એ વખતના આઝાદીની લડતના આગેવાનો – મૌલાના મહમદઅલી અને મૌલાના શૌકતઅલી એક વેળા અમદાવાદની મુલાકાતે આવ્યા. સાલ હશે 1923.
તેમની એક લાંબી મુલાકાત મહાદેવભાઈ 04-11-‘23ના नवजीवनમાં છાપે છે. તેમના જેલના અનુભવોમાં ‘મ્હાવા’ નામના એક ગુનેગાર કેદીનું ચિત્રણ તો ભલભલા પથરાને પીગળાવે તેવું છે :
‘એક ‘મ્હાવો’ કરીને ભંગી ફાંસીની સજા ખાઈને આવ્યો હતો. તેનો કિસ્સો કહેતાં મૌલાના અપાર આવેશમાં આવી જાય છે અને સામાની ઉપર પણ અજબ અસર પાડે છે. મ્હાવો બિચારો એક વાર નશામાં ચકચૂર થઈ પોતાની ગર્ભવતી સ્ત્રીનું ખૂન કરીને આવ્યો હતો. સજા પછી અપીલ વગેરે થયા પછી ફાંસીનો દિવસ નક્કી થઈ ચૂક્યો હતો. અને આ ફાની દુનિયા ઉપર રહેવા વિશે તેણે હાથ ધોઈ નાખ્યા હતા. મૌલાનાની પાસે પાસે જ તેની ખોલી હતી. તેનો મૌલાના સાથે પ્રસંગ પડતાં મૌલાનાએ આખી વાત તેને પૂછી. મૌલાના કહે છે કે સાચા પશ્ચાતાપથી તેણે બધી વાત મારી આગળ કરીને જણાવ્યું કે, ‘મને સજા થઈ છે તે વાજબી થઈ છે, હવે તો જેટલી ઘડી રહી છે તેટલી ઘડી કિરતારનું ભજન કરવામાં મજા છે.’ એક દિવસ રાત્રે પાસેથી નાચવાનો અને ગાવાનો અવાજ આવ્યો. પેલા ભાઈ કિરતારના ભજનમાં ગુલતાન થઈ નાચતાં નાચતાં ગાતા હતા :
’કર લે સિંગાર ચતુર અલબેલી,
સાજનકે ઘર જાના હોગા;
માટી બિછાના, માટી ઓઢાના,
માટી કા સિરહાના હોગા.’
આ પ્રસંગ કહેતાં મૌલાનાની આંખમાં પાણી આવી ગયાં. આ રાત પેલાની ફાંસીએ જવાની આગલી રાત હતી. ફાંસીનો હુકમ મળ્યો કે બહાદુરની માફક નીકળ્યો, જે માંચડા ઉપર જઈને ફાંસી લેવી પડે છે તેના ઉપર દોડતો દોડતો હસતો હસતો ચડ્યો, માથા ઉપર ફાંસી ખાનારની ટોપી પહેરાવવામાં આવતાં જ પોકાર કર્યો, ‘મહાત્મા ગાંધી કી જે,’ − આખી જેલમાં કેદીઓએ પડઘો આપ્યો : ‘મહાત્મા ગાંધી કી જે.’ − બીજો પોકાર કર્યો ‘શોકતઅલી બાપુ કી જે’ − મૌલાના રાજકોટમાં શૌકતઅલી બાપુ કહેવાતા. પછી ‘રામ’, ‘રામ’, ‘રામ’; ચોથે રામે તેનું ધડ મસ્તકથી જુદું થઈ ગયું હતું. બધા કેદીઓએ આવીને આ ઘટનાનું વર્ણન આપતાં મૌલાનાને કહ્યું, ‘છેલ્લાં પંદર-વીસ વર્ષમાં આવું મરણ જોયું નથી.’ સુપરિન્ટેન્ડેન્ટે પણ કહ્યું, ‘આવું બહાદુર મરણ કદી નથી જોયું.’ સુપરિન્ટેન્ડેન્ટે આશ્ચર્યથી પૂછ્યું, − ‘આવા ભંગીને પણ મહાત્માં ગાંધી સાથે શું લેવાદેવા છે ?’ મૌલાનાઓ જવાબ આપ્યો, ‘કારણ, આવતો અવતાર આપે તો ઈશ્વર મને ઢેડભંગીનો અવતાર આપજે એમ કહેનાર દુનિયામાં મહાત્મા ગાંધી એકલા છે.’
એક દિવસમાં ત્રણ વાર આ કિસ્સો મૌલાનાએ કહી સંભળાવ્યો અને કહ્યું, ‘મહાત્માં ગાંધીને પ્રથમ મારું શિર ઝૂકે છે, તે પછી મારું શિર પેલા બહાદુર મ્હાવાને પણ ઝૂકે છે. આવી રીતે હથેળીમાં માથું લઈને ફરતાં આવડવું જોઈએ. થોડા માણસ આવા નીકળે તો આપણો ઉદ્ધાર ચોક્કસ છે. મ્હાવામાં પોતાના અપરાધ માટે શુદ્ધ ખરખરો હતો, ખુદાનો બરોબર ડર હતો અને મરતાં ખુદાની આંખ તેણે જોઈ હતી. એટલે જ તે ગાતો હતો અને નાચતો હતો, એટલે જ તેને મરણ મીઠી નિદ્રામાં પડવા જેવું લાગ્યું.’
[‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’, પૃ. 308-9]
![]()




‘સમય મળશે તો (કસ્તૂરબા વિષે) વિસ્તૃત લખવાની મારી ધારણા છે.’ ૧૯૪૫ના ફેબ્રુઆરીની ૧૮મી તારીખે ગાંધીજીએ આ વાક્ય લખ્યું હતું. શબ્દો તોળી-જોખીને વાપરવાની ગાંધીજીની પ્રકૃતિનો પરિચય આ સાવ નાનકડા વાક્યમાંથી પણ મળી રહે. લખે છે : ‘ધારણા છે.’ ‘ઇચ્છા છે’ એમ લખતા નથી. અને એ ધારણા પણ બિનશરતી નથી. ‘સમય મળશે તો.’ પણ પછીનાં લગભગ ત્રણ વરસમાં ગાંધીજીને સમય મળ્યો નહિ, અને તેઓ તેમની ધારણા પૂરી કરી શક્યા નહિ. જો ગાંધીજીએ કસ્તૂરબા વિષે વિસ્તૃત રીતે લખ્યું હોત તો બીજા લખનારાઓનું કામ ઓછું મુશ્કેલ બન્યું હોત. સેજલ-સોનલની જોડીએ આ લેખ લખવા કહ્યું ત્યારે પહેલો પ્રતિભાવ તો એ હતો કે કસ્તૂરબા વિષે તો બહુ ઓછું લખાયું છે. બે-ચાર પુસ્તકો કરતાં વધુ નહિ હોય. પણ પછી જેમ જેમ અમે ત્રણેએ ખાંખાંખોળાં કર્યાં તેમ વધુ ને વધુ પુસ્તકોની ભાળ મળતી ગઈ. જો કે, બધાં પુસ્તકો મેળવી શકાયાં હોવાનો દાવો નથી જ. પણ આ બધાં પુસ્તકો વાંચ્યા પછી પણ લાગે છે કે કસ્તૂરબા વિષે મૌલિક, પોતીકું, આગવું, તો ઓછું જ લખાયું છે.



Sati Kasturba : A Life-sketch પુસ્તકનું સંપાદન આર.કે. પ્રભુએ કર્યું છે, આમુખ લખ્યું છે એમ.આર. મસાણીએ. આ મીનુ મસાણી એ વખતે મુંબઈના મેયર હતા. આઝાદીની લડતમાં સક્રીય ભાગ લઈને જેલમાં પણ ગયેલા. લડત દરમ્યાન જવાહરલાલ નેહરુના મિત્ર એવા મસાણી આઝાદી પછી નેહરુની સમાજવાદી વિચારણાથી દૂર થતા ગયા અને એટલે રાજાજી સાથે મળીને તેમણે ‘સ્વતંત્ર પાર્ટી’ સ્થાપેલી. મુંબઈના ‘હિન્દ કિતાબ્સ’ નામના પ્રકાશકે આ પુસ્તક પ્રગટ કરેલું. કસ્તૂરબાનું અવસાન ફેબ્રુઆરીની ૨૨મી તારીખે થયેલું અને મસાણીની પ્રસ્તાવના એ જ વરસની ૧૧મી માર્ચે લખાઈ છે, એટલે કે વીસેક દિવસમાં આ પુસ્તક તૈયાર થયેલું. તેમાં કસ્તૂરબાની જીવનકથા ટૂંકમાં આલેખી છે. પણ આ પુસ્તકની ઉપયોગિતા એ છે કે એ વખતની અગ્રગણ્ય વ્યક્તિઓએ, દેશ અને દુનિયાનાં કેટલાંક છાપાંઓએ આપેલી અંજલિઓ અહીં સમાવી છે. એટલે આજે હવે દસ્તાવેજી દ્રષ્ટિએ આ પુસ્તક મહત્ત્વનું બની રહે છે.