મહાત્મા ગાંધીના ગુરુ તરીકે રસ્કિન [08 ફેબ્રુઆરી1819 – 20 જાન્યુઆરી 1900], ટૉલ્સ્ટૉય [09 સપ્ટેમ્બર 1828 – 20 નવેમ્બર 1910], થૉરો [12 જુલાઈ 1817 – 06 મે 1862] અને શ્રીમદ્દ[11 નવેમ્બર 1867 – 09 ઍપ્રિલ 1901]ને ગણાવનારા જાણે તો છે કે મહાત્મા ગાંધીએ પોતે જ કહ્યું હતું કે, પોતાને કોઈ ગુરુસ્થાને મૂકવાલાયક વ્યક્તિ મળેલ નથી અને તેની શોધ પૂરી થઈ નથી. તો પછી આવી ચેષ્ટા પાછળનું કંઈક કારણ હોવું જોઈએ. અમને તે સાંસ્કૃતિક ગુરુતાગ્રંથિ કે લઘુતાગ્રંથિ લાગે છે. જેમને સ્વયં માટે ભારતીય હોવાનું આત્મસન્માન છે જ નહીં અને જે વિદેશી સંસ્કૃતિની માનસિક ગુલામીને નખશિખ પચાવી શકવામાં ધન્યતા માને છે, તે જ કેવળ મહાત્મા ગાંધીની લીટીની ઉપર પોતાના મિથ્યાભિમાન વડે અન્ય મહાત્માની લીટીને ખેંચીને તેને મોટી ચીતરે છે. જ્યારે કોઈ ભારતીય લેખકો આવી ચેષ્ટા કરે ત્યારે તેમાં તેમની લઘુતાગ્રંથિની માનસિકતા છે. અને તે સૌ એવું કરવાની પ્રેરણા તો પશ્ચિમી લેખકોનાં, એમની પોતાની જન્મદત્ત ગુરુતાગ્રંથિ વડે લખાયેલ વિધાનમાંથી જ મેળવેલી હોય છે, પોતાની સ્વતંત્ર બુદ્ધિની તો એવી ગુંજાઈશ જ નથી હોતી. જેનામાં સ્વતંત્ર બુદ્ધિની કંઈક ગુંજાઈશ હોય તે કોણ કોનો ગુરુ અને કોણ કોનો શિષ્ય, એ ઠરાવની કસરતમાં પડે જ નહીં. કમ સે કમ ભારતીયતાના આત્મગૌરવમાં ઉન્નત મસ્તકે વિચારનાર તો એક ભારતીયને કોઈના, વિદેશના કે અન્ય ધર્મના શિષ્યપણાં નીચે ન જ ધકેલે. મહાત્મા ગાંધી માટે આવું કરનારા ખરે જ પોતે કોનું શિષ્યપણું સાબિત કરે છે, તે જ શોધે તો તે પૂરતું છે. ખાસ કરીને મહાત્મા ગાંધી કેવળ ભારતીય હોવાને લીધે જ તેમના સાધ્યસાધન સંબંધના મૌલિક સિદ્ધાંતની બેઠી ઉઠાંતરી એક પાશ્ચાત્ય વિદ્વાન એ જ ગ્રંથ નામે કરે છે અને તેના પ્રકાશનના કાલાનુક્રમને જોતાં, મહાત્મા ગાંધીના કામના અને પ્રકાશનનો ઉલ્લેખ કે સંદર્ભ પણ બતાવવાની તેઓશ્રી દરકાર કરતા નથી; એવું અમારા ધ્યાન પર આવ્યું, ત્યારે અમને પશ્ચિમી માનસમાં રહેલ જન્મદત્ત ગુરુતાગ્રંથિનો વાસ્તવિક પરિચય થયો. તાત્પર્ય એ કે આ કંઈ અમારો કાલ્પનિક ખ્યાલ નથી.
કાર્લ માર્ક્સ શોષણમુક્તિની ક્રાંતિના યુગપ્રવર્તક મહાન વિચારક અને સંગઠક ક્રાંતિકારી હતા. તેમની મહાનતાની લીટીને નાની દેખાડવા માટે કેમ કોઈ ગુરુની મોટી લીટી એમના નામની ઉપર ખેંચવામાં આવી નથી? એ ભારતીય હોત તો? એ જો ભારતીય હોત તો એમના નામની ઉપર પાશ્ચાત્ય ફિલૉસૉફીના મહાન ચિંતક જર્મન વિદ્વાન શ્રી હેગલની લાંબી લીટી શું ન ખેંચાઈ હોત? માર્ક્સનો દ્વંદ્વાત્મક ભૌતિકવાદ તે મૂળમાં તત્ત્વજ્ઞાનમાં શ્રી હેગલનો એ જ સિદ્ધાંત છે, તેનો માર્ક્સે સામાજિક નિરીક્ષણમાં પ્રયોગ કર્યો. આ આટલું ગુરુપદ સ્થાપવા યોગ્ય કારણ છતાં કદી કોઈને શ્રી હેગલને માર્ક્સના ગુરુસ્થાને સ્થાપનારાં પુસ્તકો શું કદી લખ્યાં, જેમ મહાત્મા ગાંધી માટે કેટલાક બુદ્ધિમાનોએ લખ્યાં છે, તેમ? કોઈ કહેશે શ્રી હેગલ ફિલૉસૉફીમાં ઈશ્વર, આત્મા જેવા અભૌતિક, તત્ત્વજ્ઞાનને લગતાં ક્ષેત્રના ચિંતક હતા; જ્યારે માર્ક્સ તો પીડિત માનવતાનાં આંસુ લૂછનાર, શોષણમુક્તિ માટે રાજ્યક્રાંતિ, અર્થક્રાંતિ, સામાજિ ક અને સાંસ્કૃતિક ક્રાંતિના જ્યોતિર્ધર હતા. બંને એક જ સમાન કાર્યક્ષેત્રની ભૂમિકાના પ્રવર્તક ન હતા, ભિન્ન ભિન્ન ભૂમિકા ધરાવનારા હતા. ત્યારે જે ભૂમિકામાં પોતાનું પ્રદાન હોય તેમાં અન્ય એ સિવાયની ભૂમિકાના કોઈ ગુરુ સંભવી શકે નહીં. તત્ત્વજ્ઞાનના ચિંતક કંઈ શોષણમુક્તિની સામાજિક ક્રાંતિના સિદ્ધાંત શીખવી શકે નહીં. તેથી માર્ક્સની વિચારધારના ગુરુ તરીકે શ્રી હેગલ પર ગ્રંથો લખવામાં આવે નહીં, તે દેખીતું છે; ત્યારે શું આ જ વાત મહાત્મા ગાંધીની પ્રતિભાની ભિન્ન ભૂમિકાને માટે પણ સાચી નથી? શુદ્ધ સાધ્ય માટે સાધનશુદ્ધિની એમની મૌલિક સૈદ્ધાંતિક વિચારણા, અહિંસા વડે સાધનશુદ્ધિની એમની ભૂમિકા, સ્વરાજ્યના સર્વોચ્ચ, અનંત, શુદ્ધ સાધ્યની એમની સંકલ્પના, સાધન એ બીજ છે તે કાર્ય કારણ સંબંધની મૌલિક પ્રસ્થાપના અને સાધ્યસાધન વચ્ચે કાર્યકારણ સંબંધની એવી અનિવાર્યતા બતાવનાર મહાત્મા ગાંધીએ સર્વોદય વડે સ્વરાજનો સિદ્ધાંત આપીને જગતને બતાવ્યું કે, અન ટુ ધિસ લાસ્ટમાં નર્યો અંત્યોદય છે તે પર્યાપ્ત નથી. તે તો ગરીબી સામે રાહતના ઉપાય વડે, મૂડીવાદને ટકાવનાર શોષણની વ્યવસ્થાને મજબૂત કરે છે. તેમાં ‘હેતુ’ની ખામી મહાત્મા ગાંધીએ બતાવી. જે ખામી ફ્રેંચ – ક્રાંતિનાં મૂલ્યોમાં રહેવાને પરિણામે જગતમાં પછી મૂડીવાદી શોષણ પેદા થાય છે. તેનું નિવારણ નિરસન ‘સ્વરાજ્ય’ના સાધ્યનો ‘હેતુ’ મૂકવાથી થાય, તેમ મહાત્મા ગાંધીએ સર્વોદય ગ્રંથમાં 1904માં બતાવ્યું અને તેની ‘સ્વરાજ્ય’ના સાધ્ય તરીકે સૈદ્ધાંતિક પ્રસ્થાપના 1908 માં હિંદ સ્વરાજમાં કરી. પછીનો દક્ષિણ આફ્રિકામાં એક કોમ પૂરતો અને ભારતમાં કરોડો લોકોના ઉપખંડની રાષ્ટ્રીય આઝાદીના નવજાગરણને માટે નેતૃત્વનો ઇતિહાસ અહિંસામાં નવા યુગની પ્રસ્થાપનાનો ઇતિહાસ છે, તે સૌ જાણે છે. તેમની આ ભૂમિકા પ્રયોગશાળાના એકાંતમાં ગ્રંથલેખન વડે તારવેલા સત્ય સમાન સંશોધક પ્રતિભાની જ ભૂમિકા છે કે તે ઉપરાંત કરોડોનાં જીવનને આવરી લેનાર સંપૂર્ણ મૂલ્યક્રાંતિની ભૂમિકા પણ છે? શું આ મૂલ્યક્રાંતિની ભૂમિકાના સિદ્ધાંત કોઈ ગુરુએ તેમને શિષ્ય બનાવીને શીખવાડેલા છે? શું એ ટૉલ્સ્ટૉયે ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ ગ્રંથમાં બતાવેલા છે? સત્યાગ્રહ વડે અહિંસામય સંઘર્ષની કાર્ય પદ્ધતિ પણ અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી ગ્રામોદ્યોગમૂલક અહિંસક સમાજ-પરિવર્ત ન વડે લોકશક્તિ નિર્માણ કરે છે તે કોણે તેમને શીખવ્યું, ‘રસ્કિને, ટૉલ્સ્ટૉયે, શ્રીમદ્દ કે થૉરોએ?’

સત્યાગ્રહ માટે ધનિકોની ટ્રસ્ટીશિપ વડે ત્યાગ અને આત્મભોગને અનિવાર્ય બતાવીને, એ જ ટ્રસ્ટીશિપ વડે દૂબળાં, બાપડાં, ગરીબ, કંગાળ કે ભૂખ્યાંને એક ટંક રોટલો ને મીઠાની કાંકરી પણ મળે તે માટે રચનાત્કમ કાર્યક્રમોને દેશવ્યાપી બનાવવાનું કોણે શીખવ્યું? મહાત્માની પોતાની પ્રતિભાનો જ એ પરિપાક છે, કોઈ ગુરુના શિષ્યપણાની પ્રસાદી નહીં. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ તો, મહાત્મા ટૉલ્સ્ટૉય સાથે તેમનો પત્રવ્યવહારથી પ્રથમ પરિચય થયો તે અગાઉથી જ શરૂ થઈ ચૂક્યો હતો. એટલે સત્યાગ્રહની શોધના પાયા તો નખાઈ ચૂક્યા હતા અને એ પાયા પર જે નિર્માણયજ્ઞ થઈ રહ્યો હતો તે કાળે મહાત્મા ટૉલ્સ્ટૉય તરફથી તેમને સમર્થન અને પ્રોત્સાહન વડે શક્તિ સાંપડે છે, એવી કોઈ શક્તિ મળવાની ધારણા કે અપેક્ષા સિવાય જ દક્ષિણ આફ્રિકામાં હિંદી કોમના સંઘર્ષનો, નેતૃત્વનો આરંભ અને ખેડાણ થઈ ચૂક્યાં હતાં, તેથી ગુરુ-શિષ્ય સંબંધની કોઈ ભૂમિકાનો એ સંદર્ભમાં કોઈ સવાલ આવતો નથી. તેવું જ રસ્કિન—વિચાર અનટુ ધિસ લાસ્ટ અંગે પણ છે. યોગ્ય સંદર્ભમાં બંનેના સંબંધનું નિરુપણ ઘટિત છે. ટૂકંમાં જોઈએ તો અનટુ ધિસ લાસ્ટ અંત્યોદય વિચાર છે. હિંદ સ્વરાજ અને આઝાદી સંગ્રામના સત્યાગ્રહના સંદર્ભ તેનું સ્વરૂપ મહાત્મા ગાંધીની મૌલિક પ્રતિભાનો પરિચય આપે છે. મૂળ ખ્યાલ તરીકે અંત્યોદય એટલે અનટુ ધિસ લાસ્ટ એ જ ગાંધીવિચાર છે એવો ભ્રમ ફેલાવનારા જ રસ્કિનને ગાંધીના ગુરુ કહે છે. વિચાર કરતાં જણાશે કે તે બેહૂદું છે, કેમ કે, અનટુ ધિસ લાસ્ટ ગરીબ શ્રમિકને રાહત આપવા માટે મૂડીવાદી સમાજના સંદર્ભમાં કરેલો વિચાર છે, તે મૂડીવાદી શોષણની વ્યવસ્થાને મિટાવીને વિકલ્પે નવીન રચનાનો વિચાર નથી. તે મૂડીવાદને ટકાવીને શ્રમિકને શોષણથી બચાવવાની રાહત આપવાનો અથવા શ્રમિક મજૂર તે પેઢી દર પેઢી મજૂર જ રહે તેવી વ્યવસ્થાના સંદર્ભમાં રાહતલક્ષી વિચાર છે. ગાંધી મૂડીવાદને ખતમ કરીને સર્વોદયના માર્ગે સ્વરાજની ક્રાંતિ વડે નવીન અહિંસક સમાજરચનાના યુગનું ઉદ્ઘાટન કરનાર પ્રતિભા છે. મજૂર તે મજૂર મટીને સૌ સમાન સ્વાવલંબી સમાજના સભ્ય બને તે ગાંધીના રચનાત્મક કાર્યક્રમનો આશય છે. હવે ભારતના સ્વતંત્રતા સંઘર્ષના સત્યાગ્રહમાં, ત્યાગ-બલિદાન, આત્મભોગ માટે મહાત્મા ગાંધીએ ભારતીય સમાજના વંચિત-ગરીબને જ નહીં પણ ધનિક વ્યાપારી, વકીલ વ્યાવસાયિક અને રાજાઓ તથા રાજવી નબીરાઓને નેતાગીરી લેવાની ફરજ પાડી હતી. ગરીબ-દૂબળાં-બાપડાંને જીવન જીવવામાં ટેકો આપવા માટે અસ્પૃશ્યતાનિવારણ, ખાદી ગ્રાદ્યોગમૂલક અહિંસક ક્રાંતિના દેશવ્યાપી રચનાત્મક કામનું સંગઠન મહાત્મા ગાંધીએ કરાવ્યું, તે માટેની રાષ્ટ્રીય સંસ્થાઓ પણ બનાવી. એ ‘સ્વરાજ’ની દિશામાં રચનાત્મક પ્રયાસનું પહેલું પગલું હતું. શ્રમિકને કાયમ મજૂરની પરવશતામાંથી મુક્ત કરીને તેને એક ઉદ્યોગ સાહસિકના દરજ્જે ખાદી ગ્રામોદ્યોગના સ્વાવલંબી એકમનો સંચાલક બનાવનારી એ ક્રાંતિની શરૂઆત રાષ્ટ્ર આખામાં વ્યાપક ફલક પર હાથ ધરવામાં આવી. આઝાદીના સંગ્રામની સળગતી આગ વચ્ચે રાષ્ટ્રને આર્થિક સ્વરાજની દિશામાં લઈ જવાનો એ મહાપ્રયાસ હતો. તે નેતૃત્વનું શ્રેય એટલે ગુરુપદ રસ્કિનને આપનાર રસ્કિનને ગાંધીજીના ગુરુ કહેનાર પછી અનટુ ધિસ લાસ્ટ એટલે ગાંધીવિચાર એમ કહે, એમાં સત્યનો અંશ પણ નથી. તે સાથે એ પણ ખરું કે આ ક્રાંતિલક્ષી અને સ્વરાજલક્ષી રચનાત્મક કાર્યક્રમ મહાત્મા ગાંધીના સ્વર્ગવાસ પછી પ્રાયોગિક દશાથી આગળ ચાલ્યા પણ નહીં. અનટુ ધિસ લાસ્ટના જ વિચારની આવી નિષ્ફળતાના આઘાત છતાં અનટુ ધિસ લાસ્ટ એટલે જ ગાંધીવિચાર એવા ભ્રમનો ભોગ બનેલા લેખકો રસ્કિનને હજુ પણ તેમના ગુરુસ્થાને બતાવીને શો આત્મસંતોષ પામે છે તે સમજી શકાય તેમ નથી. આ મુજબ થૉરોનાં ‘સિવિલ ડિસોબીડિઅન્સ’ વિશે પણ ચર્ચાનો વિસ્તાર કરી શકાય; પણ સ્થળ- સંકોચની મર્યાદા લક્ષમાં લઈ એટલું સુજ્ઞ વાચકની વિવેકક્ષમ સમજશક્તિને સહજ ગમ્ય હોવાથી તે વિશે આટલો નિર્દેશ જ ઠીક ગણાશે.

શ્રીમદ્દ રાજચંદ્ર
શ્રીમદ્દ અને ગાંધીજીના સંબંધ વિશે, તેમની વચ્ચેના પ્રશ્નોત્તર વિશે સાહિત્ય સર્વસુલભ છે. તેમાં કોઈ સ્થળે શ્રીમદ્દ તરફથી ગુરુપણાનો કોઈ ભાવ કે વ્યવહારનો અંશ પણ જણાય તેમ નથી. તો ગાંધીજીએ તેમને જ્ઞાની તરીકે પૂજ્યભાવે નાનામાં નાના ગણાય તેવા સામાન્યથી ગહન પ્રશ્ન પૂછવામાં સંકોચ રાખ્યો ન હતો. શ્રીમદ્દ સાથેનો સંબંધ મૂલત: જ્ઞાનનિષ્ઠાના ઘડતરની પગદંડી બને છે. એ જીવનપુષ્ટિને પરિપક્વ કરનાર આચાર અને ધર્મની સૂક્ષ્મતામાં લઈ જનારી સમજ કેળવે છે. એ વિવેક મહાત્મા ગાંધીના સ્વરાજનિર્માણના સામાજિક અને મોક્ષની આકાંક્ષાનાં આંતરિક જીવનના મૂલ્યોની ઉપાસનાને જ્ઞાનમય બનાવે છે. શ્રીમદ્દની જ્ઞાનનિષ્ઠા ધ્યાનમાર્ગે સમાધિ દશાને સમર્પિત છે, મહાત્માની સ્વરાજનિષ્ઠા નિષ્કામ કર્મ માર્ગે સમર્પિત છે. તેથી એ પોતે શ્રીમદ્દના ધ્યાનમાર્ગે સાધક બન્યા પણ નથી. અને શ્રીમદ્દ જેવા સમાધિ – દશાના જ્ઞાની સાક્ષાત્કારી ભગવંત કંઈ ગાંધીવિચારની રચનાત્મક અહિંસક સામાજિક ક્રાંતિના સર્વોદય વિચારક તરીકે સ્વપ્ને પણ ગાંધીજીના ગુરુ ન હોઈ શકે, તેમાં શક નથી.
તો પછી ગાંધીજીના ગુરુ કોણ? શો છે જવાબ? એ જ, સ્વયં પરમાત્મા ! અને જેમનો અવાજ એ સાંભળતા અને અનુસરતા. ઉપવાસ વખતે એ જ એમને આદેશ આપતા, પ્રેરણા આપતા! અને એવું એમણે જાતે જ કહ્યું છે!
સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, વર્ષ – 6; અંક – 10-11; ઑક્ટોબર – નવેમ્બર 2018; પૃષ્ઠ – 358 – 361
![]()


ભારતીય સ્ત્રીના વિકાસમાં ગાંધીજીએ આપેલ ફાળો અમૂલ્ય છે. જે એક સ્થાપિત સત્ય છે. ગાંધીજીના અહિંસા તથા અસહકાર તેમ જ સત્યાગ્રહ જેવા અત્યંત ઓરિજીનલ લાગતા સિદ્ધાંતોના મૂળ સ્ત્રીજાતના વિચાર અને વર્તનમાં હતા, તેમ બાપુએ પોતે સ્વીકાર્યું છે. પરંતુ સ્ત્રીજાતના આ વિશેષ વર્તન-વ્યવહારનું સૂક્ષ્મપણે વિશ્લેષણ કરી તેમાંથી ઉચિત વર્તનને અસહકાર કે સત્યાગ્રહ જેવા સિદ્ધાંતરૂપે અપનાવવાનો તથા સ્થાપવાનો યશ ચોક્કસ ગાંધીજીને જાય. એ સિદ્ધાંતોનો ઉપયોગ ગાંધીજીએ વિવેક, ક્ષમતા તથા હિંમત સાથે જે પ્રમાણે કર્યો તે કોઈ વીરલો જ કરી શકે ! આમ કરવાની સાથે તેમણે ઘરની ચાર દિવાલોમાં જીવી રહેલ ભારતીય સ્ત્રીને ઘરનો ઉંમરો ઓળંગીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવવાની હાકલ કરી. માતૃભૂમિની સ્વતંત્રતાના સંગ્રામમાં સ્ત્રી શું ? અને પુરુષ શું ? બંને એક સરખા ભાગીદાર. બંનેએ માતૃભૂમિ માટે બનતું સઘળુંયે કરવાની તક ઝડપી લેવી જોઈએ. આવો વિચાર જ્યારે બાપુએ વહેતો કર્યો ત્યારે પ્રમાણમાં જુનવાણી તેમ જ પિતૃસત્તાક ભારતીય સમાજે તેને સહર્ષ વધાવી લીધો. અને ભારતીય સ્ત્રીએ ઘરનો ઉંમરો ઓળંગીને સ્વતંત્રતા આંદોલનની સભાઓ અને સરઘસોમાં ભાગ લેવાનું પ્રારંભ્યું. પછી તો ઉત્તરોત્તર તેઓ દરેક ક્ષેત્રમાં પ્રવેશતી ગઈ. પરંતુ સૌ પ્રથમ વાર ભારતીય સ્ત્રીને જાહેર કામકાજમાં ભાગીદારીની તક ગાંધીજીએ મેળવી આપી. આમ ભારતીય નારીના સશક્તિકરણના પાયામાં ગાંધીજીનું આગવું પ્રદાન રહેલું છે.
સ્વતંત્રતા આંદોલનનો 1947 પૂર્વેનો એ જમાનો એવો હતો કે જ્યારે ગાંધીજી પ્રત્યેક સુસંસ્કૃત, જાગ્રત ભારતીય પરિવારમાં એક સદસ્યનું સ્થાન ધરાવતા. અંગ્રેજી સાહિત્યના ખ્યાતનામ કવયિત્રી કમલા દાસની આત્મકથા 'માય સ્ટોરી’(1976)માં પોતાનાં બાલ્યકાળનું વર્ણન કરતાં સ્મરે છે કે, તેમની માતાના સાહિત્યકાર મામા કેરળમાં પોતાના નાલપત હાઉસમાં એશોઆરામભરી જિંદગી જીવતા. કમલા દાસની માતા તથા તેમનાં બાળકો પણ નાલપત હાઉસના જ સભ્ય હતાં. કિશોરી કમલા સ્મરે છે કે, "અમારા એ નાલપત હાઉસમાં જ્યારે કોઈપણ નિર્ણય લેવાતો ત્યારે તેને અન્ય વડીલોની સાથોસાથ બાપુની પરવાનગી મળશે કે કેમ તેનો પણ ખ્યાલ રખાતો. આ 'બાપુ' એટલે પરિવારના કોઈ વડીલ સદસ્ય નહીં, પરંતુ એ મહાલયના દિવાનખાનાની દિવાલ પર શોભતી મહાત્મા ગાંધીજીની છબિ !" આ છબિ જાણે ઘરની મુખ્ય વડીલ હતી. આવો હતો એ જમાનો !
મોતીલાલ નેહરુનાં મોટાં દીકરી અને જવાહરલાલજીના બહેન પંડિત વિજયાલક્ષ્મીની આત્મકથા 'ધ સ્કોપ ઓફ હેપિનેસ'(1979)માં ગાંધીજીની વાત સતત થાય છે. નેહરુ પરિવારમાં ગાંધીજીનો દરજ્જો એક અતિપ્રિય વડીલનો હતો. વિજયાલક્ષ્મીજીના પ્રેમલગ્ન વખતે પણ ગાંધીજીની પરવાનગી લેવાયેલી. ગાંધીજીએ પોતાને હાથે કાંતેલ, વણેલ તથા રંગેલ ખાદીની સાડી પહેરીને વિજયાલક્ષ્મીજી લગ્નના માંયરામાં બેઠાં હતાં. લગ્ન બાદ તરત નવપરિણીત યુગલ બાપુના આશીર્વાદ લેવા આનંદભવન ખાતેના બાપુના રૂમમાં ગયેલું અને ત્યાં ગાંધીજીએ બ્રહ્મચર્ય પાલન કરીને દેશ ખાતર જીવન સમર્પિત કરવાની વાત કરેલી. આ પ્રસંગને સ્મરતા વિજયાલક્ષ્મીજી લખે છે, મેં બાપુને તરત કહ્યું, "જો તમારે અમને આવા જ આશીર્વાદ આપવા હતા તો અમને પરણવાની પરવાનગી શા માટે આપી ? આવા લગ્નનો શો અર્થ ? બાપુ માફ કરજો તમારી આ વાત મને સ્વીકાર્ય નથી."
તો વળી વિજયાલક્ષ્મી પંડિતનાં નાનાં બહેન તથા અમદાવાદના હઠીસિંહ પરિવારના પુત્ર રાજા હઠીસિંહનાં પત્ની કૃષ્ણા હઠીસિંહ પોતાની આત્મકથા 'વિથ નો રિગ્રેટ્સ'(1943)માં બાપુના વ્યક્તિત્વના વિવિધ પાસાઓની સરસ છણાવટ કરે છે. તેઓ પણ પોતાના લગ્નના પ્રસંગનું સ્મરણ કરીને તે વખતે બાપુએ આપેલ આશીર્વાદ વિશે લખે છે, "બાપુએ મને કહેલું, હવે તારો પુનઃજન્મ થઈ રહ્યો છે… તારી નાનીબહેન સ્વરૂપ કાઠિયાવાડમાં નવવધૂ બનીને આવી ખરી, પણ તેણે પોતાના પતિને અલ્હાબાદ આવીને વસવા માટે સમજાવી લીધો… પરંતુ તારામાં અને સ્વરૂપમાં ઘણો ફેર છે. હું સમજું છું કે તું રાજાને અમદાવાદથી દૂર ખેંચી લઈ જવા પ્રયત્ન નહીં કરે… હું આશા રાખું છું કે તું ગુજરાતને તારું ઘર બનાવીશ."
પદ્મવિભૂષણ દુર્ગાબાઈ દેશમુખની આત્મકથા 'ચિંતામન એન આઈ'(1980)માં તેઓ ગાંધીજીને પોતાની કિશોરાવસ્થાના એક માત્ર પ્રેરણાદાયી બળ તરીકે સ્મરે છે. દુર્ગાબાઈ દેશમુખ નાનપણથી જ સ્વતંત્રતા સેનાની તથા ગાંધી વિચારધારાના સમર્થક રહ્યાં. 11 વર્ષની ઉંમરે તેમણે ગાંધીજીની એક પ્રવચનસભાનું આયોજન પોતાના ગામમાં કરેલું. અને આ પ્રવચન માટે રૂપિયા પાંચ હજારનું ઉઘરાણું કરવામાં તેઓ સફળ નીવડેલાં. ગાંધીજીની આ સભા દરમિયાન તેમણે કોઈપણ પૂર્વ આયોજન વગર ગાંધીજીના દુભાષિયા તરીકે કામ કરેલું. જેને કારણે તેઓ આજીવન હિન્દીના પ્રખર સમર્થક તેમ જ પ્રચારક રહેલાં. પોતાની ઉપરોકત આત્મકથામાં તેઓ એક યાદગાર પ્રસંગ સ્મરે છે. સ્વતંત્રતા પૂર્વેના એક કૉન્ગ્રેસ અધિવેશન દરમિયાન સ્વયંસેવિકા દુર્ગાબાઈને ગાંધીજીએ એ સમારંભ માટે સ્ટેજ પર આવી રહેલ દરેક મહાનુભાવના કાર્ડ તપાસવાનું કામ સોંપ્યું. યુવા દુર્ગાબાઈ પોતાનું કામ ખંતપૂર્વક કરવા માંડી. એક પછી એક જનનેતાઓ પાસ બતાવીને સ્ટેજ પર જઈ રહ્યા હતા. એટલામાં નેહરુજી આવી પહોંચ્યા. બેફિકર નેહરુજી સ્ટેજ પર જવા પગથિયાં પર પગ માંડે ત્યાં તો યુવા સ્વયંસેવિકાએ તેમને ટોક્યા અને પાસ બતાવવા કહ્યું. નેહરુજીને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, "હું નેહરુ, મને નથી ઓળખતા?" વળતો જવાબ મળ્યો, "હા જી, ઓળખું છું, પરંતુ બાપુએ પાસ લઈને આવનારને જ સ્ટેજ પર જવા દેવાનો આદેશ આપ્યો છે. તેથી હું મજબૂર છું." સ્મિત સાથે નેહરુજીએ પાસની વ્યવસ્થા કરી અને પછી એ યુવતીને પાસ બતાવીને તેઓ સ્ટેજ પર પહોંચ્યા.
જન્મે બ્રિટિશ અને કર્મે મહાત્મા ગાંધીને તથા સ્વતંત્રતા આંદોલનને સમર્પિત એવાં મિસ સ્લેડ ઉર્ફે મીરાબહેનની આત્મકથા 'ધ સ્પિરીટ્સ પિલગ્રીમેજ'(1949)માં પોતે ગાંધીજીના પ્રભાવથી અંજાઈને સર્વસ્વ ત્યજીને જે પ્રમાણે અમદાવાદના હરિજન આશ્રમમાં આવીને વસેલાં તેની વાત કરે છે. તેમનાં આત્મલેખનનું કેન્દ્ર ગાંધીજીનું સ્નેહમયી વ્યક્તિત્વ છે. પરંતુ તેની સાથોસાથ એક અત્યંત કડક એવા નિયામકની છબિ પણ મીરાબહેનનું લેખન ઉપસાવે છે. લંડનથી આવેલ મિસ સ્લેડને ગાંધીજીએ મીરા નામ આપેલું. તેમને આશ્રમ પરિસર પર 8 X 8 ફૂટની નાનકડી ઓરડી આપેલી. જે આજે પણ સાબરમતી આશ્રમમાં મિસ સ્લેડના રહેવાસ તરીકે જોઈ શકાય તેમ છે. આ બ્રિટિશ મહિલાની ખાણી-પીણી, પહેરવેશ, રીત-રિવાજ સઘળું આશ્રમે બદલી નાખ્યું હતું. અધૂરામાં પૂરું ગાંધીજીએ આજ્ઞા કરી કે આ સોહામણી યુવતીએ વાળ ન રાખવા ! આ તે કેવો આદેશ ? ગાંધીજીનો તર્ક હતો કે આશ્રમવાસી પુરુષોમાં યુવતીઓ પ્રત્યે કામના જાગ્રત ન થાય તે માટે આશ્રમમાં વસતી યુવતીઓએ માથાં મુંડાવી નાખવાં ! મીરાબહેને બાપુની આજ્ઞાનું પાલન કર્યું. માથું મુંડાવીને ખાદીની સફેદ સાડીમાં આશ્રમની કોઈ સુવિધા વગરની નાનકડી ઓરડીમાં તેમણે વર્ષો ગાળ્યાં. અને ત્યાં રહીને બાપુની તેમ જ સ્વતંત્રતા આંદોલનની સહાય કરી.
આજે ‘વાચક વૃંદ’માં સહુ ગાંધી વિચારના ચિંતન નિમિત્તે ભેળાં મળ્યાં છો, ત્યારે ગાંધી વિચારનું જે ભાથું મને મળ્યું છે તેની પોટલી આપોઆપ ખૂલી ગઈ. નદીનું મૂળ જેમ તેના પિતા સમાન પર્વતરાજમાં હોય, તેમ મારો આ સંસ્કાર વારસો ખાસ કરીને મારા પિતા અને માતા પાસેથી મળ્યો. એની કહાની કઇંક આવી છે.