
સુમન શાહ
૩૯ વર્ષ પૂર્વે, ૧૯૮૪-માં, ભરત મુનિના રસસૂત્રમાંના ‘સંયોગાત્’ વિશે મેં એક વિશિષ્ટ લેખ કરેલો. એ મારા “સંજ્ઞાન” પુસ્તકમાં સંઘરાયો છે. લેખનું શીર્ષક છે : “ભરતનું રસસૂત્ર : ‘સંયોગાત્’ વિશે નવી અર્થઘટન શક્યાતાઓ”. એ શક્યતાઓ આજે પણ નવી જ રહી છે, કેમ કે વિષયના અધિકારી જ્ઞાતાઓ એને અડેલા નહીં, ચૂપ રહેલા. બાકી, મેં તો નમ્રતાથી લખેલું કે -‘આશા છે કે આ શક્યતાઓની વિશેષ ચર્ચા કરીને અધિકારીઓ આ નવી ક્ષિતિજો આંકવામાં મારા સહભાગી બનશે’. ખૅર.
‘સંયોગાત્’ વિશેના મારા એ વિચારોમાંના કેટલાકને થોડી હળવાશ ઉમેરીને આ લેખ-શ્રેણીમાં નવેસર મૂકું :
સાહિત્યકલાનું પરિશીલન કરનાર સૌ કોઈ સ્વીકારશે કે કોઈપણ કૃતિમાં આલેખન પામેલાં વિભાવાદિ હમેશાં શબ્દ સ્વરૂપે હોય છે. એટલે કે, વિભાવાદિનો બોધ શબ્દોની સંયોજનાને આભારી હોય છે. ‘સંયોગ’ સર્જક કરે છે એમ કહેવાનો અર્થ જ એ છે કે આ શબ્દસંયોજના એની સર્જકતાનું કે લેખનશક્તિનું ફળ હોય છે. શબ્દસંયોજના એટલે શું? ભાષાકીય તત્ત્વોનું સર્જકે સિદ્ધ કરેલું લાક્ષણિક સંરચન.
કોઇ શબ્દસંયોજનાને આત્મસાત્ કરીએ એટલે એને શક્ય બનાવનારાં તત્ત્વો વચ્ચેની સમ્બન્ધભૂમિકાઓને આપણે આત્મસાત્ કરી એમ માનવું જોઈશે. એ જ રીતે એમ પણ માનવું જોઈશે કે વિભાવાદિના ‘સંયોગ’-નો મૂળ આધાર સર્જકે સરજેલું આ શબ્દસંયોજન જ છે. ‘આ દુષ્યન્ત છે, આ શકુન્તલા છે, બન્ને આવું આવું અનુભવી રહ્યાં છે’, એવા નિર્ણય પર આપણે પ્હૉંચીએ છીએ એ આ શબ્દસંયોજના વિના અસંભવિત છે.
આપણે સમજી લેવું જોઈશે કે એ સંયોજનાને જ આપણે કૃતિનો મૂળ પાઠ – ઓરિજિનલ ટૅક્સ્ટ – કહીએ છીએ અને એ પાઠ જ કોઇપણ અર્થપ્રક્રિયાનો મહત્તમ આધાર હોય છે. પ્રારમ્ભે એ અર્થ વિભાવાદિ રૂપે હોય અને વિભાવાદિનો વિશિષ્ટ અર્થ ભલે પછી કાવ્યાર્થ રૂપે વિસ્તરીને રસાનુભવમાં ઠરતો હોય. એ મૂળ પાઠની સંયોજનાનું અપરનામ કવિકર્મ છે, અને એને જ આપણે સર્જનપ્રક્રિયા પણ કહેતા હોઈએ છીએ.
‘ભાવક-પ્રતિભાવ સમ્પ્રદાય’-ના આધુનિક વિચારકો ભાવકને સહસર્જક ગણે છે. ભાવકમાં ભાવયિત્રી પ્રતિભા રાજશેખરે પણ ભાળી હતી. એ દૃષ્ટિએ ભાવકને સર્જકસદૃશ ગણવામાં કશો દોષ નથી થતો. એટલે હું એમ ઉમેરવા માગું છું કે વિભાવાદિનો ‘સંયોગ’ ભાવક પણ કરે છે.

A child bewildered by erotic scene. – શૃંગારનુ દૃશ્ય જોઇને ડઘાઇ ગયેલો બાળક.
Pic courtesy : Shutterstock.com
આપણે જાણીએ છીએ કે સર્જનની પ્રક્રિયા છે તેમ ભાવનની પણ પ્રક્રિયા છે. ભાવક કૃતિના સમ્પર્કમાં મુકાય કે તરત ભાવનની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. એનો સાર એ છે કે ભાવક અભિપ્રેત કાવ્યાર્થને માટે સર્જકે સરજેલી એ શબ્દસંયોજનાને અનુવર્તે છે. એટલે કે સૌ પહેલાં કૃતિને તેના મુખ્યાર્થમાં, અભિધેયાર્થમાં, અત્મસાત્ કરે છે. રસસૂત્રના અર્થઘટનકાર ભટ્ટ નાયક આ અભિધાવ્યાપારને રસાનુભવનો પહેલો તબક્કો ગણે છે. એ તબક્કો કૃતિને તેના સુનિશ્ચિત મૂળ પાઠમાં સ્વીકારવાનો તબક્કો છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે એ તબક્કો સર્જકસંયોજિત શબ્દઘટકોની સમ્બન્ધભૂમિકાઓને પામવાનો એટલે કે પેલા ‘સંયોગ’-ને પામવાનો તબક્કો છે.
જુઓ, ઘટકોની સમ્બન્ધભૂમિકાઓનો નિર્ણય તો થઇ ગયો છે તેમછતાં ભાવક એ ઘટકોને હવે આપમૅળે જોડે છે. એની સમક્ષ હવે ઊપસી રહેલા અનાવૃત્ત અને સુસ્પષ્ટ વિભાવાદિને એનું ચિત્ત નવેસર સંયોજે છે. એ સંયોજના એના સ્વૈરવિહારને માર્ગ નથી આપતી પણ એના ભાષાકીય સામર્થ્યને તેમ જ એની રસકીય સૂઝસમજને પોતાનામાં ખાસ્સો પ્રવેશ આપે છે. જતિને કે બાળકને શૃંગારરસનું નાટક નથી સ્પર્શતું તેનું કારણ એ છે કે સર્જકે સંયોજેલા કૃતિપાઠને તેઓ આ્મસાત્ નથી કરી શકતા, એટલે કે, અપેક્ષિત વિભાવાદિનો બોધ નથી ગ્રહી શકતા. કૃતિની અર્થસૃષ્ટિમાં તેઓને પ્રવેશ અવશ્ય છે, પણ અપેક્ષિત ‘સંયોગ’ નથી રચી શકતા, ને તેથી નિષ્ફળતા પામે છે.
આ દૃષ્ટિદોર અનુસાર સમજાશે કે જ્યાં લગી વિભાવાદિનો ‘સંયોગ’ ભાવક ન કરે કે ન કરી શકે ત્યાં લગી રસનિષ્પત્તિ અને રસાનુભવની શક્યતા ખાસ્સી આવૃત રહે છે. અહીં ઉમેરવું ઘટે કે ‘સંયોગ’ એ જેટલો, જેવો, જ્યાંલગી રચી જાણશે, તેટલો, તેવો અને ત્યાંલગીનો એનો રસાનુભવ હશે. રસાનુભવની આ વ્યાપક સાપેક્ષતા ભાવકની ‘સંયોગ’ રચવાની શક્તિ કે અશક્તિને આભારી છે.
સાહિત્યક્ષેત્રે આપણે વારંવાર જોયું છે કે ભાવક વડે થતી ‘સંયોગ’-ની આ ઉદ્ભાવના – ફિક્શન – સમુચિત અને સમરૂપ ન હોય ત્યારે રસાનુભવમાં વિઘ્ન આવે છે. (રસવાદીઓએ એ વિઘ્નો અને તેના ઉપાય દર્શાવ્યા છે.) ભાવકના સહૃદયત્વની સમુદાર સક્રિયતા વડે રસાનુભવ દરમ્યાન એ વિઘ્નોનું કામચલાઉ નિરસન થઈ જાય છે ખરું, પણ કેટલીક વાર ઉત્તમ ભાવકથી પણ વિભાવાદિનો સમીચીન ‘સંયોગ’ નથી જ થઈ શકતો. અને ત્યારે ‘પ્રૉબ્લેમ ઑફ મીનિન્ગ’ કે ‘પ્રૉબ્લેમ ઑફ બીલિફ’ જેવા ‘મૅટાક્રિટિકલ’ પ્રશ્નો ઊભા થાય છે.
અબુ સઇદ ઐયુબે રવીન્દ્રનાથ અને બૉદ્લેરનાં પોતાનાં ભાવન અંગે ઊભા કરેલા પ્રશ્નો આ સ્વરૂપના છે. ઍલિયટે ‘હૅમ્લેટ’ સંદર્ભે ઊભો કરેલો ‘વસ્તુલક્ષી સહસમ્બન્ધક’-નો પ્રશ્ન આ સ્વરૂપનો પ્રશ્ન છે. ઐયુબ મર્યાદાદોષ પોતામાં જુએ છે અને સાહિત્યક્ષેત્રનો ભાવનપરક કોયડો ચીંધે છે, તો ઍલિયટ મર્યાદાદોષ શેક્સપીયરમાં જુએ છે અને સાહિત્યક્ષેત્રનો સર્જનપરક કોયડો ચીંધે છે. અહીં નૉંધવું ઘટે છે કે સંભવિત રસાનુભવ પછી પણ આ કોયડાઓ કોયડા જ રહે છે.
આનું ફલિત એ છે કે સર્જકે સરજેલો ‘સંયોગ’ એ-ને-એ રૂપમાં ઉદ્ભાવના પામશે એની કોઈ ગૅરન્ટી નથી, બલકે એમાં ઉચ્ચાવચતા રહેવાની.
પણ એટલું અવશ્ય સ્પષ્ટ થશે કે રસસૂત્રમાં નિર્દિષ્ટ ‘સંયોગ’-નો વિચાર હમેશાં સર્જન અને ભાવનનાં બેવડાં કેન્દ્રો પર થવો જોઈશે. નહિતર, સૂત્રબોધ એકાંગી થઇ જશે અને કાવ્યસમજ વિકલાંગ રહી જશે.
= = =
(12/12/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



ગાંધી-આંબેડકર ચર્ચાને આપણે પુણે કરાર પૂરતી ગોઠવીને અટકી જઈએ છીએ. ગાંધીએ કેમ જાણે દલિત મતાધિકાર ઓળવી લીધો કે પછી સંયુક્ત મતદાર મંડળને ધોરણે વધુ અનામત બેઠકો આપી એવી વાત ચાલ્યા જ કરે છે. જે પકડાતું નથી તે એ છે કે આવી સમજૂતીઓ અને એનું કાનૂની (બંધારણીય) સ્વરૂપ લોક ચળવળ વિના ઊણાં અલૂણાં રહે છે.
[I]t has been said that democracy is the worst form of Government except all those other forms that have been tried from time to time; but there is the broad feeling in our country that the people should rule, and that public opinion expressed by all constitutional means, should shape, guide, and control the actions of Ministers who are their servants and not their masters.