
રમેશ સવાણી
Utah-ઉટાહ એ યુનાઇટેડ સ્ટેટ્સમાં પશ્ચિમમાં આવેલું રાજ્ય છે. જે એરિઝોના, કોલોરાડો અને ન્યૂ મેક્સિકો સાથે સરહદ વહેંચે છે. તે ઉત્તરપૂર્વમાં વ્યોમિંગ, ઉત્તરમાં ઇડાહો અને પશ્ચિમમાં નેવાડા સાથે પણ સરહદ ધરાવે છે. ઉટાહની વસ્તી માત્ર 35 લાખની છે, ક્ષેત્રફળની દૃષ્ટિએ 13મું રાજ્ય છે. ‘સોલ્ટ લેક સિટી’ ઉટાહ રાજ્યની રાજધાની છે. જેમ ગુજરાતની રાજધાની ગાંધીનગર છે.
ઉટાહમાં હજારો વર્ષોથી વિવિધ સ્વદેશી જૂથો વસે છે, જેમ કે પ્રાચીન Puebloans – પુએબ્લોઅન્સ, Navajo – નાવાજો અને Ute – ઉટે. 16મી સદીના મધ્યમાં અહીં સૌ પ્રથમ આવનારા સ્પેનિશ હતા. પ્રારંભિક યુરોપિયન વસાહતીઓ યુનાઇટેડ સ્ટેટ્સના હતા; આમાં એવા Mormons – મોર્મોન્સ હતા જેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા અને સતાવણીના કારણે ભાગી રહ્યા હતા. 1848માં, મેક્સિકન-અમેરિકન યુદ્ધ પછી, આ પ્રદેશને US સાથે જોડવામાં આવ્યો. મોર્મોન સમુદાય અને સંઘીય સરકાર વચ્ચેના વિવાદોના કારણે ઉટાહ રાજ્ય તરીકે પાછળથી જોડાયું. 1896માં, બહુપત્નીત્વને ગેરકાયદેસર ઠેરવવા સંમત થયા પછી, ઉટાહને 45મા રાજ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. ઉટાહના લોકો Utahns – ઉટાહન્સ તરીકે ઓળખાય છે. બધા ઉટાહન્સમાંથી અડધાથી વધુ લોકો મોર્મોન્સ છે, જેમાંથી મોટા ભાગના ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ(LDS ચર્ચ)ના સભ્યો છે, LDS ચર્ચ ઉટાહની સંસ્કૃતિ, રાજકારણ અને રોજિંદા જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. જો કે, 1990ના દાયકાથી, ઉટાહ ધાર્મિક રીતે વૈવિધ્યસભર અને વધુ બિનસાંપ્રદાયિક બન્યું છે.
22 જુલાઈ 2025ના રોજ સોલ્ટ લેક સિટીમાં ફર્યા. પ્રથમ અમે ઉટાહની ‘વિધાનસભા’ જોઈ. વિધાનસભા ચાલુ ન હતી. કોઈપણ જાતની સુરક્ષાની ચકાસણી વિના અમે પ્રવેશી શક્યા. ધારાસભ્યો જ્યાં બેસે છે તે હોલ જોઈ શક્યા. આખું સંકુલ આરામથી જોયું. ફોટો-વીડિયોમાં ક્ષણોને કેદ કરી. આ સુંદર ઇમારતમાં ઉટાહ રાજ્ય વિધાનસભા હોલ / ચેમ્બર / કાર્યાલયો, ગવર્નર, લેફ્ટનન્ટ ગવર્નર, એટર્ની જનરલ, રાજ્ય ઓડિટર અને તેમના કર્મચારીઓની કચેરીઓ આવેલી છે. આ ઈમારતનો પાયો 26 ડિસેમ્બર 1912ના રોજ નંખાયો હતો અને 9 ઓક્ટોબર 1916ના રોજ તેનું ઉદ્દઘાટન થયું હતું. 109 વરસ જૂની ઈમારત હજુ ગઈ કાલે જ બની હોય તેમ લાગતું હતું ! જો કે 2004–2008 દરમિયાન Renovation થયું હતું. આ ઈમારત 404 ફૂટ લાંબી, 240 ફૂટ પહોળી અને 285 ફૂટ ઊંચી છે. એક ભોંયરાં સાથે પાંચ માળ છે. ઈમારતની બહાર 32 ફૂટ ઊંચા અને 3.5 ફૂટ વ્યાસવાળા 52 Corinthian columns કોરીન્થિયન સ્તંભો છે. જે ઈમારતના દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ બાજુઓને આકર્ષક બનાવે છે. ઈમારતને ઉટાહના ઇતિહાસ અને વારસાને દર્શાવતા ઘણા ચિત્રો / શિલ્પોથી શણગારેલી છે, જેમાં પ્રથમ પ્રાદેશિક ગવર્નર બ્રિઘમ યંગ અને ઉટાહના વતની અને ઇલેક્ટ્રોનિક ટેલિવિઝનના વિકાસકર્તા ફિલો ટી. ફાર્ન્સવર્થની પ્રતિમાઓનો સમાવેશ થાય છે. 1916માં, ઇલેક્ટ્રિક ટ્રાફિક લાઇટના શોધક Lester Wire – લેસ્ટર વાયર જે સોલ્ટ લેક સિટીના પોલીસ અધિકારી હતા, તેમને અહીં યાદ કરેલ છે.
પ્રથમ માળમાં વચ્ચે 11 ફૂટ ઊંચી ચાર કાંસ્ય પ્રતિમાઓ છે જે સામૂહિક રીતે ‘ધ ગ્રેટ ઉટાહ’ તરીકે ઓળખાય છે. જે વિજ્ઞાન અને ટેકનોલોજી, જમીન અને સમુદાય, ઇમિગ્રેશન અને વસાહત, તેમ જ કળા અને શિક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. આ ચારે ય શિલ્પો એટલે ઉટાહની સંસ્કૃતિ / મૂળભૂત મૂલ્યો અને આદર્શોના પ્રતીક છે. ઉટાહના શોધક અને વૈજ્ઞાનિક Philo T. Farnsworth – ફિલો ટી. ફાર્ન્સવર્થનું શિલ્પ છે, જેમણે પ્રથમ કેમેરા ટ્યુબ ઇમેજ ડિસેક્ટર અને ઓલ-ઇલેક્ટ્રિક ટેલિવિઝન વિકસાવ્યું હતું, 1915માં, ગુંબજની છત પરથી રોટુન્ડા ઝુમ્મર લટકાવવામાં આવ્યું હતું. આ ઝુમ્મરનું વજન 1,400 કિલોગ્રામ છે, તેને ટેકો આપતી સાંકળનું વજન 450 કિલોગ્રામ છે. ગવર્નરના કાર્યાલયમાં ‘ટોર્નેડો ડેસ્ક’ અને ‘બુકકેસ’ છે; જે 1999માં સોલ્ટ લેક સિટીમાં વાવાઝોડાએ તબાહી મચાવી ત્યારે કેપિટોલ ગ્રાઉન્ડ પર પડી ગયેલાં વૃક્ષોમાંથી બનાવવામાં આવેલ. જે ઉટાહની ભાવના અને નિશ્ચયનું પ્રતીક છે, તે યાદ અપાવે છે કે something good can come from a disaster – આપત્તિમાંથી કંઈક સારું થઈ શકે છે !
આ ઈમારતની ખાસિયત એ છે કે મોટાભાગનો ચોથો માળ નીચેના માળ માટે ખુલ્લો છે, જેનાથી મુલાકાતીઓ ત્રીજા કે બીજા માળે અનેક સ્થળોએ નીચે જોઈ શકે છે. ઈમારતની ડિઝાઇન પ્રાચીન ગ્રીક અને રોમન મૂળ પર આધારિત છે, જે સ્થાપત્યની રીતે અમેરિકન લોકશાહીનું પ્રતીક બની ગઈ છે. રોટુન્ડા કેન્દ્રમાંથી દેખાતા ત્રણેય ચેમ્બર અને સરકારની પારદર્શિતાને સૂચવતી સ્કાયલાઇટ્સ છે. ઇમારતમાં Laurel wreaths – લોરેલ માળા વિજય, જોમ અને સફળતાનું પ્રતીક છે. Lions – સિંહો ગૌરવ, શક્તિ, સત્તા અને રક્ષણનું પ્રતીક છે. Beehive – મધમાખી – ઉટાહનું રાજ્ય પ્રતીક છે, ઉદ્યોગ અને એકતાનું પ્રતીક છે. ઈમારત અંદર વિશાળ ભીંતચિત્રો અને શિલ્પો, ઈમારત બહાર મૂકેલા શિલ્પો ઉટાહના ઇતિહાસ અને લોકજીવનને પ્રસ્તુત કરે છે. ઉટાહના ભૂતકાળ અને વર્તમાનને જીવંત બનાવે છે. લિબર્ટી બેલની 55 પ્રતિકૃતિઓમાંથી એક અહીં છે. Cyclorama – સાયક્લોરામા (ગોળ ભાગ), 19મી સદીના ઉટાહ જીવનના દૃશ્યો દર્શાવે છે, જેમ કે ‘Gulls Save the Wheat Fields – ગુલ્સ સેવ ધ વ્હીટ ફિલ્ડ્સ’ અને ‘Driving the Golden Spike – ડ્રાઇવિંગ ધ ગોલ્ડન સ્પાઇક’. ચાર મોટા થાંભલાઓ પરના pendentives – પેન્ડેન્ટિવમાં આ પ્રદેશના પ્રારંભિક સંશોધનોને દર્શાવતા ભીંતચિત્રો છે. ઈમારતના આંગણામાં મોર્મોન બટાલિયન સ્મારક છે. ઉટાહના ઇતિહાસની મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓની પ્રતિમાઓ છે. ભીંતચિત્રોમાં ‘ડ્રીમ ઓફ બ્રિઘમ યંગ’ / ‘જીમ બ્રિજર’ અને ‘ડિસ્કવરી ઓફ ધ ગ્રેટ સોલ્ટ લેક’નો સમાવેશ થાય છે. દર વરસે 2 લાખ કરતાં વધુ લોકો આ ઈમારતની મુલાકાત લે છે.
ગૂગલ પર ઉટાહ અને ગુજરાત વિધાનસભાની માહિતી છે જ, જે જોવાથી પણ ખ્યાલ આવશે કે ગુજરાતના 6 કરોડથી વધુ લોકો કરતાં ઉટાહના 35 લાખ લોકો સંસ્કૃતિ સમજવામાં અને તેને જાળવવામાં આગળ છે !
મનમાં સવાલ ઉદ્દભવે કે ‘ઉટાહ’ અને ‘ગુજરાત’ની વિધાનસભામાં શું તફાવત છે? [1] ઉટાહ વિધાનસભાની ઈમારતમાં સ્થાનિક લોકજીવનને / ઇતિહાસને મહત્ત્વ અપાયું છે. ગુજરાત વિધાનસભામાં આ બાબત ગૂમ છે. ગુજરાતનો જન્મ થયો ન હતો અને ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ હતું તે અંગેના તથા સૌરાષ્ટ્ર રાજ્યનું વિલિનિકરણ ગુજરાતમાં થયું તે અંગેના ઐતિહાસિક દસ્તાવેજો મૂકેલા નથી. ઐતિહાસિક મહાનુભાવો ગૂમ છે. [2] ગુજરાત વિધાનસભા ઈમારતમાં ગુજરાતના સમાજજીવનને પ્રભાવિત કરનાર મહાનુભાવોના શિલ્પો નથી. ગુજરાતના લોકજીવનને વ્યક્ત કરતાં ભીંતચિત્રો નથી. [3] વિધાનસભા કુદરતી પ્રકાશથી ઝળહળી ઊઠે તેવી વ્યવસ્થા નથી. અને પારદર્શકતા પ્રતીકને કોઈ સ્થાન નથી. [4] ગુજરાત વિધાનસભાની અંદર મુલાકાતીઓ વિના રોકટોક જઈ શકે તેવી વ્યવસ્થા નથી. [5] ગુજરાત વિધાનસભા ગુજરાતના લોકોનું પ્રતિનિધિત્વ કરતી હોય તેવું લાગતું નથી. કેમ કે તેમાં ગુજરાતની મહત્ત્વની ક્રાંતિઓના / આંદોલનોના શિલ્પો કે ચિત્રોથી અંકિત કરેલ નથી. વિજ્ઞાન અને ટેકનોલોજી / જમીન અને સમુદાય / ઇમિગ્રેશન અને વસાહત / તેમ જ કલા અને શિક્ષણનું પ્રતિનિધિત્વ જોવા મળતું નથી. ગુજરાતની સંસ્કૃતિ / તેના મૂળભૂત મૂલ્યો અને આદર્શોના પ્રતીક જોવા મળતા નથી.
23 જુલાઈ 2015
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર