પ્રેરણાદાયી સાહિત્યકાર અને કેળવણીકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’નું જન્મશતાબ્દી વર્ષ આવતી કાલે [15 અૉક્ટોબરે] પૂરું થશે. આ વર્ષ દરમિયાન પણ – અત્યાર સુધીની જેમ જ – દર્શકના ‘અંતિમ અધ્યાય’ (1983) પુસ્તકની જવલ્લે નોંધ લેવાઈ. આ નાટ્યસંગ્રહ હિંસક અહિષ્ણુતાના સાંપ્રત ભારતમાં બહુ પ્રસ્તુત છે. તેમાં ત્રણ નાની કૃતિઓ છે – ‘સોદો’, ‘અંતિમ અધ્યાય’ અને ‘હેલન’. આ નાટકોનો વિષય ગુજરાતી સાહિત્યના મોટાભાગના અભ્યાસીઓને માફક આવે તેવો નથી. તે હિટલરના નાઝીવાદની ભીષણતા અને તેની સામે મૂળભૂત માનવતાના પ્રસંગો પર આધારિત છે. દર્શક લખે છે : ‘ … ત્રણે નાટકોને એકસૂત્રે બાંધતો વિચાર છે નાઝી વિચારણાએ આચરેલ યહૂદીઓ પરના અત્યાચારો. મનુષ્યની સાંભરણમાં આવો સામૂહિક નરસ્ત્ર થયેલ નથી. તેને સંભરતાં ત્રાસ છૂટે તેવું છે, પણ તેની સ્મૃિત સાચવવાની પણ અનિવાર્યતા છે. માણસ તેની પરિસ્થિતિને વશ થાય છે પણ કોઈ કોઈ વાર દશ આંગળ ઊંચો ઊઠ્યો છે. એ પળો જ સાચી ઐતિહાસિક-સલૂણી પળો છે. મનુષ્ય કદી નાશ નહીં પામે તેની એ આશા છે. આવી કેટલીક પળો આ નાટકોમાં ઝિલાઈ છે.’
આ નાટ્યત્રયીમાં યહૂદીઓ પરના અમાનુષ અત્યાચારો ઉપરાંત તેમને બચાવવા માટેના પ્રયત્નો, તેમાંથી ઊભા થતાં નૈતિક દ્વંદ્વ તેમ જ ઘાતકી હિટલરની લાગણીશીલતા જેવી બાબતો સમાવી લેવામાં આવી છે. મહત્ત્વની વાત તો એ કે વંશ તેમ જ રાષ્ટ્રની સર્વોપરિતા, નિરંકુશ સત્તાવાદ, લશ્કરશાહી, નાગરિકના અસ્તિત્વ અને તેના સ્વાતંત્ર્યના ઇન્કારનું વલણ જેવા નાઝીવાદના સિદ્ધાંતોને દર્શકે સંવાદોમાં બખૂબી આવરી લીધા છે. આ ત્રણેય નાટકો ભરત દવેના દિગ્દર્શન હેઠળ એંશીના દાયકામાં યાદગાર રીતે ભજવાયાં હતાં અને પછી તેની ટેલિફિલ્મસ્ પણ બની હતી. એ વિશે ભરતભાઈનાં સંભારણાં ‘મારી રંગયાત્રા’ પુસ્તકમાં વાંચવા મળે છે.
‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ (1952-85) નવલકથાને પણ અહીં યાદ કરવી જોઈએ. વૃક્ષ ચલે નિજ લીલા ન્યાયે લખાયેલી દર્શકની સાડા સવા છસો પાનાંની ત્રણ ભાગમાં લખાયેલી આ શબ્દાળુ અને શિથિલ મહાનવલ છે. દેશ-દુનિયાના પચાસેક સ્થળ અને અરધી સદીના કાળ પર વિસ્તરેલી આ કથા ગાંધીવિચાર, સર્વધર્મદર્શન, નાઝીવાદ અને હિરોશિમા-નાગાસાકી સહિત વિશ્વયુદ્ધને આવરી લે છે. તેના બીજા ભાગમાં નાયક સત્યકામ તેમ જ તેના બે સાથીદારો અમલાદીદી અને પ્રસન્નબાબુ મ્યુિનકમાં જર્મન સરકારના લશ્કરની ટુકડી સાથેના મુકાબલામાં ઘવાયેલા એક બળવાખોર નાઝી નેતાને બચાવીને સારવાર આપે છે, એ રાષ્ટ્રપ્રમુખ બનતા પહેલાંના તબક્કાનો હિટલર હોય છે ! આપણે ત્યાં એ વાત ભાગ્યે જ ધ્યાનમાં આવે છે કે નાઝીવાદ, આપખુદશાહી, અતિરાષ્ટ્રવાદ જેવાં, ફાસીવાદના બિહામણાં રૂપોને પોતાનાં સર્જનનો લાંબી લેખણે વિષય બનાવનાર દર્શક સંભવત: એકમાત્ર ગુજરાતી સાહિત્યકાર છે (બ.ક.ઠાકોરની ‘હિટલર વિજય પરંપરા’ નામની બોંતેર પંક્તિની કવિતા 1917માં પ્રસિદ્ધ થયેલા તેમના ‘ભણકાર’ સંગ્રહમાં વાંચવા મળે છે).
‘સોદો’ નાટકનું કથાવસ્તુ બીજા વિશ્વયુદ્ધના અંતભાગે ઑસ્ટ્રિયા-સ્વિટઝર્લૅન્ડની સરહદ પરના નાઝી તાબા હેઠળના ગામમાં આકાર લે છે. અહીંની નજરબંધી છાવણી(કૉન્સસન્ટ્રેશન કૅમ્પ)ના વડા કૅપ્ટન હોસ અને યહૂદી સંરક્ષણ સમિતિ તેમ જ રેડક્રૉસના અમેરિકન પ્રતિનિધિ વેલનબર્ગ વચ્ચે યાતના છાવણીમાં રિબાતા યહૂદીઓને મુક્ત કરવા માટે એક સોદો થાય છે. ‘દસ હજાર કિલોગ્રામ ચા, દસ હજાર સુગંધી સાબુ, દસ હજાર ટ્રક, અસ્ત્રા સાથે દસ હજાર બ્લેડની સામે જર્મની છોડી મૂકશે દસ લાખ યહૂદીઓને’. યુવા કેદીઓ એરિઝ અને ઉર્શલાને આ સોદો મંજૂર નથી. એ માને છે : ‘બધાં સાથે મરે … ગીત ગાતાં મરે. તેમાં જ યહૂદીઓનું ગૌરવ છે.’ વળી આ બંને જાણે છે કે યહૂદીઓની મુક્તિનો આ કરાર તેમના હત્યાકાંડના કર્તા આઇકમેને હારી રહેલા હિટલરની જાણબહાર રચેલો પેંતરો છે. ઉર્શલા કહે છે : ‘આઇકમેને આવનારા પરાજયમાં યહૂદીઓની આ નરાધમ કત્લેઆમનો આરોપ આવે ત્યારે પોતાના બચાવ માટે, સદગૃહસ્થની છાપ લેવા માટે, દસ લાખને છોડી દેવાનો કાર્યક્રમ વિચાર્યો છે …’ કૅપ્ટનના હૃદયપરિવર્તનથી બે દૃશ્યોનું આ નાટક પૂરું થાય છે. ઓસવિચનાં ગૅસચેમ્બર ઉપરાંત નાઝી પશુતાના કેટલા ય ઉલ્લેખો નાટકમાં છે. જેમ કે, હોસના ઘરની શેતરંજી યહૂદી સ્ત્રીઓના ‘વાળની બનેલી છે’. હોસને વેલનબર્ગ પૂછે છે : ‘તમે યહૂદી સ્ત્રીઓનાં ગર્ભાશયો દૂર નથી કર્યાં? યહૂદી પુરુષોનાં અંડાશયો ઇંડાની જેમ નથી અલગ કર્યાં ? માણસોનાં અંગોપાંગો નથી બદલ્યાં?’ એરિઝ કહે છે કે જર્મનોએ તો એમને ‘માત્ર મલ-સામાન જ માનેલ છે, અમારાં ગુહ્યોને પગ નીચે પેચ્યાં છે …’ જર્મન સૈનિકની અંધ વફાદારી, તેના પરિવારમાં સ્ત્રી અને બાળકોનું સ્થાન, યહૂદીઓને રાજદ્વારી કે ગુપ્ત માર્ગે છોડાવવા માટેના ખ્રિસ્તી ધર્મગુરુ લોડના પ્રયાસો જેવી બાબતોના નિર્દેશો પણ નાટકમાં મળે છે.
દર્શકે નોધ્યું છે કે જેરૂસલેમમાં ‘હિટલરના હુકમે કતલ કરાયેલા સિત્તેર લાખ યહૂદીઓના સ્મારક’ એવા યેદવેશામની મુલાકાત પછી ‘જે ચૈતસિક અવસ્થા અનુભવી તે આ નાટકનું મૂળ બીજ છે’. આ જ રીતે સર્જાયેલી બીજી બે નાટ્યકૃતિઓની મહત્તા વિશે હવે પછીના લેખમાં વાંચશું.
11 ઑક્ટોબર 2015 મધ્યરાત્રિ
e.mail : sanjaysbhave@yahoo.com
(‘કદર અને કિતાબ’ કોલમ, “નવગુજરાત સમય”, 28 અૉક્ટોબર 2015)
![]()


‘અંતિમ અધ્યાય’ નાટકમાં બીજા વિશ્વયુદ્ધનો આખરી તબક્કો છે. અમેરિકા, રશિયા અને મિત્રરાષ્ટ્રોનાં લશ્કર જર્મનીમાં પ્રવેશી ચૂક્યાં છે, નાઝી હરોળો તૂટી ગઈ છે, બર્લિન ઘેરાવાની અણી પર છે. તેના રાજભવનમાં ભૂગર્ભગૃહમાં છેલ્લા તળિયાના મુખ્ય ખંડમાં જરા-વ્યાધીગ્રસ્ત હિટલર મહત્ત્વના સાથીઓ વચ્ચે વ્યૂહરચનામાં ખુમારીપૂર્વક મશગૂલ છે. સત્યાવીસ હજાર સૈનિકોને ખોયા પાછી પાની કરીને આવેલા સેનાપતિ ડાઈટ્રીશ પ્રવેશે છે. ફ્યુરરના ખોફનો જવાબ આપતાં એ કહે છે : ‘તમારો હુકમ કાગળ પર હતો, અને હરોળ ભૂમિ પર હતી … સૈનિકોને બિનજરૂરી સંહારમાંથી બચાવવા એ સેનાપતિનું કર્તવ્ય છે. સેનાપતિ કંઈ કસાઈ નથી.’ ડાઈટ્રીશ તેના સિપાઈઓનાં ચંદ્રકો એક મૃત સૈનિકના કપાયેલા હાથ પર લગાવીને હિટલરની સામે ધરે છે ! વધુ તીવ્ર સંઘર્ષ હિટલર હિટલરના મિત્ર એવા સ્થપતિ અને શસ્ત્રસરંજામ ઉત્પાદન ખાતાના મંત્રી આલ્બર્ટ સ્પીયર વચ્ચેનો છે. તેને હિટલરે હુકમ કર્યો છે કે રૂહર નામના નગરમાં હારીને પીછેહઠ કરતી વખતે જર્મન લશ્કર ‘પુલનાળાં જ નહીં, જળાશયો, વીજળીઘરો, બંધો, કારખાનાં બધું જ ઊડાડી દે … આવનારને ટીપું પાણી, કે એક કિલોવૉટ વીજળે કે એક સરખો રસ્તો ન મળે.’ ત્યાં રહેતા એક કરોડ નાગરિકો વિશે નાઝી હૃદયસમ્રાટ એમ માને છે કે, ‘અમેરિકનો સમર્થ હોય તો ભલે જીતે, પણ પછી જર્મન પ્રજાને જીવવાનો હક્ક નથી – તેવાના મૃત્યુનો શો શોક ? જંતુ જીવ્યાં કે મર્યાં તેનો થોડો જ આપણે વિચાર કરીએ છીએ ?’ માનવતાવાદી સ્પીયર હિટલરના આદેશનું પાલન કરતો નથી અને એનો એકરાર પણ કરે છે. નવાઈની વાત એ છે કે હિટલરે નજરબંદી છાવણીઓમાં યહૂદીઓની સામૂહિક કતલ કરાવી છે એ વાતથી સ્પીયર અજાણ છે. ટેક્નોલૉજિના જ્ઞાનથી જર્મન લશ્કરને સજ્જ કરવામાં વ્યસ્ત અને રાજકારણથી અળગા રહેનારા સ્પીયરને જ્યારે તેના ‘મનોદેવતા’ની ક્રૂરતાની અને તેના રાજકારણની ખબર પડી ત્યારે બધું ખેદાનમેદાન થઈ ચૂક્યું હતું. અલબત્ત ત્યાર પછી તેણે હિટલરની સાથેની ગાઢ મૈત્રીને બાજુ પર રાખીને સર્વનાશી યોજનાઓને નાકામિયાબ બનાવી તેને પતાવી દેવા પણ પ્રયત્ન કર્યો. સ્પીયરે હિટલરના કુકર્મોમાં પોતાની નૈતિક જવાબદારી, અને તેના માટે વીસ વર્ષની સજા પણ સ્વીકારી. નાટકમાં એ કહે છે : ‘જર્મનીની અવદશા માટે કોઈ જવાબદાર હોય તો અમે. અમે નેતાઓ જ, પ્રજા નહિ જ. આ કહેવા અમારે બહાર આવવું જોઈએ. તો જગત અમને દોષિત ઠરાવશે – સામાન્ય જનોને નિર્દોષ, તે બધા કલંકના ડાઘ વિના જીવન શરૂ કરી શકશે … આપણાં કૃત્યો માટેની જવાબદારી ઊઠાવી લેવી તે જ મર્દાઈ, એ જ અંતરાત્મા પ્રત્યેની સચ્ચાઈ …’ દર્શકના મનમાં સ્પીયરની મહત્તા વસી ગઈ છે. પ્રસ્તાવનામાં એ નોંધે છે : ‘ભાવિમાં મહાપુરુષ ગણાવાપાત્ર આ વ્યક્તિને હું આ નાટ્યકૃતિમાં સજીવ કરી શક્યો હોઉં તો મને મારી સરસ્વતીપૂજાની સફળતા લાગશે.’ સ્પીયરના અસાધારણ સંઘર્ષ ઉપરાંત દર્શકે આ નાટકમાં હિટલરના વ્યક્તિત્વના પાસાંને પણ સમાવ્યાં છે. તેમાં ઇવા બ્રાઉન સાથેનો પ્રેમ, કલારુચિ, શાકાહાર, નિરાંતની જિંદગી માટેનાં તેનાં સપનાં, તેનો એકાધિકારવાદ અને યહૂદીદ્વેષ જેવી બાબતો છે.