‘યે દોષ હૈ ઓર કિસીકા’
છેલ્લાં ચાલીશેક વર્ષથી “સદાકાળ ગુજરાત”માં રહીને ગુજરાત, તેની પ્રજા, સંસ્કૃતિ, તથા ભાષા બાબત નિરીક્ષણ કરવાની તથા તેના પ્રશ્નોને હલ કરવાના પ્રયત્નોમાં ભાગ લેવાની તક મળી છે, તેના પરિણામે આ પત્ર લખું છું. એકાંતરે વર્ષે ભારતની મુલાકાત લેવાથી, તથા અમેરિકા આવતા મહાનુભાવોના પરિચયથી તેમાં થોડો ઉમેરો થયો છે.
પ્રથમ, સારા સમાચાર. ગુજરાતની સંસ્કૃતિને આપણી આવતી પેઢીએ સરસ રીતે પચાવી છે, અને તેના હાથમાં તે સલામત હોવાની ખાત્રી છે. પૈસા વિનાના માણસની કિંમત નથી, તે તો તેમને ગળથૂથીમાંથી જ સમજાઇ ગયું છે. દરિયો ખેડવો, સારી રીતે ભણવું, સારી ડિગ્રી (અને કોઈની સારી દીકરી) મેળવવી, ભેળપૂરી ખાવાં, દાંડિયા કૂટવા, એ સર્વ કળાઓ, તથા “રણમાં જે જીતે તે શૂર” જેવા મૂળભૂત સિધ્ધાંતો તેમણે આત્મસાત્ કર્યા છે, તેથી માતૃભાષાના ભૂરને તે નજીક પણ આવવા નથી દેતાં.
પુસ્તકો ખરીદવાં એ આપણી સંસ્કૃતિની વિરુદ્ધ છે, તે વાતની તેમને ખબર છે. બીજાની ભાષા શીખવાનું ભયાવહ છે, અને આપણી ભાષામાં તો વળી શીખવાનું જ શું હોય? તેમાં ય, એક વખત લગ્ન થઇ ગયા પછી? ચોપડી એક વાર વંચાઇ જાય પછી તેનું શું કરવાનું, તે ગહન પ્રશ્નના જવાબના અભાવે, ચોપડી વાંચવી જ નહીં એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ પણ તે ધરાવે છે.
હવે બીજા બધા સમાચાર. ભારતનો ભૂતકાળ અને તેનો ભવિષ્યકાળ તો ભવ્ય છે જ. વર્તમાનમાં તેની ભ્રમણાઓ, તથા ભાષાઓની થઇ રહેલી બેશરમ અને બેફામ વિડંબના પણ અજોડ છે. ભારતના બંધારણમાં સ્વીકારાયેલી ભાષાઓમાંથી, માત્ર અંગ્રેજીનો જ ચડતો સિતારો છે. બહુ વખણાયેલા હિંદી ચલચિત્ર “બ્લેક”નું નામ જ નહીં, તેના મોટા ભાગના સંવાદો પણ અંગ્રેજીમાં જ છે. તેને અંગ્રેજી નહીં, પણ હિંદી સબટાઇટલોની જરુર છે. અમિતાભ બચ્ચન રાની મુકરજીને “પાની” (પાણી)ને બદલે water લખતાં શીખવાડે છે.
બાવાનાં બે ય બગડે, તેની સાબિતી રૂપે હિંદી સીરીયલોનાં નામમાં કોઈક ગૂઢ નિયમાનુસાર છેવટનો અક્ષર બેવડાવવામાં આવે છે, જેમ કે Dulhann, Naginn, etc. The Maximum City નવલકથાના લેખક શ્રી. સુકેતુ મહેતા, ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં એક લેખમાં જણાવે છે કે હિંદી ચલચિત્રોની પટકથાઓ પહેલાં અંગ્રેજીમાં લખવામાં આવે છે, અને પછીથી તેનું હિંદીમાં ભાષાંતર કરાય છે.
ગઈ સાલ ન્યૂ યૉર્કમાં ભારતીય વિદ્યા ભવનના ઉપક્રમે યોજાયેલ એક પરિસંવાદમાં ભારતથી આવેલા, દસ-બાર ભાષાઓના ૨૦-૨૫ સાહિત્યકારો એક જ મંચ ઉપર એકઠા થયા હતા. મહેનત, અયોજન, વગેરે પ્રશંસનીય હતાં. સૌ પોતપોતાની ભાષાના સાહિત્યની કૃતિઓ તે તે ભાષામાં રજૂ કરી ગયા, અમારે જૈનોમાં કેટલાક શ્રાવકો મરેલા વાંદાને નવકાર સંભળાવે છે તેમ. એક ક્રૌંચવધથી દ્રવી ઉઠેલા કવિના એ વંશજોના પેટનું water પણ, ચૌદ ચૌદ ભાષાઓનો ખરખરો થઇ જવા બેઠો છે તેનાથી પણ ના હાલી ઉઠ્યું.
આમાં ગુજરાતનો તો ક્યાં વાંક કાઢવો? ટેલિવિઝન, હોલીવુડમાંથી આવતી સિરીયલો અને ચલચિત્રો, અમેરિકન અને યુરોપિયન ફૅશનનો પ્રપાત, અંગ્રેજી માધ્યમની શાળાઓનું એકચક્રી રાજ્ય, પીઝા હટ અને મૅક્ડોનાલ્ડની વ્યાપકતા, કોકાકોલાની નાગચૂડ, એ સૌનો વાંક કાઢવાનું વધારે સહેલું પડે – જો આપણી વિચારશક્તિને કોરે મૂકી દઇએ તો. અમેરિકા અને યુરોપમાં તો આબધું પહેલેથી જ છે. છતાં પણ અહીં સ્પૅનિશ, હિબ્રુ, ફ્રૅંચ, રશિયન, જર્મન, ગ્રીક, એ બધી ભાષાઓ ભૂગર્ભમાં નથી જતી રહી. અરે, રાણીનું અંગ્રેજી પણ યથાવત જ વપરાય છે.
આપણા પોતાના જ, પ્રમાણમાં ઓછું ભણેલા, પણ સાહસિક ગુજરાતી વેપારીઓ આફ્રિકામાં વસ્યા અને સફળ થયા, છતાં ય આપણી ભાષા અને સંસ્કૃતિ તેમણે ત્યાં સલામત રાખી. પછીથી તેઓ ઇંગ્લૅન્ડમાં આવ્યા, તો ત્યાં પણ તેમણે તે જાળવણી ચાલુ રાખી. ઇંગ્લૅન્ડમાં ગુજરાતી શીખવાય છે, અને તેની પરીક્ષાઓ પણ લેવાતી હતી. અમેરિકામાં વધારે ભણેલો વર્ગ આવ્યો, અને પ્રમાણમાં જલ્દીથી અને સારી એવી સફળતાને વર્યો. કેટલીક પાઠશાળાઓને બાદ કરીએ તો કોઈ એક નિશ્ચિત અભ્યાસક્રમ અનુસાર, વ્યવસ્થિત રીતે ગુજરાતી શીખવવામાં આવતું નથી. થોડી ધાર્મિક સંસ્થાઓ આ કામ કરવા મથે છે, પણ નિષ્ઠા અને ઉત્સાહ, આવડતની ખોટ પૂરવા માટે અસમર્થ જ રહે છે. સફળ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અપાય છે, પરંતુ ખરેખર કેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી શીખ્યા તેની કોઈ મોજણી થઇ નથી.
ઇંગ્લૅન્ડમાં તૈયાર થયેલ તે ઉપરાંત અમેરિકામાંથી પણ, આ લેખના અને અન્ય લેખકો દ્વારા લખાયેલાં બે-ત્રણ ગુજરાતી શીખવા-શિખવવા માટેનાં પુસ્તકો ઉપલબ્ધ છે, અને તેમનું વેચાણ સારું એવું થયું છે. તેમ છતાં પણ, ગુજરાતીમાં અછડતી પારંગતતા પણ મેળવી હોય તેવા વિદ્યાર્થીઓ ભાગ્યે જ જોવા મળે છે. વર્ગોમાં અપાતું ગુજરાતીનું શીક્ષણ નિરસ અને વૈવિધ્યહીન હોવાની ફરિયાદ કે બહાનું સામાન્ય રીતે સાંભળવા મળે છે. સાધનસંપન્ન માબાપ, તેજસ્વી વિદ્યાર્થીઓ, અને માતૃભાષાના કક્કા જેવો સરળ વિષય, એનાથી વધારે સારા સંયોગો કયા હોઇ શકે? તે છતાં પણ આટલું, દેખીતી રીતે આસાન કામ પણ થઇ નથી શકતું. તો શું ભણેલાં માબાપ હોવાં તે એક શાપ છે?
અમેરિકામાં અનેકાનેક ગુજરાતી સામાજિક, ધાર્મિક, સાહિત્યિક સંસ્થાઓ, અને કૉલેજોનાં વિદ્યાર્થી મંડળો છે, પણ ગુજરાતી શીખવવાના એકમાત્ર હેતુસર સ્થપાયેલી કોઈ સંસ્થા નથી. સામાન્ય રીતે તો રવિવારની સવારની બેઠકમાં ભાષા, ધર્મ, નૃત્ય, સંગીત, બધું સાથે જ શીખવાડાય છે. બાકીના સમયમાં જમણવાર, અનંદમેળા, ક્રિયાકાંડ, સન્માન સમારંભો, ઇત્યાદિ ચાલે છે. અસંખ્ય ગુજરાતીઓ ઉભાં ચઢાણે તનતોડ મહેનત કરી રહ્યા છે, તે અલબત્ત ધન્યવાદને પાત્ર જ છે.
ઢગલાબંધ ગુજરાતી વર્તમાનપત્રો, સામયિકો, કે ટેલિવિઝનની ચૅનલોમાંથી કોઈએ પણ ગંભીર રીતે શીક્ષણને પ્રાધાન્ય આપવાનું ગનીમત નથી માન્યું. કારણ સ્પષ્ટ જ છે, તેમાં પૈસા બનાવવાની તક નથી. ઢીંગલા-ઢીંગલી પરણાવવામાં ઝાકઝમાળ છે, જાહેરાતો છે, અને પૈસા છે. “શું શાં” ના તો હવે ચાર પૈસા પણ કોઈ આપવા તૈયાર નથી. વળી આપણા ભવિષ્ય કરતાં સાપ્તાહિક ભવિષ્ય વધારે આશાજનક છે. સાત દિવસમાં બધાં દુ:ખો દૂર કરી આપનારા પંડિતો, સાધુઓ, બાવાઓ, યોગીઓ, કોઈ ભાષાશીક્ષણના પ્રશ્નને અડવા તૈયાર નથી, તે તેમની અપાર કૃપા છે.
અહીંની ગુજરાતી સાહિત્ય એકેડેમી (Gujarati Literary Academy of North America), કે જેનું સુકાન સંભાળવાની તક મને પણ મળી હતી, તેણે પણ આ દિશામાં અગ્રેસર થવાનું યોગ્ય નથી માન્યું, એટલું જ નહીં, તેના કાર્યક્રમોમાં, વક્તાઓ અને બાળકો બંનેની દયા ખાઇને, બાળકોને લાવવાની પણ મનાઇ કરીને બેવડું પૂણ્ય ઉપાર્જન કર્યું છે. જ્યારે જ્યારે બાળકોને માટે ખાસં શ્રી. “દર્શક” તથા અન્ય મહાનુભાવોનાં અંગ્રેજીમાં પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પણ બાળકો તેમની સદંતર ગેરહાજરીથી ઝળકી ઉઠ્યાં છે. વિદ્યાવ્યાસંગના સદંતર અભાવની આપણી પ્રણાલિકા આત્મસાત્ થયેલી જોઈને અમારી આંખે ઝળઝળિયાં આવી ગયાં છે.
“અમર પ્રેમ” ચિત્રનું ગીત છે:
માના તૂફાં કે આગે, નહીં ચલતા જોર કિસી કા
મોજોં કા દોષ નહીં હૈ, યે દોષ હૈ ઓર કિસી કા.
આમ તો “ઓર કિસી કા” એ “અપના ખુદ કા”નો વિરોધી પ્રયોગ છે, પરંતુ અહીં તે સમાનાર્થમાં છે. બીજાની તરફ ચીંધેલી એક આંગળી કરતાં, આપણા પોતાના તરફ દર્શાવતી બીજી ત્રણ આંગળીઓ તરફ ધ્યાન આપીએ તો આપણે “જા બિલ્લી, કુત્તેકો માર” જેવા ઊંટવૈદામાંથી ઊગરી જઈશું. પહેલાં કેટલાંક મિથ્યા મંતવ્યો (Myths)ને દૂર કરીએ:
ગુજરાતી શીખવાની જરૂર જ હવે શી છે?
તેમાં “જરૂર”ની અવશ્યકતા જ નથી. ગુજરાતી આપણી માતૃભાષા છે, અને ભાષા વિના સંસ્કાર, ધર્મ, કે બીજો કોઈ વારસો આપવાનું શક્ય જ નથી. માતૃભાષા શીખવી એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે.
બાળકના માથે કેટલી ભાષાઓ લાદવી?
લાદવાની જરૂર નથી. તેનો એ શીખવાનો અધિકાર છે, અને એ શીખવવાની આપણી ફરજ છે, તેથી ઊલટું નહીં. બાળકો ત્રણ કે ચાર ભાષાઓ આસાનીથી સંભાળી શકે છે, જો તે સ્વાભાવિક રીતે શીખવાય તો.
ગુજરાતી ભાષા તો અંગ્રેજીના પ્રમાણમાં કેટલી બધી અઘરી છે?
જેટલી આસાનીથી અંગ્રેજી બાળક અંગ્રેજી, અને ચીનનું બાળક ચીનની ભાષા શીખી શકે છે, તેટલી જ આસાનીથી ગુજરાતી બાળક ગુજરાતી શીખી શકે છે. પ્રત્યેક ભાષાને અલબત્ત પોતપોતાની આગવી વિલક્ષણતાઓ અને વિચિત્રતાઓ હોય છે. અંગ્રેજી ભાષાની જોડણી અત્યંત અનિયમિત છે, અને તેના ઉચ્ચારો તો જરા પણ સરળ નથી.
ગુજરાતી શીખવવાનું તો અમને પણ અઘરું પડે છે!
ઉત્તર ભારતની બધી જ ભાષાઓની એ દશા છે (દક્ષિણની મને ખબર નથી), કારણ કે આપણે જ એ ભાષાઓ ભૂલતાં જઈએ છીએ. વપરાશનો અભાવ તેનું મુખ્ય કારણ છે. અને, માફ કરજો, પણ સંસ્કૃત ભાષાનું આપણું અજ્ઞાન એ બીજું કારણ છે. સંસ્કૃત આવડતું ન હોવાથી શબ્દ અને અર્થ વચ્ચેનો સંબંધ તૂટી જાય છે, અને નિરર્થક શબ્દોનો ભાર લાગવા માંડે છે. થોડા ઘણા પણ બંધ બેસતા અંગ્રેજી શબ્દો વાપરવા માંડવાનું સહેલું લાગવા માંડે છે. પછી તો અંગ્રેજી વધુ ને વધુ સહેલું, અને સંસ્કૃત તથા અન્ય ભાષાઓ વધુ ને વધુ દૂષ્કર લાગવા માંડે છે. બીજી બાજુ, સંસ્કૃતથી ભારો ભાર લદાયેલી ભાષાથી પણ શબ્દ અને અર્થનો વિચ્છેદ થાય છે.
બાળકોને ગુજરાતી શીખવા માટે નથી રસ, કે નથી સમય.
આ અતિ પ્રચલિત સમસ્યા છે. એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણાં “બાળકો” હવે ૨૦-૨૫ વર્ષથી પણ વધારે મોટી ઉંમરનાં થયાં છે. કોઈ કોઈ તો પરણી પણ ગયાં છે. ગીતામાં કહ્યું છે તે થોડા ફેરફાર સાથે કહીએ તો समस्त कर्ममखिलं लग्ने परिसमाप्यते (છોકરાં પરણી જાય એટલે ગંગા નાહ્યા). કેટલાંક તો સારી પદવી ધરાવે છે, અને પોતાની માલિકીના આવાસોમાં રહે છે. તેથી બંને પક્ષે રસની ઓટ આવે તે સ્વાભાવિક છે. આપણાં બાળકો કૉમ્પ્યૂટર સાથે તેની ભાષાઓ, જેમ કે Pascal, Cobol, C++, ઇત્યાદિમાં વાત કરે છે, પણ તેમની મા સાથે અંગ્રેજીમાં વાત કરે છે, જો માને તે આવડતું હોય તો. નહીં તો પછી “નવ ગુણ”ની આરાધના શરૂ થાય છે. દાદાજી અને દાદીમાની દૂર્દશાની તો વાત જ ન કરશો. તેમને તો ધૂંધળી આંખોથી છતી સંતતિએ નખ્ખોદ જતું જોવાનો વારો આવ્યો છે.
બાળકોની વય, બુદ્ધિ, અને તેમના ઉછેરનું વાતાવરણ ધ્યાનમાં લઇને, તેમને શરમમાં નાખ્યા વિના ગુજરાતી શીખવવું જોઈએ. આપણે જે રીતે ભણેલાં, તે “કમળનો ક” ઘૂંટાવવાને બદલે તેમને “કારનો ક” શીખવીએ, મોટરકારનું ચિત્ર દોર્યા વગર! તદુપરાંત, માંડ એ બે શબ્દ ગુજરાતીના શીખે કે તરત આપણે તેને મહેમાનો આગળ પ્રદર્શનમાં મૂકીએ, તેની મજાક કરીએ, નિષ્ઠૂરતાપૂર્વક તેની “ભૂલો” સુધારીએ, કે તેને અગણિત પૂજાઓ કે કથાઓમાં ઘસડી જઈએ, તો તેનો રસ ઉડી જાય છે, અને તે જાતજાતનાં બહાનાં કાઢવા લાગે છે.
પણ તમને નથી લાગતું કે આ બાળકોની “માતૃભાષા” અંગ્રેજી જ છે?
આ કડવો ઘૂંટડો ગળવો આકરો, પણ સાથે જ અત્યંત આવશ્યક છે. કમ સે કમ તેમની “અવેજીની માતૃભાષા” (surrogate mother tongue) તો અંગ્રેજી છે જ. તેની માતૃભાષા એ આપણી પણ વ્યવહારની ભાષા છે. તેથી આપણે અંગ્રેજી સારી રીતે શીખવું જોઈએ, જરૂર પડે તો બાળકની મદદથી.આપણે ગુજરાતી ભૂલતા જઈએ છીએ, પણ આપણું અંગ્રેજી કંગાળ જ રહ્યું છે. અંગ્રેજી અખબાર વાંચીએ, કે અંગ્રેજીમાં ઇ-મેઇલ લખીએ, એટલું જ પર્યાપ્ત નથી. અંગ્રેજીમાં વિપૂલ સાહિત્ય છે. તેવું જ ફ્રૅંચ, જર્મન, ગ્રીક, અને લૅટીનનું પણ છે. ભારતથી આવેલાં આપણાં માબાપ, ભાઇ-બહેનો, તથા આપણી મૉટેલ વગેરેમાં કામ કરતા માણસોને પણ અંગ્રેજી શીખવીએ. તો જ આપણે આપણાં બાળકોને અર્ધા રસ્તે મળી શકીશું.
હવે આપણે ભાષાના પ્રશ્નના મૂળમાં પાછા આવીએ. નાતજાત, વર્ણ, અને ધર્મના આંતરિક વિખવાદોના અંતે ભારતમાં અંગ્રેજી રાજ્ય આવ્યું. ભાષાના આધારે રાજ્યોની રચના કરવાના ખતરનાક અખતરા પછી આખા ભારત ઉપર અંગ્રેજીનું સામ્રાજ્ય છવાઇ ગયું. ભારતીય નાગરિકમાંથી વટલાઇને હું અમેરિકન નાગરિક થયો, તેથી મને एकोऽहं बहु स्याम् (હું એક છું, તેમાંથી અનેક થાઉં) એ સૂત્ર કરતાં, E pluribus unum (આપણે અનેકમાંથી એક થઇએ) એ સૂત્ર વધારે ગમે છે.
અહીં અમેરિકામાં અમે જોઈએ છીએ કે કોઈ કોઈ વાર બગીચામાં ઘરની એકદમ નજીક ઉગેલ વૃક્ષ મોટું થતાં તેનાં મૂળિયાં ભીંતમાં તિરાડો પાડીને ઘરના પાયામાં અને ભોંયરામાં પ્રવેશે છે. તે ઝાડ કપાવી નાખીએ તે પછી પણ તેનાં મૂળિયાં તો ઘરમાં ફેલાતાં જ રહે છે. ઝાડ કાપી નાખવાથી તેની જડ ન નીકળી જાય. ગુલામીનું પણ કંઇક એવું જ છે. ગાંધીજી અને બીજા નેતાઓએ આપણી ગુલામી બહારથી દૂર કરી, પણ તેનાં મૂળિયાં આઝાદી પછી પણ આપણા લોકમાનસમાં ઊંડાં ને ઊંડાં ઊતરતાં જ રહ્યાં છે. આપણે ગુલામીમાંથી બહાર નીકળ્યા, પણ ગુલામી આપણા મનમાં ઘર કરી ગઈ છે, અને તે આપણા પાયા હચમચાવે છે. ગાંધીજીએ “પાયાની કેળવણી”નો આગ્રહ કદાચ એટલા માટે જ રાખ્યો હશે.
આપણે આપણો દેશ, આપણી ભાષા, આપણી સંસ્કૃતિનું ગૌરવ, અમેરિકનો કે યુરોપિયનોના બદલે, આપણા પોતાના મનમાં ઠસાવીએ, સંસ્કૃત અને અંગ્રેજી શીખીએ, અને શિયાળને ત્યાં ઊછરેલા સિંહબાળની જેમ એક વાર કેશવાળી ખંખેરી, મસ્તક ઊંચું કરી, એક ત્રાડ પાડીને વિશ્વમાં માનભેર સ્થાન લઇએ, અથવા તો પછી માત્ર પેટિયું રળીને “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાન” (ગુજરાત નહીં) કરીને સંતોષ માનીએ.
(સદ્દભાવ : “ઓપિનિયન”, ૨૬ એપ્રિલ ૨૦૦૯)