બાલવાડીઓ, શાળાઓ, છાત્રાલયો, કૂવા, ખેતી, આડબંધો, ગ્રામસેવા – બે બે પછાત વિસ્તારોને બેઠા કરવાનું ભગીરથ કામ કરનાર ભીખુભાઈ વ્યાસ અને કોકિલાબહેન વ્યાસનું જીવન એટલે સતત પ્રજ્વલિત કર્મયજ્ઞ.
‘સ્વતંત્રતા તો મળશે, પણ સ્વતંત્રતાને ધારણ કરી શકે એવાં નાગરિકો કયાંથી કાઢીશું?’ ગાંધીજીના આ શબ્દો સાંભળી ગામડાઓમાં શિક્ષણ અને જાગૃતિની જ્યોત જલાવનાર ગાંધીજનોની એક આખી સેના તૈયાર થઈ હતી. આ લોકોને સ્વતંત્ર ભારતના સેનાનીઓ કહી શકાય. આવા એક સેનાની છે કોકિલાબહેન વ્યાસ. સંખ્યા અને વ્યાપમાં ખૂબ મોટાં કામો એમને નામે બોલે છે.
એમનો જન્મ 1939માં સુરતના વાલોડ ગામે. બાળપણ, કિશોરાવસ્થા અને યુવાનીનાં વર્ષો ગાંધીપ્રવૃત્તિઓમાં મગ્ન લોકો વચ્ચે વીત્યાં. શિક્ષિકા બનવું, પ્રકૃતિના સાંનિધ્યમાં જીવવું અને સેવા કરવી આ ત્રણ સ્વપ્નો સાથે તેમને સુરત કોલેજમાં જવું હતું. પિતા રજા ન આપે. ભાઈના પ્રયત્નો અને કોકિલાબહેનના સત્યાગ્રહને પરિણામે રજા મળી. ખાદીની સાડી પહેરી કોલેજ કરી. એમ.એ., બી.એડ. થઈ વાલોડની શાળામાં શિક્ષક તરીકે જોડાનાર તેઓ પ્રથમ સ્ત્રી હતાં.
લગ્ન થયાં; પણ ન ફાવ્યું, ન ગોઠ્યું. સમાજ માટે થઈને બધું સહન કરીને જીવ્યા કરવું એવું કોકિલાબહેનની પ્રકૃતિમાં નહીં. પતિપત્ની સમજપૂર્વક છૂટાં પડ્યાં પણ આખી ઘટનાનો કોકીબહેનને ખૂબ આઘાત લાગ્યો. એવામાં ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વાંચી અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ને પત્ર લખ્યો, ‘મારે સ્વસ્થ થવું છે, શું કરું?’ જવાબ મળ્યો, ‘બેટા, લોકભારતી આવી જાઓ.’ એક પુસ્તકના પ્રભાવે જિંદગી બદલાઈ જાય એવાં કેટલાંક દૃષ્ટાંતોમાંનું એક કોકિલાબહેનનું છે. કોકિલાબહેનના જીવન પર ત્રણ વ્યક્તિઓનો ખૂબ પ્રભાવ છે. એક તો એમના પિતા, બીજા મનુદાદા અને ત્રીજા કોકિલાબહેન જેમને ‘બીજા ગાંધી’ કહે છે તે જુગતરામકાકા.
લોકભારતીનો એ સુવર્ણકાળ. પ્રેમ, સંસ્કાર, સાહિત્ય, સંગીત, ઉત્સવોથી ધબકતા વાતાવરણમાં કોકિલાબહેને બે વર્ષ (1963-64) ભણાવ્યું. ત્યાર પછી બોરખડીના અધ્યાપન મંદિરમાં આચાર્યા તરીકે જોડાયાં અને 30 વર્ષ સુધી એ પદ શોભાવ્યું. વિદ્યાર્થિનીઓને કહેતાં, ‘ઉત્તમ મા બનો, ઉત્તમ શિક્ષક બનો. વાર્તા, ગીતો, રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવો.’ છોકરીઓ એવી તૈયાર થાય કે જ્યાં કામ કરે ત્યાં નામ કાઢે. પછીના વર્ષે ઉત્તર બુનિયાદી વિદ્યાલય શરૂ થયું, ધીરે ધીરે એ જ કેમ્પસમાં માધ્યમિક શાળા અને આશ્રમશાળા બન્યાં. આ બધાંની જવાબદારી સંભાળી.
દરમિયાન આખા જિલ્લામાં સેવાકાર્યો કરતા ભીખુભાઈ વ્યાસ સાથે પરિચય થયો અને બંને જોડાયાં. ગરીબ, પછાત આદિવાસી વિસ્તારને બેઠો કરવા પતિપત્ની કામે લાગ્યાં. સ્વીડન અને ઓસ્ટ્રેલિયાના મિત્રોએ ધન પૂરું પાડ્યું. કોકિલાબહેનનાં સૂઝ-સમજ અને શ્રમ, ભીખુભાઈનું વ્યક્તિત્વ અને સંપર્કો અને સ્વીડનની નાણાંકીય મદદ – આમ ત્રેવડી શક્તિથી મોટાં કામો ઉપડ્યાં અને પાર પડ્યાં.
ત્યારે સુરતની શુગર ફેક્ટરીઓમાં કામ કરવા ધરમપુરના ડુંગરાઓમાંથી હજારો મજૂરો આવે અને અસ્થાયી અવ્યવસ્થિત અગવડભર્યા ગંદા પડાવોમાં રહે. માબાપ મજૂરીએ જાય, રોગિષ્ટ-કુપોષિત બાળકો રખડ્યા કરે. સ્વીડનના મિત્રોની પ્રેરણાથી કોકીબહેન થોડી વિદ્યાર્થિનીઓને લઈને ઉપડ્યાં કેમ્પોમાં. કેમ્પો સાફ કર્યાં, બહેનોને બાળઉછેર શીખવ્યો, આરોગ્ય સેવા પહોંચતી કરી. ધીરે ધીરે 65 બાલવાડીઓ ઊભી થઈ. પૌષ્ટિક નાસ્તા, રમતો-ગીતો, વાર્તાઓ. આમ પાંચેક હજાર બાળકો સચવાવા લાગ્યા. મજૂરીનો દર વધારાવ્યો હતો એટલે માબાપો પણ ખુશ હતાં. માલિકો આવીને ધમકાવે, ‘બધું બંધ કરો ને જતા રહો.’ બહેનો ગભરાય નહીં. છેવટે કમિશનર વચ્ચે પડ્યા, ‘સરકારી ભૂમિ પર ચાલતા શિક્ષણને તમે બંધ ન કરાવી શકો.’
પણ ખરું કામ તો આ લોકોના વિસ્થાપનને અટકાવવાનું હતું. અને કોકીબહેન ધરમપુર ગયાં. ધરમપુર ડુંગરાળ જંગલવિસ્તાર. ન પાણી, ન વીજળી, ન ખેતી, ન ડૉક્ટર, ન દુકાન. બેત્રણ ધોરણ સુધી ભણાવતી શાળાઓ બંધ પડી હોય. જંગલપેદાશો, હલકાં ધાન્ય, નાનાં પ્રાણીઓના શિકાર અને વાપીવલસાડ જઈ જે મજૂરી મળે એ પર નભતાં 180 ગામડાંના 3 લાખ લોકો.
આમાં કામ કેવી રીતે કરવું? હિંમત ભેગી કરી કોકીબહેને અધ્યાપન મંદિરની બહેનોને લઈને કામ શરૂ કર્યું, ધીરે ધીરે વધારતાં ગયાં. ઓટલાશાળાઓ, બાલવાડીઓ, રાત્રિશાળાઓ શરૂ કરી. પાણીની ભયંકર મુશ્કેલી જોઈ કૂવા ખોદાવવા માંડ્યા. મજૂરી ગામલોકો કરે, આ લોકો ઈંટ, રેતી અને સિમેન્ટ આપે. એમ કરતાં 150 કૂવા ગળાવ્યા. પ્રશ્ન ખેતીનો પણ હતો. આ વિસ્તારમાં વરસાદ ઘણો. પાંચેક નદીઓ પણ ખરી, પણ પાણી બધું વહી જાય. જમીનો ધોવાઈ જાય. રાજસ્થાનથી જાણકારો લાવી ધોવાણ અટકાવવા ઘણા બધા પાળા બાંધ્યા, પાણીના સંગ્રહ માટે ચારસો આડબંધ કર્યા, ખેતી માટે પાંચથી છ હજાર પાડા લાવ્યાં. આજે અહીં ખૂબ ચોખા અને શાકભાજી પાકે છે. ત્યારે આપેલી આંબાની દોઢેક લાખ કલમો આજે આંબાવાડિયાંઓ બની ઉત્તમ કેરીઓ આપે છે.
શિક્ષણનું કામ પણ ચાલતું જ હતું. ખૂબ દોડધામ કરી કોકીબહેને શાળા માટે માન્યતા મેળવી. પૈસા ઊભા કર્યા. જમીન અને મજૂરી ગામનાં. આમ મકાનો બંધાયાં અને છ પ્રાથમિક અને બે માધ્યમિક શાળા ઊભી થઈ. ધરમપુરના રાજચંદ્ર આશ્રમે છાત્રાલય કર્યું, સ્કૂલ દત્તક લીધી. એમને માટે અગિયાર-બાર સાયન્સ અને પછી સાયન્સ કોલેજ કરી. છોકરાઓ બીજે પણ ભણવા ગયા. ઓનલાઈન ફોર્મ ભરવાના હોય, ફી આપવાની હોય, એડમિશન મળે ત્યાં મૂકવાના હોય કે પછી ગામમાં પાણીની મોટરો મુકાવવાની હોય કે સાધનો જોઈતાં હોય – કોકીબહેનની ટીમ હાજર. પણ એમની એક પદ્ધતિ હતી – અડધું પોતે કરે, અડધાની જવાબદારી ગામ પર મૂકે. ગામલોકો પણ પાછા ન પડે. પ્રામાણિક્તાથી પોતાના હિસ્સાની રકમ કે શ્રમ આપે જ. આરોગ્ય સેવા કરી. અનેક હોદ્દાઓ સંભાળ્યા. કડક હાથે અને સાચી રીતે કામ કર્યું અને કરાવ્યું. આ બધું કરતાં પિયર અને સાસરાના કુટુંબની જવાબદારી પણ નિભાવી.
છેલ્લું કામ થયું 11-12ની બહેનો માટે છાત્રાલયનું. નાજુક ઉંમરની છોકરીઓને સાચવવી મુશ્કેલ, પણ એ વિસ્તારમાં છોકરીઓનું છાત્રાલય નહીં એટલે દસમા પછી દીકરીઓને માબાપ પરણાવી જ દેતા. 2006માં કરેલું આ છાત્રાલય વાડ કે દીવાલો વગર અને કોઈ પ્રશ્નો વગર આજે પણ ચાલે છે.
87માં વર્ષે પણ કોકીબહેન સેવાક્ષેત્રે સક્રિય, પ્રસન્ન, રસોઈ-વાંચન-સંગીત-ફૂલોનાં શોખીન, મિત્રો બનાવવામાં નિપુણ, વહાલ વરસાવવામાં ઉદાર, જીવનના અઠંગ પ્રેમી અને પ્રેરણાના અખૂટ સ્રોત સમાં છે. ‘ભગવાને સારા કામમાં અમને નિમિત્ત બનાવ્યાં, તેનો સંતોષ છે.’ કહેતાં કોકીબહેન સેવા કરવા ઇચ્છનારને સલાહ આપે છે, ‘મિશનરી સ્પિરિટ, જે કરવા માગો તેનું જ્ઞાન, દિશા પકડવાની આવડત અને ખૂંપી જવાની તૈયારી – આ બધું હોય તો જ આ ક્ષેત્રમાં પડજો.’
સ્વતંત્ર થયેલા દેશને આવા ઘણાં ભીખુભાઈ-કોકીબહેનની જરૂર છે. જરા પગ ઉપાડીશું?
e.mail : sonalparikh1000@gmail.com
![]()


મહાત્મા ગાંધી અને મહાદેવભાઇની જોડીને રામકૃષ્ણ પરમહંસ, સોક્રેટિસ અને પ્લેટો, જર્મન કવિ ગટે અને એકરમેન જેવા ઉમદા ગુરુ-શિષ્યો સાથે થઈ શકે, પણ એમ કર્યા પછી પણ અભ્યાસીઓએ નોંધ્યું છે કે મોહન-મહાદેવ જેવો અખંડ અને અવિચ્છિન્ન સંબંધ આમાંના કોઈનો ન હતો. 15 ઑગસ્ટે મહાદેવભાઈની પુણ્યતિથિ છે. એ નિમિત્તે એમને સાદર સ્મરીએ.
ગાંધીજી કહેતા, ‘મને કોઈ પૂછે કે મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું તો કહું કે પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ’. તેઓ મહાદેવભાઈને ‘ભક્તિનું અખંડ કાવ્ય’ કહેતા. મહાદેવભાઈએ ગાંધીજીની સાથે એવું તાદાત્મ્ય સાધ્યું હતું કે ચક્રવર્તી રાજગોપાલાચારી તેમને ‘હૃદય દ્વિતીયમ્’ કહેતા. અનેક લેખકોએ નોંધ્યું છે કે ગાંધીજી અને મહાદેવભાઈની વૈચારિક એકતા એવી હતી કે લેખની નીચે સહી જોઈએ ત્યારે જ ખબર પડે કે તે લેખ કોનો છે. ગાંધીજીના કેટલાક ઉપવાસો વખતે જાતે ભોજન લેવા છતાં મહાદેવભાઈનું પણ ગાંધીજી જેટલું જ વજન ઘટતું, અને ગાંધીજીની એક માંદગી વખતે તેમણે તીવ્રપણે એવી પ્રાર્થના કરેલી કે ઈશ્વર તેમનું અડધું આયુષ્ય લઈને ગાંધીજીને બચાવે.

મા ઉત્તરાબહેન જાણે-અજાણે એમના આદર્શ થઈ ગયાં એવું એમને જોનારને લાગે. પિતાની વિદ્વતા પણ આવેલી જ હતી. ૧૯૪૮ના ભણતરના પાયા તો વેડછી ગ્રામશાળામાં જ નંખાયા. નારાયણભાઈનો પરિવાર બનારસ તો ૧૯૬૦માં ગયો, ત્યાં સુધી વેડછી સ્વરાજ આશ્રમની ગ્રામશાળામાં જ ભણ્યાં. એમનું શાળાકીય ભણતર ઘણી જગ્યાએ થયું. વેડછી, વડોદરા, આંબલા, ઓડિશા અને છેલ્લે બનારસ. બનારસમાં ગંગાકાંઠે આવેલી અને ૧૯૨૭માં સ્થાપિત થયેલી જે. કૃષ્ણમૂર્તિની વિચારધારા પ્રેરિત રાજઘાટ બેસન્ટ સ્કૂલમાં ભણવાનું થયું. એ મેધાવી છાત્રા હશે. ૧૯૬૭માં નીલ રતન સરકાર મેડિકલ કૉલેજ એંડ હૉસ્પિટલ, કલકત્તા(હાલ કોલકાટા)માં એમ.બી.બી.એસ.માં દાખલ થયાં. તબીબ તો થયાં, સાથે જ બંગાળી સરસ શીખ્યાં. ઓડિયા તો માતૃભાષા. આમ ગુજરાતી, ઓડિયા, બંગાળી અને હિંદી પર ગજબ પ્રભુત્વ ધરાવતાં થયાં. હિંદી સાહિત્ય પણ ઘણું વાંચ્યું. ગાંધી-વિનોબા સાહિત્ય અને વિચારજ્ઞાન તો માતા-પિતા અને ઘરે આવનારા ઘણાં-ઘણાં મહેમાનો પાસેથી સહેજે મેળવ્યું. ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના યુદ્ધના લીધે આજના બાંગ્લાદેશમાંથી હજારો હિજરતી આવ્યા. ત્યારે શરણાર્થીઓના શિબિરોમાં અનેક પ્રકારની સેવાઓ આપી. ૧૯૭૨માં એમ.બી.બી.એસ. પૂરું કર્યું. એ દરમિયાન જ ૧૯૭૨ની આરંભે ભાવિ જીવનસાથી સુરેન્દ્ર ગાડેકર સાથે પરિચય થયો. એ હાલમાં બાબા તરીકે ગુજરાતી સર્વોદય જગતમાં ઓળખાય છે. આઈ.આઈ.ટી. કાનપુરના મેધાવી વિદ્યાર્થી અને ત્યાંથી ફિઝિક્સમાં ડૉક્ટરેટ મેળવેલી. મળ્યા અને બેઉને એકમેકમાં જીવનસંગાથી દેખાયા. ઓક્ટોબર ૧૯૭૨માં પરણી ગયાં. બહેન-બનેવીની વાતો ભાઈ નચિકેતા મારી સાથે વડોદરા હૉસ્ટેલમાં રહેવા આવ્યો ત્યારે બડાઈથી કરે. અને હું તો પ્રભાવિત. મળવાનું મોડેથી થયું. ૧૯૭૨માં જ એક વરસ ઇંટર્નશીપ કરી. પછી ૧૯૭૩થી ઉત્તર પ્રદેશની સરકારમાં જ્ઞાનપુર, જિલ્લો ભદોઈ, અને કાનપુરના પ્રાથમિક આરોગ્ય કેંદ્રોમાં સેવા આપી. તેનો ઊંડો અનુભવ ચર્ચાઓમાં પ્રકટ થયા વિના રહે નહીં. વળી તરુણ શાંતિ સેના પ્રેરિત મેડિકો ફ્રેંડ સર્કલના સ્થાપના વરસ ૧૯૭૪થી જ સક્રિય સભ્ય. ૧૯૭૯ થી ૧૯૮૧ ના અરસામાં સુરેન્દ્રભાઈ અને ઉમાબહેન અમેરિકા ગયાં. ત્યાં ઉમાબહેને ન્યુટ્રિશનમાં અનુસ્નાતકની ડિગ્રી લીધી. ૧૯૮૨-૧૯૮૪ના ગાળામાં સર્વ સેવા સંઘ રાજઘાટ, બનારસના પરિસરમાં ક્લિનિક શરૂ કરી બે વરસ પ્રેક્ટિસ કરી. એ જ અરસામાં દુઆનો જન્મ થયો હતો. ૧૯૮૪માં ઉમાબહેન વસંતા કૉલેજ ફૉર વુમેનમાં જોડાયાં. જે. કૃષ્ણમૂર્તિ પ્રેરિત આ કૉલેજનું વાતાવરણ અને વિચાર-વારસો ઉમાબહેન માટે જરા ય નવા ન હતાં. ન્યુટ્રિશન ભણીને આવેલાં એટલે હોમ સાયંસ વિભાગમાં સરસ ગોઠવાયાં હશે. સાથે-સાથે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન રુરલ સેંટરના નેજા હેઠળ ચાલતી સંજીવની હૉસ્પિટલમાં હૉસ્પિટલ સુપરિનટેંડેંટ તરીકે સેવાઓ આપી.
૧૯૬૦-૬૧ થી ૧૯૮૯ સુધી એટલે લગભગ ૩૦ વરસ બનારસમાં ભણી, કામ કરી ખૂબ અનુભવ સાથે ૧૯૮૯માં વેડછી પરત આવ્યાં. નારાયણભાઈ ૧૯૮૧માં ઉત્તરાબહેન સાથે વેડછી પાછા ફર્યા અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય શરૂ કર્યું. ઉમાબહેન અને સુરેન્દ્રભાઈ આવીને જોડાયા એનું એક મહત્ત્વનું કારણ ઉત્તરાબહેનનું અવસાન હતું. ત્યાર બાદ ઉમાબહેન અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય અભિન્ન બની રહ્યાં અને આ સાથ મૃત્યુ સાથે જ છૂટ્યો. સુરેન્દ્રભાઈ – બાબા, અને ઉમાબહેને લોક સેવક તરીકે જીવનદાન કર્યું. વિદ્યાલયના અંતેવાસી, શિક્ષક અને કર્મશીલ તરીકે જીવ્યાં. નારાયણભાઈના ગયા પછી તેઓ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ પણ રહ્યાં.

વિદ્યાલયમાં પ્રશિક્ષણ શિબિરો થાય અને તે વિદ્યાલય સ્થાપનાનો એક મુખ્ય ધ્યેય. જયપ્રકાશ નારાયણે ‘સંપૂર્ણ ક્રાંતિ’નું સૂત્ર આપ્યું પણ એનું કલેવર શું? એ ઘડાયું વિદ્યાલયમાં. સંઘર્ષ, રચના, સ્વાધ્યાય, પ્રશિક્ષણ. સમૂહ જીવન, ઉત્પાદક શ્રમ અને વિચાર સત્ર ત્રણેય પ્રશિક્ષણના અંગ. સંપૂર્ણ ક્રાંતિનાને સમજવા, અભ્યાસ કરવા માટેની જંગમ વિદ્યાપીઠ એટલે સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય. એના કુલગુરુ નારાયણ દેસાઈ ખરા પણ મહામાત્ર તે ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાબહેન. વિદ્યાલયમાં કોઈ ડિગ્રી, ડિપ્લોમા કે સર્ટિફિકેટ નહીં માત્ર પસાર થવાનું અને જેટલું નીખરી શકાય તેટલો નીખરવા પૂરતો અવસર. કાંતણ, વણાટ, રંગાઈ, વસ્ત્ર સીવણ, ખેતી કામ, બાગબાની, રસોઈ, અને સફાઈ એ બધાને ગોઠવવાનું કામ ઉમાબહેનનું. ૨૦૦૬ના અરસામાં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના અમે થોડાક નારાયણભાઈને વિનંતિ કરવા આવ્યા કે તેઓ કુલપતિ બની માર્ગદર્શન આપે. ચર્ચાઓમાં ઉમાબહેન હાજર અને સક્રિય. એમણે ઘણી નિસ્બતો વ્યક્ત કરી હતી. આ જવાબદારીમાં શ્રમ, મુસાફરી અને કામ એ બધા વિશે ઝીણવટથી પૂછપરછ કરી હતી, મા દીકરાને બહાર મોકલે ત્યારે બધી તપાસ કરે એવી તપાસ જ હતી.
ઉમાબહેનના મોસાળની વાત રહી ન જવી જોઈએ. ઓડિશાનો પ્રભાવી પરિવાર. ગાંધી-વિનોબા માર્ગે ઈમાનથી ચાલવાવાળા નબકૄષણ ચૌધરી ઓડીશાના ૧૯૫૦ થી ૧૯૫૬ સુધી મુખ્ય પ્રધાન. ઉમાબહેનનાં નાની માલતીદેવી ચૌધરી એવાં ક્રાંતિકારી કે પતિ મુખ્યપ્રધાન થયા ત્યારે ચોખ્ખું કહેલું કે લોક વિરુદ્ધ કામ કરશો તો હું પહેલી લડવાવાળી હોઈશ! આ પરિવાર અને દીકરી ઉત્તરાબહેન પછી સંબંધો સાચવ્યા હોય તો ઉમાબહેને. એ પરિવારની નાની દીકરી એટલે કૃષ્ણા માસી. અમે પણ માસી જ કહીએ. ઉમાબહેનની એ માસી કરતાં બહેનપણી વધુ. હજી એપ્રિલના આરંભમાં હું અંગુલ (ઓડિશાનું શહેર જ્યાં ચૌધરી પરિવારે આશ્રમશાળા કરી અને સ્થાયી થયા) ગયો હતો અને મેં ઉમાદીદીને ફોન કર્યો અને કહ્યું કે કંઈ સંદેશ? ઉમાદીદી કહે કે માસીને વેડછી આવીને રહેવાનું કહેજે. માસી એક મહિનો રહીને લાંબુ રહેવા આવવાનાં હતાં અને ઉમાબહેન તો ગયાં. માસીનો ફોન પર જ કરુણ વિલાપ!