આપણે માણસો દિવસરાત વાતો કરીએ છીએ. આપણે વાતોની વારતાઓ બનાવીએ છીએ, મીન્સ, વાર્તાઓ ક્રીએટ પણ કરીએ છીએ
મને હમણાં પાર્કમાં, અમેરિકામાં, એક ગુજરાતી જુવાન મળી ગયો. કહે : અન્કલ, મારે શૉર્ટસ્ટોરી લખવી છે. ફૉર ધૅટ, મેં રીડ બહુ કર્યું છે, પણ સ્ટીલ કુડન્ટ રાઇટ ઍનિ. કોઇ ફૉર્મ્યુલા, ઇઝિ ફૉર્મ્યુલા, છે? : એને મેં કહ્યું : ફૉર્મ્યુલાબૉર્મ્યુલા છે નહીં અને કોઇ તને બતાવે તો માનીશ નહીં, રવાડે ચડી જઇશ : મને અટકાવીને ક્હૅ – કોઇ કોઇ વર્ડ અંગ્રેજી વાપરોને, અન્કલ. મેં કહ્યું – ઓકે. આપણે પેલા શેલ્ટરમાં બૅન્ચ પર બેસીએ : યસ્સ : જઇને અમે બેઠા.
લિસન : આપણે માણસો વાતોડિયાં પ્રાણી છીએ. કાગડો કાગડી વાતો કરતાં હશે; પણ શી, કેમ ખબર પડે? કીડી પોતાની સાથે ચાલતી બીજી કીડીને કંઇ-ને-કંઇ કહેતી હશે; પણ શું, આપણે નથી જાણતા. વડ નીચે ગોઠવાઇને બેઠેલો ઘરડો હાથી પોતાનાં પોતરા-પોતરીઓને – ગ્રાન્ડ ચિલ્ડ્રનને – વાર્તા કહેતો હોય; પણ શી વાર્તા, કોણ જાણે. આપણે માણસો દિવસરાત વાતો કરીએ છીએ. જો, આપણી તો દરેક વાતની ખબર પડે છે. એકબીજાંને સાંભળીએ છીએ ને સાંભળેલી વાત ત્રીજા-ચૉથાને સંભળાવીએ છીએ. આગળ વધીને આપણે વાતોની વારતાઓ બનાવીએ છીએ, મીન્સ, વાર્તાઓ ક્રીએટ પણ કરીએ છીએ. માણસ, વાર્તાકાર પ્રાણી છે : પણ અન્કલ – : મેં એને રોક્યો : મને કમ્પલિટલિ સાંભળી લે, પછી બોલજે.
લિસન : ગૉડે દરેક જીવને સર્જકતા આપી છે, ક્રીએટિવિટી. સુઘરી – : વીવરબર્ડ? : હા; પોતાનો નેસ્ટ એની મૅળે જ ગૂંથે છે. એ કોઇ કલાભવનમાં શીખવા નથી ગઇ. વગડામાં – આઉટસ્કર્ટસમાં – છોકરી બકરાં ચરાવે છે. બકરાં ચરતાં રહે છે ને છોકરી કશુંક ગણગણ્યા કરે છે. રોજ એ-નું-એ જ ગણગણે છે. અને એક દિવસ એ એનું ગીત બની જાય છે. માણસ આંગળીથી અમસ્તો અમસ્તો ધૂળમાં લીટા કરે છે ને એમાંથી કશુંક ચિત્ર બની આવે છે. તેં નાનપણમાં રેતીનાં દેરાં બનાવેલાં? તો ક્હૅ – વ્હૉટિઝ ધૅટ? મેં કહ્યું – લૅટિટ ગો; ચાલશે.
પછી મેં એને સરવાળો કરીને સમજાવ્યું : એક તો, આપણે વાર્તાકાર પ્રાણી છીએ. સૅકન્ડ, આપણને સર્જકતા મળી છે. આ બન્ને વસ્તુઓ જો આપણામાં છે જ છે, તો વાર્તા તો આમ જ લખી નંખાય. નંખાય કે નહીં? કશી પણ વાત જોડી કાઢવાની. સંગાથીને કહેવાનું કે સાંભળ, એમ પણ કહેવાનું કે વચ્ચે હૉંકારો પૂરજે. થઇ જાય કે નહીં? : એ કશું બોલ્યો નહીં : કેમ શું થયું? : થોડી વારે ક્હૅ : મેં વાંચ્યું છે કે ટૂંકીવાર્તામાં 'સિન્ગલ ઇફૅક્ટ' હોવી જોઇએ, એ 'ટેલિગ્રામ જેવી બ્રીફ' હોવી જોઇએ : સ્માર્ટ ફોનના જમાનામાં ટેલિગ્રામને ભૂલી જા. એમ સમજ કે ટૂંકીવાર્તા ઍસ.ઍમ.ઍસ. જેવી શૉર્ટ હોવી જોઇએ – થોડા જ શબ્દો, પણ ઘણું કહી દે એવા. સિન્ગલ ઇફૅક્ટ સમજાવું છું તને : તો ક્હૅ : મેં એમ પણ વાંચ્યું છે કે એમાં 'ઍપિક ટેનર' હોવી જોઇએ. એટલે મેં એને પૂછ્યું : તારું નામ શું છે? : જૅકિ, જૅકિસન : તને જૅકિસન કહું કે જૅકિ? : જૅકિ ક્હૉને, અન્કલ : જો જૅકિ, ઍપિક ટેનરનો મતલબ છે, મહાકાવ્યમાં હોય એવો ભાવાર્થ ટૂંકીવાર્તામાં, પણ યાદ રાખ કે તું નવો નિશાળિયો છું, એ તારા ગજા બહારની વાત છે, હાલ ભૂલી જા : તો ક્હૅ : પણ તો શું કરું?
જૅકિ, તને સાત પૂંછડિયા ઉંદરની વાત ખબર છે? : ઑલ્મોસ્ટ : ઉંદર એટલે? : રૅટ : તો સાંભળ : એક જમુ નામનો ઉંદર હતો. દુર્ભાગ્યે એને સાત પૂંછડીઓ હતી : દુર્ભાગ્યે? : અન્ફૉર્ચ્યુનેટલિ : ક્લાસમેટ્સ એને, જમુ સાત પૂંછડિયો, જમુ સાત પૂંછડિયો, જમુ અગ્લિ, કહીને ટીઝ કરતા'તા. એટલે જમુએ ડિસાઇડ કર્યું કે – આ હૅરેસમૅન્ટનો એન્ડ લાવવો જોઇશે. એ તો પ્હૉંચ્યો એમના ફૅમિલિ બાર્બર પાસે : ફૅમિલિ બાર્બર? : હા, ઇન્ડિયામાં હોય. જમુએ કહ્યું – મારી વૅરી ફર્સ્ટ ટેઇલ કાપી નાખો. પેલાએ કાપી નાખી. પણ અગેઇન ક્લાસમેટ્સ કહેવા લાગ્યા – જમુ છ પૂંછડિયો. જમુ છ પૂંછડિયો, જમુ અગ્લિ. જમુએ સૅકન્ડ કપાવી તો પેલા ક્હૅ – જમુ પાંચ પૂંછડિયો, જમુ પાંચ પૂંછડિયો. થર્ડ કપાવી તો : યા યા, આઇ ગૉટિટ. ધૅટ વે, એની બધી પૂંછડીઓ જતી રહેલી : હા પણ, ત્યારે ક્લાસમેટ્સ એને શું કહેતા હશે, ક્હૅ તો? : ખબર છે, પણ વર્ડ યાદ નથી : મને જોઇ રહેલો. મેં કહ્યું : બાંડો ! જમુ બાંડો, જમુ બાંડો, જમુ બાંડો. મીન્સ, જમુ ટેઇલલેસ. જો જૅકિ, આપણે એના ટેઇલની જે વાતો કરી એથી જે ઇફૅક્ટ ઊભી થઇ એ જમુના પેઇનની જ હતી, ખરું ને? : યસ્સ : વાર્તાને એના ટ્રૅકની બ્હાર જર્રા પણ જવા જ ન દઇએ ને જે ઇફૅક્ટ આવે એને સિન્ગલ ઈફૅક્ટ કહેવાય. ક્યારનો હું ટૂંકીવાર્તા લખવા વિશે જ બોલ્યા કરું છું એની તને જે ઇફૅક્ટ આવે છે એ સિન્ગલ છે ! : ઓકે …
મને એ કંટાળેલો લાગ્યો. છતાં મેં એને કહ્યું : હવે યાદ કર, માણસ વાર્તાકાર પ્રાણી છે એટલે તું પણ છું અને વાર્તા લખી શકું છું. માણસને તેમ તને ય સર્જકતા મળી છે. કલ્પના ચલાવ : સર્જકતા નહીં? : એ હોય એની પાસે એ પણ હોય : ઓકે : કલ્પના કર કે જમુનું શરીર કેવું હતું, યાદ રાખજે કે નામ એનું માણસનું છે – જમુ – એટલે એનું શરીર પણ માણસનું છે. એની હૅઅરસ્ટાઇલ, એનાં કપડાંલત્તાં, બધું ડીસ્ક્રાઇબ કર : જૅકિ વિચારવા લાગ્યો, એટલે મેં કહ્યું : હમણાં ને હમણાં રહેવા દે. ઘેર જઇને કરજે. તું વર્ણવી શકે કે જમુ હમેશાં ટીશર્ટ-જીન્સમાં જ હોય છે : ટી-કલર? : આ તારા ટી-નો છે એ જ, ઑરેન્જ. હવે જો, એ એક વાત પૂરી થઇ. હવે આવે છે, જમુ પૂંછડિયો હતો એ વર્ણન. આ એક જન્કચર છે : એટલે શું? : એવી જગ્યા, જ્યાં જમુ અંગેની એક વીગત પૂરી થતી હોય ને બીજી શરૂ થતી હોય. ત્યાં વાર્તાકારે પોતાની સર્જકતાને પૂછીને કામ કરવાનું હોય છે. જેમ કે, તારે સરજી બતાવવાનું કે ભગવાને જમુને સાત પૂંછડીઓ કેમ આપેલી. કશો શાપ હતો? કશું વરદાન હતું? પછીના જન્કચરમાં લખી શકાય કે ક્લાસમેટ્સ એવા કેમ હતા. જમુ રડવા-જેવો થઇ ગયેલો ને પેલા ખડખડાટ હસતા’તા … એમ બધું ડેવલપ કરવાનું. બાર્બર પાસે જતાં પહેલાં જમુની મનોદશા કેવી હતી અને બાંડો થતો ગયો ને થઇ ગયો એ દરમ્યાનની કેવી હતી … : અન્કલ, યુ મીન, જમુનું સાયકોઍનાલિસિસ? : ના ભૈ ના ! મનોદશા એટલે ત્રણેય વખતે જમુના મગજમાં ચાલેલી ટૂંકા ટૂંકા દુ:ખાવા ! : ઓય્યા. નાઇસ, પછીનાં જન્કચરમાં જમુનાં મમા-ડૅડિ એને કૉન્સોલ કરી બુસ્ટ-અપ કરતાં હોય, એમ કરું તો? : બિલકુલ બરાબર : મને ટોટલિ સમજાઇ ગયું, આવડી જશે : તો લખજે હવે : હા અન્કલ, પણ હું જઉં, આઇ ગૉટા ગો …
મેં એને લાંબું 'બાઆઆય' કીધેલું પણ ટૂંકીવાર્તાના લેખન વિશે ઉપર જે બધું કહ્યું છે એ તો સાવ ટૂંકમાં કહ્યું છે. ઉમેરું કે પહેલીવાર વાર્તા લખવા તત્પર થયેલા કોઇને પણ માર્ગદર્શક નીવડે એવું કહ્યું છે. બાઆય …
= = =
https://www.facebook.com/suman.shah.94/posts/2113372498693652?__tn__=K-R
[શનિવાર, ૧૫/૯/૨૦૧૮ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત આ લેખ પ્રેસના સૌજન્યથી અહીં મૂક્યો છે]
![]()


બે દિવસ પર સુરેશ જોષીની પુણ્યતિથિ ગઈ. અવસાન તારીખ ૬ સપ્ટેમ્બર ૧૯૮૬. હયાત હોત તો ૯૭ વર્ષના હોત. અસ્થમાથી પીડાતા હતા, પણ મનોસ્વાસ્થ્ય સારું હતું. તબિયત લથડેલી. વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરેલા. અમે લોકો મળવા જતા. ત્યારે, 'મારી પ્રાણઘાતક વેદનાનું શું થશે?' જેવો પ્રશ્ન પૂછતા… મને પૂછેલું : ડભોઇ હતો? ક્યારે આવ્યો, બોલ, શું થશે? એમને વિશેની ચિન્તાથી ગ્રસ્ત મને શું સૂઝે? મૂંગા મોઢે જોઇ રહેલો. પછી નડિયાદની હૉસ્પિટલમાં ખસેડાયેલા. ત્યાં એમનું અવસાન થયેલું.
'છિન્નપત્ર'-માં અજય માલાને કહે છે : 'ગઈ કાલની જ વાત; આપણને ખબર નહોતી ને છતાં આપણી જ પાછળ આપણા આગામી વિરહનો પડછાયો નહોતો ઊભો? જે અશરીરી છે તેના પર આપણું નિયન્ત્રણ નથી. આથી જ તો વિરહ ગમે તેટલે દૂરથી દોડીને આપણી વચ્ચે આવીને ઊભો રહી જાય છે; આંગળીઓમાં ગૂંથેલી આંગળીઓ વચ્ચે આવીને એ સહેજ સરખા ખાલી અવકાશના આશ્રયે વિસ્તરવા માંડે છે. હું વાંચતો હતો, પણ … ક્યારે મારા શબ્દો કેવળ આછા શા ઉદ્ગારની બાષ્પ બનીને વિખેરાઈ ગયા, ક્યારે તારી નિષ્પલક આંખોમાં ઘેરી ઉદાસી ઘેરાઈ આવી ને કશુંક બોલવા મથતા તારા હોઠને મેં ચૂમી લીધા … પછી બધું જ ભારે ભારે લાગવા માંડ્યું …કદાચ એ ભારને ઉપાડવો ન પડે એટલા ખાતર જ આપણે શૂન્યને ઝંખીએ છીએ … શૂન્યમાં આપણે તરી શકતા હોત પણ શૂન્યમાં તરવાનું શક્ય નથી, ડૂબવાનું જ શક્ય છે. આથી નાના સરખા કાર્યનો આધાર લઈને આપણે તરવા મથીએ છીએ; એકાદ કવિતાની પંક્તિ, થોડીક રેખાઓ. પણ એ મને તારાથી દૂર ને દૂર વહાવી નહીં લઈ જાય ને? આથી ઘણી વાર કલમ થંભી જાય છે, ધીમે ધીમે મૌન ઝમે છે, હું ડૂબું છું.' (ખણ્ડ : ૨૩).
'મરણોત્તર'માં નાયકને સાંભળો, કહે છે : 'હવે સમુદ્ર આંસુથી તરબોળ રૂમાલના જેવો પડ્યો છે. આદિ કાળના કોઈ વિરાટ સરિસૃપની જેમ પેટે ચાલતું ધુમ્મસ ધીમે ધીમે આગળ વધે છે … રમતા બાળકના હાથમાંથી લસરી પડીને લખોટી ક્યાંક જઈને અદૃશ્ય થઈ જાય તેમ ચન્દ્ર ક્યાંક દડી ગયો છે … ધુમ્મસના ચાલવાના અવાજ સિવાય ક્યાં ય કશું સંભળાતું નથી. તેથી જ મરણ જાણે હાંફતું બેઠું હોય એવી એના શ્વાસોચ્છ્વાસની અતિશયોક્તિ થઈ જાય છે … ઘરની બંધિયાર હવાને ધુમ્મસ એના બોદા ટકોરાથી જગાડે છે … મને આશા બંધાય છે : આ ધુમ્મસ જ કદાચ મારામાં વસતા મરણને ગૂંગળાવશે : હું મરણની પ્રવૃત્તિ જોયા કરું છું. એ એના ખભા હલાવે છે. ઘડીક એના પીળા દાંત દેખાડે છે. એની આંખો હવે તગતગતી નથી. પશુના જેવો એનો ઘૂરકાટ પણ આછો થઈ ગયો છે. એ પોતાના વજનને વીંટળાઈ વળ્યું છે … આછી ભીનાશની ઝીણી ચાદરમાં હું લપેટાઈ જાઉં છું … ચારે બાજુથી ઘેરાઈ જવાનો આ અનુભવ, વળીને, જંપી ગયેલી કોઈ વાસનાને જગાડે છે. ધુમ્મસ એની શતલક્ષ જિહ્વાથી ચાટીચાટીને એ વાસનાને માંજે છે. એ ઇચ્છા, માથું ઊંચકે છે ને પૂછે છે: 'ક્યાં છે મૃણાલ?' (ખણ્ડ : ૧૬).
જે પુસ્તકાલયોનાં કેટલોગ ઓન લાઈન હોય તે નવરાશની પળોમાં વાંચવાની – હા, વાંચવાની ટેવ. એ રીતે કેટલોગ વાંચતાં એક પુસ્તકના નામ તરફ ધ્યાન ગયું: ‘કરુણારસ જુલિયસ સીઝર નાટક.’ પહેલાં તો નજર આગળ નીકળી જવા લાગી. એક વધુ અનુવાદ, બીજું શું? પણ પછી પુસ્તકની પ્રકાશન સાલ જોઇને ત્યાં જ ખોડાઈ ગઈ. સાલ હતી ૧૮૭૪.