ગ્રંથયાત્રા – 21
કોઈ નવલકથાનું નામ અંગ્રેજી ભાષાને એક નવો શબ્દપ્રયોગ આપે એવું વારંવાર બનતું નથી. અમેરિકન નવલકથાકાર જોસેફ હેલરે નવલકથા તો સાત-આઠ લખી છે, પણ તેની પહેલી જ નવલકથાએ અંગ્રેજી ભાષાને એક નવો શબ્દપ્રયોગ આપ્યો : ‘કેચ ટ્વેન્ટી ટુ.’ તમારી પાસે કોઈ વિકલ્પ જ નથી એવું નહિ. સામે બે વિકલ્પ હોય તો ખરા, પણ બંનેમાં તમને સરખું જ નુકસાન થવાનું હોય, સરખી જ મુશ્કેલી પડવાની હોય, બેમાંથી એકે વિકલ્પ વધુ સારો કે ખરાબ એમ કહી શકાય તેમ ન હોય, એવી પરિસ્થિતિને કહેવાય છે ‘કેચ ટ્વેન્ટી ટુ.’ તેની આ નવલકથા પહેલાં તો અમેરિકાનાં બે ત્રણ સામયિકોએ ‘સાભાર પરત’ કરેલી. પછી પુસ્તક રૂપે ૧૯૬૧માં પ્રગટ થઇ ત્યારે પણ ઘણાખરા વિવેચકોએ જાતજાતના વાંધાવચકા કાઢ્યા, પણ વાચકોને આ નવલકથા ગમી ગઈ. ખૂબ વેચાવા અને વંચાવા લાગી. ૧૯૭૦માં તેના પરથી તૈયાર થયેલી ફિલ્મને પણ ઘણી લોકપ્રિયતા મળી. આનું એક કારણ ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાના અમેરિકાની સ્થિતિ હતું. એ વખતે અમેરિકા વિયેતનામ યુદ્ધમાં સપડાયેલું હતું. સત્તાવાર આંકડા પ્રમાણે ૫૮ હજાર અમેરિકન સૈનિકો આ યુદ્ધમાં માર્યા ગયા હતા (બિન સત્તાવાર આંકડો તો ઘણો મોટો હતો). અમેરિકન પ્રજામાં, અને ખાસ કરીને યુવાનોમાં વિયેતનામ યુદ્ધ માટેનો વિરોધ વધુ ને વધુ ઉગ્ર બનતો જતો હતો. અને ‘કેચ ટ્વેન્ટી ટુ’નવલકથાનો પણ મુખ્ય સૂર છે યુદ્ધના વિરોધનો, યુદ્ધની નિરર્થકતાનો, યુદ્ધ એ રાજકારણીઓનું ગાંડપણ છે એવી માન્યતાનો.
આ નવલકથાનો નાયક જોસેફ યોસારિયન વાયુસેનામાં બોમર તરીકે કામ કરે છે. તેનું લશ્કરી થાણું એક ટાપુ પર હતું. યુદ્ધનો અંત દેખાતો નથી અને નાયક હવે યુદ્ધથી વાજ આવી ગયો છે. યુદ્ધની નિરર્થકતા તેને સમજાઈ ગઈ છે. એટલે તે છૂટવા માગે છે. પણ લશ્કરના કાયદા તેને તેમ કરતાં રોકે છે. એટલે માંદગીનો ઢોંગ કરી તે લશ્કરી હોસ્પિટલમાં જાય છે.બીજા સૈનિકોએ લખેલા, અને તેમના પર આવેલા પત્રો વાંચીને સેન્સર કરવાનું કામ તેને હોસ્પિટલમાં સોંપવામાં આવે છે. પણ થોડા વખત પછી તે આ કામથી પણ કંટાળી જાય છે, અને પોતે વોશિંગ્ટન ઇરવીંગ નામ ધારણ કરીને તેની જેમ, તો ક્યારેક ચેપ્લીન ટેપમેનની જેમ વર્તવા લાગે છે. તેના આવા વર્તનથી લશ્કરી અધિકારીઓ ચોંકી જાય છે અને આ માણસ દુશ્મનનો જાસૂસ તો નથી ને એની તપાસ કરવા સી.આઈ.ડી.ના બે અધિકારીઓને બોલાવે છે. યુદ્ધમાંથી છૂટવા ખાતર બીજા સૈનિકો પણ માંદગીનો ઢોંગ કરવા લાગે છે એટલે પછી નાયકને પરાણે યુદ્ધમાં મોકલી દેવામાં આવે છે. પણ યુદ્ધના મોરચે પણ નાયક અને બીજા કેટલાક સૈનિકો પાગલોની જેમ વર્તે છે. તેના જ રૂમમાં રહેતો એક પાયલટ જાણી જોઇને પોતાનું વિમાન ક્રેશ-લેન્ડ કરે છે. જુદા જુદા સૈનિકોની જાતજાતની હરકતોનું લેખકે અહીં જાત અનુભવે આલેખન કર્યું છે. કોઈ સૈનિક નોર્મલ નથી, બધાને કોઈ ને કોઈ માનસિક સમસ્યા સતાવે છે.

જોસેફ હેલર
યુદ્ધમાંથી છૂટવા માટે નાયક જાતજાતની તરકીબો અજમાવે છે. ક્યારેક બોમ ફેંક્યા વગર પાછો ભાગી આવે છે. ક્યારેક ઇન્ટરકોમ બગડી ગયો છે એવું બહાનું કાઢે છે. ક્યારેક નકશા પરની યુદ્ધરેખાને આઘીપાછી કરી નાખે છે. છતાં તે યુદ્ધમાંથી છૂટી શકતો નથી. બીજી બાજુ સાથીઓને મરતા જોઇને તેના મનમાં યુદ્ધની નિરર્થકતા વધુ ને વધુ ઘૂંટાતી જાય છે. તે ફરી ગાંડો હોવાનો ઢોંગ કરે છે. બધાં કપડાં કાઢી નાખીને લશ્કરી કેમ્પમાં ફરવા લાગે છે. હવે તો પોતે યુદ્ધમાંથી છૂટી શકશે એમ તે માને છે. પણ ડોક્ટર ડેનિકા તેને માટે ‘કેચ ટ્વેન્ટી ટુ’ની પરિસ્થિતિ ઊભી કરે છે. લશ્કરનો નિયમ એવો છે કે ગાંડપણને કારણે પોતાને યુદ્ધમાંથી મુક્ત કરવાની અરજી તે સૈનિકે પોતે જ કરવી જોઈએ. પણ ડોક્ટર નાયકને કહે છે કે જો તું આવી અરજી કરીશ તો એ વાત સાબિત થશે કે તું ખરેખર ગાંડો નથી. કારણ ગાંડો માણસ આવી અરજી લખવા જેટલો સ્વસ્થ ન હોય. અને જો તું ગાંડો ન હોય તો તને લડવામાંથી મુક્ત કરવાનો સવાલ જ ઊભો થતો નથી. તું જો ખરેખર ગાંડો હો અને તેથી જાતે અરજી ન કરી શકે તેમ હોય, તો પણ તને લડવામાંથી મુક્તિ મળી શકે નહિ, કારણ જો તેં જાતે અરજી જ ન કરી હોય તો તને મુક્ત કેવી રીતે કરી શકાય? આમ બંને બાજુ નાયક માટે તો આફત જ છે. છેવટે બીજો કોઈ માર્ગ ન દેખાતાં નાયક લશ્કરી છાવણીમાંથી ભાગી જાય છે.
ઘરને સલામત ખૂણે બેસીને વાંચેલાં છાપાં કે સાંભળેલા રેડિયો સમાચારોને આધારે લેખકે આ નવલકથા લખી નથી. ૧૯૨૩માં બ્રૂકલિનમાં જન્મેલા હેલર બીજા અનેક અમેરિકન યુવાનોની જેમ અભ્યાસ અધૂરો મૂકીને બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકન લશ્કરમાં જોડાયા હતા. વાયુસેનાના વિમાનોમાંથી બોમ ફેંકવાની કામગીરી તેમણે કરી હતી. ફ્રાંસ અને ઇટલી પર ૬૦ વખત બોમમારો કર્યો હતો. પછીથી અભ્યાસ પૂરો કરી અધ્યાપક બન્યા, સામયિકોના જાહેર ખબર વિભાગમાં કામ કર્યું. અભ્યાસ કાળ દરમ્યાન જ વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. ૧૯૫૩માં ‘કેચ ૧૮’ નામની વાર્તા લખી. આઠ વર્ષ પછી એ જ વાર્તાને વિસ્તારીને નવલકથા લખી. પહેલાં તો તેનું નામ પણ ‘કેચ ૧૮’ રાખેલું, પણ બીજી એક નવલકથા સાથે એ નામ મળતું આવતું હતું એટલે બદલીને ‘કેચ ટ્વેન્ટી ટુ’ કર્યું. આ નવલકથાનાં પાત્રોના પચાસ વર્ષ પછીના જીવનને આલેખતી નવલકથા ‘કલોઝિંગ ટાઈમ’ ૧૯૯૪માં પ્રગટ થઇ. હૃદય રોગના
હુમલાથી ૧૯૯૯માં હેલરનું અવસાન થયું.
xxxxxxxxxxx
07 જાન્યુઆરી 2026
e.mail : deepakbmehta@gmail.com
![]()




