28 ઑગસ્ટ, મેઘાણી-જયંતી નિમિત્તે –
મારો પ્રાન્ત અવલ દરજ્જાના પ્રતિભાવંતોથી વંચિત રહે એ મને અકળાવે છે. એકાદ ગોવર્ધનરામનું સ્થાને ય અરધી સદી સુધી ખાલી પડ્યું રહે એ અસહ્ય છે, કારણ કે પ્રતિભાવંતોને અભાવે સામાન્યોમાં વામણા આદર્શોની પૂજા પેસી જાય, મધ્યમોનું જોણ ઊર્ધ્વમુખી રહે નહીં, ગુજરાતી વાઙમયની શક્યતાના વિસ્તીર્ણ સીમાડા કોઇ મધ્યમોને દેખાડે નહીં. સામસામા કૂપમંડૂકો પેટ ફુલાવતા બેસીએ છીએ. પ્રજાસમસ્ત પણ સાહિત્ય અને સાહિત્યકાર એ બે શબ્દોના ઉચ્ચારમાત્ર સાથે જે એક રગરગવ્યાપી ગંભીરતા ને આકાશી વિસ્તીર્ણતાનો ભાવસ્પર્શ અનુભવી રહે, તે સાચા સ્વામીને અભાવે અનુભવી શકતી નથી. માટે હું ટાગોરને ભલે નહીં પણ ગોવર્ધનરામને તો ગુજરાતને ટીંબે માગું છું. વાણીના સ્વામીઓ વિનાની ગુજરાત સેંકડોને પ્રસવ્યા છતાં વાંઝણી કહેવાય.
તથાપિ સામાન્યો-મધ્યમો પર હું જરીકે ઓછું જોર આપવા માગતો નથી. કદી નહીં એટલી મોટી જરૂર સામાન્યોની આ જમાનાને પડી છે. ફક્ત પ્રતિભાનો ફાંકો મૂકી દઇએ તો આપણે સારુ ય કામના ઢગલા પડ્યા છે. દેશાવરો સાથેનાં તેમજ પ્રાન્ત-પ્રાન્ત વચ્ચેનાં વિનિમય-દ્વારો ઊઘડવા લાગ્યાં છે. કાવ્યથી માંડી વ્યુત્પત્તિ લગીના કાર્યપ્રદેશોમાં નવી સ્ફુિર્ત સંચરી છે. યુનિવર્સિટીઓ માતૃભાષાને માધ્યમ બનાવી રહી છે. ગુજરાતની આગવી વિદ્યાપીઠને આકાર ધરી પૃથ્વી પર ઊતરતાં ઝાઝી વાર નથી, છતાં ક્યાં છે ગુજરાત પાસે વિદેશી કે પરપ્રાંતીય ગ્રંથમણિઓનાં અકબંધ અણીશુદ્ધ ભાષાંતરો યે?
આ રહ્યો મધ્યમોની સામે કામ-ઢગલો. એકાદ ભાઇ ચંન્દ્રશંકર [શુક્લ] પોતાને વતન બેસી જઈ રાધાકૃષ્ણનની પ્રાસાદિક રચનાઓનાં ઓજસપૂર્ણ અને અર્થભારવાહી અનુવાદો આપ્યે જાય છે. ભાઇ નગીનદાસ ટાગોરની આરાધના માંડી એકલા બેસી ગયા છે. આ કસબને એ ભાઇઓએ સ્વાવલંબી કક્ષાએ પહોંચાડ્યો છે. નવજીવનમાં જેઓ બેઠા છે એ મધ્યમની હાથે થઈ રહેલું ધરાવાહી જ્ઞાનદોહન નિહાળો. એ બધા કવિતા અને વાર્તા લખવા બેઠા હોત તો?
સામાન્યોને હું વિવેક કરવા સૂચવું છું. કીર્તિની કામનાના બે પ્રકારો છે : રોગિયલ અને નિરોગી. ‘કર્મમાં જ તારો અધિકાર છે, ફલમાં નહીં કદી!’ એવા ચવાઇ ચવાઇ છોતાં બની ગયેલ ગીતાસૂત્રને તમારાં માથાંમાં નહીં મારું. દ્રવ્યલાભ અને કીર્તિલાભ, બન્નેના તમે સાહિત્યક્ષેત્રે અધિકારી છો. પણ સંપત્તિ અને કીર્તિ બન્ને તમારાં વારણાં લેતી, તમારા પર લળતી ને ઢળતી આવે એ એક વાત છે, ને બેઉની પાછળ ‘શુનિમન્વેતી શ્વા’વાળી એકાદ હસ્તપ્રત લઇને લેખક લટુવેડા કરતો દોટો લગાવે એ બીજી વાત છે.
દ્રવ્યલાભ, કીર્તિલાભ ઉપરાંત એક બીજી બાબત આપણું પ્રેરકબળ છે – ને એ જ મુખ્ય છે. એ છે આત્મસંતૃપ્તિ. મેં કોઇ મહાસત્ત્વ જોયું, માનો કે હું હિમાચલ જેવા પહાડમાં ઘૂમી આવ્યો કે ગેરસપ્પાનો ધોધ જોઇ આવ્યો. એ જ પ્રમાણે, ધારો કે મેં આ દેશની કે પરદેશની ઉત્તુંગ માનવ-વિભૂતિઓનું સાન્નિધ્ય સેવવાનો મોકો મેળવ્યો. એ વિભૂતિદર્શનમાંથી સાચા રસાનંદનું એકાદ બિંદુય મને લાધી ગયું, તો તો હું એની ખુમારીમાં ડોલ્યા કરું. પછી એક દિવસ મને થાય, કે આ આનંદ તો મનમાં શમાવ્યો સમાતો નથી, ઝલકાઇ ઝલકાઇને બહાર ઢળે છે, એને શબ્દમાં વહાવી અન્ય જનોને પણ રસભાગી બનાવું, નહીં તો ત્યાં લગી મને જંપ નહીં વળે. નિજાનંદનો આ સભરભર કુંભ અન્ય જનોને પાવાની લાગણી જો સાચી હશે, તો પેલા બિંદુમાત્ર અનુભવમાંથીયે વાણીની અમૃતધારા છૂટશે. પણ જે કંઇ વિભૂતિદર્શન કર્યું છે તેને, લાવને, ઝટઝટ વટાવી નાખું, આના બે બોલ મેળવું, તેના ચાર અભિપ્રાય કઢાવી લઉં, — પરિણામે બહાર પડે છે – કીર્તિલેખ નહીં પણ લેખકના મૃત્યુલેખની ગરજ સારતું એક ચોપડું. એ એનો મૃત્યુલેખ બને છે, કારણ કે ફરી એ લખી શકવાનો નથી.
આમ પ્રથમ તો આત્મસંતૃપ્તિની આવશ્યકતા, પછી કીર્તિની, તેની યે પછી દ્રવ્યપ્રાપ્તિની અપેક્ષા. એ વાત કેવળ અંત:પ્રેરણામાંથી પરિણમતી કલ્પનાશોભન કલાકૃતિઓ પરત્વે જ સાચી છે એમ ન માનતા. એકાદા ગ્રંથ-વિવેચનને યે, અખબારના મુખ્ય પાનાને શણગારતા એકાદા લેખને યે, કોઇપણ અનુવાદિત છાપાં-લખાણને યે, અરે તમે અહીંતહીં આછા-ઘાટા, લલિત શબ્દ-સાથિયા પૂરો છો તેને યે, સૌ પહેલી અપેક્ષા છે આત્મપ્રસન્નતાની. હજારો લોકો તો એ વાંચવા પામે ત્યારે ખરા, સારુંમાઠું જે કાંઇ ધારે તે ખરું, તમને પોતાને, એ કૃતિના કર્તાને, અત્યારે, આ ઘડીએ એ કૃતિ પ્રસન્ન કરે છે ખરી? આરસીમાં મોં જોઇને મલકાતા હો, એવા છૂપા નિજાનંદે તમે તમારી એ સરજત નિહાળીને હલી ઊઠો છો? ઘાટઘૂટ બરાબર ઊતર્યા લાગે છે? આકાર-સૌષ્ઠવ સંતોષે છે? શબ્દો યથાસ્થાને ગોઠવાયા છે? સુરુચિની બાબતમાં છૂપીછૂપીયે આત્મવંચના નથી થઈને? રોજ ઊમટતાં શબ્દ-પૂરની અંદર મુકાબલે તો નાનકડી અને નગણ્ય લેખાય તેવી તમારી એ કૃતિ જે કોઇ જૂજ આંખો એ વાંચવા પામશે તેને તો પકડી રાખે એવી દીસે છે ને? ° ° ° આત્મતૃપ્તિ એટલે બેશક આત્માની તૃપ્તિ, માણસના અંતરજામી સત્યમ્ શિવમ્ સુંદરમ્ મહાસત્ત્વની તૃપ્તિ, નહીં કે માણસના નાનકડા અહમ્-દેડકાની તૃપ્તિ, ચપટીમાં રીઝી જનાર પામરતાની તૃપ્તિ, સ્વાર્થપટુ બે-ચાર પાસવાનોનાં અહોહો-અહાહાથી મૂર્ચ્છિત બની જનાર નર્યા પ્રશસ્તિભૂખ્યા પ્રાણની તૃપ્તિ. ના, આપણે કલમો પર એવી તૃપ્તિને નહીં પલાણવા દઇએ. નાનકડી કંડિકાથી માંડી મોટા ગ્રંથની રચના પર્યંત આપણો સાચો ભોમિયો અને સાક્ષી તો પેલો, માંયલો રસાનંદી આત્મા જ રહેશે. સાચો હોંકારો એ જ આપશે કે, શિલ્પી! તેં જે રચ્યું તે અલબત્ત તારું નિજનું છે, તારી શક્તિ-મર્યાદાને આધીન છે, તથાપિ એ ઢોંગ-જાદુગરીથી અદૂષિત છે, આત્મવંચના-પરવંચનાથી અકલંકિત છે, અને તારી પોતાની શૈલીથી અર્થાત્ તારાં ખુદનાં શીલની બનેલી શબ્દસુંદરતાએ વિભૂષિત છે. એમાં સ્વામીઓનો પ્રસાદ ભલે નથી, છતાં એ પ્રાસાદિકતાની તેં આત્મસાત્ કરેલી કણિકા ઉતારી છે. ચોરેલું, ભાડે કે ઉધાર લીધેલું આમાં કાંઇ નથી. પ્રસન્ન થા, શિલ્પી! તું નાનો છે, તે છતાં એ મહાજનો જે પંથે ગયા છે તે જ સૌંદર્યવાટનો તું સહયાત્રી છે.
courtesy : PRASAR, 402 'SATTVA', near GREEN PARK, PHULVADI, BHAVNAGAR 364 002 (GUJARAT)
![]()


દુલા ભાયા કાગનો આ દુહો ઝવેરચંદ મેઘાણી(૧૮૯૬-૧૯૪૭)ની એક આગવી લાક્ષણિકતા તરફ આપણું ધ્યાન દોરે છે. મેઘાણી એક એવા સર્જક છે જેનાં હાથ-દિલ-કલમ-જીભ એકબીજાના સંવાદમાં રહીને જ વર્તતાં હતાં. હાથ, કલમ, અને જીભ વડે મેઘાણીએ એ જ આરાધ્ય દેવતાની ઉપાસના કરી છે જે એમના દિલને માન્ય હોય, પૂજ્ય હોય. અને આ આરાધ્ય દેવતા એટલે લોક, એમની સંસ્કૃિત, એમની ભાષા, એમનું સાહિત્ય, એમના હરખ-શોક, એમનાં આશા-અરમાન, ટૂંકમાં કહેવું હોય તો લોકહૃદયના ધબકાર.
'તમારા મનમાં મારે વિશે સ્વર્ગ જેટલો ઊંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હો, તમે મારા કટ્ટા વૅરી કે સાચા સ્નેહી હો, તો પણ હું તમારા શહેરમાં ક્યારેક્ટર છઉં, પછી ગમે તેવો.'