કેમ કે આજે તાકીદનો એ સવાલ છે કે આજે, જ્યારે અમર્યાદ ડાબેરી ઝોક અને અમર્યાદ જમણેરી ઝોક વચ્ચે ભારતીય જીવન-વિશ્વ (લાઇફ-વર્લ્ડ) સપડાયું છે, ત્યારે, જે ‘વિવેક બૃહસ્પતિ’ કહેવાતું હતું તેવા ગુજરાતનું પોતાનું કોઈ ‘પોએટિક્સ ઑફ કલ્ચર’, ઇતિહાસનના કલાકૃતિ સાથેના વિમુક્તકારી અનુબંધને નવેસરથી નીપજાવી શકશે? વળી, ભારતના ઇતિહાસનો મનફાવતો અર્થ કરનારા ડાબેરી તેમ જ જમણેરી અને / જમણેરી મુખવાદ્યોને, બન્નેને સમાન દૃઢતાથી પડકારી શકે.
મુખવાદ્યોને બંનેના સમાન દૃઢતાથી પડકારી શકે એવી ક્ષમતા એ સંસ્કૃિતપરક રાજ્યવિચારમાં છે? બંને મુખવાદ્યોને, ‘તેઓ ઇતિહાસનો પોતાને ફાવે તેવો અર્થ કરે છે, કારણ કે પોતે શક્તિમાન પડ્યા!’ એવું દરેકને કહેવાની ક્ષમતા ધરાવતા સિવિલ સર્વન્ટ્સ, સંસ્કૃિતચિંતક કે સંસ્થા સંચાલક આજે ગુજરાતમાં કેટલા?
હમણાં ટાંક્યું એ વિધાન, મુંબઈના ગર્વનર સર જ્હોન માલ્કમ અંગેના એક લેખમાં, ૧૮૫૭ના ‘બળવા’ અંગે અને કંપની સરકારના અત્યાચારો વિશે, એ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક અધિકારી એવા, આપણા ફાર્બસ સાહેબના એક નિર્ભીક નિવેદનમાં મળે છે, એમ એમના વિષેના એક ગુજરાતી લેખમાં નોંધાયું છે. ‘ગુજરાતનો ભોજ’ એ લેખમાં એના લેખક ચુનીલાલ વર્ધમાન શાહે એ ‘બૉમ્બે ક્વાર્ટરલી રીવ્યુ’ના ૧૮૫૭ના અંકમાં છપાયેલા મૂળ લેખનો ઉલ્લેખ કરી, એના એક અંશનો અનુવાદ, ફાર્બસ સાહેબના ૧૮૫૭ના ‘બળવા’નાં કારણો અંગેના અભિપ્રાયો રૂપે આપ્યો છે.
‘સર જ્હોન માલ્કમ વિશે ફાર્બસે લખેલી નોંધમાંથી બળવા વિશેના એમના વિચારો જાણવા મળે છે’, એમ લખ્યા પછી એની એ નોંધમાં ફાર્બસે યોજેલા શબ્દનો ગુજરાતી અનુવાદ ચુ. વ. શાહ આપે છે : ‘ન્યાય કાર્યમાં કિંચિત પણ પક્ષપાત કર્યાથી અંગ્રેજો માટેના વિશ્વાસ ઉપર જેટલો ધક્કો લાગે અને તેનું પરિણામ થાય, તે પચાસેક પ્રાન્તો હાથમાંથી જાય તેના કરતાં વધારે હાનિકારક છે.’ આગળ લખે છેઃ ‘આપણી જ પ્રજા સાથેના (એટલે કે હિન્દવાસીઓ સાથેના) અને બીજા માંડલિક રાજાઓ સાથેના આપણા કરારોના અર્થ કરવામાં, અંગ્રેજ સરકાર અને તેના કર્મચારીઓ કેટલો બધો પક્ષ કરે છે ! તેઓ પોતાને ફાવે તેવો અર્થ કરે છે, કારણ કે પોતે શક્તિમાન પડ્યા!’ આ મુદ્દો પૂરો કરતાં લખે છેઃ ‘આપણી પ્રમાણિકતાની કીર્તિ જાળવવા સારુ ગ્વાલિયર અને હિન્દુસ્તાનના બીજા દેશ વાર ન્યોછાવર કરીએ તો પણ કંઈ નથી.’
‘બૉમ્બે ક્વાર્ટરલી રીવ્યુ’માંના એ રીવ્યુ વિષે વિગતે આ પછીના (ત્રીજા) વિશિષ્ટ અંકમાં લખવા ધાર્યું છે. હાલ તો પૂછવાનું એટલું જ, કે કંપની સરકારના એક અફસર એવા એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્ઝ એ સરકાર અંગે જે લખી શક્યા એવું કંઈક, અવસર આવ્યે, આપણા કોઈ આલા અફસર આજે ગુજરાત કે બંગાળ-આસામની, તમિલનાડુ કે પંજાબ-કાશ્મીરની બલ્કે ભારતની, એક કે બીજા તબક્કાની, કોઈ સરકારને કહી શકશે?
જીવનના ઘણા દશકો જેણે એકથી વધારે યુનિવર્સિટીઓમાં અધ્યયન-અધ્યાપન-વહીવટમાં અને બે વાર ડૉક્ટરેટ કરવા અંગે સંશોધન-વિવેચનમાં ગાળ્યાં છે, એવી એક વ્યક્તિ તરીકે મને હાલ જે લાગે છે, એની સ્પષ્ટ વાત સવિનય અને વધુ સંવાદ કરવા માટે રજૂ કરું. તાજેતરમાં ગુજરાત સરકારે સંસ્કૃિતની સંસ્થાઓની સ્વાયત્તતા જોખમાય એવાં ત્રણ પગલાં ભર્યાં. ગાંધીનગર સ્થિત ગુજરાત સાહિત્ય એકેડેમીના બંધારણને અવગણી, એના પ્રમુખસ્થાને ચૂંટણીની પ્રક્રિયાથી કોઈ પસંદ થાય એવી પ્રથાને તોડી, પોતાની પસંદગીથી સીધી નિમણૂક કરી દીધી. બીજું, રાજ્યની દરેક યુનિવર્સિટીમાં એની પોતાની સેનેટ એ યુનિવર્સિટી અંગેના સર્વ નિર્ણયો બહાલ કરવાના અંતિમ અધિકાર ધરાવતી હતી, તેને બદલે, સમાચાર છે કે એવી બધી યુનિવર્સિટીઓ ઉપર અંતિમ અધિકાર ધરાવતી એવી પોતે નક્કી કરેલી સર્વોચ્ચ સમિતિ, એ અંગેનો કાયદો પસાર કરીને, નીમી દીધી. ત્રીજું, રાજ્યની બધી યુનિવર્સિટીઓમાં અનુસ્નાતકોત્તર કક્ષાએ, પીએચ.ડી.ના સ્તરે, કયા વિષયો ઉપર સંશોધન કરવું, એ નક્કી કરી આપતી સંશોધનના વિષયોની એક યાદી બહાર પાડી અને પોતાની સત્તાની રૂએ એવો નિયમ કર્યો કહેવાય છે કે પોતાની યાદીના વિષયોમાંથી અમુક ટકાનું કામ તો દરેક યુનિવર્સિટીએ પીએચ.ડી.ની ડિગ્રી માટે સંશોધન કરનારાઓ પાસે કરાવવું જ. પહેલું પગલું ગુજરાતમાં મુક્ત સાહિત્યિક આબોહવા થાય એને માટે (ગુજરાતી સાહિત્ય પરિષદમાં દશકોથી લદાઈ હતી એવી એકહથ્થુ વ્યક્તિનિષ્ઠ જેવી જ) વિઘાતક બને, એ અસંદિગ્ધપણે અહીં કહેવાનું. બીજાં બે સરકારી પગલાં યુનિવર્સિટીઓ મુક્ત અને સંશોધનાત્મક ઊહાપોહ માટેની ઔચિત્યપૂર્ણ વ્યવસ્થા પૂરી પાડે એ અટકાવનારાં પગલાં છે, એની જાણ અફસરોને ન હોય તોયે વિશ્વવિદ્યાલયોના પ્રાધ્યાપકો, કુલપતિઓ વગેરેને પણ ન હોય, એ માનવું મુશ્કેલ છે. અભાવ કદાચ બીજો કશો હોઈ શકે. હિંમતનો હશે? પ્રામાણિકતાનો હશે? એશારામી જીવનશૈલીનો મોહ અને એ જતી રહેવાનો ડર એમને ચૂપ કરી દેતો હશે? અભાવ મૂળે ફાર્બસતાનો છે.
ફાર્બસતાનો એ વારસો સ્વીકારવા આપણે તૈયાર છીએ – હસ્તપ્રતોના અમૂલ્ય ભંડાર સાથે?
“ફાર્બસ ત્રૈમાસિક”ના વિશેષાંક(મીમાંસાપર્વ : ૧)ના પ્રવેશકમાંથી, પૃ. 13-16; સાભાર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2016; પૃ. 08
![]()






આજે આપણે અસાધારણ સમયમાં જીવી રહ્યા છીએ. આજે દુનિયામાં પરિસ્થિતિ ખૂબ જ સંકુલ અને ભય પમાડનારી છે. ચારેબાજુ હિંસાની આગ ભડકે બળે છે અને આપણે સૌ એની લપેટમાં જીવીએ છીએ. આજે બધે હિંસા, અસલામતી અને ભયનું વાતાવરણ છે. છેલ્લા થોડા સમયમાં ઢાકા, બગદાદ, ઇસ્તંબૂલ, નીસ, ઑર્લેંડો, ડલાસ અને છેક હમણાં બેલ્જિયમમાં અને ભારતમાં કાશ્મીર, ઓરિસ્સા, ઝારખંડ અને ગુજરાતમાં હિંસાના અનેક બનાવો બન્યા છે. દુનિયામાં બધે જમણેરી તત્ત્વોનું વર્ચસ્વ વધ્યું છે. મૂડીવાદે સર્જેલી આર્થિક અસમાનતાએ વંશવાદ, જાતિવાદ, વગેરેની વિષમતાઓ પર ભારે અસર કરી છે. વિકસિત મૂડીવાદી દેશોની નીતિઓ અને નેતાઓનાં વંશવાદી વિધાનો ચોંકાવનારાં અને ચિંતાજનક છે. મૂડીવાદ અને વંશવાદના પ્રતિકારે આજે પશ્ચિમી દેશોમાં ઉગ્ર અને ઝનૂની સ્વરૂપ ધારણ કર્યું છે એ પણ ચિંતાનો વિષય છે અને સખત ટીકાને પાત્ર છે. ખરું જોતાં ઇસ્લામિક કટ્ટરવાદી બળોનો આજે કોઈ ચોક્કસ ઍજન્ડા રહ્યો નથી અને જે પોતાના નથી – જેમાં સેક્યુલર અને ઉદારમતવાદી લોકો પણ આવી જાય છે – એ બધા પર અણધારા, બેફામ હિંસક હુમલા કરવા એ એમનું મુખ્ય ધ્યેય બન્યું છે. આજે દુશ્મનને ઓળખવો મુશ્કેલ બન્યો છે. સંઘર્ષ, ક્રાંતિ અને બદલાવની વાત આ સંદર્ભમાં કેવી રીતે થઈ શકે? આ એટલી વિસ્ફોટક, વિકટ અને સંકુલ પરિસ્થિતિ છે કે જેને નિયંત્રિત કરવાનું લગભગ મુશ્કેલ જ નહીં, અશક્ય બન્યું છે. સૌ સંવેદનશીલ અને વિચારશીલ લોકો અને પ્રગતિશીલ બળો પણ જાણે પાછા હટી ગયાં છે. એક ભયજનક નિરાશાથી બધા ઘેરાઈ ગયા છે.