વડલો કહે છે વનરાયું સળગી,
મેલી દિયો જૂના માળા,
ઊડી જાવ પંખી પાંખોવાળાં …
આગાનમાં પ્રકૃતિનું એક પ્રતિનિધિ એવું ઝાડ પંખીઓને વિનવણી કરે છે કે હું સળગું છું. મારી ડાળીઓ અગનજાળથી ભડભડી ઊઠી છે. તમારા માળાઓ સળગી જવામાં હવે ઝાઝી વાર નથી. તમે જતાં રહેશો એ મોટું દુઃખ હશે. પણ તમારે હવે મને છોડી દેવાનો સમય આવી પહોંચ્યો છે. જાવ, હવે તમે જાવ!
કઠણ હૃદયે પોતાનાંઓને વિદાય કરવાં પડે છે. સૃષ્ટિના આરંભકાળમાં પંખીઓ પ્રથમ હતાં. સૂક્ષ્મ જીવાતો પછી સૃષ્ટિ પર આવનાર, આ પૃથ્વીને પૃથ્વી બનાવનાર પંખીઓ પ્રથમ હતાં. એ હવે ઓસરી રહ્યાં છે. પંખીઓની સેંકડો પ્રજાતિઓ વિનાશ પામી ચૂકી છે કે વિનાશ પામવાની તૈયારીમાં છે. આપણી આસપાસ હંમેશાં ચહકતી રહેતી ચકલીઓ ઓછી થતી જાય છે. મોર અને ઢેલનાં ટોળાં ઓછાં થતાં જાય છે. આ પંખીઓ ઈશ્વર જેવાં સર્વવ્યાપક છે. અહીં, ત્યાં, બધે-બધે પંખીઓ વસે છે. ઊડે છે, રમે છે, ચહચહાટના સંગીતથી આ દુનિયાને ભરી ભરી બનાવી દે છે. એ પંખીઓ ગાયબ થઈ રહ્યાં છે. એ પંખીઓ ધીમેધીમે ઓસરી રહ્યાં છે. શ્રાદ્ધપક્ષમાં ખબર પડે છે કે કાગડાઓ કેમ દેખાતા નથી ! ગીધપક્ષીઓ લુપ્ત થવાને આરે પહોંચેલી પંખીજાતોમાં ગણાય છે. કેમ ઓસરી રહ્યાં છે આ નિરર્થક પ્રલાપમાં જ મસ્ત રહેનારાં પંખીઓ?!
યાયાવર પંખીઓ દુનિયાભરમાં માહિતી લઈ જાય છે કે ક્યાં જળભંડારો સાબૂત છે. ક્યાં અનાજની ઊપજ તૈયારીમાં છે. ક્યાં રહેવા જેવું છે. આ સંદેશ વાહકો પારવાં પડી રહ્યાં છે. આ પંખીઓને આવવામાં સહેજ મોડું થાય તો આપણને ચિંતા થઈ જાય છે. અરે, આ વખતે હજી સુધી કેમ દેખાયાં નહીં? શું થયું હશે?
દુનિયાના વિવિધ દેશોમાં આ પંખીઓની આવનજાવનનું ચક્ર ખંડિત થઈ રહ્યું છે. ક્યાંક મોડાં મોડાં આવે છે. ક્યાંક આવતાં જ નથી પંખીઓ. આ માત્ર આપણી આસપાસનું અવલોકન નથી. બર્ડ લાઇફ ઇન્ટરનૅશનલ સંસ્થાનો અહેવાલ પણ કહે છે કે આ પંખીઓ ગાયબ થઈ રહ્યાં છે.
આ પંખીઓ દ્વારા આપણા ગ્રહ એટલે કે પૃથ્વીની તંદુરસ્તીનો આપણને સંકેત મળે છે. પંખીઓની તંત્રમાં પરિવર્તન પ્રત્યેની સંવેદનશીલતા અને પૃથ્વી પર તેમની સર્વવ્યાપકતાથી આપણને અનેક પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. પંખીઓ બોલ્યાં વિના આપણને સમજાવે છે કે ક્યાં તળાવો ખાલી થવામાં છે. કઈ જગ્યાએ પાણી પીવા જેવું રહ્યું નથી. ક્યાંક્યાં હવામાં ઝેર ઘોળાઈ ચૂક્યું છે. આવા સંકેતો આપણને હવે કોણ આપશે કે પછી એમનાં ઓછાં થવું એ જ આ સંકેત છે!
સમય સાથે વેરાન બનતાં જતાં જંગલોએ, સુકાઈ રહેલી નદીઓએ, ઓસરી રહેલાં જળાશયોએ પંખીઓનો આશરો છીનવી લીધો છે. હવામાં ઘોળાઈ ચૂકેલાં ઝેર વસમાં બની રહ્યાં છે. માણસોનો આમાં કોઈ કરતા કોઈ વાંક નથી. માણસો તો બહુ દયાળુ છે!
૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરૂચ, ૩૯૨ ૦૧૫.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 16
![]()


બર્ટ્રાન્ડ રસેલનું નામ વીસમી સદીના મહાન ચિંતકોમાં લેવાય છે અને આ વર્ષ તેમની દોઢસોમી જયંતીનું વર્ષ છે. બર્ટ્રાન્ડ 1872 વર્ષના 18, મેના રોજ બ્રિટનના મોનમોથશાયરમાં જન્મ્યા. વીસમી સદીના અગ્રગણ્ય તર્કશાસ્ત્રી તરીકે તેમની ઓળખ અપાય છે. આ ઉપરાંત, તેઓ ગણિત, સમાજશાસ્ત્ર, ધર્મ અને નીતિ જેવા વિષયોને પણ પોતાનાં લખાણોમાં આવર્યાં. દરેક વિષયને તેમણે પોતાની આગવી દૃષ્ટિથી ખેડ્યો અને તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. તેમના આ અભ્યાસથી જ તેઓએ અદ્વિતીય સાહિત્ય રચ્યું અને 1950ના વર્ષમાં તેમને નોબલ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા. બર્ટ્રાન્ડ રસેલની આટલી સિદ્ધિથી જ તેઓ મહાન બની ચૂક્યા હતા. પણ આ ઉપરાંત તેઓ વિચાર-વાણી સ્વાતંત્ર્યના હિમાયતી રહ્યા અને તે અંગે જ્યાં બોલવાનું આવ્યું ત્યાં ખૂલીને બોલ્યા. સામ્રાજ્યવાદનો તેઓ સતત વિરોધ કરતા રહ્યા અને ભારતને આઝાદી મળે તે માટે પણ તેમના પ્રયાસો હતા. આ પ્રયાસરૂપે સ્થપાયેલી સંસ્થા ‘ધ ઇન્ડિયા લિગ’ના તેઓ અધ્યક્ષ હતા. વીસમી સદીના મધ્યમાં જ્યારે પરમાણુ શસ્ત્રોની ધમકીઓ છૂટથી અપાતી હતી તે દરમિયાન તેમણે પરમાણુ શસ્ત્રોનો વિરોધ જોરશોરથી ઉપાડ્યો. અમેરિકા અને બ્રિટનના સામ્રાજ્યવાદનાં વલણના તેઓ પ્રખર વિરોધ કરતા રહ્યા. એડોલ્ફ હિટલર, સ્ટાલિનના શાસનનો પણ તેઓ વિરોધમાં સતત લખતાં-બોલતાં રહ્યા. આમ આજીવન તેમનો અભ્યાસ અને યુદ્ધ પ્રત્યેનો વિરોધ ચાલતો રહ્યો. જગતવ્યાપી શાંતિ સ્થાપવા તેઓ સતત ચિંતનશીલ રહ્યા અને આ અર્થે જ તેમણે ‘વિશ્વ સરકાર’નો ખ્યાલ રજૂ કર્યો. માનવજાતિના ઉદ્ધાર માટે બર્ટ્રાન્ડ રસેલનું કાર્ય ક્યારે ય ભૂંસાય એવું નથી. તેમના વિશે ગુજરાતી ભાષામાં પણ ખૂબ લખાયું છે. અમેરિકામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા ગગનવિહારી મહેતાએ તેમના વિશે વિસ્તૃત લેખ કર્યો છે. ભોગીલાલ ગાંધીએ રસેલના ભારતવિરોધી વલણ વિશે અભ્યાસલેખ કર્યો છે. ફાધર વોલેસ રસેલના ગણિતના અભ્યાસ વિશે લખ્યું છે. આમ, અનેક ગુજરાતી લેખકોએ તેમના જીવનનાં જુદાં જુદાં પાસાં વિશે રજૂઆત કરી છે.
