= = = = ગુજરાતી સાહિત્યકલાસર્જનની સમગ્ર પરિસ્થતિને જોઈ-ઓળખીને આપણા સર્જકોને અને વિવેચકોને ઉપકારક મદદો કરનાર વીસમી સદીના ઉત્તરાર્ધથી માંડીને આજદિન સુધીમાં સુરેશ જોષી પછી કોઈ સંભવ્યો નથી. જે થોડા છે તે એમના જ વિચારોના વિસ્તરણકારો છે = = = =
‘સુજોસાફો’ આયોજિત સુરેશ જોષી જન્મશતાબ્દી ઉત્સવના, સિદ્ધાન્તવિવેચન વિશેના 9-મા ઍપિસોડમાં આપેલું વક્તવ્ય :
એ સાચું છે કે આ ઍપિસોડ વિવેચક સુરેશ જોષી વિશે છે, એમણે ચર્ચેલા સિદ્ધાન્તો વિશે છે. પણ મારે ઉમેરવું છે કે સૌ પહેલાં સુરેશ જોષી કલામર્મજ્ઞ છે, connoisseur. મર્મજ્ઞનો અર્થ એ કે કલાનાં શાસ્ત્રોને કે સિદ્ધાન્તોને જાણે જરૂર, પણ છેવટે તો તેમાં છુપાયેલા મર્મને પકડે. કલાના આત્માને જાણે. એટલે, જુઓ કે સાહિત્યકલાના વિકાસ માટે હંમેશાં એમણે ચિત્ર વગેરે લલિત કલાઓની હિમાયત કરી છે. ‘ક્ષિતિજ’ વગેરે સામયિકોની સામગ્રી તપાસીશું તો આ વાતની ખાતરી થશે.
બીજું એ કે વિવેચક સુરેશ જોષી મૂળે તો સહૃદયોત્તમ ભાવક છે. ગુજરાતી, ભારતીય અને વૈશ્વિક સાહિત્યના એમના અંગત રસાનુભવો એમના વિવેચનલેખનોનો પાયો છે, નહીં કે માત્ર કોઈ કાવ્યશાસ્ત્ર, નહીં કે માત્ર કોઈ કલામીમાંસા.
ભરત મુનિના મહાન અધ્યેતા કાવ્યશાસ્ત્રી અભિનવગુપ્તને એમના કોઈ સમકાલીને પૂછેલું કે તમે કયા પરિશુદ્ધ તત્ત્વની વાત કરો છો, તે કહો. તો અભિનવગુપ્તે કહેલું કે ‘ન તુ અપૂર્વ કિંચિત્’ – કશું અપૂર્વ નથી. સુરેશભાઈ પોતાના પહેલા વિવેચનસંગ્રહ ‘કિંચિત્’-ના નિવેદનમાં અભિનવના આ ઉત્તરને યાદ કરીને પોતે પણ એ જ કહે છે કે અહીં એવું કશું અપૂર્વ નથી, જે ‘મુનિ’ઓએ કહ્યું ન હોય, પૂર્વસૂરિઓએ કહ્યું ન હોય.
પરન્તુ આપણે જોયું છે કે સુરેશભાઈના સાહિત્યવિચારમાં પૂર્વ અને પશ્ચિમની પ્રાચીન, અર્વાચીન કે આધુનિક વિચારધારાઓનું એક અનુપમ સાયુજ્ય રચાયું છે, અને તે એમની પોતાની રીતે રચાયું છે. સુરેશભાઈ વિશે અપૂર્વ તો એમની એ લાક્ષણિક રીતિ છે.
મને આ ક્ષણે એમને વિશેના મારા શોધગ્રન્થ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’-ના ઉપસંહારનું છેલ્લું પાનું દેખાય છે. ત્યાં મેં આ જ જણાવ્યું છે કે ‘કિંચિત્’-માં અને અન્યત્ર જે કંઈ કહેવાયું છે, તે, તેની રીતિને વિશે અપૂર્વ છે. મેં જણાવ્યું છે કે ભારતીય કાવ્યશાસ્ત્ર, પશ્ચિમના ઍરિસ્ટોટલ આદિ પ્રાચીન મર્મજ્ઞો, ૨૦મી સદીનો મહાન વિવેચનાત્મક આવિર્ભાવ ‘ન્યૂ ક્રિટિસિઝમ’, આધુનિક લલિત કલાઓ, વગેરે, દેશકાળથી નિરપેક્ષ એવી સાહિત્યકલા-વિચારધારાઓનું એમનામાં એક અપૂર્વ રસાયન સિદ્ધ થયું છે. સંસ્કૃત કવિઓ, નાટ્યકારો, રવીન્દ્રનાથ, ઑર્તેગા, રિલ્કે, નિત્શે, કિર્કેગાર્દ, હ્યુસેર્લ, મર્લો પૉન્તિ, હાઇડેગર, વાલેરી, બૉદ્લેર, કામૂ, કાફ્કા, સાર્ત્ર, દૉસ્તોએવસ્કી, પ્રૂસ્ત, પિરાન્દેલો, આયોનેસ્કો કે બૅકેટ જેવા અનેકોનાં સુરેશભાઈએ પરિશીલનો કરેલાં અને એમાંથી એમને કલાતત્ત્વનો જે બોધ થયેલો, તેને પરિણામે પેલું રસાયન હંમેશાં સમૃદ્ધ થતું આવતું’તું.
મને એમ સમજાય છે કે સુરેશભાઈ સાહિત્યસિદ્ધાન્તનું પડીકું વાળી આપવામાં નથી માનતા. એટલે જ કદાચ એમણે પોતાની માન્યતાઓ અને સૂઝબૂઝ અનુસારનો સળંગ સિદ્ધાન્તગ્રન્થ નથી આપ્યો. એ વિશે ફરિયાદ કરી શકાય. મેં એ ફરિયાદ એમની પૂર્વેના વિદ્વાનો વિશે પણ કરી છે. પણ સુરેશભાઈ કહી શકે કે – મારાં તમામ વિવેચનલેખનો એકઠાં કરી લો, સળંગ ગ્રન્થ મળી જશે.
સંવત ૨૦૧૬ના આષાઢસ્ય પ્રથમ દિવસે પ્રકાશિત ‘કિંચિત્’ સંદર્ભે એમણે લખ્યું કે ‘અહીં ઉઠાવેલા, કાવ્યાસ્વાદ પરત્વેના, એક બે મુદ્દાઓ જો કોઈને કઠે, ખૂંચે ને કંઈક કરી નાખવા ઉશ્કેરે તો બસ’.
સુરેશભાઈએ ઉઠાવેલા અનેક મુદ્દાઓ બલકે સમગ્ર સુરેશ જોષી ત્યારથી આજ સુધી કેટલાકોને કઠ્યા છે, ખૂંચ્યા છે. એથી કેટલાક મહારથીઓ ઉશ્કેરાયેલા, પણ હવે જંપી ગયા છે. પણ એથી ઉશ્કેરાઈને કેટલાકોએ પોતાની ગતિવિધિ પકડી લીધી ને તેઓ આજે પણ ગતિશીલ છે.
સાહિત્યપદાર્થ એવું દ્રવ્ય છે જેને એકમાં બાંધી નહીં શકાય. એની નિરન્તર સમીક્ષા થવી જોઈશે, એ એવી ચીજ છે જેની હંમેશાં ટીકાટિપ્પણી થવી જોઇશે. એ નિવેદનમાં એમણે કહ્યું જ છે, ’કાવ્યમીમાંસાના પ્રશ્નો સદા ચર્ચાતા રહેવા જોઈએ, એનો પ્રવાહ કદી સ્થગિત નહીં થવો જોઈએ …વાદવિવાદ થવા જોઈએ, સમસ્યાઓ ઊભી કર્યા કરવી જોઈએ તો જ બૌદ્ધિક જાગૃતિની વાટને સંકોરવાનું શક્ય બને’.
મારું મન્તવ્ય છે કે સુરેશભાઈ ખુદ વિવાદ અને વિદ્રોહની મૂર્તિ હતા ને એ સ્વરૂપે આજસુધી મનભાવન રહ્યા છે.
એ નિવેદનની નીચે સુરેશભાઈએ બર્ટ્રામ હિગિન્સનું એક વિધાન ટાંક્યું છે : A good critic is one who helps the creative situation : સારો વિવેચક એ છે જે સર્જનાત્મક પરિસ્થિતિને મદદ કરે છે. આપણા સૌના જાતઅનુભવની વાત છે કે એક સમર્થ વિવેચક તરીકે સુરેશભાઈએ સર્જકતાને વિધ વિધે ઓળખાવી છે, સર્જનાત્મક આબોહવા પ્રગટાવી છે, અનેક નવોન્મેષો સરજ્યા છે. સાહિત્યનું માધ્યમ ભાષા છે, એમણે ભાષાને વિશેની સભાનતા કેળવવા કહ્યું. પ્રશંસા અને ઇનામ ઍવૉર્ડ પછી ઠરીઠામ ન થઈ જવાય, લખી લખીને રીઢા ન થઈ જવાય, એ માટે એમણે પ્રયોગશીલતાનો મહિમા કર્યો. આપણા અનેક સર્જકોને એમણે પ્રેર્યા છે.
ગુજરાતી સાહિત્યકલાસર્જનની સમગ્ર પરિસ્થતિને જોઈ-ઓળખીને આપણા સર્જકો અને વિવેચકોને ઉપકારક મદદો કરનાર વીસમી સદીના ઉત્તરાર્ધથી માંડીને આજદિન સુધીમાં સુરેશ જોષી પછી કોઈ સંભવ્યો નથી. જે થોડા છે તે એમના જ વિચારોના વિસ્તરણકારો છે. અસ્તુ.
(December 3, 2020: USA)
![]()


“ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ. પણ અહીં ફિલાડેલ્ફિયામાં રહ્યાં રહ્યાં લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (૧૯૬૭) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય એવું અનુભવતી જાઉં. ટી.વી. પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે, એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે — દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્ત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.”
લખવું એમને સહજ છે. કદાચ બંધિયાર મગજને વાંચતી વખતે હેં! પણ થઈ જાય છતાં માનવમનની ગડીઓ ઉકેલવામાં જેમને રસ હોય તેમનું બંધિયારપણું હવડ મગજનાં બારણાં ખોલી મુક્તિનો અહેસાસ કરાવી શકે.
જેને સવાઈ ગુજરાતીનું બિરુદ આપી શકાય એવા બે મહાનુભાવો વીસમી સદીમાં આપણને મળ્યા: એક, કાકાસાહેબ કાલેલકર અને બીજા, ફાધર વાલેસ. બંનેએ કવિતા, નવલકથા, નાટક જેવાં સર્જનાત્મક સ્વરૂપોમાં કશું જ નથી લખ્યું. અને છતાં બંને મોટા ગજાના લેખક, પણ માત્ર લેખક નહિ. બંને અઠંગ કર્મઠ. કાકાસાહેબને ગાંધીવિચારની ઓથ. પણ તેમાં બંધાઈ ન રહ્યા. ફાધર વાલેસને ખ્રિસ્તી ધર્મભાવાનાની આણ, પણ તેઓ તેની આણમાં રહીને પણ તેની સીમાની બહાર વિસ્તરતા રહ્યા. અને છતાં બન્નેએ પોતાનાં મૂળ સાબૂત રાખ્યાં.
કોલેજમાં ગુજરાતીમાં ગણિત ભણાવતા હતા, ગુજરાતી છાપામાં કોલમ લખતા હતા, ગુજરાતી પુસ્તકો ધૂમ વેચાતાં હતાં. છતાં ફાધરને લાગ્યું કે પોતે ગુજરાતી લોકો સાથે હજી સમરસ થયા નથી. કોલેજની ખ્રિસ્તી પાદરી-અધ્યાપકો માટેની હોસ્ટેલમાં રહેતા હતા ત્યાં ઘણે અંશે પશ્ચિમી વાતાવરણ, રહેણીકરણી, ખાનપાનની સગવડ હતી. તેમાં ગુજરાતીપણું ઓછું. એટલે તેમણે ૧૯૭૩માં હોસ્ટેલ છોડીને અમદાવાદની પોળોમાં ‘વિહાર-યાત્રા’ શરૂ કરી. એક બગલ થેલામાં બે જોડ કપડાં અને બીજી થોડીક અંગત જરૂરિયાતની વસ્તુઓ ભરીને સાઈકલ પર નીકળી પડે. કોઈ સાવ અજાણ્યા ઘરનું બારણું ખખડાવે. ‘થોડા દિવસ તમારે ત્યાં રહેવા દેશો?’ હા સાંભળવા મળે તો ત્યાં જ અઠે દ્વારકા, અઠવાડિયા માટે. પોતાનાં બધાં કામ તો જાતે કરે જ પણ ઘરનાં કામોમાં પણ મદદ કરે. કુટુંબનાં સૌ નાનાં-મોટાં સાથે ઘરનાની જેમ જ વર્તે. રડતા બાળકને હિંચકા પણ નાખે. પણ માગ્યા વિના સલાહ ન જ આપે. આમ, હોસ્ટેલની પ્રમાણમાં સુખ-સગવડવાળી જિંદગી છોડી, અને અમદાવાદના મધ્યમ વર્ગના લોકો વચ્ચે જઈને વસ્યા અને તેમના થઈને રહ્યા. હવે માત્ર ગુજરાતી ભાષા જ નહિ, ગુજરાતી રહેણીકરણી, ખાનપાન કુટુંબ જીવનને પણ પોતીકાં કર્યાં. પૂરાં દસ વરસ તેમણે આ રીતે લોકો સાથે રહીને ગાળ્યાં. એ અનુભવોનાં પણ ત્રણ પુસ્તક લખ્યાં. વખત જતાં પ્રકાશકોની માગણીથી ફાધર વાલેસે અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં પણ પુસ્તકો લખ્યાં, જેને પણ મોટો વાચક વર્ગ મળ્યો.