જરા ઝુનૂનથી
હવે તરતમાં, ૨૧મી જુલાઈએ, ઉમાશંકર જોશીને જન્મજયંતી નિમિત્તે સંભારવાનું બનશે. નોળિયાને નોળવેલ તેમ આપણી સારસ્વત પરંપરામાં આ એક વિશેષ ઠેકાણું છે. પણ આ સંભારવું, આપણે જે દોરમાંથી ગુજરી રહ્યા છીએ એ જોતાં કોઈ રસમી રાબેતો ન બની રહે એ જોવું જોઈશે; કેમ કે સૌંદર્યોનાં પીવાં અને ઉરઝરણનાં ગાવાંવહેવાં એટલામાં જો એમને સમેટી લેવાના હોય, તો એ એમને અન્યાય થશે. અલબત્ત, એમ કરતાં આપણું એક માપ મળી રહેશે એ અળગતની વાત છે.
નહીં કે સૌંદર્ય ને ઉરઝરણ અપ્રસ્તુત છે. પણ ઉમાશંકર જે સમયમાં મહોર્યા તે સામંતશાહી ને સાંસ્થાનિક સમયમાંથી લોકશાહીમાં સ્વરાજ સંક્રાન્તિ માટેની જદ્દોજહદનો હતો. હોબ્ઝબોમને યુરોપીય સંદર્ભમાં સમજાઈ તે લૉંગ નાઈન્ટીન્થ સેન્ચરી અને શોર્ટ ટ્વેન્ટીએથ સેન્ચરી વચ્ચે રવીન્દ્રનાથ અને ગાંધીજીએ જે એક આગવી ભોંય ને અલાયદી આબોહવા બનાવી તે આ સમય હતો, અને એણે આપેલી ખો હજી પણ ચાલુ છે. ઉરઝરણને વહેવાની મોકળાશ, સૌંદર્યને વિલસનની મોકળાશ, જેમાં સંભવે તેવો સમાજ ક્યાં, તેવું શાસન ક્યાં. કવિ ઉમાશંકરે જો શબ્દનો વિસારો નથી મેલ્યો તો આ સવાલોનો કેડો પણ નથી છોડ્યો.
હમણાં જે દોરની જિકર કરી એને વિશે શું કહી શકીએ, સિવાય કે શબ્દનું પતન. માણસો શબ્દોને જેેમતેમ ફંગોળેરગદોળે છે, લપટા કરી મેલે છે, એ સૌ શબ્દોને એમનું કૌમાર્ય પાછું આપું છું એમ કોઈ કવિએ કહ્યું છે. ઉમાશંકરે યથાપ્રસંગ જે ભૂમિકા લીધી તે શબ્દના સંમાર્જન, સંવર્ધન, સંપોષણની હતી, જેમ સર્જનમાં તેમ જાહેર જીવનમાં.
શબ્દના પતનનો હજી હમણેનો નાદર નમૂનો ગુજરાત સાહિત્ય અકાદમીના સરકારનીમ્યા પ્રમુખની એવી સરળભોળી શેખીનો છેે કે અમારાં કામો જોઈ ઉમાશંકર પીઠ થાબડત. ભાઈ, માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીના વારાની સરકારી અકાદમીએ કથિત સન્માન વાટે કવિની પીઠથાબડ તો શું માથેમુગટ તરેહની કોશિશ કીધી ત્યારે કવિએ એમને જાહેર જીવનના રદીફકાફિયાનું પ્રબોધન કરવામાં ધર્મ જોયો હતો અને સવિનય પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તમને ખ્યાલ હશે જ કે હું જવાહરલાલ નેહરુ અને સર્વપલ્લી રાધાક્રિષ્ણને ઉછેરેલી અકાદમીનો ચૂંટાયેલો, રિપીટ, ચૂંટાયેલો પ્રમુખ રહ્યો છું. કાશ, તેજી હોત અને ટકોરો બસ થયો હોત. પણ એ ટકોરો, સરકારની સમજમાં તો નહીં પરંતુ સંખ્યાબંધ સાહિત્યકારોનાં રાજીનામાં રૂપે પ્રગટ થયો હતો. ત્યારે રાજીનામાં સુધી પહોંચતાં જેટલો સમય થયો હશે, કદાચ એથી વધુ સમય એપ્રિલ ’૧૫ની પરબારી પ્રમુખ ઘટનાની જોડાજોડ સંકળાયેલા સાહિત્યકારોને સરકારી સંધાન બાબતે મોહભંગ થતાં થયો હશે. ત્યારે કવિનો શબ્દ કદાચ કંઈકે પૂરતો હતો, કેમ કે સાહિત્યકારો આજની હદે ‘ગોદી’ (એમ્બેડેડ) નહોતા.
આગળ ચાલતાં દર્શકની પહેલકારીમાં સ્વાયત્ત અકાદમી બની તો આવી, પણ બે પછી ત્રીજા પ્રમુખ ચુંટાયા જ નહીં. નોંધાયેલ લેખકીય મતદાર મંડળના ચુંટાયેલા સભ્યોને લમણે વિધિવત સભ્યપદું અને કામગીરી આવ્યાં જ નહીં … રે, લીલપરિણય! કહેવામાં આવે છે કે સરકાર તો ચુંટાયેલી છે ને. લિબરલ ડેમોક્રસીમાં સ્વાયત્ત સંસ્થાઓની અનિવાર્યતા બાબતે આ અક્ષતયોનિ અબુધતા વિશે શું કહીશું. અશિક્ષિત પટુત્વ તરીકે તો એનો મહિમા કરી શકાય એમ નથી. નેે, શિક્ષિત પટુત્વ? પૂછશો મા.
પણ રહો, સમગ્ર ઉમાશંકરને – કવિપુત્રીએ જેમને વાજબી રીતે જ ‘જાહેર જીવનના કવિ’ કહ્યા છે એમને – આપણેે કેવળ અકાદમીચર્ચામાં સીમિત નહીં કરી દઈએ. જેણે એકાધિક અવસરે પદ્મશ્રેણીઓમાંથી પસંદગીપૂર્વક નાત બહાર રહેવું પસંદ કર્યું, જેણે સમય સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવા સારુ સામયિક ચલાવવું પસંદ કર્યું, સ્વતંત્રતા અને સમાનતાનાં મૂલ્યવશ યથાપ્રસંગ સંડોવણી વહોરી જાણી, નિયુક્ત સાંસદ છતાં કટોકટીશાસન સાથે સમીકૃત નહીં થવાનો મિજાજ દાખવ્યો, ક્ષરલોકમાં એવા અક્ષરલોકના સિપાહી એ હતા.

આ અક્ષરસૈનિકે તમે જુઓ, ૧૯૩૬માં ભૂલાભાઈના મુનશીબદ્ધ બંધારણવાળી પરિષદ સાથે ગાંધીજી સંકળાય તે અંગે વિરોધલાગણી પ્રગટ કરી હતી અને પત્રમાં લખ્યું હતું કે જોડાઓ જ તો ‘બંધારણ’નું કાંક કરો. આ જ અક્ષરસૈનિકે પરિષદને મુનશીની આજ્ઞાંકિતા મટી લોકશાહી પરિવર્તનની ભોંય કેળવી ગોમાત્રિની શતાબ્દી રૂડી પેરે મનાવવાની લડત માંડી જાણી હતી. પરિષદ અને અકાદમીને એક લાકડીએ હાંકનારે અકાદમીની સ્વાયત્તતા માટેની વ્યાપક સાહિત્યજગતની લડતવશ પરિષદ પોતે કેવા આંતરસંઘર્ષમાંથી પસાર થઈને લોકશાહી લાયકાત માટેની તાવણીમાંથી પસાર થઈ રહી છે તે ય જોવાસમજવા જેવું છે.
ઉમાશંકર, જેવા છો તેવા તમે સ્તો પરિષદ અને અકાદમી બેઉ સહિત સૌ પાસે જવાબ માગી શકો તેમ છો. તમે સવાલ-દાર તો અમે જવાબ-દાર. તેથી સ્તો જરી ઝુનૂનથી, વિથ એ વેન્જન્સ, તમારું સુમિરન.
સૌજન્ય : “નિરીક્ષક”, 20 જુલાઈ 2017; પૃ. 16
![]()


જીવનના દરેક પહેલુ વિશે વિચારવામાં મારી એક ખાસ દૃષ્ટિ છે. તેમાં સાહિત્યને પણ હું જીવનનો મહત્ત્વનો વિષય સમજું છું. તેથી તે વિશે પણ મેં ખાસ્સું ચિંતન કર્યું છે. મારું ચિંતન હું આપની સામે પ્રાચીન સૂત્રના આધારે રજૂ કરું છું. સૂત્ર છે : काव्यं यशसेङर्थकृते व्यवहारविदे शिवेतरक्षयते। આ એક કાવ્ય સૂત્ર છે. કાવ્ય અને સાહિત્યમાં કોઈ ફરક નથી. જે ચીજ કાવ્ય માટે કહેવાઈ છે તે બધું સાહિત્ય વિશે પણ લાગુ પડે છે.
ઉમાશંકર જોશીએ મહાન સાહિત્ય તો સર્જ્યું જ, પણ તેની સાથે ‘સંસ્કૃિત’ નામનાં સામયિકનું પ્રકાશન-સંપાદન પણ ૧૯૪૭થી ૧૯૮૪ સુધી કર્યું. તેના માટે ‘સમયની સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવાની તક મળે તે મુખ્ય પ્રેરણા’ હતી, એમ ઉમાશંકરે નોંધ્યું છે. સાહિત્ય ઉપરાંત અનેક જ્ઞાનશાખાઓને આવરી લેતાં ‘સંસ્કૃિત’ માસિકનો દરેક જ્ઞાનમય અંક ‘જાહેર જીવનના કવિ’ની વૈશ્વિક સંપ્રજ્ઞાનો આવિષ્કાર છે. ‘સંસ્કૃિત’ની આ મહત્તાને છાજે તેવો એક ઉપયોગી, દૃષ્ટિપૂર્ણ અને શ્રમસાધ્ય સંદર્ભગ્રંથ તાજેતરમાં બહાર પડ્યો છે. તેનું નામ છે ‘સંસ્કૃિત સૂચિ’, પેટાનામ ‘સામયિકની વર્ગીકૃત સૂચિ’. આઠસો જેટલાં પાનાંની આ સૂચિ અમદાવાદની હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટસ કૉલેજનાં સમર્પિત ગ્રંથપાલ તોરલ પટેલ અને જાણીતાં સાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદીએ તૈયાર કરી છે.
‘સંસ્કૃિત’ સૂચિનો પહેલો જ વિભાગ સૂઝપૂર્ણ છે. આ વિભાગ અંકોનાં ‘આવરણ પૃષ્ઠ’ અંગેનો છે. તેમાં દરેક અંકના મુખપૃષ્ઠ પરનાં ચિત્ર/રેખાંકન/છબીની માહિતી છે. જેમ કે, ‘ગરબો (રસિકલાલ પરીખ) નવે ૫૧’. ત્રીજા કે ચોથા પૂંઠા પર પર મોટે ભાગે કવિતા કે ફકરો છે. તેની નોંધનો દાખલો – ‘ચીનનાં સુવચનો, માર્ચ ૫૦ / પૂ.પા.૪. સૂચિમાં શુદ્ધ સાહિત્યને લગતા વિભાગો આ મુજબ છે : કવિતા, વાર્તા, નવલકથા : અભ્યાસ/સમીક્ષા/સાર/પ્રસ્તાવના, નાટક, નિબંધ, આત્મકથન, ચરિત્રકથન, સાહિત્ય અભ્યાસ: સિદ્ધાન્ત/ ઇતિહાસ/સ્વરૂપ/વિવેચન, ભાષાવિજ્ઞાન, લોકસાહિત્ય, પ્રવાસ.