ગાંધીજીના આશ્રમનાં ઉત્તમોત્તમ સત્યાગ્રહી સેવકોમાંનાં એક બીબી અમતુસ્સલામ હતાં.
ગાંધીજીએ બતાવેલા તેજસ્વી આદર્શોને અપનાવી ત્યાગપૂર્ણ સેવામય જીવન ગાળવામાં અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમ ચલાવવા માટે સારી સારી સંસ્થાઓ ખીલવવામાં, એમના કરતાં ચઢિયાતું માણસ મળવું દુર્લભ. એમનો જન્મ પતિયાળામાં ઈ. સ. 1906માં. મુસ્લિમ જમીનદાર પરિવારની દીકરી. જ્યાં હિન્દુ-શીખ પ્રેમ-દોસ્તી રાખતાં હતાં એવા ખાનદાન કુટુંબમાં થયો હતો. ત્યાં આજે પણ નાનામોટા એ જૂની દોસ્તીને યાદ કરીને ખુશ થાય છે અને પ્રેમનાં આંસુ વહેવડાવે છે. અમતુસ્સલામબહેન પોતે એવા માહોલમાં ઊછર્યાં હતાં કે જ્યાં હિન્દુ-મુસ્લિમ-શીખ એવા કોઈ ભેદભાવ નહોતા, બધાંને માટે પ્રેમભાવ જ હતો.
એમની તેર વર્ષની ઉંમરે પિતા મુહમ્મદ અબ્દુલ મજીદખાં મૃત્યુ પામ્યા હતા. એ એમની જિંદગીનો પહેલો ઊંડો ઘા હતો. પોતે છ ભાઈઓની એકની એક બહેન હતી. કુટુંબમાં ચુસ્ત રીતે પડદો રખાતો હતો. માત્ર હકીકી ભાઈઓ સિવાય કોઈની સામે આવવાની મના હતી. તેથી સ્કૂલમાં જવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. માતા અમ્તુલ રહેમાનને લાડકી દીકરીની ચિંતા હોવાથી 13-14 વર્ષની નાની વયે જ લગ્ન કરી નાખવાની ઉતાવળ હતી. પણ મોટા ભાઈ અબ્દુલ રશીદખાંનો સખત વિરોધ હતો. તે કહે, ‘નાની વયે બહેનનાં લગ્ન કરી નાખવામાં હું ગુનો સમજું છું તેથી હું તેમાં હાજરી નહીં આપું.’ બહેન ટી.બી. જેવા રોગથી પીડાતી હતી એટલે ડૉક્ટરની સલાહ હતી કે એ ત્રણ વર્ષ દરમિયાન તાવ વગેરેથી બિલકુલ મુક્ત ન થાય ત્યાં સુધી લગ્ન કરવામાં જીવનું જોખમ હતું. આમ ભાઈઓના પ્રેમે ત્યારે એનાં લગ્ન ન થવા દીધાં!
અત્યાર સુધીમાં તેઓ કુરાનેશરીફ અને સાધારણ ઉર્દૂ વાંચતાંલખતાં શીખી ગયાં હતાં. 1922માં જ્યારે મોટા ભાઈ બૅરિસ્ટરી છોડીને છ માસ માટે જેલ ગયા ત્યારે અમતુસ્સલામબહેનના મનમાં પણ દેશસેવાની ભાવના જાગ્રત થઈ ગઈ હતી. ભાઈની લાઇબ્રેરીમાં ગાંધીજીની આત્મકથા હતી તે વાંચવા લીધી અને તેમાંથી જિંદગીના ભવિષ્ય વિશે એમને પ્રકાશ પડ્યો. ગાંધીજીના આશ્રમમાં જવાની તાલાવેલી જાગી. બુરખો પહેરીને અમ્બાલાની ગલી ગલીમાં ખાદી પ્રચાર કરવો, ખાદી વેચવી, જાહેરસભાઓમાં જવું વગેરે કરવા લાગ્યાં. ભાઈના જેલવાસ દરમિયાન ઘરમાં બધાંના શરીર પર ખાદી જ ખાદી હતી. મા બહુ નાજુક હતી એટલે જાડી ખાદીથી એના શરીર પર છાલાં પડી જતાં. છતાં ભાઈ જેલ બહાર ન આવ્યો ત્યાં સુધી ખાદી ખૂબ જોરશોરથી વપરાતી.
એ જમાનાના હિન્દુમુસ્લિમ એકતાનાં દર્શન ભૂલી શકાય તેવાં નહોતાં. ગાંધીજીના એકવીસ દિવસના અપવાસે અમતુસ્સલામબહેનના દિલ પર ભારે અસર કરી. છાપામાં ગાંધીજીના આંદોલન વિશે વાંચતાં. દાંડીકૂચના આંદોલને તો એમને કૂદી પડવાની ઇચ્છા થઈ. પણ જ્યાં પોતે જ આઝાદ નહોતાં ત્યાં શું કરી શકે? ભાઈઓ એમની ઇચ્છા વિરુદ્ધ લગ્ન નહોતા કરાવવાના એટલે એમણે તો ભાઈઓને કહી દીધું કે હું તો ગાંધીજીની પાસે અમદાવાદ, સાબરમતી આશ્રમ જવા ઇચ્છું છું. ભાઈઓએ એમની આ વાત હસવામાં ઉડાવી દીધી. પરંતુ અમતુસ્સલામબહેને તો મીરાંબહેનનું નામ છાપામાં વાંચેલું એટલે એને પત્ર લખ્યો. જવાબમાં આશ્રમના વ્યવસ્થાપક શ્રી નારણદાસ ગાંધીએ લખ્યું કે તમે કોણ છો? અહીં આવવાનો ઉદ્દેશ શો છે? વગેરે બેચાર પ્રશ્નો લખીને એમની તંદુરસ્તીનું સર્ટિફિકેટ મગાવેલું. પોતે સત્યનિષ્ઠ હતાં. અનેક રોગોમાં સપડાયેલાં હતાં એટલે ગમે તે ડૉક્ટરનું સર્ટિફિકેટ લેવાને બદલે જે ડૉક્ટરની દવા લેતાં હતાં એ જ ડૉક્ટર બિલિમોરિયાનું સર્ટિફિકેટ માગ્યું જેમાં લખ્યું હતું કે ક્ષય હતો—હવે મટી ગયો છે છતાં આશ્રમી જીવનનો શ્રમ વેઠી શકે એવી તબિયત ન કહેવાય. એમણે એ જ સર્ટિફિકેટ મોકલી આપી આશ્રમમાં રહેવાની પરવાનગી માગી.
દેશસેવા માટે આશ્રમજીવન જીવી લેવું એટલો જ એમનો ઉદ્દેશ નહોતો પણ ગાંધીજીનું ‘એક રૂહાની શક્તિ’નું આકર્ષણ બહુ જબરું હતું. ‘આશ્રમી જીવન જોવા ખાતર મહેમાન તરીકે આવી શકો છો’—એવો જવાબ મળ્યો ત્યારે તેઓ પોતે આશ્રમમાં આવવા માટે ભાઈઓ પાસેથી પૈસા માગવાને બદલે માએ પરાણે પહેરાવેલાં હાથ, કાન અને ગળાનાં ઘરેણાં વેચી અમદાવાદ પહોંચ્યાં. દેહ દૂબળો પણ હૃદયમાં ગાંધીજી પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. સુકલકડી કાયામાં ઉત્કટ ભાવના અને તેજસ્વી સંકલ્પશક્તિ ભર્યાં હતાં. ત્યારે એમની ઉંમર 22-23 વર્ષની હશે. સાબરમતી નદીને કિનારે રેતીમાં જ્યારે ગાંધીજી ફરતા હોય ત્યારે આશ્રમવાસીઓ એમને મળી લેતા. અમતુસ્સલામબહેન પણ ત્યારે એમને મળ્યાં અને પોતે લખી રાખેલી પોતાની રામકહાણીવાળી ચિઠ્ઠી આપી. કારણ તેઓ ન તો હિન્દી જાણતાં હતાં કે ન તો ગુજરાતી. ગાંધીજીએ એમને અંબાલાલ સારાભાઈને ઘરે મળવાનો સમય આપ્યો.
નાનપણમાં એમને ઘરે મોટા ભાઈના હિન્દુ દોસ્ત સ્વામી ઉમાપ્રસાદજી અમ્બાલેવાલા જતા હતા. તેમની પાસેથી મહાભારત, રામાયણ, ગીતા વગેરેની વાતો વાર્તાના રૂપમાં સાંભળેલી એટલે ત્યારથી એમને હિન્દુ ધર્મ પ્રતિ પણ ઇસ્લામ ધર્મ જેટલું જ માન હતું. વળી એમણે એવું પણ સાંભળેલું કે જ્યાં સુધી સ્ત્રી લગ્ન ન કરે ત્યાં સુધી તેનામાં પવિત્રતા આવતી નથી. એટલે એમણે બાપુને તે વિશે પૂછ્યું તો બાપુ ખડખડાટ હસીને કહે છે : ‘હિન્દુ ધર્મ એવું નથી કહેતો. તમે જો ઇચ્છો તો તમારાં લગ્ન કરાવવામાં હું પણ મદદ કરી શકું. તારું મન જો સાચે જ આશ્રમજીવન ઝંખતું હોય તો શરીર એને સહન કરી લેશે. વળી હું તો અહીં જ બેઠો છું એટલે જ્યારે ઇચ્છે ત્યારે મને મળી શકે છે. જેટલું કામ શરીર આપે એટલું જ કરવાનું. તારે કામની કે બીજી કોઈ ચિંતા નહીં કરવાની.’
પછી તો આશ્રમના બધા નિયમોનું પાલન મજબૂરીથી નહીં પણ શોખથી કરતાં. સવારની પ્રાર્થના પહેલાં નદીએ સ્નાન કરી આવતાં. પોતાને ફાનસ કેવી રીતે સળગાવું, સાફ કરવું, વાટ સરખી રીતે કાપવી, ચીમની કેમ કાઢવી-મૂકવી તે બધું આવડતું ન હતું. ‘નથી આવડતું’ એમ કહેવામાં શરમ અનુભવતાં એટલે બીજી બહેનો કરે તે જુએ અને શીખે. પોતે કાંતણવણાટના અભ્યાસમાં લાગી ગયાં. રસોઈકામમાં મદદ કરતાં અને હરિજનવાસમાં પણ જતાં. બાપુની સેવા કરવા માટે જો કોઈ બહેન સાથે એમને ઝઘડો થતો તો મહાદેવભાઈ દેસાઈ રમૂજમાં કહેતા કે, ‘આજે તો ધોળી બિલાડી અને કાળી બિલાડીની જોવા જેવી તકરાર થઈ હતી.’ આશ્રમમાં ગંગાબહેન વૈદ્યનો પ્રેમ માતા જેટલો એમને મળ્યો.

પ્યારેલાલભાઈની માતા પંજાબી ભાષા જાણતાં હતાં તેમણે પોતાની દીકરીની જેમ અમતુસ્સલામને પ્રેમ આપ્યો. હવે એમનું મન નવાં નવાં કામોમાં વળ્યું એટલે શાન્તિ લાગી. તેમાં આનંદ આવતો પણ છતાં ય થાક તો લાગતો જ. થોડા દિવસોમાં એમનો જૂનો પ્લુરસીનો રોગ ફરી વકર્યો. આમ તો એમનું શરીર અનેક રોગોનું ઘર હતું. હરસ, નાકમાં ફોલ્લા, આંગળીઓમાં દુખાવો, ટોન્સિલ, ન્યુમોનિયા વગેરે એક પછી એક અથવા બેત્રણ રોગ સાથે આવીને ખબર લઈ જતા. ક્યારેક ડૉક્ટરની દવા ચાલે તો ક્યારેક કુદરતી ઉપચાર કરતાં. ગાંધીજીએ એમને બહાર જઈને તબિયત સુધારી લેવાનું સૂચવ્યું ત્યારે ખાદી, હરિજનસેવા, ગોસેવા, હિન્દુમુસ્લિમ એકતા વગેરે કામો ચાલી રહ્યાં હતાં. એટલે બહાર જઈને વિચાર્યું કે મારે આમાંથી કોઈ એક કામ લઈને એક જગાએ બેસી જવું. પોતે એક મુસ્લિમ હોવાને કારણે હિન્દુમુસ્લિમ એકતાનું કાર્ય જ મારા જીવનનો ઉદ્દેશ હોઈ શકે એમ લાગવાથી એને પોતાનું મિશન-જીવનકાર્ય બનાવી લઈ ગાંધીજીને જણાવી દીધું.
આ કાર્ય માટે 1940માં ગાંધીજીએ એમને સિંધ મોકલ્યાં હતાં. ‘ત્યાં મરવું પડે તો મરી જવું પણ રેડાતું લોહી અટકાવવાનું તારું કામ છે, ભગવાન તારો રસ્તો સ્પષ્ટ કરશે. આપણે તો ખુદાના બંદા છીએ. મારી કરોડો દુઆઓ તારી સાથે છે.’ નોઆખલીના હત્યાકાંડ પહેલાંથી અમતુસ્સલામબહેનનું ત્યાં રચનાત્મક કામ તો ચાલી રહ્યું હતું. હત્યાકાંડ પછી એમણે જે કામ કર્યું એ જોઈને તો મુસ્લિમ મહિલાઓએ પણ મોંમાં આંગળાં નાખી દીધેલાં. સતત હાથમાં પોતાનો જાન લઈને ફરતાં. બાપુની દુઆઓના બળ પર તેઓ કામ કરી રહ્યાં હતાં. એક વાર અમતુસ્સલામબહેને ગાંધીજીને લખ્યું, ‘તમારી પાસે તો અમીર અને ભણેલાગણેલા લોકો જ રહી શકે છે. મારા જેવી અભણ માટે જગ્યા નથી.’ તો ગાંધીજી લખે છે: ‘સાચી વાત છે, મારી પાસે અમીર અને ભણેલાગણેલા લોકો રહી શકે છે. અમીરને હું ફકીર બનાવું છું અને ભણેલાના હાથમાં ઝાડુ પકડાવું છું. તો તને શા માટે પાસે રાખું? વધારે ફકીર બનાવવા કે હાથમાં ઝાડુ પકડાવા?’ ગાંધીજીને તો એની તબિયત કેવી રીતે સારી રહે અને હંમેશ માટે એ ખુશ રહે એની ચિંતા રહેતી. ‘તને કેવી રીતે રિઝાવું?” ‘તને કેવી રીતે સુખ અને શાન્તિ આપું’, ‘તું જલદી સારી થઈ જા’, ‘જરા તો ડાહી થા’, ‘જરા તો હસ’, આમ લખતા રહેતા.
રમજાનના રોજા રાખવા માટે બાપુની સલાહ માગે છે તો બાપુ લખે છે : ‘જે પોતાના ગુસ્સાને મારે છે અને વિચારપૂર્વક વર્તે છે તે જ સાચા રોજા રાખી શકે.’ સેવાગ્રામ આશ્રમમાં એક વાર બાપુને જમાડતી વખતે તેણે બાપુ માટે બનાવેલી રોટલી ગુસ્સામાં ફેંકી દીધી હતી. તો સરહદ પ્રાંતની મુસાફરી વખતે અમતુસ્સલામબહેને જરા વધારે બનાવેલો દ્રાક્ષના રસનો ગ્લાસ ખુદાઈ ખિદમત-ગારોની ભરી સભામાં ફેંકી દીધેલો! આમ બાપુ વિનોદ, ગુસ્સો, પ્રેમ અને ઉપદેશથી તેમને કેળવી રહ્યા હતા અને તેઓ પણ ખુશીથી બાપુ કહે તેમ કરતાં. 1936માં મક્કા શરીફ જવાનો વિચાર આવ્યો હતો. પણ પાછો છોડ્યો કારણ તેઓ પોતે લખે છે કે, ‘મને બાપુનો અભિપ્રાય મળ્યો હતો કે ત્યાં જવાવાળા બધાં શુદ્ધ થઈને જ ત્યાંથી આવે છે એવું નથી. વળી, ત્યાં જવા માટે એક ઇન્જેક્ષન લેવું પડે છે જે જાનવરના શરીરમાંથી બનાવેલું હોય છે એ મને પસંદ નહોતું અને વગર ઇન્જેક્ષને જવાની પરવાનગી નહોતી મળતી એટલે મેં મક્કા જવાનો વિચાર છોડી દીધો.’

આશ્રમમાં ગાંધીજીના કુટુંબીજનો અને બીજા સાધકો સાથે અમતુસ્સલામબહેને એટલી બધી આત્મીયતા કેળવી હતી કે કસ્તૂરબા એમને દીકરી કરતાં પણ વધારે વહાલાં ગણતાં હતાં. કસ્તૂરબા જ્યારે 1944માં આગાખાન મહેલની જેલમાં અવસાન પામ્યાં ત્યારે તેઓ પૂર્વ બંગાળના બારકામતા ગામે દુકાળપીડિત હિન્દુમુસ્લિમની વચ્ચે બેઠાં હતાં તેથી તેઓ કસ્તૂરબાનાં દર્શને જઈ ન શકયાં. પણ સંકલ્પ કર્યો કે, ‘હવે તો કસ્તૂરબાના નામથી બધી પ્રવૃત્તિઓ કરીને જ એમનાં દર્શન પામું.’ બંગાળ રિલીફ કમિટી તરફથી ખાદીનું કાર્ય બોરકામતા ગામે શરૂ કરવાની મંજૂરી સાથે રૂ. 67,000 મળ્યા. જેમાંથી ‘કસ્તૂરબા સેવા મંદિર’ના નામે ખાદીકાર્ય, દવાખાનું, ઘાણી, સ્કૂલ, ગૌશાળા વગેરે કામો શરૂ કર્યાં. એમનું મન ગાંધીજીની પાસે દોડતું હતું પણ એમની પરવાનગી વગર ત્યાં કેમ જવાય? એટલામાં તો ખુદ ગાંધીજી જ બંગાળ આવ્યા અને ત્યારે એમનું કામ જોઈને ‘Your Excellent Work’ કહીને એમને બિરદાવ્યાં હતાં!
પછી તો પંજાબના પતિયાળા પાસે રાજપુરામાં ‘કસ્તૂરબા સેવા મંદિર’ નામથી એક વિશાળ સંસ્થા શરૂ કરી, જે આજે પંજાબના પાંચ જિલ્લાઓમાં ફેલાયેલી છે. ત્યાં ખાદીકાર્ય સાથે અનેક ગ્રામોદ્યોગો, નયી તાલીમ, ખેતી-ગોપાલન, શાન્તિ સેના વગેરે આઠદસ પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલી. લગભગ સત્તાવીસ હજારથી વધારે લોકોને કાયમી કામ અને રોજી મળી. અહીં બધાં એમને ‘બીબીજી’ કહેતાં. 1947માં નોઆખલી હત્યાકાંડની સળગતી આગમાં બાપુ સાથે પદયાત્રામાં ઝંપલાવ્યું ત્યારે એકવીસ દિવસના ઉપવાસ પણ એમને કરવા પડેલા. ઉપવાસ દરમિયાન તાવ, દમ, ન્યુમોનિયાનો હુમલો થયો. પણ બીબીજી કહે છે: ‘યહ કસૌટી ભગવાન કી તરફ સે થી, જિસમેં રામનામ કે બલ, બાપૂ કે આશીર્વાદ ઔર ઉનકી રૂહાની શક્તિ સે જો તાકત મિલતી થી, ઉસસે ઉપવાસ મેં સફલતા પાયી.’ ત્યાંના શરણાર્થી શિબિરોમાં રાહતકાર્ય ઉપાડી લીધું.
1948માં ગાંધીજીનું બલિદાન દેવાયું અને પોતે એમનાં છેલ્લાં દર્શન ન પામ્યાં. પણ બ્રહ્મપુત્રામાં બાપુની પવિત્ર ભસ્મનાં દર્શન કરી, દિલ્હી ગયાં ત્યાં જાણવા મળ્યું કે બાપુ બહાવલપુરના શરણાર્થીઓની સેવા અર્થે પોતે જાતે જવાના હતા. અને એની પૂર્વતૈયારી રૂપે એમણે સુશીલાબહેનને મોકલી આપ્યાં હતાં! હવે ગાંધીજીનું આ મિશન ચાલુ રાખવા પોતે બહાવલપુર પહોંચે છે ત્યાં એમને સુશીલકુમાર જેવો દેશસેવક અને દેશભક્ત નવજવાન મળે છે જેણે તેમના જીવનકાર્યને પૂર્ણ રૂપે સંભાળી લીધું. સુશીલકુમાર નાનો છતાં અતિશક્તિશાળી યુવક હતો. એણે જ બહાવલપુરના શરણાર્થીઓને છોડાવ્યા. રાજપુરામાં એમને સ્થિર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. એમની બેરોજગારી દૂર કરવા માટે જ ‘કસ્તૂરબા સેવા મંદિર, રાજપુરા’નો પ્રારંભ થયેલો. બીબીજી લખે છે, ‘આટલું મોટું કામ કરવાની મારી કોઈ ક્ષમતા, યોગ્યતા કે આવડત નહોતી. પણ પૂ. બા અને બાપુની પ્રેરણા જ મારામાં અને મારા સાથીઓમાં કામ કરી રહી હતી.’
1962માં ચીની આક્રમણ વખતે રાજપુરાનું કામ પોતાના સાથીઓને સોંપી તેઓ નેપાળ ગયાં ને તેજપુરમાં સેવાકાર્ય શરૂ કર્યું! ગાંધીજીનો સહવાસ એમને સોળ વરસથી સહેજ વધુ મળ્યો. એ દરમિયાન એમણે કેટલાં ય આકરાં કામો કરી બતાવ્યાં. હિન્દુમુસ્લિમ ઝઘડાઓ ટાળવા અથવા શમાવવા માટે જીવ જોખમમાં નાખી અનેક સત્યાગ્રહો પણ કર્યા. આમ હિન્દુમુસ્લિમ એકતા અને સેવાકાર્ય માટે આખું જીવન સમર્પિત કર્યું!
[‘ગાંધીજીના સહસાધકો’માંથી સાભાર]
![]()


પહેલાંના જમાનામાં જે કદાચ શક્ય નહોતું તે આજે શક્ય બન્યું છે. આજે દુનિયા એવી સંગઠિત થઈ છે કે તેના જટિલ તંત્રને સત્યાગ્રહથી, હડતાલ અને અસહકારથી કામ કરતું અટકાવી શકાય. વળી, આધુનિક જમાનામાં અંતરો ઓછાં થઈ ગયાં છે અને રાજકીય લોકશાહી આગળ વધી છે અને સૌને માન્યતા, વાણી, છાપાં અને મંડળીની છૂટ મળી છે એટલે દુનિયા લોકમત વિશે વધુ સંવેદનશીલ બની છે. ઔદ્યોગિક ક્ષેત્રમાંના ઝઘડા પતાવવામાં જે બને છે તેમાં આનું દૃષ્ટાંત જોઈ શકાય એમ છે. જો મજૂરો વ્યવસ્થાપકોને સહકાર ન આપે તો આખો ને આખો ઉદ્યોગ ઠપ્પ કરી દઈ શકાય છે. એક ઉદ્યોગ બંધ પડે એટલે આજે તો તેની અસર બીજા અનેક ઉદ્યોગો ઉપર પણ પડે છે. મજૂરો જો સામાન્ય હડતાલ પાડે તો વધુમાં વધુ સુસંગઠિત આધુનિક રાજ્યને પણ સમાધાન કરવાની ફરજ પડે. રાજ્યનાં યુદ્ધનાં અને વિનાશનાં યંત્રો જ વિવિધ ક્ષેત્રને મજૂરોના સહકાર વિના નકામાં થઈ પડે.
લોકો સત્યાગ્રહનો અનુવાદ અંગ્રેજીમાં ‘પૅસિવ રેઝિસ્ટન્સ’ (નિષ્ક્રિય પ્રતિકાર) અથવા ‘નૉન-કો-ઑપરેશન’ (અસહકાર) એવો કરે છે, પણ એ શબ્દો ભાગ્યે જ એનો સાચો અર્થ દર્શાવે છે. સત્યાગ્રહમાં નિષ્ક્રિયતા જેવું કંઈ છે જ નહીં. તેમ એ નકારાત્મક ખ્યાલ પણ નથી. એ તો કાર્ય કરવાનો, સંગઠન સાધવાનો, લડત ચલાવવાનો અને પ્રતિકાર કરવાનો હકારાત્મક સિદ્ધાંત છે. સશસ્ત્ર પ્રતિકાર પૂરતો એ નિષ્ક્રિય છે, પણ એનો નૈતિક પ્રતિકાર ભારે સક્રિય અને દૃઢ સંકલ્પવાળો હોય છે. આ નૈતિક વિરોધ જુલમ, અન્યાય અને પાપ સાથેના સહકારથી સીધી કે આડકતરી રીતે મળતા બધા લાભો જતા કરે છે. આનો અર્થ અવશ્ય એવો થાય છે કે લડતમાં ભાગ લેનાર વ્યક્તિઓનાં જીવન શુદ્ધ હોવાં જોઈએ. એને લીધે વ્યક્તિએ કેટલાક પ્રતિબંધો, મર્યાદાઓ અને સંયમ સ્વીકારવાં જ પડે. કેટલીક વાર કેટલીક એવી બાબતોને પ્રતિબંધ પણ સ્વીકારવો પડે જે પોતે મૂળભૂત રીતે વાંધાજનક ન હોય, પણ અમુક સંજોગોમાં વાંધાજનક થઈ પડે, જેમ કે સરકારી અમલદારો સાથેનો ગાઢ સંબંધ, પરદેશી વસ્તુઓનો ઉપયોગ અથવા ઇલકાબોનો સ્વીકાર અને ઉપયોગ, સરકારી શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશ અને વિદેશી અદાલતોને સહાય. કારણ, આ વસ્તુઓ મારફતે વિદેશી સરકાર આપણા દેશ ઉપર પોતાનો પ્રભાવ અને કાબૂ ટકાવી રાખે છે અને મજબૂત કરે છે એમ લાગતું હતું. કોઈ વાર પ્રતિબંધ ખરેખર એવી વસ્તુઓનો કે કાર્યોનો હોય જે નિર્દોષ પણ ન હોય તેમ નીતિનિરપેક્ષ પણ ન હોય, પણ ચોક્કસપણે હાનિકર્તા હોય, જેમ કે અસ્પૃશ્યતા અને કેફી પદાર્થોનું અને દારૂનું સેવન. કેટલાક લોકો એવું માનતા લાગે છે કે આવા પ્રતિબંધો એ સત્યાગ્રહની વિશેષતા છે, પણ સહેજ વિચાર કરતાં સ્પષ્ટ સમજાશે કે કેટલાક પ્રતિબંધો કાર્યસાધક અને કેન્દ્રિત હિંસક કે અહિંસક કાર્ય માટે આવશ્યક હોય છે. બધા જ ધર્મોએ, રાષ્ટ્રીય અને આદર્શ પ્રેરિત લડતોએ ભૂતકાળમાં એવા પ્રતિબંધોનો ઉપયોગ કર્યો છે. ખ્રિસ્તી, ઇસ્લામી, પ્યૂરિટન અને શીખોનાં લશ્કરોમાં આવા કેટલાક પ્રતિબંધો અને અંકુશો હતા અને જે કોઈ લશ્કર વિજયી થવા ઇચ્છતું હોય તેણે રાખવા જ પડે. બૉલ્શેવિકો આધ્યાત્મિક મૂલ્યોમાં અથવા ત્યાગમાં માને છે એવું કોઈ કહી શકે એમ નથી, તેમ છતાં બૉલ્શેવિઝમે આગેવાનો અને સૈનિકો ઉપર જ નહીં પણ સામાન્ય નાગરિકો ઉપર પણ જે પ્રતિબંધો લાદ્યા છે તેની સંખ્યાનો પાર નથી. સાચી વાત તો એ છે કે કોઈ પણ કલા કે ધંધો શીખવામાં અને કરવામાં માણસે અમુક પ્રતિબંધો પાળવા જ પડે છે.
… લોકોનો કોઈ પ્રતિનિધિ અથવા લોકોના પ્રતિનિધિત્વ પર આધારિત કોઈ સરકાર પોતાના કર્તવ્યનું પાલન ન કરતી હોય, સરકાર ભ્રષ્ટાચારી, દમનકારી અને અક્ષમ બની ગઈ હોય ત્યારે જનતાએ શું કરવું? સરકારના ભ્રષ્ટ અને અંધેર કારભાર સામે પ્રજાએ શું કરવું? એ જ કે, ચૂંટણીઓ સુધી રાહ જોવાની? અને જ્યારે આ ચૂંટણીઓ જ શુદ્ધ ને મુક્ત ન રહી હોય, તેવે વખતે લોકોએ શું કરવું? આવી સરકારોને જો તમે ઉઘાડી ન પાડી શકો, એમની બરતરફી ને કાયાપલટ માટે આંદોલન ન કરી શકો, તો પ્રજાજીવન માટે પછી આરો-ઉગારો કયો રહ્યો?
આ ઉપરાંત હજી વધુ ઊંડા ઊતરવું પડશે. આપણે શોધી કાઢવાની મહત્ત્વની વાત કોઈ હોય તો એ કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બસો સળગાવી મૂકવાનાં ને એવા પ્રકારનાં કૃત્યો તરફ વળે છે શું કામ? અને એમનાં આવાં કૃત્યોને અટકાવવા માટે આપણે કર્યું શું? દેખીતી રીતે આ માટે આપણે વિદ્યાર્થીઓને સમજવાની કોશિશ કરવી જોઈએ. એમને આવા વર્તન માટે ઉશ્કેરનારું કારણ શું છે? કેટલાક વિદ્યાર્થી ‘નેતાઓ’ ગુનાખોર વૃત્તિવાળા હોવાથી વિદ્યાર્થીઆલમ સાથે કશી જ લેવાદેવા ન હોય તેવા ગુંડાને તોફાનીઓની ટોળકીઓને સાથે રાખીને આવાં કૃત્યો કરાવવામાં રસ ધરાવતા હોય, એ શક્ય છે. પરંતુ વિદ્યાર્થીઆલમમાં પ્રવર્તી રહેલ અસંતોષની સમસ્યાને ગુનાખોરીનું લેબલ ચોંટાડીને કાઢી નાખી શકાય નહીં. એનાં કારણોના મૂળમાં તો આપણી અનુચિત ને અમુક અંશે સડી ગયેલ શિક્ષણ-પદ્ધતિ છે, શિક્ષિતોની બેકારીને કારણે એમનામાં આવેલ હતાશા છે, અને સાથે સાથે સામાજિક ને આર્થિક વિકાસ માટેની તદ્દન ઊંધે જ માર્ગે જઈ રહેલી આપણી નીતિઓ છે. બધાંના મૂળમાં રહેલી આ પાયાની સમસ્યાનો ઉકેલ શોધી કાઢવા આપણે મથવાનું છે.
પ્રજામાં તે વખતે જબરો ઉત્સાહ હતો અને એક આશા ને અપેક્ષાનું વાતાવરણ હતું. પ્રજાના આ ઉત્સાહ અને સદ્ભાવને યોગ્ય માર્ગે વાળીને તેમાંથી કઈ રીતે સારામાં સારાં પરિણામ લાવી શકાય, તે માટેની મારી મથામણ હતી. અને આ પરિણામ એટલે પટણામાં થોડી ઊથલપાથલ કે ધારાસભાનું વિસર્જનમાત્ર જ નહીં, બલકે સમાજમાં કેટલાંક મૂળભૂત પરિવર્તન. આને માટે અમે સંગઠનનું કામ નીચેથી ઉપાડેલું. જનસંઘર્ષ સમિતિ અને છાત્ર સંઘર્ષ સમિતિઓની રચના કરી. આ સંઘર્ષ સમિતિઓને અમે એ વાત પણ ખાસ સમજાવતા કે, તમારે સંપૂર્ણ ક્રાંતિના વાહક બનવાનું છે. તમારે કેવળ સત્તાની સામે જ સંઘર્ષ નથી કરવાનો, પણ અન્યાય, વિષમતા, અનીતિ, શોષણ વગેરેની સામે પણ સંઘર્ષ કરવાનો છે. અને જ્યાં પૂરતી જનશક્તિ જાગ્રત થઈ હોય, ત્યાં જનતા સરકાર રચવાનો કાર્યક્રમ ઉપાડાતો. જનતા સરકારનો કાર્યક્રમ એ આમપ્રજાની એક અત્યંત રચનાત્મક પ્રવૃત્તિ હતી.