભૂમિકા રહી હતી. એની સ્મરણયાત્રા આજે સવાસોમા મુકામે પણ એટલી જ રોચક છે.
એના પહેલા અંકના તંત્રીલેખમાં, તંત્રી ભગુભાઈ ફતેહચંદ કારભારીએ લખીને પૂછેલું, પ્રેરેલું કે ‘કહો જન્મ ધરી શી કરી દેશની સેવા?’ એ જ ધ્યેય એનું અંત સુધી રહ્યું. પ્રથમ અંક બાર પાનાંનો હતો. અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણી, મુંબઈની મરકી, સ્વામી વિવેકાનંદની વ્યાખ્યાનમાળા એવું બધું સમાવિષ્ટ હતું. ભગુભાઈ દોઢ વર્ષ એના કર્તાહર્તા રહ્યા હતા. એ દિવસોમાં પાંચસો ગ્રાહક હતા.
દોઢ વર્ષ પછી સુકાન સંભાળ્યું ઠાકોરલાલ પ્રમોદરાય ઠાકોરે. ૧૯૦૫માં સાપ્તાહિકનું પોતાનું છાપખાનું–પ્રજાબંધુ પ્રિન્ટિંગ વર્ક્સ શરૂ કરાયું. થનગનતી ભૂમિ ખાડિયામાં. એની શાખ એવી હતી કે ૧૯૦૨માં દિલ્હી દરબાર ભરાયો એમાં ગુજરાતમાંથી એકમાત્ર આમંત્રિત અખબાર ‘પ્રજાબંધુ’ હતું! ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ સામે એનો ઉપાડો કાયમ હતો. ૧૯૧૦માં દર વર્ષે પોતાના ગ્રાહકોને પુસ્તક ભેટ આપવાની યોજના શરૂ કરેલી.
૧૯૨૭ની ૧૮ ડિસેમ્બરે, ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોર તંત્રી બન્યા એ પહેલાં, એમના પુરોગામીઓ હતા જેઠાલાલ ઉમેદરાય મેવાડા (૮ વર્ષ), જગજીવનદાસ શિવશંકર ત્રિવેદી (૧૧ વર્ષ), કેસરીપ્રસાદ ઠાકોર (૬ મહિના), ચીમનલાલ મોદી (૭ વર્ષ). ૧૯૩૦માં અસહકાર આંદોલન વખતે સરકારવિરોધી ભૂમિકા મામલે અંગ્રેજ સરકારે જામીનગીરી માગી હતી. એ આપવાની ના પાડવાની સલાહ ગાંધીજીએ આપેલી અને પરિણામ ભોગવવાની તૈયારી કરી લીધી હતી. ૧૬/૧૧/૧૯૩૦થી એનું પ્રકાશન મોકૂફ રખાયું. ૧૯૩૨માં સ્વેચ્છાએ બંધ કરાયું હતું. ૧૦/૧/૧૯૩૨થી ૧૭/૬/૩૩ દરમિયાન ‘પ્રજાબંધુ’એ વિવિધ સમાચાર-પૂર્તિઓ પ્રકાશિત કરી પ્રજાકીય પ્રશ્નો, સ્વરાજની લડાઈ માટેની પોતાની નિષ્ઠા જેમની તેમ રાખેલી. લડાઈનો બૂંગિયો વાગતો જ રાખેલો.
એ પછીના દિવસોમાં, ‘ગુજરાત સમાચાર’નો જન્મ થયો. ‘પ્રજાબંધુ’ની જ્યોત એમાં ભળી, લડાઈ લડાતી રહી. ૧૯૪૦માં બધું એકાકાર થયું. પોતાના જીવનકાળ દરમિયાન, ‘પ્રજાબંધુ’એ લડેલી લડાઈ, એ માટે કરેલો સંઘર્ષ એક લાંબી કહાણી છે. બંધ કરવાનો નિર્ણય થયો ત્યારે એનો ફેલાવો સાડા ચાર હજારથી વધુ હતો.
ટાંચા સંસાધનો, સરકારની કનડગત, સ્થાપિત હિતોનો રોષ એવા તમામ પડકાર છતાં પ્રજાની પડખે રહેવાનુ ‘પણ’ આજન્મ રહ્યું. જ્યોત ક્યાંક ભળી, બુઝાઈ નહીં. એની રોચક વાતો ક્યારેક .. હમણાં તો પ્રજાબંધુને શબ્દસલામ … એની એકસો પચીસમી સ્મરણગાંઠે!
લખ્યા તા. ૬/૩/૨૨
(માહિતી સૌજન્યઃ ડૉ. રતન માર્શલના પુસ્તક – ‘ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ’, ગાંડીવ સાહિત્ય મંદિર – સુરત)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 15
![]()


‘ઇંડિયન એક્સપ્રેસ’ના જાણીતાં પત્રકાર લીના મિશ્રાએ મોટી પાનેલીની મુલાકાત લઈને મહમ્મદ અલી ઝીણાને યાદ કર્યા છે. પોરબંદરથી લગભગ 95 કિલોમીટર દૂર ઉપલેટા તાલુકામાં આવેલ મોટી પાનેલીના આઝાદ ચોકની નજીક, એક સાંકડી ગલીમાં, ઉભેલું ઝીણાબાપાનું 108 વર્ષ જૂનું બે મજલી ઘર હજુ આજે પણ અડીખમ ઊભું છે. જો કે એમાં થોડુંક સમારકામ – રિનોવેશન થયું હોય એવું લાગે છે. કાઠિયાવાડમાં ત્યારે અટક બહુ ઓછી બોલાતી. ઝીણાભાઇ પૂંજાભાઈને લોકો માત્ર ઝીણા પૂંજા (એક વ્યાપારી પેઢી) તરીકે જ ઓળખતા. હા, ઝીણાભાઇ આપણાં કાયદે આઝમ મહમ્મદઅલી જીનાહના પિતાજી હતા. લોહાણા (ઠક્કર) હતા. વેપારના વિકાસ અર્થે ત્યારે કાઠિયાવાડના અનેક વેપારીઓ માતૃભૂમિ છોડીને મુંબઈ અને કરાચી જઈને વસેલા. ઝીણા બાપા એમાના એક હતા, જેઓ પણ ધંધાના વિકાસાર્થે કરાંચી પહોંચેલા.
મહમ્મદ અલીના દાદા, અને ઝીણા બાપાના પિતાજી, પૂંજા ભાઈ ઠક્કર વિષે એક વાયકા એ પણ છે કે એમણે અન્ય ચીજ વસ્તુઓના વેપાર સાથે મચ્છી વેચવાની પણ શરૂઆત કરેલી. ચુસ્ત વૈષ્ણવ સમાજનો દીકરો મત્સ્ય ઉદ્યોગમાં ઝુકાવે, એ વાત જાણીને સમગ્ર લોહાણા સમાજે એનો પ્રતિરોધ કર્યો. છેવટે સમાજના ત્રાસથી કંટાળીને પૂંજાભાઇએ ઇસ્લામ(ઇસ્લામ ધર્મના એક પેટા પંથ ખોજા)નો અંગીકાર કર્યો. આગાખાન સાહેબના અનુયાયીઓ મોટે ભાગે હિન્દુ નામો રાખતા હોય છે.
