ઉલ્લાસ કરીએ • નટવર ગાંધી
અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
વસે છે, જીવે છે, જન ગતિ, મતિ ભિન્ન રીતિના,
સુખીદુઃખી, ઘેલા, સમજુ, સલૂણા, કૈંક નગુણા,
બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.
અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
ન કે એવું કે’તો બધું જ બધું છે સારું સરખું,
વળી જાણું છું કે વિષમ ઘણું ને વિષ પૂરતું,
પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.
અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
પશુ, પંખી, પુષ્પો, તરુ, પરણ, ને અદ્રિ ઝરણાં,
રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, મતિ ને દૃષ્ટિ ધરીને,
બધું જાણી માણી, જીવનવન સુવાસ કરીએ.
અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસ કરીએ.
![]()


ક્યારે લખવા માંડ્યું, તે યાદ કરું છું ત્યારે યાદ આવે છે કે ચોથી-પાંચમી ચોપડી ભણતો હોઈશ ત્યારે, પરશુરામે પિતાની આજ્ઞાથી માતા રેણુકાનો વધ કર્યો, અને પિતા પ્રસન્ન થયા ત્યારે એણે માતાને જીવતાં કરવાનું અને માતા પોતાનો અલ્પદોષ પણ ભૂલી જાય તેવું માગ્યું, એ કથા સાંભળીને મેં પહેલું નાનકડું નાટક આરંભ્યું – આરંભ્યું જ, બે-ત્રણ પ્રવેશો લખાયા, અને પછી બાળકની જેમ બીજી રમતોમાં મન ચાલ્યું ગયું. પુરાણો, રામાયણ, મહાભારત હું નાનપણથી સાંભળતો અને વાંચતો હતો. પણ આ કથાએ જે કેમ મને સર્જન કરવા પ્રેર્યો તે આજે વિચાર કરું છું ત્યારે થાય છે કે પરશુરામે બાપનું પણ માન્યું, અને માતાને પણ ન્યાય કર્યો, અને તે પણ શુદ્ધ સ્વરૂપે. આ બેવડા રસે મને ધક્કો માર્યો હશે. બેવડો – આજ્ઞાપાનનો રસ અને આજ્ઞાઉત્થાપનનો, અણધાર્યો, નવીન માતૃપ્રેમરસ, અને તે પણ એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામમાં ! પરશુ તો ત્યાં નિરર્થક થઈ, રામ જ રહ્યા.
મારો જીવ તો ઇતિહાસનો. સાહિત્યમાં ઇતિહાસ અને ઇતિહાસમાં સાહિત્ય ભાળું. કવિ ઠાકુરને પ્રતાપે રાષ્ટ્રની બિનશરતી ભક્તિ નાડીમાં નહિ, બાપુને પ્રતાપે વિદ્વેષ કોઈ પ્રત્યે નહિ. આ ભૂમિકાએ આંતર-બાહ્ય જગત જોવાની આદત. અંગ્રેજોને ‘ટળો’ તેમ તો કહ્યું, પણ હિટલર – નાઝીવાદ તો પહેલાં જ ટળવો જોઈએ. જાપાનનો ટોજો તો હારવો જ જોઈએ, ભલે સુભાષબાબુ તેની સાથે હોય, અંગ્રેજો સાથે લડાઈ, છતાં અંગ્રેજો જ જીતે. હિટલર હારે તેવી ઇતિહાસ પ્રેરિત આકાંક્ષા અને કેવા અંગ્રેજો ‘અમે દરિયામાં લડશું, દરિયા કાંઠે લડશું – શેરીઓમાં, ઘરોમાં લડશું. પણ નમતું તો નહિ આપીએ.’ આવી વીરવાણી ! જગતમાં સ્વતંત્રતાના નામનો સોપો પડી ગયો હતો. હિટલરની ડાકણો જેવી ટૅકોનાં ધાડાંનાં ધાડાં ફ્રાન્સ – ઉત્તર આફ્રિકા – યુગોસ્લાવિયા – ગ્રીસ – ક્રીટમાં ફરી વળ્યાં છે, તે વખતે વિષ્ણુના ચાપ જેવો આ ટંકાર, ચિત્તમાં તુમુલ સંગ્રામ જાગે, અંગ્રેજો તો જાય, પણ તેઓ જીતે, આમાંથી પ્રગટ્યું ‘દીપનિર્વાણ’. નિર્વાણ એટલે ઓલવાઈ જવું, વાસના-અહ્મનું મહાવિલીનીકરણ – તે બૌદ્ધધર્મનું ચરમ બળ. પણ તેની કલ્પના એવી કે જેની મશાલ ઓલવાય છે તે એક વિશાળ વર્તુળમાં ઊભો છે, ઓલવાતાં પહેલાં તે પોતાની મશાલથી બાજુની મશાલ ચેતવતો જાય છે, માલવ ગણ હારીને માધ્યમિકામાં નવું ગણરાજ્ય જમાવે; હારેલું ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, અમેરિકા, રશિયાની મશાલ ચેતવતું જાય છે. ગણરાજ્યોનો સામ્રાજ્ય સામેનો સંગ્રામ. ગણ એટલે સમૂહ, એમાં થોડા જ શૂરવીરો નથી – બધા જ શૂરવીરો. અને રસિકતા વિનાની શૂરવીરતા એટલે બર્બરતા. ગણોમાં આનંદોત્સવો હતા જ, તેમ જ જયસ્વાલ વગેરે ઇતિહાસકારોએ સમાજ-ઉત્સવો નોંધીને કહ્યું જ છે.
૨૨૯ દિવસે સ્વદેશ પાછા ફર્યા પછી ‘ફક્ત મિત્ર મંડળની વાકેફીને સારું’ ૬૨૩ પાનાંનું પુસ્તક છપાવ્યું હતું. ‘યૂરોપ, અમેરિકા, જાપાન અને ચીન તરફની મુસાફરીની નોંધ’ એવું મુસાફરી જેવું જ લાંબુ લચક નામ ધરાવતું આ પુસ્તક મુંબઈના જામે જમશેદ સ્ટીમ પ્રેસમાં છપાઈને ૧૮૮૯માં પ્રગટ થયું હતું. અને આ કાંઈ એમની પહેલી મુસાફરી નહોતી, કે નહોતું આ તેમનું પહેલું પુસ્તક. અગાઉ ૧૮૮૧માં તેમણે યુરપની મુસાફરી કરેલી અને તે અંગેનું પુસ્તક પ્રગટ કરેલું. એ પુસ્તક એટલું તો લોકપ્રિય થયેલું કે એક વરસમાં તેની બીજી આવૃત્તિ પ્રગટ કરવી પડેલી.