
પ્રભુદાસ ગાંધી
ગાંધીસાહિત્યનું ઘરેણું કહેવાય તેવું પ્રભુદાસ ગાંધી લિખિત પુસ્તક ‘જીવનનું પરોઢ’નું અંગ્રેજી હાલમાં પ્રકાશિત થયું છે. અંગ્રેજીમાં પુસ્તકનું નામ છે : ‘ધ ડૉન ઑફ લાઇફ : એમ. કે. ગાંધી ઇન સાઉથ આફ્રિકા’. પ્રભુદાસ, ગાંધીજીના ભત્રીજા થાય. તેમનો જન્મ પોરબંદરમાં થયો તે પછી તેમનું બાળપણ દક્ષિણ આફ્રિકામાં વીત્યું. વિશેષ તો ત્યાંના ગાંધીજીએ સ્થાપેલા ફિનિક્સ આશ્રમમાં. જીવનનું પ્રાથમિક ઘડતર ત્યાં જ થયું અને તે પછી તેઓ ગાંધીજી જ્યારે 1915માં હિંદુસ્તાન આવ્યા ત્યારે તેઓ પણ તેમની સાથે પાછા ફર્યા. ગાંધી અને અન્ય સાથે આઝાદીની અનેક લડતોમાં તેઓ જોડાયા; જેલવાસ ભોગવ્યો અને જીવનના ઉત્તરાર્ધમાં અલ્મોડા ખાતે ખાદી સંશોધન અને ગ્રામ પ્રવૃત્તિમાં જીવન સમર્પિત કર્યું. પ્રભુદાસ ગાંધીનો આ અત્યંત ટૂંકો પરિચય છે. તેમના દ્વારા લિખિત પુસ્તકોમાં ‘જીવનનું પરોઢ’ તો છે જ; સાથે તેમણે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદની આત્મકથાનો અનુવાદ પણ કર્યો છે. એ ઉપરાંત, ‘ગીતા કા સમાજધર્મ’ (હિંદીમાં); ‘ઓતાબાપાનો વડલો’, ‘આશ્રમ ભજનોનો સ્વાધ્યાય’ અને ‘બાપુના જુગતરામભાઈ’ પણ તેમના લેખનમાં સમાવિષ્ટ સાહિત્ય છે.
‘જીવનનું પરોઢ’ પુસ્તકની વાત તો આપણે કરીએ છીએ; પરંતુ સૌથી પહેલાં આ પુસ્તકનો સાડા સાત દાયકા બાદ અનુવાદ જેમનાં કારણે અંગ્રેજીમાં થઈ શક્યો તે હેમાંગ અશ્વિનકુમાર વિશે પણ ટૂંકમાં જાણી લેવું જોઈએ. હેમાંગ અશ્વિનકુમારની ઓળખ કવિ, અનુવાદક, સંપાદક અને ગુજરાતી-અંગ્રેજી ભાષામાં વિવેચક તરીકેની પણ છે. તેમની કવિતા અને અનુવાદ દેશ અને વિશ્વના પ્રતિષ્ઠિત સામયિક-અખબારમાં પ્રકાશિત થયા છે. એટલું જ નહીં, ગુજરાતીમાં ‘જીવનનું પરોઢ’ જેવી કેટલીક ઉત્તમ કૃતિઓ તેમના જ કારણે અંગ્રેજી ભાષામાં વાંચી શકાય છે. ગુલામ મોહમ્મદ શેખ, હિંમાંશી શેલત, બાબુ સુથાર, દલપત ચૌહાણ, કાનજી પટેલ, રાજેશ પંડ્યા, રાજેન્દ્ર પટેલ ઉપરાંત પણ અનેક મૂળ ગુજરાતી લેખકોનાં લખાણ તેમના દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત થયાં છે. હેમાંગ અશ્વિનકુમારે સર્જેલા સાહિત્યને વિસ્તારથી લખી શકાય એટલું છે.
હવે ‘જીવનનું પરોઢ’ વિશે. આ પુસ્તક પ્રથમ વાર 1948માં નવજીવન દ્વારા પ્રકાશિત થયું હતું. જો કે પુસ્તક પ્રકાશિત થયું તે અગાઉ 25 વર્ષ અગાઉ સાબરમતી આશ્રમ અંતર્ગત ચાલતી રાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીઓનું ‘મધપૂડો’ નામનું એક હસ્તલિખિત માસિક ચાલતું હતું – તેમાં સૌથી પહેલાં ‘જીવનનું પરોઢ’ના પ્રકરણ પ્રકાશિત થયા હતા. તે વખતે તેના વાચકોમાં મહદંશે સાબરમતી આશ્રમના નિવાસીઓ હતા; પરંતુ આ પ્રકરણો એટલાં રસાળ શૈલીમાં લખાયા કે તે પછી તેને પુસ્તક તરીકે પ્રકાશિત કરવાનો વિચાર સાકાર થયો. પ્રભુદાસ ગાંધીએ જ્યારે આ પ્રકરણો લખ્યાં ત્યારે તેમની ઉંમર 12 વર્ષની હતી. તેમણે આમાં દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમના અનુભવો અને આફ્રિકામાં સત્યાગ્રહ ચાલતાં ત્યારે તેની ચહલપહલ આશ્રમમાં કેવી હતી તે પણ આલેખ્યું છે. આ પ્રકરણો ‘મધપૂડો’માં લખાયા ત્યારે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ લખ્યો નહોતો, તેથી સાબરમતી આશ્રમના નિવાસીઓ અને દક્ષિણ આફ્રિકાથી ગાંધી સાથે પાછા ફરનારા ફિનિક્સવાસીઓને પણ પ્રભુદાસ ગાંધીનું આ લખાણ વાંચવું ખૂબ ગમ્યું.
આ પુસ્તકના લેખકની, તેના અનુવાદકની અને પુસ્તક કેવી રીતે પ્રથમ વાર પ્રકાશિત થયું તે પછી કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકને કેવી રીતે વધાવ્યું છે તે વિશે પણ જાણવું જોઈએ. કાકાસાહેબે પુસ્તકની પ્રસ્તાવનાને સરસ નામ આપ્યું છે : ‘સાધનાનું પરોઢ’. કાકાસાહેબ તેમાં સૌથી પહેલાં દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી અને તેમની સાથેના આશ્રમવાસીઓ 1915ના અરસામાં કેવી રીતે આવ્યાં અને બંગાળમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર સ્થાપિત શાંતિનિકેતનમાં કેવી રીતે રહ્યા તેનો ઉલ્લેખ કરે છે. ત્યાં તેમનો ભેટો પ્રભુદાસ સાથે થયો હતો. તે પછી તો ત્યાંથી કાકાસાહેબ મહારાષ્ટ્રમાં ગયા, અને તે પછી વડોદરા આવીને ગ્રામસેવાનું કામ ઊપાડ્યું. પરંતુ કાકાસાહેબનો અનુબંધ ફિનિક્સવાસીઓ સાથે શાંતિનિકેતનમાં એટલો ગાઢ થઈ ચૂક્યો હતો કે તેઓ ગાંધીજીએ અમદાવાદમાં સ્થાપેલા પ્રથમ આશ્રમ કોચરબમાં આવી ગયા અને એ રીતે તેમનો ગાંધી સાથેનો કાયમનો નાતો બંધાયો.
કાકાસાહેબે પ્રભુદાસ ગાંધીના વ્યક્તિત્વ વિશે પ્રસ્તાવનામાં ઘણી વાતો લખી છે. સાહિત્યની દૃષ્ટિએ આટલું ઉત્તમ પુસ્તક લખનારા પ્રભુદાસ ગાંધી વિશે કાકા લખે છે : ‘છેક નાનપણથી પ્રભુદાસને કહેવામાં આવ્યું હતું કે ‘એ ઠોઠ છે. જરા ય કશી હોશિયારી એનામાં નથી? દેવદાસ જેટલી હોશિયારી પ્રભુદાસમાં, ભલે ન હોય, નાના કચા (કૃષ્ણદાસ) [પ્રભુદાસના ભાઈ] જેટલી ચતુરાઈ પણ એનામાં ન હોય, પણ મેં તો એને બુદ્ધિ વગરનો જોયો કે માન્યો નથી. પણ ઘરના મુરબ્બીઓએ, ભલે અત્યંત સદ્બુદ્ધિથી પણ એનામાં જે आत्मनि अप्रत्यय ઠોકી બેસાડ્યો તે એના સ્વભાવનું એક અંગ જ બની ગયું અને વિદ્યાનિષ્ઠા, કર્મનિષ્ઠા, ધ્યેયનિષ્ઠા ઇ. સમર્થ સદ્દગુણો એની પાસે હોવા છતાં એક આત્મવિશ્વાસને અભાવે એની આખી કારકિર્દી જાણે કરમાઈ ગઈ.’
કાકા પ્રભુદાસને સામાન્ય સાહિત્યકાર માનતા નથી. છતાં પૂરા પુસ્તકમાં કાકા કહે છે તેમ ‘હું ઠોઠ છું, હું જડ છું, બીજા જેવો હોશિયાર નથી’ તેવું ધ્રુવપદ આપણે સાંભળ્યા કરીએ છીએ. પુસ્તકની વિશેષતા સંદર્ભે કાકા નોંધે છે કે, ‘ભૂગોળનાં વર્ણનો અને કુદરત સાથે ઘાસપાન, ફૂળફૂલ, પંખી અને વાદળાં સાથે તદાકાર થવાનો આનંદ જ્યારે પ્રભુદાસ વર્ણવે છે, ત્યારે તો એની કલમનું સામર્થ્ય સોળે કળાએ પ્રગટ થાય છે. સમોવડિયા અને મોટેરાઓ તરફથી જે પોષણ બાળ પ્રભુદાસને મળતું નહીં તે એણે કુદરત પાસેથી મેળવ્યું. તેથી જ આ વર્ણનશક્તિ એનામાં આટલી જીવતી થઈ છે. કુદરતના વર્ણનમાં પ્રભુદાસ જેટલો ફાવે છે, તેટલો જ મનોવિશ્લેષણમાં પણ ફાવે છે.’ પુસ્તકની આવી અનેક વિશેષતા કાકાએ પ્રસ્તાવનામાં આલેખી આપી છે.
આ પુસ્તકમાં લેખક તરીકેનું જે નિવેદન ‘પ્રસ્તાવ’ના મથાળેથી પ્રભુદાસે લખ્યું છે તેમાં તેઓ આ પુસ્તક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો તેની થોડી વિગત લખે છે. તે આમ છે : ‘‘મધપૂડો’ના અંકો વડે અમારું વિદ્યાર્થીમંડળ સારી પ્રતિષ્ઠા પામ્યું હતું. શિક્ષકોના લેખોને અભાવે એ પ્રતિષ્ઠા ભાંગી પડે એ મને અસહ્ય લાગ્યું. મધુકર રાજા [તંત્રી] તરીકેની જવાબદારી મારી; મારો ભાર બીજા વિદ્યાર્થીઓ પણ શા માટે ઉપાડે? मुखरस्तत्र हन्यते એ આપણા હિંદી સ્વભાવનો પ્રચીન વારસો મને પણ વળગ્યો. આખા અંકો એકલે હાથે રસભર્યા બનાવવાનું સંકટ મારે માથે આવી પડ્યું. ઉપદેશભર્યા લેખો લખવાની હિંમત તો મને મળે ક્યાંથી? તેમ જ ઇતિહાસ, વિજ્ઞાન, સાહિત્ય કે બીજા કોઈ શાસ્ત્રોનો મને એવો પરિચય ન હતો કે જેમાંથી મજાના લેખો નિપજાવી લઉં. વાચકોને રસ પાડવા માટે વાર્તાઓ અને કવિતાઓ જોઈએ એટલું હું જાણતો હતો, પણ ન છંદ બેસાડવાનું ફાવે કે ન વાર્તાની કોઈ સરસ વસ્તુ મગજમાં આવે. વિચારતાં વિચારતાં મને ફિનિક્સની વાતો લખવાનું સૂઝ્યું.’
‘જીવનનું પરોઢ’ ચાર ભાગમાં લખાયેલું છે. તેના ત્રણ ભાગમાં 21 પ્રકરણ છે અને આખરના ભાગમાં 20 પ્રકરણ છે. પુસ્તકના પરિશિષ્ટોમાં ગાંધીજીના પોરબંદરના ઘરનું આલેખન છે. સંભવત્ ગાંધીજીના પોરબંદરના ઘરનું આવું શબ્દચિત્ર ક્યાં ય મળતું નથી. પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે આફ્રિકાનો એ હિસ્સો જ્યાં ગાંધીજીનો ફિનિક્સ આશ્રમ હતો તે ધીરે ધીરે પ્રભુદાસ ગાંધીના શબ્દ થકી આપણી આંખ સમક્ષ ખડો થાય છે. ફિનિક્સની અસંખ્ય ઘટનાઓ એવી છે – જેની નોંધ આ પુસ્તકમાં જ મળે છે. ગાંધીજીએ પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને લોકોનું વર્ણન બખૂબી કર્યું છે, પરંતુ પ્રભુદાસ ગાંધીએ તે વર્ણન વધુ વિસ્તારથી અને રસપૂર્વક કર્યું છે. અહીં પ્રભુદાસ ગાંધીના થોડાંક શબ્દો ન મૂકીએ તો આ લેખની અધૂરપ છતિ થશે. ‘કુદરતના ખોળે’ પ્રકરણમાં પ્રભુદાસ લખે છે : ‘કુદરત અને માતાનો એ સ્વભાવ જ છે કે તમે ભલે એની કિંમત ન સમજતા હો પણ એ તો તમને પોતાના અમીરસથી નવડાવ્યે જ રાખે. ફીનિક્સમાં જ્યારે અમે એકલા પડ્યા. અમારાં માબાપ ને બાપુજી જેલ ગયાં અને મગનકાકા છાપખાનામાં ગોંધાઈ ગયા ત્યારે એ સૂના જંગલમાં કુદરત સાથેની અમારી દોસ્તી વધી ગઈ. કોઈ કોઈ વાર તો એ અમને ખૂબ રમાડતી. અનેરાં પંખીઓના ટહુકા ભેગો સાદ પુરવવામાં ને તેમની સાથે એકલાં એકલાં ગપ્પાં મારવામાં મને એટલી બધી મજા આવતી કે કલાકોના કલાકો સુધી હું પંખીગીત સાંભળતો અને કોઈક વાર એમાં ઝીણો સાદ પુરાવતો બેસી રહેતો.’
છસ્સોથી વધુ પાનાંનું આ પુસ્તક ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે અને હવે તે અંગ્રેજીમાં પ્રકાશિત થવા જઈ રહ્યું છે. અંગ્રેજી વાચકો તો આ પુસ્તકને પ્રથમ વાર વાંચી શકશે, પણ ગુજરાતી વાચકો આ ટાણે ફરી જો પુસ્તકને હાથમાં લેશે તો પણ તેમને દક્ષિણ આફ્રિકાની ગાંધીજીનું જીવન સુપેરે મળી રહેશે, સાથે સાથે દક્ષિણ આફ્રિકાનો તે સમયનો માહોલ પણ તેમાં તાદૃશ્ય દેખાશે. અંગ્રેજીમાં આ પુસ્તક પેન્ગિન પ્રકાશન દ્વારા પ્રકાશિત થયું છે.
e.mail : kirankapure@gmail.com
![]()



સરદાર-નેહરુને આમનેસામને મૂકવાનો વાયરો એટલો ચાલ્યો છે કે આ બંનેની જોડીએ લાંબા સમય સુધી ખભેખભા મિલાવીને કરેલાં કાર્યોને અવગણી દેવાય છે. આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન અને નાયબ વડા પ્રધાન રહેનારા આ બંને આગેવાનો વચ્ચે મતભેદ હતા; પરંતુ તેમના માટે સર્વોપરીતા દેશની હતી. સરદાર-નેહરુના સંબંધો વિશે લખાયેલા ઇતિહાસમાં થોડા ઊંડા જઈએ તો તેમની વહીવટી જુગલબંદીના અજોડ દાખલા મળે છે. એકસાથે આ પ્રકારના દાખલા જોવા હોય તો તેમના વચ્ચેનો પત્રવ્યવહાર સહજ-સરળ માર્ગ છે. સરદાર-નેહરુના સંબંધોમાં સૌથી કટોકટીનો સમય દેશની આઝાદી કાળનો હતો; જેમાં દેશનું વિભાજન થયું, ઠેરઠેર રમખાણો થયાં, દેશ-નિર્માણની જવાબદારી આવી અને તે દરમિયાન ગાંધીજીની હત્યાથી વાત ઓર વણસી હતી. આ બંને આગેવાનોનો રાજકીય કાળ સાથે-સાથે આરંભાયો અને ચાલ્યો. એક પાક્કા કર્મવીર બન્યા અને બીજા સ્વપ્નદૃષ્ટા. બંને અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા હતા. બંનેની વિચારવાની ઢબ જુદી હતી. વિવિધ મુદ્દા વિશે તેમનો દૃષ્ટિકોણ વેગળો હતો. આ કારણે તેમના ભેદ વિશે ખૂબ ચર્ચાઓ તે વખતે પણ થઈ અને આજે પણ તે દોર અટક્યો નથી.