ગાંધી પોકારે છે, આપણે સાંભળીશું?
મનુષ્યમાં રહેલી સારપને બહાર કાઢવા અને તેના આત્માના વિકાસ માટે ગાંધીજીએ ચિત્તશુદ્ધિને અનિવાર્ય ગણી
ગાંધીજીના જીવનકાળની લગભગ દોઢ સદી બાદ તેમના વિશે કંઈ મૌલિક કહેવાનું અતિશય મુશ્કેલ છે. કારણ ઘણું લખાયું અને બોલાયું છે. પણ સ્મૃિતયોગ્ય કાળ અને ગાંધીજી જેવા મહાન આત્મા વિશેની આપણી સહિયારી સમજને સમયાંતરે વાગોળતા રહીએ, તો સ્વસ્થ સમાજનવરચનાની અવિરત પ્રક્રિયાને સાચી દિશા મળે. વૈશ્વિક સ્તરે એક સ્વીકૃતિ બની છે કે મનુષ્ય પ્રજાતિએ પોતાના સમગ્ર અસ્તિત્વકાળમાં છેલ્લા શતકમાં અજોડ ભૌતિક સુવિધાઓ ઊભી કરી છે. એ માટે સક્ષમ સાબિત થયેલા વિજ્ઞાન અને ટેકનોલોજીથી આવનાર સમયમાં તમામ મુશ્કેલીઓ પણ હલ કરી શકાશે તેવો અંહકાર વ્યાપક બન્યો છે. ઉપરાંત એ અહેસાસ પણ તીવ્રતાથી કરાવાઈ રહ્યો છે કે વ્યક્તિથી દેશ સુધી કોઈ પણ સ્તરે ભૌતિક સમૃદ્ધિ – સુખાકારી હાંસલ કરવા માટે સાધનશુદ્ધિ આવશ્યક નથી.
૨૨-૧૦-૧૯૨૫ના 'યંગ ઇન્ડિયા'ના એક અંકમાં ગાંધીજીએ ‘એક ગોરા મિત્ર’ના પત્રનો ઉલ્લેખ કરી, તેમણે ગણાવેલાં સાત સામજિક પાપો અંગે બુદ્ધિથી આગળ જઈ મનોમંથન કરવા વાચકોને સૂચવ્યું હતું. તે હતાં ઃ સિદ્ધાંતવિહીન રાજનીતિ, શ્રમવિહીન સંપત્તિ, નીતિવિહીન વ્યાપાર, ચરિત્રવિહીન શિક્ષણ, માનવતાવિહીન વિજ્ઞાન, વિવેકવિહીન વિલાસાનંદ, અને ત્યાગવિહીન પૂજા. વિધિની વક્રતા છે કે આજે આ સાતે સામાજિક પાપો સમાજમાં પ્રચૂર માત્રામાં સામાજિક મંજૂરી સાથે આચરવામાં આવી રહ્યાં છે. પરિણામે પામી ગયેલાનો નાનકડો વર્ગ અને રહી ગયેલાનો મોટો વર્ગ – એમ સંપૂર્ણ માનવતા ઝડપથી વહેંચાઈ રહી છે. વિગ્રહના એંધાણ છે. ગાંધીજીની જીવનયાત્રા દરમિયાન નીતિમત્તા અને પારદર્શિતાના આભામંડળમાં સામાન્ય માણસ પણ અનીતિ કરતાં શરમાતો હતો. ગાંધીજીની અનુપસ્થિતમાં સંકોચ અનુભવ્યા વગર ગૌરવભેર તેમની વાતની અભિવ્યક્તિ અને તેને વ્યક્તિગત સ્તરે આચરણમાં લાવવાનો સંકલ્પ જ આપણને કર્તવ્યપરાયણ બનાવશે.
ગાંધીજી વિશે જાણવા બહુ શોધખોળની જરૂર નથી. ગાંધીજીની આત્મકથા, જેને તેમણે ‘સત્યના પ્રયોગો’ તરીકે ઓળખાવી છે, એના આધારે કહી શકાય છે કે તેઓ એક સામાન્ય પુરુષ જ હતા. સંકલ્પ, તપ, સાધના સાથે અંગત અને જાહેર જીવનમાં સાધનશુદ્ધિ દ્વારા તેઓ અાધ્યાત્મિક અને સામાજિક ઊંચાઈ પર પહોંચ્યા. અસામાન્ય સિદ્ધિઓ છતાં પોતાની મર્યાદાઓ વિશે તે સભાન હતા. ‘મારા ભૂતકાળના જીવન ઉપર દૃષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઇશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે … અને મારું રાજપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવાવું પણ એ જ વસ્તુને આધીન છે'. (આત્મકથાની પ્રસ્તાવના) અંતમાં તે લખે છે, 'જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઇચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતપોતાને વિશે વાપરવું જોઈએ, તે પ્રમાણે હું અવશ્ય કહું કે, ‘મો સમ કોન કુટિલ ખલકામી / જિન તિનુ દિયો તાહિ બિસરાયો / એસો નિમકહરામી.’
આ સામાન્ય પુરુષની અસામાન્યતા શું? ઇંગ્લેંડના અભ્યાસકાળથી જોયેલી પશ્ચિમની દુનિયાએ ત્યાંનો માનવી બુદ્ધિબળે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો આશરો લઈ મુખ્યત્વે શારીરિક અને ભૌતિક સુખાકારી અને કલ્યાણની દિશામાં અગ્રેસર હોવાની પ્રતીતિ કરાવી. તેનાં નકારાત્મક પાસાં — લોભ, કામ, મત્સર, અનુરાગ, ક્રોધ–માં વધારાની સાથે હિંસક અને વિધ્વંસક બળો વધતાં માનવીય મૂલ્યોનો થતો હ્રાસ છે. અહિંસક સમાજનું સ્વરૂપ જણાવવાના હેતુથી તેમણે ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’ લખ્યું. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે ચાલતા આંદોલન દરમિયાન માનવીય મૂલ્યોમાં વિશ્વાસ ધરાવનારા લોકોનો મેળાપ અને એ શક્તિનું અહિંસાના માર્ગે પ્રાગટ્ય થયું. મનુષ્યમાં રહેલી સારપને બહાર કાઢવા અને તેના આત્માના વિકાસ માટે ગાંધીજીએ ચિત્તશુદ્ધિને અનિવાર્ય ગણી. ચિત્તશુદ્ધિના પ્રયોગ સમૂહજીવનમાં થાય અને તેના માટે આશ્રમો સ્થાપી તેમાં રચનાત્મક કાર્યો ગોઠવ્યાં. અન્યાયી તંત્રને બદલવા અહિંસક સત્યાગ્રહ કર્યો.
૧૯૧૫માં, આજથી ૧૦૦ વર્ષ પહેલાં, બૅરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા સ્વરૂપે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા. દેશમાં ચાલી રહેલા સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. દેશવાસીઓને પોતાનાં વાણી, વ્યવહાર અને કાર્યક્રમ વડે માનવસમાજની દિશા વિનાશાત્મક હોવાનું સમજાવ્યું. આ વાતને બે વિશ્વયુદ્ધોએ સમર્થન આપ્યું. ગાંધીજીએ દેશની આઝાદી અને પરિવર્તન માટેનો રાહ સુઝાડ્યો. વ્યક્તિસ્તરે ચિત્તશુદ્ધિની વાત મૂકીને આશ્રમોમાં તેના અભ્યાસની તક ઊભી કરી. સમગ્ર દેશમાં રચનાત્મક કાર્યો ગોઠવ્યાં. અંગ્રેજોને હાંકી કાઢવા અહિંસક સત્યાગ્રહો કર્યા. દેશને આઝાદી મળી, પરંતુ આપણે સૌ ગાંધીજી અને તેમના સાથીદારોની ઊંચી નૈતિકતા ભૂલ્યા અને ચાલ્યા એ જ માર્ગે જેની સામે ગાંધીજીએ ગંભીર ચેતવણી ઉચ્ચારી હતી. આતંકવાદ, ભ્રષ્ટાચાર અને હિંસાના આજના માહોલમાં ગાંધીજીની વિચારસરણી કેટલી પ્રસ્તુત? અરે! બાપુએ તો સમગ્ર જીવન, અને મૃત્યુ પણ, વ્યક્તિ, સમષ્ટિ અને પ્રકૃતિ સાથે સંવાદિતા સાધવાની તપસ્યામાં વિતાવ્યું. આપણે એમને પૂરેપૂરો છેહ દીધો છે.
ગાંધીજીએ બ્રિટિશ સંસદને વેશ્યા અને વાંઝણી કહી હતી. આજે આપણે ત્યાં જમીન, જંગલ, ખનીજ, પાણી અને સરકારી સત્તા દ્વારા વેપાર કરી શકાય એ બધાની ધૂમ દલાલી ચાલે છે. ધન, સત્તા, બાહુબળ, અને એ સર્વે મેળવવા-જાળવવામાં છળને મળેલી સમાજસ્વીકૃતિનાં પરિણામ હિંસા, ભ્રષ્ટાચાર, અત્યાચાર અને બળાત્કાર જ હોઈ શકે. સામાજિક ક્ષેત્રે આ તમામ પરિબળો જ્ઞાતિવાદ અને કોમવાદને વકરાવી હિંસા ફેલાવી રહ્યાં છે. બહુધા બૌદ્ધિકો કાં તો પશ્ચિમી વિચારસરણી અને જીવનદર્શન પર આફરીન થયા છે, કાં તો વેચાઈ ગયા છે. સંવેદનહીન બનેલા તેઓ માનવીય અને તેથી નૈતિક પાસાંને ખતમ કરનારાં પરિબળો સાથે ભળીને નર્યા ભોગવાદમાં લિપ્ત થઈ રહ્યા છે. પ્રકૃતિ પર વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી સંપૂર્ણ અંકુશ રાખી ભૌતિક સમૃદ્ધિની રેલમછેલ માણી શકાય, તેમ માનનાર આ વર્ગ નવા ગ્રહો-ઉપગ્રહોને સર કરી ત્યાંનાં સંસાધનોનું શોષણ કરવા સંસ્થાનો કરવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે!
પણ શાણો અને અહિંસક સમાજ બનાવવાની ખેવના હજી સંપૂર્ણ મરી પરવારી નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્ષ ૨૦૦૭ની બીજી ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે મનાવવાના ઠરાવને સ-નમન અને સ-મન સ્વીકારીએ. ચિત્તશુદ્ધિ દ્વારા વ્યક્તિને બદલીએ. તંત્રપરિવર્તનની દિશામાં આ પહેલું પગલું છે. આ તપસ્યા વધે તો જીવનશૈલી સાદી થશે, નવાં રચનાત્મક કાર્યો ગોઠવાશે. નવી વ્યવસ્થાઓમાં ઓછી ઊર્જા વાપરીશું તો આપમેળે ગ્લોબલ વૉર્મિંગનું સંકટ ઓછું થશે. સ્થૂળ અને સૂક્ષ્મ હિંસાના ક્ષય માટે શોષણમુક્ત સમાજ પૂર્વશરત છે. આપણે એ પણ ભૂલી ગયા કે ખાદી એ માત્ર વસ્ત્ર નથી, પર્યાવરણની જાળવણી માટેનું યોગ્ય પરિધાન છે. છતાંય પ્રતિકૂળ પરિબળો અડચણો ઉપસ્થિત કરશે તો નવા સત્યાગ્રહોના મંડાણ કરવા પડશે. ગાંધી જયંતી નિમિત્તે એ મહામાનવ માટે માનવતાની શ્રદ્ધાંજલી આ જ હોઈ શકે.
સૌજન્ય : ‘ગાંધીમાર્ગ’, “દિવ્ય ભાસ્કર”, 02 અૉક્ટોબર 2015
![]()


ગાંધીજીનું જીવન એ વિચારોની વિકાસયાત્રા છે. એમના જીવનની પળેપળ વિચારોનું અનુસંધાન છે અને તેનો વ્યાપ સંપૂર્ણ વિશ્વને આવરી લે છે. એકાંત વનમાં બેસી સાધના કરે તેવા ઋષિઓથી જુદી આ યુગપુરુષની સાધના છે. તેમની સત્યની શોધની ચેતનાનો વિસ્તાર પ્રત્યેક માનવના હૃદય સુધી પ્રસરે છે. આ અતિશયોક્તિ નથી. જવાહરલાલ નહેરુએ લખ્યું છે, “ગાંધીજી લોકોની હૃદયવીણાના હરેક તારને જાણે છે, નિષ્ણાત સંગીતકારની જેમ કયે પ્રસંગે કયો તાર સ્પર્શવાથી તે યોગ્ય રીતે રણઝણી ઊઠશે તે જાણે છે.” એ મહાત્મા તરીકે ઓળખાયા પરંતુ વાસ્તવમાં તો સામાન્યજન હતા. માનવ હતા. તેમણે એ જ રીતે વિચાર્યું અને ભૂલ પણ થઈ શકે એ સમજ સાથે એવું જ વર્તન કર્યું. માનવ કરી શકે અને જે મેળવી શકે તેવાં જ ડગ ભર્યા.
પત્રકારત્વના સઘળા ઇતિહાસ ઉપર નજર નાખવાથી ખ્યાલ આવે છે કે, સામાન્ય રીતે કોઈ પણ સુચારુ પત્રકારત્વ એ સર્વોદયનું પત્રકારત્વ છે. કોઈ પણ સાચો પત્રકાર એટલું તો માનશે જ કે, પોતાની બાબતમાં મારા અને તારાનો ભેદ કરવાના હોય નહિ. સાચી સેવાશીલ વ્યક્તિ કોઈના પણ દુઃખ-દદર્ની સામે આંખમીંચામણાં ન કરી શકે. જો પત્રકારત્વને એક સેવા ગણીએ તો પત્રકાર એક સેવક ગણાય. સેવક એટલે કે એ વ્યક્તિ જેની પાસે એવી કોઈ ઉપલબ્ધિનું સાધન નથી, પરંતુ તેનું પોતાનું સાધ્ય છે. સેવા મારફતે નથી તેને કીર્તિ જોઈતી, નહિ પદ કે નહિ પૈસા. પત્રકાર પણ એક રીતે સેવક છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર, ભયંકર રોગચાળા, રાજનૈતિક ઊથલપાથલ, દલિત અને શોષિતોનો ઉદ્ધાર, શિક્ષણમાં જાગરણ વગેરે કોઈ પણ પ્રશ્નને લઈએ, બધા જ પ્રશ્નો પત્રકારત્વની સાથે જોડાયેલા છે. આવા અર્થમાં આપણે એમ કહી શકીએ કે, પત્રકાર તો એક સેવક છે, જેને સમગ્ર માનવતા તરફ એવી રીતે જાગ્રત અને સંવેદનશીલ રહેવું પડે છે, જેવી રીતે કોઈ માતાને તેના નાના બાળક પાછળ રહેવું પડે છે. માતાનું ક્ષેત્ર નાનું અને મર્યાદિત છે, જ્યારે પત્રકારનું વિશાળ અને વ્યાપક. સાચા પત્રકારે આ માટે કાયમ જાગતા રહીને જ્યાં જે રીતનું કષ્ટ હોય, ત્યાં શરીર અને મનથી હાજર રહેવું પડે છે.
પત્રકારત્વ પણ એમના માટે એક સત્યની ખોજ હતી. પત્રકારત્વ અને મુદ્રણના ક્ષેત્રમાં વિલ્હેમ સ્ટીડ લગભગ શરૂઆતના અને ખાસ્સી પ્રતિષ્ઠિત વ્યક્તિ થઈ ગયા. તેઓએ કીધું છે કે, ‘‘ખબર દેવામાં સબરનો સહારો લો, અને ખબર પર પોતાનો ખ્યાલ રજૂ કરતા મનમાં કોઈ પ્રકારનો હિચકિચાટ ન રાખો.’’ આ શબ્દોને અમે સારા પત્રકારત્વની સાથે સાથે સર્વોદય પત્રકારત્વનાં બ્રહ્મવાક્યો પણ કહી શકીએ.
શસ્ત્રબળને બદલે શાસનનો મુકાબલો નિર્ભય-સત્યના ઉચ્ચારણથી જ થઈ શકે છે. ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપીનિયન’ના માધ્યમથી સર્વોદય-પત્રકારત્વની આ દૃષ્ટિ ૧૯૦૩માં જ આપણી સામે રાખી છે. ‘ઇન્ડિયન ઓપીનિયન’નો પહેલો અંક ૪ જૂન ૧૯૦૩માં નીકળ્યો અને એ પણ ત્યારે, જ્યારે તેઓએ એક પ્રેસ પણ શરૂ કર્યું. સમયસર પત્ર કાઢવા માટે પોતાનું પ્રેસ હોય તેવી વાત ગાંધીજી ચોક્કસપણે માનતા હતા. પ્રેસ નાખતા પહેલાં ગાંધીજીએ થોડું કંપોજિંગ પણ શીખી લીધું હતું અને પ્રેસમાં જે માણસોને રાખ્યા તેમાં પોતાના સહાયક સંપાદકથી લઈને દરેક સાથીને છપાઈકામ શીખવા માટે ઉત્સાહિત કર્યા હતા. મનસુખલાલ નાઝર સંપાદક અને મદનજીત ગાંધીજીના સહાયક સંપાદક હતા. મદનજીત મુંબઈના રહેવાસી હતા અને દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની સાથે રાજનૈતિક ક્ષેત્રમાં પણ તેઓએ કામ કર્યું હતું. અખબારના ઉદ્દેશો સ્પષ્ટ કરતા ગાંધીજીએ લખ્યું, ‘‘અખબારની નીતિ આ ઉપમહાદ્વીપમાં ભારતીયોનાં હિતોને લોકોની સામે પ્રગટ કરવાની છે, પરંતુ અમે કહી દેવા માગીએ છીએ કે અખબાર ફક્ત ભારતીય સમાજના અધિકારોની જ વાત નહીં કરે, તે એક મોટા અને વિશાળ સામ્રાજ્યમાં તેઓનાં શું કર્તવ્યો છે, તે દર્શાવવામાં પણ કોઈ જાતની આનાકાની નહિ કરે. અખબાર એ વાતની પૂરેપૂરી કોશિશ કરશે કે નિયતિએ જ્યારે બે મહાન જાતિઓને એક ઝંડા નીચે ઊભી કરી દીધી છે તો તેઓ એકબીજાના હિત અને સન્માનની રક્ષા કરતા કરતા, પોત-પોતાનો વિકાસ એવી રીતે કરે કે આખી માનવજાત લાભાન્વિત થઈ શકે.
‘ઇન્ડિયન ઓપીનિયન’ અન્ય ભાષાઓની સાથેસાથે હિન્દીનું પહેલું વિચારપત્ર હતું. ત્યાર પછી ગાંધીજીના માર્ગદર્શનમાં જેઓએ પત્રકારત્વને સમજ્યું, તેઓએ લગભગ આ જ બધા સિદ્ધાંતોને પોતાની સામે રાખ્યા. સાપ્તાહિકપત્ર સમાચારને બદલે વિચાર ઉપર વધારે જોર આપે છે. તે જે સમાચારો ઉપર જોર આપે છે એ સમાચાર પણ મોટેભાગે કાં તો પોતાના ઉદ્દેશને અનુકૂળ અથવા ઉદ્દેશથી એકદમ વિરુદ્ધમાં જનારા સમાચાર હોય છે. કુતૂહલ, મનોરંજન અથવા ફક્ત હાસ્યવાળા વિચાર-પત્રોની સાથે ખાસ કરીને સર્વોદય વિચાર-પત્રોની સાથે મેળ નથી પડતો. વ્યંગનું તેમાં સ્થાન છે. પછીથી થોડાં સર્વોદય વિચાર-પત્રોએ વ્યંગને પોતાને ત્યાં કાયમી સ્તંભ તરીકે સ્વીકાર્યા – જેવી રીતે સેવાગ્રામ આશ્રમથી પ્રકાશિત ‘સર્વોદય’ માસિક, અને પહેલાં વારાણસી અને પછી દિલ્હીથી સાપ્તાહિક પત્ર ‘ભૂદાનયજ્ઞ’. ગાંધીજી આ વાતની તપાસ-જાણકારી પણ રાખતા હતા કે, ભારતના હિંદી છાપામાં એવી કેવી સામગ્રી છપાઈ રહી છે કે, જેનો ઉપયોગ દક્ષિણ આફ્રિકાના ભારતીયોની નૈતિક તથા ધાર્મિક ભાવનાઓને સચેત કરવા માટેની દૃષ્ટિથી કરવામાં આવતો હોય. કોઈ એક અંકમાં શ્રીરામ નરેશ ત્રિપાઠીની ‘સરસ્વતી’માંથી ઉદ્ધૃત ‘રામ’ કવિતા પણ પ્રકાશિત કરવામાં આવી હતી. આ જાણકારી બે વાતો સૂચિત કરે છે. એક તો એ કે ગાંધીજી ભારતમાં પ્રકાશિત થતી હિંદી પત્ર-પત્રિકાઓ ઉપર નજર નાખ્યા કરતા હતા, અને બીજી એ કે તેઓ ત્યાંથી એવી બાબતો જ ઉપાડતા હતા, જે ભારતવાસીઓને નૈતિક રૂપથી ઉપર ઉઠાવવામાં સમર્થ હોઈ શકે. શ્રીરામ નરેશ ત્રિપાઠીની આ કવિતાને ઉદ્ધૃત કર્યા પછી ગાંધીજીએ તેમની સાથે જીવનભર વ્યક્તિગત સંબંધ જાળવી રાખેલ – આ એમની લોકસંગ્રહ વૃત્તિને ઉજાગર કરે છે. તેઓ વિભિન્ન કામોમાં સહયોગ મેળવવાની દૃષ્ટિથી કાયમ લોકોની શોધમાં રહેતા હતા. એક સારા સંપાદકની માફક સારા લેખકો સાથે સંબંધ જોડાયા પછી શક્ય પ્રયાસે તૂટવા દેતા નહિ.
એ દિવસોમાં માસિક પત્રિકાઓમાં, વર્ધાથી કાઢવામાં આવતા ‘સર્વોદય’ની વિશેષ પ્રતિષ્ઠા હતી. ‘સર્વોદય’ માસિક ઓગસ્ટ ૧૯૩૮માં સેવાગ્રામ આશ્રમથી પ્રકાશિત થયું. તેના સંપાદકો હતા કાકાસાહેબ અને દાદા ધર્માધિકારી. આ માસિક ઓગસ્ટ-૧૯૪૨ એટલે કે ‘ભારત છોડો આંદોલન’ની શરૂઆત સુધી એકધારું નીકળતું રહ્યું, અને તેમાં નાની નાની ટિપ્પણીઓ તેમ જ સંપાદકીય, ઉપરાંત સર્વોદય પરિવારનાં જુદાં જુદાં ઘટકો સરળ અને સુવાચ્ય ભાષામાં અપાતાં રહ્યાં હતાં. તેના લેખકો પણ ખાસ કરીને ગાંધીવિચારના જાણકાર જ રહેતા. ક્યારેક ક્યારેક તેમાં અન્ય ભારતીય ભાષાઓના પ્રસિદ્ધ વિચારકોના લેખોના અનુવાદ પણ પ્રકાશિત કરવામાં આવતા હતા. આચાર્ય ભાગવત, જાવડેકર, આશાદેવી આર્યનાયકમ, અન્નાસાહેબ, સહસ્રબુદ્ધે, શ્રીધર ધોત્રે, અને દ્વારિકાનાથ લેલે જેવા જુદાં જુદાં રચનાત્મક ક્ષેત્રોમાં કામ કરવાવાળી વ્યક્તિઓના લેખો પણ તેમાં પ્રકાશિત થતા હતા.
હૈદરાબાદથી પાછા ફરતા ૧૮ એપ્રિલ ૧૯૫૧ના રોજ વિનોબા પોચમપલ્લી નામના ગામમાં પહોંચ્યા. ત્યાં સાંજના તેઓએ રાબેતા મુજબ સભા કરી. આ ગામ સામ્યવાદીઓનો ગઢ હતો. સભા પૂરી થતા થોડા લોકોએ ઊભા થઈને જણાવ્યું કે, અમને લોકોને જમીન અપાવો. જમીન અપાવવા માટેનું હિંસક આંદોલન વિનોબાની ચિંતાનો વિષય બનેલો જ હતો. તેઓ તેનો પ્રતિકાર તો પ્રેમપૂર્વક જમીન અપાવીને જ કરી શકે તેમ હતા. આ માટે તેઓએ સભામાં ભેગા થયેલા લોકોને પૂછ્યું, અહીં કોઈ એવી વ્યક્તિ નથી જે પોતાની ઇચ્છાથી ભૂમિહીનોને જમીન આપી શકે ? વિનોબાએ ૮૦ એકર જમીનની માંગણી આ સભામાં ઊભી કરી. વિનોબાનું એટલું જ કહેવાનું હતું. ત્યાં તો એક લાંબા ખડતલ શરીર ભવ્ય આકૃતિવાળા યુવાને ઊભા થઈને જણાવ્યુ કે હું હરિજનભાઈઓને ૫૦ એકર તૈયાર જમીન અને ૫૦ એકર પડતર જમીન આપી શકું છું. બસ ! અહીંથી જ ભૂદાનગંગાનો સ્રોત ફૂટી નીકળ્યો. આ અહિંસક ક્રાંતિને દેશભરમાં ફેલાવવાને માટે જુદી જુદી જગ્યાઓથી સર્વોદયવિચારની પોષક વ્યક્તિઓ અને સંસ્થાઓએ અખબાર-પત્રિકઓ કાઢવાનું શરૂ કરી દીધુ. દેશના બધા રાજ્યોની ભાષાઓમાં પત્રિકાઓ નીકળી. બધાથી વધારે પત્રિકાઓ કદાચ હિંદીમાં જ નીકળી. આમાં સર્વ સેવા સંઘ વારાણસીથી પ્રકાશિત પત્રિકા ‘ભૂદાનયજ્ઞ’એ સૌથી વધારે જહેમતથી આ વિચારને ફેલાવ્યો. આ પત્રિકાએ આચાર્ય રામમૂર્તિ જેવા સંપાદક અને નારાયણ દેસાઈ અને પ્રભાષ જોષી, કુમાર પ્રશાંત, શ્રવણકુમાર વગેરે પત્રકારો પણ હિંદી જગતને આપ્યા.