સ્વામિનારાયણ તથા વલ્લભાચાર્યે આપણી માણસાઈનું હરણ કર્યું. તેઓએ માણસોની રક્ષણશક્તિ લઈ લીધી. માણસોએ દારૂ, બીડી ઇત્યાદિનો ત્યાગ કર્યો, એ તો ઠીક જ છે. પણ એ કાંઈ સાધ્ય વસ્તુ નથી, તે સાધન છે. બીડી પીનારા ચારિત્ર્યવાન હોય તો તે સત્સંગ કરવા લાયક છે, અને જન્મથી બીડીનો ત્યાગી વ્યભિચારી હોય તો કંઈ કામનો નથી. સ્વામિનારાયણે અને વલ્લભે શીખવેલો પ્રેમ વેવલો છે. તેમાંથી શુદ્ધ પ્રેમ પેદા ન થઈ શકે … હિંસામાં અહિંસા છે એ વાત નહોતો જોઈ શક્યો, તે હવે જોતો થયો છું. દારૂમાં મસ્ત થયેલ માણસને અત્યાચાર કરતો અટકાવવાની ફરજ પૂરી નહોતો સમજ્યો, મહાવ્યથાથી પીડાતા કૂતરાનો જીવ લેવાની જરૂરિયાત નહોતો સમજ્યો. હડકાયા કૂતરાને મારવાની જરૂરિયાત નહોતો સમજ્યો. આ બધી હિંસામાં અહિંસા છે.
(મગનલાલ ગાંધી પરના પત્રમાં … ૨૫-૭-૧૯૧૮)
પ્રેષક : મહેન્દ્ર મેઘાણી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 19
![]()




સતીશ કુમાર છેલ્લા 50 વર્ષથી શાંતિ અને પર્યાવરણના મુદ્દાઓ પર ગાંધી – વિનોબાના વિચારો અન્યો સમક્ષ રજૂ કરવાનું કાર્ય કરી રહ્યા છે. તેઓએ નવ વર્ષની ઉંમરે જૈન ધર્મની દીક્ષા લીધી. ધર્માચરણના માર્ગે મોક્ષ પ્રાપ્તિ માટે ગામે ગામ ફરતા રહ્યા. તેવામાં 17 વર્ષની ઉંમરે તેમના હાથમાં ગાંધીજીની આત્મકથા આવી. જૈન સાધુ હોવાને નાતે શ્રીમદ્દ રાજચંદ્રની ગાંધીજી પર થયેલ અસરથી તેઓ માહિતગાર હતા. આત્મકથા વાંચવાથી સતીશ કુમારનું જીવન બદલાયું. અધ્યાત્મને પામવા અને પચાવવા અહિંસા, કરુણા અને પ્રેમનું અનુસરણ કરવું જરૂરી છે, પણ તેમ કરવા માટે જગતને છોડવું જરૂરી નથી, સંસારમાં રહ્યે રહ્યે પણ અધ્યાત્મ માર્ગ પર ચાલી શકાય તે ગાંધીએ બતાવ્યું. આથી સતીશ કુમારને પ્રતીતિ થઇ કે તમામ પરિસ્થિતિ અધ્યાત્મને સમજી, તેને વ્યવહારિક રૂપમાં અમલમાં મૂકીને બદલી શકાય. વળી અધ્યાત્મનો માર્ગ બધા માટે ખુલ્લો છે. રોજી રોટી મેળવવા કમાવા તો જવું પડે, પણ એમાં આધ્યાત્મિક દ્રષ્ટિકોણ મધ્ય નજરમાં હોય તો કમાણી એ તેની બાય પ્રોડક્ટ છે તેમ શ્રીમદ્દ રાજચંદ્ર અને ગાંધીજીએ પોતાના જીવન અને કાર્યથી સિદ્ધ કરી બતાવ્યું. એટલે કે સેવા એ મુખ્ય ધ્યેય હોય તો પ્રોફેશનમાં વોકેશન લાવી શકાય. તેમની આ વાત ખૂબ જ વિચાર પ્રેરક લાગી.