જો આ સંજોગોને આપણે યુદ્ધ કહીએ તો તે કોતરોમાં લડાય એવું યુદ્ધ નથી. હવે યુદ્ધની જીત જમીનના ટુકડાઓ જીતીને નહીં, પણ નેરેટિવ કોણ બહેતર ઘડે છે, કોણ વૈશ્વિક છબી સાચવે છે અને કોણ અર્થતંત્ર મજબૂત રાખે છે તેના આધારે નક્કી થાય છે.

ચિરંતના ભટ્ટ
અખબારોના મથાળાં હોય કે, ટેલિવીઝન સ્ક્રીન હોય કે સેલફોનની સ્ક્રીન્સ હોય – એર સ્ટ્રાઇક્સ, ડ્રોન વૉરફેર અને રાષ્ટ્રવાદી ભાવના જગાડતા વાક્યો આપણી સવાર, સાંજ અને રાતનો હિસ્સો બની ગયા છે. લોકોમાં ડર છે તો એક અલગ પ્રકારનો જુસ્સો પણ છે. ભારત અને પાકિસ્તાન યુદ્ધે ચઢ્યાં છે? પહલગામમાં થયેલો આતંકી હુમલો, ઑપરેશન સિંદૂર અને પછી જે સિલસિલો શરૂ થયો છે તે જોતાં તો એમ જ લાગે છે કે આપણે યુદ્ધના ઉંબરે ઊભાં છીએ અને આપણો એક પગ ઉંબરાની બહાર છે. 22મી એપ્રિલે પહલગામમાં થયેલા દર્દનાક હુમલામાં 26 જણાના જીવ ગયા, ભારતે ઑપરેશન સિંદૂર લૉન્ચ કર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં રહેલી આતંકી છાવણીઓનો ખુરદો બોલાવી દીધો. પાકિસ્તાને ઑપરેશન સિંદૂરનો વળતો પ્રહાર લશ્કરી રાહે કર્યો જેને કેટલાક લોકો 2019ના બાલાકોટ અથવા 1999ના કારગીલ પછીનો સૈથી મોટો હુમલો ગણાવી રહ્યા છે. આ માત્ર બોમ્બિંગ, મિસાઇલો, ડ્રોન અટેક કે સરહદોના તણાવ પૂરતી વાત નથી. રાજકીય મજબૂરી, રાજદ્વારી દાવપેચ અને તે બધાં કરતાં ય ઘણા મોટા પાયે 21 સદીમાં ચાલી રહેલા કથાનકના યુદ્ધની એટલે કે નેરેટિવ વૉરફેરની વાત પણ છે.
પહલગામમાં ધર્મને નામે આતંકવાદ ફેલાયો. આતંકવાદીઓને ધર્મ નથી હોતો એવું કહેતા હવે ખચકાટ થાય કારણ કે ધર્મ પૂછીને આતંક ફેલાવાયો. ભારતીય સરકારે પાકિસ્તાનના આતંકી જૂથો, ખાસ કરીને લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમંદની સંડોવણી હોવાની વાત કરી અને ગણતરીના દિવસોમાં જે થયું તે આ વખતે કોઈ પ્રેસ કોન્ફરન્સ નહોતી પણ એર સ્ટ્રાઇક્સ હતી.
ઑપરેશન સિંદૂરઃ સૂકા ઘાસમાં તણખો
ઑપરેશન સિંદૂર લૉન્ચ કરાયું અને આતંકીઓને તાલીમ આપતી નવ છાવણઓ પર ભારતીય સેનાએ જે રીતે હુમલો કર્યો તે બહુ ત્વરિત, વ્યૂહાત્મક અને ચોક્કસ લક્ષ્ય સાથે કરાયો. ઑપરેશન સિંદૂર સૂકા ઘાસનો તણખો સાબિત થયો. આતંકીઓને ટાર્ગેટ કર્યા હોવા છતાં પાકિસ્તાને તેને યુદ્ધનું પગલું ગણાવીને ડ્રોન અને હવાઈ હુમલાઓથી બદલો લીધો. આ સાથે ઇન્ફોર્મેશન વૉર પણ શરૂ થયું જેમ કે પાકિસ્તાને દાવો કર્યો કે તેમણે ભારતના પાંચ ફાઇટર જેટ, ત્રણ રાફેલ, એક મિગ-29 અને એક સુ-30 સહિત કેટલા ડ્રોન્સનો ખાત્મો બોલાવ્યો. જો કે ભારતે આવા કોઈ નુકસાનની પુષ્ટિ નથી કરી અને પાકિસ્તાનના દાવા પોકળ છે, અને પાકિસ્તાન ખોટી માહિતી ફેલાવે છે તેમ કહ્યું છે.
સવાલ એ છે કે ભારત અને પાકિસ્તાનના વૈમનસ્યનું ભૂત વર્ષોથી ધૂણે છે. શું આ બન્ને દેશો વચ્ચે ભડકેલા તણાવનું પરિણામ આપણને ધસમસતા પ્રવાહમાં યુદ્ધ તરફ લઈ જઈ રહ્યું છે કે પછી યુદ્ધ શરૂ થઈ જ ગયું છે? તણખામાંથી ભડકો અને પછી દાવાનળની સ્થિતિ આવતા વાર નહીં લાગે.
મર્યાદિત યુદ્ધ?
આ જે થઇ રહ્યું છે તે શું છે? મર્યાદિત સમય માટે ચાલે એવું યુદ્ધ કે પછી જેના લીધે કાનમાં બહેરાશ આવી જાય એવી મોટી આતશબાજી છે? આ લખાઈ રહ્યું છે ત્યારે હજી સુધી તો બેમાંથી એક પણ દેશે ઔપચારિક રીતે યુદ્ધની જાહેરાત નથી કરી. પણ જે ઘટનાઓ ઘટી રહી છે અને જે કંઈ સેનાનું જોર બતાડતી કવાયત માત્ર પણ નથી લાગતી. વિશ્લેષકોને મતે આ તબક્કો ‘મર્યાદિત યુદ્ધ’નો છે. એવો સંઘર્ષ જેની પર ભૂગોળ, રાજકીય ઉદ્દેશ અને ન્યુક્લિયર ઓવરહેંગની મર્યાદાઓ તો છે પણ સાથે બધા જ પ્રકારના પ્રસાર માધ્યમોથી પ્રેરિત રાષ્ટ્રવાદનો ગરમાટો પણ છે. હજી સુધી તો યુદ્ધનો પડકાર નથી કરાયો (આ લખાઇ રહ્યું છે ત્યારે). મિસાઇલ વૉરફેર કે ભૂમિગત હુમલાને ટાળવાનો પ્રયાસ ચાલુ છે. લશ્કરી વ્યૂહરચનાને સમજનારાઓનું માનવું છે કે આવો સંઘર્ષ ત્યાં સુધી ચાલે જ્યાં સુધી આર્થિક રીતે હાંફ ચઢવા માંડે અથવા તો રાજદ્વારી દબાણ આવવા માંડે. બે અઠવાડિયા સુધી આવો સંઘર્ષ ખેંચાય. જો કે રાજકારણને જ્યોતિષની દૃષ્ટિએ નાણનારાઓના મતે આ સ્થિતિ સપ્ટેમ્બર-ઑક્ટોબર સુધી ચાલી શકે છે અને નુકસાન બંને દેશોને થશે પણ ભારતને વધુ સફળતા મળશે. જુઓ જ્યોતિષને ટાંકવા પણ જરૂરી છે કારણ કે સંજોગોને નાણીએ ત્યારે એકે ય પાસાને એળે જવા દેવામાં મજા ન આવે.
પાકિસ્તાનને યુદ્ધ કરવું પાલવે એમ છે?
આમ તો સીધી રીતે જ લશ્કરી તાકાતની દૃષ્ટિએ કે વૈશ્વિક નેરેટિવમાં પણ ભારતનો હાથ ઉપર છે પણ પાકિસ્તાની વ્યૂહરચના પહેલેથી જ તણાવને લંબાવવાની અને વૈશ્વિક સહાનુભૂતિ મેળવવાની રહી છે. એક મોટો સવાલ એ પણ છે કે પાકિસ્તાન ખરેખર યુદ્ધ લડી શકે એવી સ્થિતમાં છે ખરો? ત્યાંની અર્થવ્યવસ્થા તો વેન્ટિલેટર પર છે, ICUમાં છે. પાકિસ્તાન પર બહારનું દેવું 131 મિલિયન ડૉલર્સને વટાવી ગયું છે અને વિદેશી હૂંડિયામણના ભંડોળમાં માત્ર ત્રણ મહિનાની આયાત કરી શકાય એટલી જ રકમ છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બહુ ગંભીર છે. વિશેષજ્ઞોના મતે પાકિસ્તાન પાસે માત્ર ચારથી છ દિવસ ચાલે એટલો જ હાઇ ઇન્ટેન્સિટી લશ્કરી દારુગોળો છે. અત્યારે પણ પાકિસ્તાને કટોકટીના ભંડોળ માટે સાઉદી અરેબિયા, ચીન અને યુ.એ.ઇ. જેવા કાયમી સાથીઓ પાસે મદદ માગી છે પણ ત્યાંથી તેમને પ્રતિભાવમાં મૌન જ મળ્યું છે. આ દેશો આવું કરે તેના કારણો પણ સ્પષ્ટ છે. આ દેશોએ પોતાનાં હિતોને ગણતરીમાં લીધા છે. ભારત ગલ્ફ અને ASEAN દેશો માટે એક અગત્યનો વ્યાપારી ભાગીદાર છે. તેલના ભંડારો પર આધારિત તેમના વ્યાપાર ઉપરાંતના તેમના વિઝન અને વૈશ્વિક સ્તરે વ્યાપારી વૈવિધ્યકરણ કરવાની દિશામાં આગળ ધપવું હશે તો તેમને પાકિસ્તાન સાથેનું નૈકટ્ય અને ભારત સાથેનું અંતર કોઈ કાળે પોસાય તેમ નથી. ઓર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન જે મોટેભાગે ગર્જના કરીને પાકિસ્તાનને ટેકો આપે છે તેની તરફથી પણ પાકિસ્તાનને સંયમ રાખવાની જરા અમથી ટકોર કરી છે. રાજકીય રીતે પાકિસ્તાન અસ્તવ્યસ્ત છે. ખાદ્ય પદાર્થોના વધતા ભાવ, વીજળીની અછત, IMF દ્વારા કડક શરતોનું અમલીકરણ પણ ચાલે છે. રાજકીય આર્થિક નિરીક્ષકોનું માનવું છે કે આ તણાવભર્યા દાવપેચોનો હેતુ આંતરિક વિભાજનને ઘટાડી, ઘરેલુ નિષ્ફળતાઓથી લોકોનું ધ્યાન દૂર કરી, કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય દબાણ કરવવાનો પણ હોઈ જ શકે છે. જો કે ઐતિહાસિક રીતે એ પુરવાર થયેલું જ છે કે આવા દાવપેચ ભાગ્યે જ સફળ થાય છે.
ભારતનો હાથ કેમ ઉપર?
ભારતની સ્થિતિની વાત કરીએ તો સ્વાભાવિક છે આપણે પાકિસ્તાન કરતાં કંઈ ગણા આગળ અને બહેતર છીએ, મજબૂત છીએ. લશ્કરી સ્તરે સંસાધન-શસ્ત્રના મામલે અને વિદેશી નીતિઓની સજજ્તાએ આપણને સરહદી ટકરાવ માટે તૈયાર રાખ્યા છે. રાફેલ જેટ્સ હોય કે તૈનાત સૈના હોય, ભારતનું રક્ષા તંત્ર સાબદું છે. જો કે આ વખતે ભારતે ઑપરેશન સિંદૂર દ્વારા એ સાબિત કર્યું કે અત્યાર સુધી આતંકી હુમલાઓ પછી ભારતે આકરી પ્રતિક્રિયાઓ નહોતી આપી પણ હવે ભારત એવું નહીં કરે. લશ્કરી અધિકારી અને વિદેશ સચીવે કરેલી પહેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ છેલ્લાં શબ્દો ‘નો મોર’ જ હતા. ભારતે આતંકી હુમલાઓ પ્રત્યેની પોતાની પ્રતિક્રિયા આપવાની વ્યૂહરચના બદલી હોવાનો એ પુરાવો છે. પહલગામની દુર્ઘટના પછી ઉગ્ર નજાક્રોશ અને આવનારી ચૂંટણીઓના ઓછાયા વચ્ચે સરકાર પાસે જવાબ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં. શાંતિ જાળવવી કે ઉદાસીનતા દાખવવવી વાળું વલણ રાજકીય રીતે જ કદાચ જોખમી નીવડત. આ રાજકીય મક્કમતાને પગલે ભારત એક એવી સ્થિતિમાં છે જ્યાંથી પાછી પાની કરવી હવે શક્ય નથી. પહેલાંના સંઘર્ષોની માફક જ્યારે બેક ચેનલ ડિપ્લોમસીને કારણે નજર સામેની આગ શમી જતી હતી એવું હવે નથી. આ વખતે સ્થાનિક રાજકીય નેરેટિવ્સ પર પણ દાવ લાગેલો છે. સોશ્યલ મીડિયા પર બદલાના હેશટૅગ્ઝ અને રાષ્ટ્રભક્તિથી ભરપૂર ચેનલ કવરેજ આપણા દિવસનો હિસ્સો બની ગયા છે. હુમલો કર્યા પછી કે જવાબ વાળ્યા પછી અટકી જઇને ડિ-એસ્કેલેટ કરવાની રાજકીય કિંમત આટલી ઊંચી આ પહેલાં ક્યારે ય નથી રહી.
અમેરિકાને આ સંઘર્ષમાં રસ નથી?
આ સાથે વૈશ્વિક સ્તરે પણ સંજોગો જોવા જરૂરી છે. આખા સંઘર્ષમાં આંખે ઉડીને વળગે તેવી બાબત છે અમેરિકાનું પોતાને આખી વાતમાંથી બહાર રાખવું. યુ.એસ.એ.ના વાઇસ પ્રેસિડન્ટ જે.ડી. વેન્સે તો કહી દીધું, “આ અમારો મામલો નથી, અમે આ દેશોને રોકી શકીએ તેમ નથી.” દાયકાઓથી જે ચાલતું આવ્યું છે તેનાથી આ અભિગમ સાવ જુદો છે. આ પહેલાં જ્યારે પણ દક્ષિણ એશિયામાં તણાવ વધતો ત્યારે અમેરિકાએ મધ્યસ્થી બનીને ધીરજ અને શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે. હવે અમેરિકા પોતાના આંતરિક પ્રશ્નો, ચીન અને યુક્રેન પર ધ્યાન આપે છે. ભારત અને પાકિસ્તાન બાખડે અને પોતે તેનો ઉકેલ આપે એ બધું કરવામાં અત્યારે યુ.એસ.એ.ને રસ નથી. યુરોપે તો માત્ર રૂઢિગત રીતે ચિંતા દર્શાવીને નોંધ લીધી છે. ચીને જવાબદારીપૂર્વકના વહેવારની આશા રાખી છે જો કે છાને ખૂણે તો તે આ સંઘર્ષને પોતાને ભારત સાથે સરહદ પર જે તણાવ છે તેને ધ્યાનમાં રાખીને નિહાળી રહ્યો છે. રશિયા જે યુક્રેનમાં ગુંચવાયો છે તેણે સાવ અતડા રહેવાનું નક્કી કર્યું છે. વિશ્વ આખું જે થાય તેની પર મૂંગા મોઢે નજર રાખી રહ્યું છે.
ઇન્ફર્મેશન વૉરઃ એક સમાંતર યુદ્ધ!
વળી એક વસ્તુ આપણે સ્વીકારવી રહી કે આ યુદ્ધ માત્ર શસ્ત્રો નહીં પણ બાઇટ્સથી પણ લડાઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાનની ડિજિટલ તાકાત કામે લાગી છે. ડીપ ફેક વીડિયો, AI-આધારિત સેટેલાઇટ ઇમેજિઝ, જૂના ફૂટેજને લાઈવ હુમલો કરીને બતાડવાના પ્રચાર-પ્રસાર ચાલી જ રહ્યાં છે. ફેક્ટ ચેકિંગ પર આપણી તરફથી કામ થઈ તો રહ્યું છે પણ સોશ્યલ મીડિયાની ભીડને હળવાશથી ન લેવાય. ભારતના માઇક્રો અને મેક્રો મીડિયાને માટે વિશ્વવ્યાપી વિશ્વાસ મેળવવો અઘરો નથી. જો કે પાકિસ્તાન પણ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ મશનરી ચલાવતો રહ્યો છે. ખોટા એકાઉન્ટ્સ, ટેલિગ્રામ ગ્રૂપ્સ અને વિદેશી ડાયસ્પોરાના માધ્યમથી પાકિસ્તાન દુનિયાનું ધ્યાન પોતાની તરફ જાય તેનો પ્રયાસ કર્યા કરે છે. આ યુદ્ધ ગ્લોબલ નેરેટિવનું, દૃષ્ટિકોણ રચવાનું યુદ્ધ પણ છે. વૈશ્વિક સ્તરે તમારા પ્રત્યે અન્ય રાષ્ટ્રો શું અનુભવે છે તેના પર પણ તમારી હાર કે જીતનો આધાર રહેલો છે.
બાય ધી વેઃ
ભારત-પાકિસ્તાન ટકરાવ ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ દોરી જશે? અણુ શસ્ત્ર ધરાવતા બે દેશો વચ્ચે તણાવ થાય તો આ વિચાર આવે જ પણ મોટાભાગના વિશેષજ્ઞોના મતે એવું શક્ય નથી. શિત યુદ્ધ થયું ત્યારે જે સ્થિતિ હતી તેમ આજે વિશ્વ બે અલગ બ્લોક્સમાં નથી વહેંચાયેલું, સોવિયત બ્લોક નથી તો યુનાઇટેડ NATO પણ દક્ષિણ એશિયામાં કોઈ નેરેટિવ ખડું કરવા માટે ઉદાસિન છે. આ કદાચ એક લાંબો પ્રોક્સી સંઘર્ષ બને. જે સરહદી તણાવ પુરતો સિમિત રહે. કાશ્મીરમાં આતંકી હુમલા, સાયરબ અટેક્સ અને ઇકોનોમિક ટાર્ગેટિંગની શક્યતાઓ ખડી થાય. આનું પરિણામ વિશ્વ યુદ્ધ નહીં હોય પણ આ જે છે તે વિઘાતક તો છે જ – શાંત, ધીમી ગતિએ, સતત ચાલતો સંઘર્ષ જે લાંબા ગાળે ખતરનાક સાબિત થઈ શકે છે. ખરું જોખમ ખુલેઆમ યુદ્ધનું નથી, પણ એક એવા વિષચક્રમાં ફસાવાનું છે જેમાંથી નીકળવું અશક્ય બનશે. એવી સ્થિતિ ન આવે તો સારું કે સામસામે પ્રતિક્રિયાઓ ચાલતી રહે અને બન્ને રાષ્ટ્રો લોહિયાળ સ્થિતિમાં ગુંચવેલા હોય અને બાકીનું આખું વિશ્વ આગળ વધી જાય. આ ચક્ર તોડવાની જવાબદારી સરકારોની છે. પાકિસ્તાન અને ભારત બન્નેને ગુમાવવાનું પણ બહુ છે તો સાચવવું પડે એવું ય બન્ને પાસે ઘણું છે (ભારત પાસે તો છે જ, પાકિસ્તાને તો બેઠા થવાનું છે) – અર્થતંત્ર, યુવાનો, દેશનું ભાવિ અને વૈશ્વિક માળખામાં પોતાનું સ્થાન બનાવવાની જવાબદારી પણ આ રાષ્ટ્રો પર છે. તાકાત માત્ર પહેલા હુમલામાં નહીં પણ ક્યારે ય અટકવું તેમાં પણ છે. ફિલ્મ ડિયર ઝિંદગીનો સંવાદ છે, “જિનિયર ઇઝ ટુ નો વ્હેન ટુ સ્ટોપ”. બંને પક્ષો સંવાદ તરફ પાછા ફરે તો પણ તે એક અગત્યનો રાજકીય વળાંક સાબિત થશે. જો આ લાંબુ ચાલશે તો તેમાંથી બેઠા થવામાં અને તેના નુકસાનની કળ વળવામાં દાયકાઓ લાગશે. જો આ સંજોગોને આપણે યુદ્ધ કહીએ તો તે કોતરોમાં લડાય એવું યુદ્ધ નથી. હવે યુદ્ધની જીત જમીનના ટુકડાઓ જીતીને નહીં પણ નેરેટિવ કોણ બહેતર ઘડે છે, કોણ વૈશ્વિક છબી સાચવે છે અને કોણ અર્થતંત્ર મજબૂત રાખે છે તેના આધારે નક્કી થાય છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 મે 2025