પેરુમલ મુરુગનની જે કૃતિ પર કટ્ટરવાદીઓ પ્રતિબંધ લાદવા માગતા હતા, તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, એ શું સૂચવે છે?
વ્યક્તિ પોતાના શબ્દસામર્થ્યથી લેખક બની શકે છે. એક લેખકનું શરીર અમુક વર્ષો પછી નાશ પામે છે, પરંતુ તેનો શબ્દદેહ-સર્જનો તેના મૃત્યુ પછી પણ જીવંત રહેતાં હોય છે અને એટલે જ લેખક મૃત્યુ પછી પણ ઘણાં વર્ષો સુધી જીવતો રહેતો હોય છે! પણ શું તમે એવા કમનસીબ સાહિત્યકારને જાણો છો, જેણે જીવતેજીવ પોતાનામાં રહેલા લેખકની હત્યા કરી દેવી પડી હોય? આ કમનસીબ સાહિત્યકારનું નામ છે – પેરુમલ મુરુગન. આ તમિલ સાહિત્યકારે પોતાની નવલકથા ‘મધોરુબગન’ માટે કટ્ટરવાદી હિન્દુ સંગઠનો અને પોતાના જ સમાજની એવી સતામણી સહેવી પડી હતી કે પોતાનું ઘર-શહેર છોડવાં પડ્યાં. કટ્ટરવાદીઓએ ધાકધમકી આપીને પુસ્તક પાછું ખેંચાવ્યું અને બિનશરતી માફી મગાવી. ઉગ્ર વિરોધ અને ધાકધમકીના ઘટનાક્રમ પછી સ્થિતિ એવી સર્જાઈ કે આખરે પેરુમલ મુરુગને એક લેખક તરીકે પોતે મૃત્યુ પામ્યા છે, એવું જાહેર કરવું પડ્યું. પેરુમલ મુરુગને 12મી જાન્યુઆરી, 2015ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકેલી, ‘લેખક પેરુમલ મુરુગન મરી ગયો છે. એ ઈશ્વર નથી કે ફરીથી જન્મ લેશે. હવે તે ફક્ત પી. મુરુગન છે. ફક્ત એક શિક્ષક. એને એકલો છોડી દો.’
પેરુમલ મુરુગનની આ પોસ્ટ સમગ્ર દેશમાં ચર્ચિત બની હતી. એક વ્યક્તિને જીવતેજીવ લેખક તરીકે મરી જવા મજબૂર કરે, એવા ઘટનાક્રમે સમગ્ર દેશના સાહિત્યકારો અને સંવેદનશીલ લોકોને ઝકઝોરી નાખ્યા હતા. આ મામલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પડેલા પડઘા જોઈને કટ્ટરવાદીઓએ જાહેરમાં વિરોધ પ્રદર્શનો તો બંધ કર્યાં, પણ લેખક પર યેનકેન પ્રકારેણ દબાણ લાવવા અશ્લીલતા, ઈશનિંદાથી માંડીને ધાર્મિક લાગણી દુભાવવાના તેમ જ સ્ત્રીના અપમાન સુધીના આરોપો લગાવીને પુસ્તકને પ્રતિબંધિત કરવા કેસ કર્યા હતા. તો સામે પી.યુ.સી.એલ. જેવી સંસ્થાઓએ લેખકની તરફેણમાં તેમના રક્ષણ માટે કોર્ટકાર્યવાહીનો માર્ગ લીધો હતો. આખરે જુલાઈ-2016માં મદ્રાસ હાઇકોર્ટે પેરુમલ મુરુગન તરફી આપેલા સજ્જડ ચુકાદાએ સૌનાં મોં બંધ કરી દીધાં હતાં. પેરુમલ મુરુગન નામના લેખકના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો અને તેમણે ફરી હાથમાં કલમ પકડી હતી. મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો અભિવ્યક્તિની આઝાદીની લડાઈ માટેનો એક માઇલસ્ટોન ગણાયો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી ધર્મ-સંપ્રદાય કે જાતિ-સમાજના નામે જે કટ્ટરતા અને અસહિષ્ણુતા વધતી જાય છે ત્યારે આ ચુકાદો લેખકો-સર્જકો-કલાકારો માટે આઝાદ પંછીની જેમ ઊડવાનો જાણે પરવાનો લઈને આવ્યો હતો!
તાજેતરમાં એક સારા સમાચાર આવ્યા છે કે પેરુમલ મુરુગનને પોતાની જે તમિલ નવલકથા ‘મધોરુબગન’ માટે અનેક સતામણી સહેવી પડી હતી, હવે એ જ પુસ્તકના અંગ્રેજી અનુવાદ ‘વન પાર્ટ વુમન’ને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પોંખવામાં આવ્યો છે. આ પુસ્તકના અનુવાદક અનિરુદ્ધ વાસુદેવનને એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં નોંધનીય બાબત એ છે કે મધોરુબગન નવલકથા આમ તો 2010માં પ્રકાશિત થઈ હતી, જે અંગ્રેજીમાં અનુદિત થઈને 2014માં ‘વન પાર્ટ વુમન’ના નામે પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં એક નિ:સંતાન દંપતીની વ્યથા અને સમાજમાં એક સમયે ચાલતી અમુક પ્રથાઓનું વર્ણન કરવામાં આવેલું, જેની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ અને તેને કારણે હિન્દુત્વવાદી સંસ્થાઓએ તેનો વિરોધ શરૂ કરેલો. જો કે, દેશના બંધારણે અને ન્યાયપાલિકાએ એક લેખકની અભિવ્યક્તિની આઝાદીનું ચિરહરણ અટકાવ્યું હતું.
જે પુસ્તક પર પ્રતિબંધ લાદવા માટે કટ્ટરવાદીઓ તરફથી ધમપછાડા કરવામાં આવ્યા, એ જ પુસ્તક જ્યારે રાષ્ટ્રીય સ્તરે પોંખાય છે ત્યારે કટ્ટરવાદીઓ-સંકુચિત સંસ્થાઓએ આત્મમંથન કરવું જોઈએ. કટ્ટરતા કોઈ એક ધર્મનો ઇજારો નથી. દરેક ધર્મમાં કટ્ટરવાદી પરિબળો હોય જ છે અને અમુક રાજકીય કારણસર તેમને પોષવામાં પણ આવતાં હોય છે. આપણો દેશ બહુ સહિષ્ણુ છે, એવા અધકચરા સત્યના સહારે ગૌરવમાં જ રાચવાનું આપણને પોષાય નહીં. અસહિષ્ણુતાના મામલાની મજાક ઉડાવનારાઓએ એક વખત પેરુમલ મુરુગનનો આખો કિસ્સો જાણવો જોઈએ. એક નાગરિક તરીકે આપણે કટ્ટરતાનો તો વિરોધ કરવો જ પડે, પણ સાથે સાથે એ કટ્ટરતાને પોષક એવાં પરિબળોને પણ શોધવા પડે, ઓળખવાં પડે અને ‘સુધારવાં’ પડે.
(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)
(‘દિવ્ય ભાસ્કર’ની 26મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)
http://samaysanket.blogspot.co.uk/2017/04/Perumal.Murugan.html
![]()



ગુજરાતના કલાગુરુ તરીકેનું બહુમાન ધરાવતા રવિશંકરભાઈ રાવળ (જન્મઃ 01-08-1892, અવસાનઃ 09-12-1977) 'ગુજરાતમાં કલાના પગરણ' અંતર્ગત નોંધે છે તેમ માનતા કે 'આપણે પ્રજાજીવનને ખીલવવું હોય તો શાળા અને ઘરની વચ્ચે સંબંધ સાધતું વ્યવહાર, સાહસ અને ચારિત્ર્યમાં સજગતા તથા તાલીમ આપે એવું પત્ર ઘડવું જોઈએ.' આ વિચારને મૂર્તિમંત કરવા જાન્યુઆરી, 1924માં રવિશંકર રાવળે કુમાર માસિકનો પ્રારંભ કર્યો અને તેમની સાથે જોડાયા 'નવજીવન'માં ઘડાયેલા બચુભાઈ રાવત. 'કુમાર' વાસ્તવમાં દક્ષિણામૂર્તિ ભાવનગર ખાતે અનંત અને ઉપેન્દ્ર નામના મિત્રોના હસ્તલિખિત સામયિકનું નામ હતું. આ નામ આ મિત્રો પાસેથી રવિશંકરભાઈએ લઈ લીધું અને 'કુમાર'ના પ્રથમ અંકમાં તેમનો આભાર પણ માન્યો.
અલબત્ત, તે સમયે આવું માસિક બંધ ન થવું જોઈએ એવી નેમ સાથે ગુજરાતના કેટલાક સાહિત્યરસિક સંસ્કારી શ્રેષ્ઠીઓ આગળ આવ્યા અને 'કુમાર કાર્યાલય લિમિટેડ', નામની કંપનીની સ્થાપના કરીને આ માસિકને ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી. પરિણામે જાન્યુઆરી, 1943થી બચુભાઈ રાવતે [જન્મ : 27 ફેબ્રુઆરી 1898] 'કુમાર કાર્યાલય લિમિટેડ' અંતર્ગત આ માસિકને ચાલુ રાખવાની બીડું ઉઠાવ્યું. તેમની સાથે ચિત્રકાર બિહારીલાલ ટાંક પણ જોડાયા. રૂપિયા 20નો એક એવા 1 લાખના શેર જાહેર કર્યા, જેમાંથી તે સમયે માત્ર 50 હજારના શેરનું ભરણું મળ્યું. આમ, એ આવકમાંથી 'કુમાર' બચુભાઈના તંત્રીપદે પ્રકાશિત થવા લાગ્યું. એ સમયે અંદાજે 24 વ્યક્તિઓના સ્ટાફ સાથે 'કુમાર કાર્યાલય લિમિટેડ' ચાલતું, જે અંતર્ગત કોમ્પોઝ, બ્લોક મેકિંગ, પ્રિન્ટિંગ, બાઇન્ડિંગ ઇત્યાદિ તમામ કામગીરી કુમારમાં જ થતી. ગુણવત્તા સાથે સમાધાન ન કરતાં દર વર્ષે કુમારની ખોટ વધવા લાગી. એક બાજુ માતબર રકમનું દેવું 'કુમાર કાર્યાલય' પર થઈ ગયું અને બીજી બાજુ 1980માં બચુભાઈ રાવતનું અવસાન થયું. બચુભાઈના નિધન બાદ તેમના પુત્ર અશોક રાવત અને બિહારીલાલ ટાંકે 'કુમાર' ટકી રહે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા. બિહારીલાલ ટાંકના તંત્રીપદે 'કુમાર' ચાલુ રહ્યું, પરંતુ 1982થી 1987 દરમિયાન ગ્રાહકો તૂટવા લાગ્યા. લિમિટેડ કંપની હોવાથી ખોટ વધતી જતી હોવાથી 1986ના વર્ષમાં 'કુમાર'નું પ્રકાશન ન થયું. એ સમયગાળા દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના ગુજરાતી વિભાગના પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ ડૉ. ધીરુ પરીખે બિહારીલાલને સંપાદકીય સહાય કરી. જુલાઈ 1987થી 'કુમાર' બંધ થયું. મોટા ભાગનું દેવું હીરાલાલ ભગવતીએ અંગત રસ લઈને માફ કરાવ્યું. સ્ટાફ છૂટો કરી દેવામાં આવ્યો. માત્ર બિહારીલાલભાઈ અને અશોક રાવત જ કુમાર સાથે જોડાયેલા રહ્યા. ત્રણ વર્ષ દરમિયાન બહોળી સંખ્યામાં 'કુમાર'ને પુનઃ ચાલુ કરવા બાબતના પત્રો આવ્યા અને ડિરેકટર્સની મીટિંગમાં 'કુમાર'ને પુનઃ ચાલુ કરવા બાબતે ચર્ચા ચાલી. જુલાઈ 1987થી જુલાઈ 1990 સુધી 'કુમાર' સદંતર બંધ રહ્યું.
12 જુલાઈ, 1980 ના રોજ બચુભાઈના અવસાન વખતે ડૉ. ધીરુ પરીખે તેમને આપેલ વચનની પૂર્તિ રૂપે 'કુમાર'ને બેઠું કરવાનો સંકલ્પ હાથ ધર્યો અને અનેક પ્રયત્નો બાદ જુલાઈ 1990 બાદ ડૉ. ધીરુ પરીખના તંત્રીપદે 'કુમાર' પુનઃ પ્રકાશિત થયું. એ ગાળામાં રોજના સોએક પોસ્ટકાર્ડ્સ લખીને ગ્રાહકોને 'કુમાર' માટે ફરી આકર્ષવાની કોશિશ કરી. 1996માં 'કુમાર ટ્રસ્ટ'ની સ્થાપના થઈ અને આ ટ્રસ્ટમાં એક ઠરાવ કરીને 'કુમાર' માસિકના પ્રકાશનની જવાબદારી સ્વીકારવામાં આવી ત્યારથી તે આજ દિન સુધી ડૉ. ધીરુ પરીખના તંત્રીપદે 'કુમાર' પ્રકાશિત થતું રહ્યું છે. 'કુમાર ટ્રસ્ટ'ના વર્તમાન ટ્રસ્ટીઓમાં ભાલચંદ્ર શાહ, કુમારપાળ દેસાઈ, અંજનાબહેન ભગવતી, રઘુવીર ચૌધરી, ધીરુ પરીખ અને પ્રફુલ્લ રાવલ છે. આમ, 'કુમાર'ના આરંભનો શ્રેય રવિશંકર રાવળને જાય છે અને 'કુમાર'ને ઘડવાનો શ્રેય બચુભાઈને જાય છે, તો 'કુમાર'ને સંવર્ધિત કરીને 'કુમારસંસ્કૃિત' ટકાવી રાખવાનો શ્રેય ડૉ. ધીરુ પરીખ ને જાય છે.
ધીરુભાઈની કુમારનિષ્ઠાના બળે ગુજરાત સરકાર તરફથી અપાતો 'ગુજરાતી અખબારોમાં શ્રેષ્ઠ આલેખન પુરસ્કાર' 'કુમાર' માસિકને વર્ષ 1994-95 માટે મળ્યો છે. જાન્યુઆરી 2004થી જૂન 2006 સુધી અશોક ચાવડાએ સહસંપાદક તરીકે ડૉ. ધીરુભાઈ પરીખ સાથે કામ કર્યું અને 'કુમાર'ને ડિજિટલ સ્વરૂપ આપ્યું. જાન્યુઆરી 2011થી જાણીતા નિબંધકાર ડૉ. પ્રફુલ્લ રાવલ ઉપતંત્રી તરીકે 'કુમાર' સાથે સંકળાયલા છે. પ્રફુલ્લભાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન મહામંત્રી છે તેમ જ વર્ષ 1982ના કુમારચંદ્રકધારક પણ છે.
ગુગલ ડુગલથી આજે આપણે સુપેરે પરિચિત છીએ. વાસ્તવમાં આવી શરૂઆત 'કુમારે' શરૂ કરી હતી. 1924થી 1980 સુધીના તમામ અંકોમાં 'કુમાર'નું ટાઇટલ વિભિન્ન રીતે લખાયેલું જોવા મળે છે. આમાં પુનરાવર્તન થયું હોય તેવા એકાદ-બે અપવાદ હોઈ શકે તેની ના નહીં, પરંતુ દર વખતે 'કુમાર' એ નામનું રેખાંકન અંક તેમ જ જે તે માસના વિશિષ્ટ પ્રસંગો, તહેવારોને ધ્યાને લઈને નવીન રીતે કરવામાં આવતું તે બાબત તે સમયને ધ્યાને લેતા અદકેરી અને વિશિષ્ટ અવશ્ય ગણી શકાય.
માસ કૉમ્યુિનકેશન સાથે સંકળાયેલા યુવા કવિ અશોક ચાવડા 'કુમાર'માં સહસંપાદક તરીકે જોડાયા અને ડૉ. ધીરુ પરીખની રાહબરી હેઠળ 'કુમાર'ને નવીન માધ્યમ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવામાં વિશિષ્ટ યોગદાન આપ્યું. સહસંપાદનની સાથેસાથે પ્રોગ્રામ એક્ઝયુકેટિવની જવાબદારી નિભાવીને 'કુમાર ઇન 17 સીડીસ્' પ્રકલ્પરૂપે 'કુમાર'ના 1924થી 2004 સુધીના અંકોનું ડિજિટલાઈઝેશન કર્યું. 'સાંકળિયું' અંતર્ગત આ તમામ અંકોની માહિતી ગુજરાતીમાં સર્ચ કરી શકાય તે રીતે મૂકી આપી. ડિજિટલાઈઝેશન સ્વરૂપે ઉપલબ્ધ હોય તેવાં સામયિકોમાં પણ 'કુમાર' માસિક જ પ્રથમ છે. 'કુમાર'નાં પગલે પગલે ત્યાર બાદ અન્ય સામયિકો પણ ડિજિટલ રૂપે ઉપલબ્ધ થયા, જેમાં 'વીસમી સદી' અને 'ફાર્બસ ગુજરાત સભા' છે. 'કુમાર'ના અમૃતપર્વ નિમિત્તે પ્રોડકશન આસિસ્ટન્ટ તરીકે 'બૃહદ્ બુધ કવિસંમેલન'ની ડીવીડી પણ તૈયાર કરીને જૂની અને નવી પેઢીના 21 કવિઓને એક સાથે મંચ પર મૂકી આપ્યા, સાથેસાથે 'બુધસભા'ના વિશિષ્ટ વારસાને લોકો સમક્ષ ઉજાગર કર્યો. સહસંપાદક તરીકે અશોક ચાવડાએ તે સમય દરમિયાન જે કોઈ કૃતિ પરત કરવામાં આવે તે કૃતિ સાથે તે પરત કરવાના કારણો પણ જવાબી પત્રમાં જણાવવાનું શરૂ કર્યું હતું, જેને સાહિત્યજગતમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.