પ્રિય ઇન્દર મેઘવાલ,
તારા મોતનું ટાઇમિન્ગ ખોટું પડ્યું, દીકરા.
આઝાદીએ આણેલા વિકાસના ઢોલનગારા વાગતા હતા ત્યારે
આશ્ચર્યવાચક અને ઉદ્દગારવાચક ચિહ્નોની સામે,
તારા નાનકડા હાથે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કર્યું
અને વિકાસની ભ્રમણા પણ એક ક્ષણમાં પૂર્ણવિરામ લાગી ગયું.
અણ્ણાભાઉ સાઠે
ડરના માર્યા દોઢ જ દિવસમાં શાળામાંથી કેમ ભાગી ગયા?
– એ સવાલનો જવાબ તારા મોતે આટલાં વર્ષે મને મળ્યો.
બાબાસાહેબે ચવદાર તળાવ પણ આણેલી ક્રાન્તિને
ઊપરતળે કરનાર તારા શિક્ષકને જોયા પછી
આ આખી વ્યવસ્થાને જ
તળાવમાં ડૂબાડી દેવાનું મન થાય છે.
ચિતા પર ચઢાવી દેવામાં આવેલી સતી,
બાળવિવાહની પરંપરા,
અદાલતની સામેનું મનુનું પૂતળું,
ટોળાંએ પતાવી દીધેલો પહેલુખાન
– આવા આંચકાઓ પછી
રાજસ્થાનમાં થયેલી તારી હત્યા વધુ એક ક્લાઇમૅક્સ છે.
‘ભારતનું ભાવિ શાળાના વર્ગખંડોમાં ઘડાય છે’ –
દીકરા, આ વાક્યનો અર્થ જો તારું મોત હોય તો
ભારતના ભાવિનો મને ડર લાગે છે …
શિક્ષક કેવો હોઈ શકે … ?
એ દલિતોના મંદિર પ્રવેશ માટે ઉપવાસ પર બેસનારા
વાત્સલ્યમૂર્તિ સાને ગુરુજીને સાચવીને બેઠેલા
અમારા મહારાષ્ટ્રને સમજવામાં થોડું અઘરું પડ્યું,
પણ ખૈરલાંજી જોઈ ચૂકેલા અમને
ભાન કરાવ્યું કે સાને ગુરુજીનો જમાનો હવે ગયો
અને સરકાર ગમે તેની હોય
જાતપાતનો કીડો તો દિલોદિમાગને કોરી ખાય જ છે.
આખરે શિક્ષક સમાજને ઘડે છે કે સમાજ શિક્ષકને ?
ઇન્દર, તારા મોતે શિક્ષણવવસ્થાની સામે
આ સનાતન સવાલ ઊભો કરી દીધો છે.
ડિજિટલ શીક્ષણના ઢોલ પીટતી વખતે
અમારા જાતિવાદી માનસનું ફૉર્મૅટ કેવી રીતે મારવાનું ?
બાબાસાહેબ,
તમે આપેલાં બંધારણનું આમુખ
અમે નિશાળના ઓરડામાં અમે દરરોજ વાંચીએ છીએ
પણ
ભારત તો
તમે જે વર્ગખંડની બહાર બેઠા હતા
ત્યાં જ અટવાયા કરે છે …
—————————————————————-
મરાઠીમાંથી અનુવાદ : સંજય સ્વાતિ ભાવે
17 ઑગસ્ટ 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


ખરેખર, કોઈ દેશનો આઝાદી મહોત્સવ કેવી રીતે ઉજવવો જોઈએ તે જાણવું હોય તો ભારત પાસે શીખો.
છેલ્લા કેટલાક સમયથી દેશ માટે વફાદાર કોને કહેવાય તેની ચર્ચા ચાલે છે. દેશના શાસકો બદલાય ત્યારે એવું તો થાય. 1920ની સાલમાં ‘વંદે માતરમ’ બોલતા તેમને જેલમાં જવું પડતું, આજે તેમને હાર પહેરાવાય! સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે જે સૂત્ર માત્ર સૂત્રોચ્ચાર ન રહેતાં માતૃભૂમિની મુક્તિ માટે કરવાનાં કાર્યો દ્વારા જ જન્મભૂમિને નમન કરવામાં આવતું. ત્યાર બાદ કોણ જાણે શી રીતે એ સૂત્ર સાથે આ ચિહન જોડાયું. હવે મને તો મૂર્તિ પૂજામાં ઝાઝેરી શ્રદ્ધા ન મળે, તો હું શા માટે આ ફોટાને કે તેની મૂર્તિને નમન કરું?
જીસસ ક્રાઈસ્ટ, ગૌતમ બુદ્ધ, ભગવાન મહાવીર, મોહમ્મદ પયગંબર અને ગુરુ નાનક જેવા ફરિશ્તાઓના ઉપદેશોને પગલે નવા ધર્મોની સ્થાપના થઇ. મહાત્મા ગાંધી તેઓમાંના એક નહીં, પરંતુ આજથી બે-ચાર સદીઓ બાદ એમને પણ નવયુગના એક જ્યોતિર્ધર માનવામાં આવે તો નવાઈ નહીં. તેમને મન ‘ધર્મ’ની વ્યાખ્યા શી હતી? તેમણે કહેલું, “જે ધર્મના સિદ્ધાંતો તર્ક સંગત ન હોય અને નૈતિક મૂલ્યોને બંધ બેસતા ન હોય તેને હું ન સ્વીકારું.” એમના મતે વિવિધ ધર્મોની હસ્તી એ તો જાણે એક ચમનમાં ઊગેલાં વિધવિધ પ્રકારના ફૂલો સમાન છે. આથી જ તો પોતાને હિન્દુ ગણાવતા હોવા છતાં “હું જેટલો હિન્દુ છું તેટલો જ મુસલમાન, ક્રિશ્ચિયન, શીખ, બુદ્ધિસ્ટ, જૈન અને પારસી છું” એવો દાવો માંડી શક્યા. તેમણે દરેક ધર્મના સાર રૂપે જે ઉપદેશો ગ્રહણ કર્યા તેનો મુખથી પ્રચાર કરવાને બદલે પોતાના પ્રત્યક્ષ કર્મો થકી લોક સમક્ષ મૂકી આપ્યા. તેમની ધર્મ ભાવનાને ખરું જોતા માનવતાના અધ્યાત્મીકરણના સ્વરૂપે ઓળખી શકાય. આજે આઝાદ હિંદની યશોગાથા ગાનારાઓ ધર્મની આ વ્યાખ્યાને સમજી નથી શક્યા અને તેથી હજુ સાચું ધર્મ નિરપેક્ષ ભારત બનવાનું બાકી છે.