બીજા રાષ્ટ્રો સામે પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજાની લીટી ભૂંસવાની મથામણમાં ભારતીય નેતાઓ વૈશ્વિક સ્તરે સ્વકેન્દ્રી અને અતાર્કિક લાગે છે

ચિરંતના ભટ્ટ
જો તમારા ઘરમાં કંકાસ હોય, અંદર-અંદર મનભેદ હોય, તમને કોઇ વાતની સખત ચીઢ હોય તો સાવ અજાણ્યા લોકો સામે, જે તમારી આ સમસ્યાઓમાં કોઇ મદદ નથી કરવાના એવા લોકો સામે તમે તમારા ઘરની વાત ખૂલ્લી મૂકો? હા, હોઇ શકે કે તમને ઘરમાં કોઇ સાંભળતું ન હોય પણ એનો અર્થ એમ તો ન જ થાય કે મન થાય ત્યાં જઇને તમે તમારા ઘરની પોલંપોલ ખુલ્લી મૂકી દો. આ આખી વાતનો સંદર્ભ છે કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ યુ.કે.ની કેમ્બ્રિજ યુનિવર્સિટીથી લઇને ચેટનહામમાં આપેલાં વક્તવ્ય, જેને કારણે અત્યારે તેમને માથે માછલાં ધોવાઇ રહ્યાં છે. તેમણે અલગ અલગ જગ્યાઓએ આપેલાં પોતાનાં વક્તવ્યોમાં ઘણાં મુદ્દા છેડ્યા. જેમ કે ભારતીય લોકશાહી જોખમમાં છે, ભારતની સંસદમાં અમને બોલવા નથી દેવામાં આવતા, અમારા માઇક્સ બંધ કરી દેવાય છે, તેમણે વિદેશ નીતિ અને વિદેશ મંત્રીની કામગીરી પર પણ સવાલ કર્યા, આર.એસ.એસ.ને ફાસીવાદી સંગઠન તરીકે ખપાવ્યું, ચીન ભારત સાથે એવું જ કરે છે જેવું રશિયા યુક્રેન સાથે કરે છે, એમ કહી ભારત સરકાર ચીન અંગે કોઇ નક્કર પગલાં લેવા નથી માગતી, એમ કહ્યું તો વળી પેગેસસની જાસૂસી, કાશ્મીર, મીડિયાના સ્વાતંત્ર્ય પર સરકારની પકડ, અમુક જ લોકોના હાથમાં રહેલી આર્થિક સત્તાની વાત વગેરે અંગે રાહુલ ગાંધી મન મૂકીને બ્રિટિશ શ્રોતાઓ સામે બોલ્યા.
રાહુલ ગાંધીએ જે પણ વાત કરી એમાંથી કેટલી વાત સાચી અને કેટલી વાત ખોટી એ પ્રશ્ન અત્યારે અસ્થાને છે. રાહુલ ગાંધી વિપક્ષનું પ્રતિનિધિત્વ કરે છે એટલે એ આ વાતો કરે એ સ્વાભાવિક છે. પરંતુ, આ વાતો ક્યાં અને ક્યારે કરવી એનું પ્રમાણભાન અહીંયા જરા ચુકાઈ ગયું લાગે છે. હવે આપણે શાસક પક્ષની વાત કરીએ, જેણે અત્યારે તો રાહુલ ગાંધીને ડાબે હાથે લેવાનું નક્કી કર્યું છે. વાસ્તવિક્તા તો એ પણ છે કે નરેન્દ્ર મોદી સહિતના ભા.જ.પા.ના નેતાઓએ મોકો મળે ત્યારે નહેરુ અને કૉંગ્રેસને વખોડવામાં કંઇ બાકી નથી રાખ્યું. નરેન્દ્ર મોદીએ પણ પોતે જ્યારે નવા નક્કોર વડા પ્રધાન બન્યા હતા ત્યારે, રાષ્ટ્રના પ્રતિનિધિ હોવા છતાં પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજા રાષ્ટ્રોની સામે ખાસ કરીને કૉંગ્રેસની લીટી ટૂંકી કરવામાં વધારે લોહી-પાણી એક કર્યા છે.
શું રાહુલ ગાંધીએ ભારતની સ્થિતિ અંગે આટલી બધી રાવ-ફરિયાદ યુ.કે.માં કરવાની જરૂર હતી? ભા.જ.પા.ના અમુક ટેકેદારો તો એટલા ગિન્નાયા છે કે એમણે કહ્યું છે કે રાહુલ ગાંધી શું એમ ઇચ્છે છે કે અંગ્રેજો ભારતને ફરી પોતાના સામ્રાજ્યવાદની ચુંગાલમાં ફસાવી દે? રાહુલ ગાંધીએ જે કર્યું એ બરાબર કર્યું કે નહીં એનો કોઇ સ્પષ્ટ જવાબ નથી. સ્વાભાવિક છે કે એક પક્ષને એ જરા ય ગમવાનું નથી અને એવા પણ લોકો હશે જેમને લાગશે કે રાહુલે જે કર્યું એ બરાબર જ છે. જરા તટસ્થ રહીને વિચારીએ તો એમ થાય કે રાહુલ ગાંધીએ ત્યાં જે રીતે કેન્દ્ર સરકાર સામેનું કમ્પ્લેઇન રજિસ્ટર ખોલી નાખ્યું એ જોતાં જાણે યુ.કે.ની મદદ માંગતા હોય એવું વર્તાયું અને એક રાષ્ટ્રીય સ્તરના નેતાની વાતમાં આ ટોન આવે એ છાજે નહીં. હવે આમાં એક દૃષ્ટિકોણ એ પણ જોવો પડે કે નરેન્દ્ર મોદીએ પણ કૉંગ્રેસના ૭૦ વર્ષને આગળ ધરીને ઘણું બધું કહ્યું છે. શું કેનેડા, નાઇજિરિયા કે ઑસ્ટ્રેલિયાના નેતાઓ બીજા દેશમાં જાય કે આપણે ત્યાં આવે ત્યારે આ રીતે પોતાના રાષ્ટ્રની સમસ્યાઓની પોટલી ખુલ્લી મૂકી દે છે? સ્વકેન્દ્રી થનારા આપણા રાજકારણીઓ – પછી તે ભા.જ.પા.ના હોય કે કૉંગ્રેસના – ભૂલી જાય છે કે દેશની છબી ઉજળી કરવાને બદલે તે એવા લોકો સામે રોદણાં રડે છે જેમને ન તો કોઇ ફેર પડે છે કે ન તો કે કોઇ મદદ કરવાના છે. બીજું, આપણે ત્યાં શું ગરબડ ગોટા ચાલે છે એ અંગે શું વિશ્વના બીજા દેશોને નહીં ખબર હોય?
રાહુલ ગાંધીએ જે પણ કહ્યું એમાં બધા મુદ્દા કંઇ છેદ ઉડાડવા જેવા નથી. તેમણે કહ્યું છે કે ભારતની ત્રણ મોટી સમસ્યા છે – બેરોજગારી, મોંઘવારી અને અસમાનતા. આપણે આ બદલવા માટે અમેરિકાનું આંત્રપ્રિન્યોરશીપ અને ઇનોવેશનનું મૉડલ લાગુ કરી જોયું પણ કંઇ કારી ન ફાવી. ભારતમાં ઉત્પાદન ક્ષમતા વધે તો આગળ ઉપર જણાવેલા ત્રણેય મુદ્દાને મામલે કોઇ ઉકેલ આવે – માત્ર સર્વિસ ઇન્ડસ્ટ્રીથી પૂરતી રોજગારીની તકો ખડી નહીં થઇ શકે. યુરોપ અને અમેરિકામાં પણ લગભગ આવી જ સમસ્યા છે કારણ કે ચીને આ બધા લોકશાહી રાષ્ટ્રોનો રોજગાર પોતાને ત્યાં ખેંચ્યો છે. ઉત્પાદનને મામલે ચીન રેસ જીત્યો કારણ કે ત્યાં લોકોને કામ કરવાની ફરજ પડાય છે – આવો અભિગમ લોકશાહી દેશોમાં શક્ય નથી. ભારતની વાત કરીએ તો આપણે ત્યાં યુરોપ કે યુ.એસ.એ.ની માફક રાષ્ટ્રોનો સંઘ નથી (બંધારણમાં એમ હોવા છતાં ય તેની સ્થિતિ યુરોપ કે અમેરિકાથી તદ્દન અલગ છે)– બધા રાજ્યોને માથે એક સરકાર છે. આપણે ત્યાં અમુક રાજ્યો સત્તાને મામલે બળકટ છે તો અમુક આર્થિક રીતે જોરમાં છે. રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચેની ખેંચાતાણીમાં સામાન્ય લોકો પિસાતા રહે છે. પરંતુ આ રજૂઆતમાં ગરબડ એ થઇ કે લોકશાહી રાષ્ટ્રોએ ચીન સામે ઉત્પાદન ક્ષમતા વધારવા શું કરવું જોઇએનો મુદ્દો હાંસિયામાં ધકેલાયો અને ભારતમાં શાસક પક્ષ સામે રજૂ કરાયેલા વાંધા પર વધુ લોકોનું ધ્યાન ગયું.
સમસ્યાઓ ઉકેલવાને બદલે તેની વાત કર્યા કરનારા રાજકારણીઓ – પછી તે કોઇ પણ પક્ષનાં હોય – સારી પેઠે જાણે છે કે આનાથી કંઇ વળવાનું નથી. એક સમયે કટોકટી લાદનારી કોંગ્રેસના નેતાઓએ કટોકટીને કારણે પોતાના પક્ષની શાખ માટીમાં મળી ગઇ એવું ભૂતકાળમાં કબૂલ્યું છે. ભા.જ.પા.ને પોતાની ભૂલો નથી સ્વીકારવી અને તેમની ભૂલો બતાડનારા બધાંનો કાન આમળવવો છે અને બોલતી બંધ કરી દેવી છે. એક પક્ષે લોકશાહીને ફરી સમજવાની જરૂર છે તો એક પક્ષે પ્રમાણભાનની વ્યાખ્યા પર નજર કરી જવાની જરૂર છે. પોતાનો કક્કો ખરો કરવા માથાકૂટ કરનારા રાજકારણીઓ ભૂલી જાય છે કે પોતે ભારતના પ્રતિનિધિ છે માલિકો નહીં.
બાય ધી વેઃ
રાહુલ ગાંધીને આપણે કોઇ પ્રમાણપત્ર નથી આપવું પણ માળું એક વાત તો છે કે કૉંગ્રેસ, નહેરુ અને સ્વાતંત્ર સંગ્રામ, નહેરુ પરિવાર એ બધા માટે ભા.જ.પા.નો વળગાડ જરા વધારે પડતો છે. રાહુલ ગાંધી નેતા થવાને લાયક નથી એવું હજારો વાર કહી ચૂકેલા ભા.જ.પા.ના નેતાઓ તેમની ભારત જોડો યાત્રા હોય કે પછી બ્રિટનમાં કરાયેલા વિધાનો હોય – એ બધાંથી જરૂર કરતાં વધારે જ વ્યથિત થઇ જાય છે. જો ખરેખર ભા.જ.પા.ને લાગતું હોય કે રાહુલ ગાંધીથી કોઇ ફેર નથી પડતો તો પછી આટલો હોબાળો શું કામ? રાહુલ ગાંધીના બોલવાથી ભારતની છબી ખરડાઈ જ જવાની હોય તો એવું ન થાય એ દિશામાં ભા.જ.પા. મક્કમ પગલાં ભરે તો બહેતર છે. રાહુલ ગાંધીને ખોટા સાબિત કરવાની કુસ્તીમાં જોર લગાડવાનો કોઇ અર્થ નથી કારણ કે એમ કરવામાં જે રાહુલ ગાંધીને તે હાંસિયામાં ધકેલવા માગે છે તે અનિવાર્યપણે ચર્ચાનો મુદ્દો રહે છે, લાઇમ લાઇટમાં રહે છે અને ભા.જ.પા. જે કરવા ધારે છે તેનાથી કંઇ બીજી જ દિશામાં વાત વળે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 માર્ચ 2023
![]()



અહીં રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ઘરે બાહિરે’ અને એ જ નામની સત્યજિત રાયની ફિલ્મ યાદ આવે છે. બંગાળના એક પરગણામાં સંદીપ નામનો એક ક્રાંતિકારી આવે છે અને એ પરગણાના નિખિલેશ નામના જમીનદારનો મહેમાન બને છે. સંદીપ હિંદુ ધર્મની, ભારતવર્ષની અને આર્યાવર્તની મહાનતાની મોટી વાતો કરે છે અને પ્રજાને હાથમાં હથિયાર લેવા અને આઝાદી માટે ક્રાંતિ કરવા ઉશ્કેરે છે. એ પણ કહેતો હતો કે કાઁગ્રેસના કેટલાક નેતાઓ ડરપોક છે, સ્થાપિત હિતોનું રક્ષણ કરે છે, તેઓ આઝાદી અપાવી શકે એમ નથી વગેરે. વક્તા તો એવો કે રુવાડાં ઊભા કરી દે. હવે બીજો પક્ષ જુઓ જે જમીનદારનો છે. બેફામ બોલનારો ક્રાંતિકારી જમીનદારનો પરોણો છે અને જમીનદાર દેખીતી રીતે પોતાનું હિત જોખમાતું હોવા છતાં ય તે પેલા ક્રાંતિકારીને કહેતો નથી કે મારે ઘરેથી અન્યત્ર ચાલ્યો જા. તારી રાજકીય પ્રવૃત્તિ મને નુકસાન પહોંચાડી શકે છે. એ જમીનદારની પત્ની બિમલા આ ક્રાંતિકારીની ભાષા અને ૫૬ ઈંચની છાતી જોઇને આકર્ષાય છે, પણ જમીનદાર પોતાની પત્નીને પણ રોકતો નથી. તે અત્યંત શાલીનતાપૂર્વક, કોઈના અવાજને વાચા આપવાનો ઠેકેદાર બન્યા વિના પોતાની પત્નીના અવાજનો આદર કરે છે. પત્નીની સ્વતંત્રતાની વચ્ચે પુરુષ (અને તેમાં પણ પતિ) બનીને બાધા નથી નાખતો. કદાચ પોતાનું ઘર તૂટે એવી સ્થિતિ સર્જાય છે. પણ એની વચ્ચે બન્યું એવું કે આ ક્રાંતિકારકની જલદ ભાષાથી ઉશ્કેરાયેલા લોકો કાયદો હાથમાં લે છે અને તોફાનો થાય છે. જોતજોતામાં તોફાનો ફેલાય છે, અંગ્રેજ પોલીસ આવે છે અને પેલો ક્રાંતિકારી સંદીપ પ્રજાને ભગવાન ભરોસે મૂકીને ભાગી જાય છે. તોફાનોની અગનજ્વાળામાં વચ્ચે જવાનું કામ અને લોકોને શાંત પાડવાનું કામ પેલો “સ્થાપિત હિત ધરાવનારો, ડરપોક અને અંગ્રેજોનો વહાલો થઈને” રહેનારો નિખિલેશ નામનો જમીનદાર કરે છે.

તો આ આજની વાત નથી. સો વરસનો આવો ઇતિહાસ છે. રવીન્દ્રનાથ ટાગોરે બંગભંગનાં આંદોલન વખતે કેટલાક કહેવાતા ક્રાંતિકારીઓની અર્થાત્ રાષ્ટ્રવાદીઓની બુઝ્દીલી પોતાની સગી આંખે જોઈ અને અનુભવી હતી. આ એ લોકો હતા જેઓ રવીન્દ્રનાથને ડરપોક, સ્થાપિત હિતો ધરાવનારા જમીનદાર, અંગ્રેજોના ગુલામ, પાશ્ચાત્ય મૂલ્યોમાં વિશ્વાસ ધરાવનારા પશ્ચિમપરસ્ત ભારતવિરોધી કહેતા હતા. કારણ? કારણ કે રવીન્દ્રનાથે પશ્ચિમમાં ઊગેલા, ઉછરેલા, વિકસેલા અને ભારતમાં પ્રવેશવા ઈચ્છતા રાષ્ટ્રવાદને એક અભિશાપ એક જોખમ તરીકે ઓળખાવ્યો હતો જેને કેટલાક લોકો ભારતમાં દાખલ કરવા ઈચ્છતા હતા. આમ સો વરસ કરતાં પણ વધુ વખતથી વખતો વખત દેશમાં ક્રાંતિકારીઓ પેદા થતા રહે છે જે પોતાને અસલી અને કાઁગ્રેસને નકલી કહેતા આવ્યા છે. આમાં મુખ્યત્વે હિન્દુત્વવાદીઓ, સામ્યવાદીઓ અને સામાજિક ન્યાયના મશાલચીઓનો સમાવેશ થાય છે. આ લોકોએ આઝાદી માટેની એકેય લડતમાં ભાગ નહોતો લીધો. ઊલટું અંગ્રેજોને તેનાં સંકટમાં મદદ કરી હતી. એ લોકોએ માફી માગી છે, બાંયધરીઓ આપી છે; પણ હા કાઁગ્રેસને ડરપોક, સ્થાપિત હિતોની એજન્ટ, જૈસે થે વાદી તરીકે ઓળખાવવાનું ચુક્યા નહોતા.
પણ કાઁગ્રેસ બોલે છે. રાહુલ ગાંધી ડર્યા વિના બોલે છે. રાહુલ ગાંધી એ લોકો માટે પણ બોલે છે જેનાં હિતમાં બોલવા સારુ કેટલાક લોકોએ ખાસ પક્ષો રચ્યા હતા. દલિતની કન્યા માટે માયાવતી નથી બોલતાં રાહુલ ગાંધી બોલે છે. ખેડૂતોના હિત માટે જે તે પક્ષોના કિસાન સંગઠન નથી બોલતા, પણ રાહુલ ગાંધી બોલે છે. ભ્રષ્ટાચાર સામે અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ નથી બોલતા, પણ રાહુલ ગાંધી બોલે છે. ઘરે બાહિરીમાં જોવા મળ્યું હતું એમ ક્રાંતિકારીઓ ભાગી ગયા છે અને પેલો “બુઝદિલ, સ્થાપિત હિત ધરાવનારો, જૈસેથે વાદી” નિખિલેશ અર્થાત્ રાહુલ ગાંધી બોલે છે.
