
રમેશ ઓઝા
આ જગતમાં વિવિધ દેશોમાં રહેતા હોવા છતાં ઈસાઈઓ અને મુસલમાનો સંગઠિત છે, કારણ કે તેમનો ધર્મ સંગઠિત અને માળખાબદ્ધ છે. બીજી બાજુ હિંદુઓ એક જ દેશમાં રહેતા હોવા છતાં વિખરાયેલા છે, કારણ કે તેમનો ધર્મ વિખરાયેલો છે. ગમે ત્યારે કોઈ નવો સંપ્રદાય સ્થપાય. ગમે ત્યારે સંપ્રદાયમાં પેટા-સંપ્રદાય રચાય. ગમે ત્યારે કોઈ ઈશ્વરનો અવતાર ફૂટી નીકળે અને પોતાને ભગવાન તરીકે પૂજાવે. પોતાનાં મંદિર બંધાવે. તેમનો વળી ધર્મગ્રંથ અલગ હોય. આ સિવાય કોઈ વળી આ છોડવાની શીખ આપે તો કોઈ વળી ફલાણું અપનાવવાની શીખ આપે. જો હિંદુ ધર્મ આ રીતે બોડી બામણીના ખેતર જેવો હોય તો હિંદુઓ ક્યારે ય સંગઠિત થઈ શકે ખરા?
પહેલી વાત તો એ કે આ જગતમાં ઈસાઈઓ અને મુસલમાનો સંગઠિત છે એવો દયાનંદ સરસ્વતીનો અભિપ્રાય વાસ્તવિકતા પર આધારિત નહોતો. હકીકતમાં તો ઈસાઈઓ અને મુસલમાનો જેટલા આપસમાં લડ્યા છે અને એકબીજાનું લોહી રેડ્યું છે અને આજે પણ રેડી રહ્યા છે એટલા હિંદુઓ આપસમાં નથી લડ્યા. પોતાની ચોક્કસ ધાર્મિક માન્યાતાઓને લઈને તેઓ આપસમાં લડ્યા છે અને લડે છે. મધ્યકાલીન યુરોપમાં અને ઇસ્લામિક દેશોમાં અલગ સૂર કાઢનારાઓની તેમ જ વિજ્ઞાનનિષ્ઠ કથન કરનારાઓની હત્યા કરવામાં આવી છે અને કરવામાં આવે છે. દયાનંદ સરસ્વતીના યુગમાં સંસ્થાનો કબજે કરવા માટે તેઓ આપસમાં લડતા હતા અને ૨૦મી સદીમાં તેમની વચ્ચે બે યુદ્ધ થયાં હતાં જે વિશ્વયુદ્ધ તરીકે ઓળખાય છે. બધું જ તેમની વચ્ચે આપસમાં હતું અને થઈ રહ્યું છે, તેમનો ધર્મ માળખાબદ્ધ હોવા છતાં ય. તેઓ ધર્મને કારણે સંગઠિત હતા અને છે એમ કહેવું એ ભૂલભરેલું છે.
દયાનંદ સરસ્વતીને આની જાણકારી હોય એમ લાગતું નથી. તેમને તો એમ જ લાગતું હતું કે તેઓ સંગઠિત છે અને તેનું કારણ તેમના ધર્મનું સ્વરૂપ છે. તેમના ધ્યાનમાં એ વાત પણ નહોતી આવી કે મુસલમાનો અને ઈસાઈઓ તેમનાં ધર્મના સ્વરૂપને કારણે અંદરોઅંદર એકબીજા પરત્વે અસહિષ્ણુ હતા અને હિંદુ ધર્મ કહેવાતો વિખરાયેલો છે એટલે હિંદુઓ આક્રમક નથી. એકબીજાને સ્વીકારી લે છે અને આગળ વધે છે. હિંદુ ધર્મ શ્રદ્ધાઓનો બગીચો છે.

સ્વામી દયાનંદ સરસ્વતી
શું વિશેષતા છે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં? એક ઈશ્વર, એક ધર્મગ્રન્થ અને એક ધર્મપ્રવર્તક. આમાં ઇસ્લામમાં તો તેમના ખુદાનો કોઈ આકાર પણ નથી. તેમનો ભગવાન સગુણ નિરાકાર છે. મુસલમાનો મૂર્તિપૂજા કરતા નથી અને તેને હીન માને છે. દયાનંદ સરસ્વતીને એમ લાગ્યું કે હિંદુઓએ પણ આવો માર્ગ અપનાવવો જોઈએ. તેમનો એક ઈશ્વર હોય, તેની મૂર્તિપૂજા ન થતી હોય અને એક ધર્મગ્રન્થ હોય. બીજું, ઇસ્લામમાં જેમ ખુદા અને બંદા વચ્ચે જેમ મોક્ષ અને સ્વર્ગની ગેરંટી આપનારા વચેટિયા નથી હોતા એમ હિંન્દુ ધર્મમાં પણ કોઈ આવા વચેટિયા ન હોય. આર્ય સમાજમાં ઈશ્વર નિરાકાર છે. નિરાકાર છે એટલે મૂર્તિપૂજાનો સવાલ પેદા નથી થતો. વેદ એ ઈશ્વર પ્રણિત ધર્મગ્રન્થ છે જે કુરાન અને બાયબલ જેવું સ્થાન ધરાવે છે. તેના એક શબ્દને પણ પડકારી ન શકાય. તેમણે આર્ય સમાજને જે સ્વરૂપ આપ્યું હતું તેને કારણે એક સમયે પંજાબમાં આર્યસમાજનાં ધર્મસ્થાનો મસ્જીદ તરીકે ઓળખાતાં હતાં. લાલા લજપતરાયે તેમની આત્મકથામાં આર્ય સમાજનાં મંદિરોનો ઉલ્લેખ મસ્જીદ તરીકે કર્યો છે. ટૂંકમાં દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ રચીને પશ્ચિમના ધર્મોનું અનુકરણ કર્યું હતું. અનુસરણ નહોતું, અક્ષરસ: અનુકરણ.
અનેક છોડની બનેલી હિંદુ વાડીમાં આર્ય સમાજ સ્વીકાર્ય બને એ શક્ય જ નહોતું. ગુજરાતમાં પાખંડી પૂજાય એવો ફિટકાર આપીને દયાનંદ સરસ્વતી ગુજરાત છોડીને જતા રહ્યા હતા, પરંતુ તેમને પંજાબ છોડીને અન્યત્ર આવકાર મળ્યો નહોતો. પંજાબમાં આવકાર મળ્યો એનું કારણ પંજાબની ખાસ સ્થિતિ હતી. અવિભાજિત પંજાબમાં મુસલમાનો બહુમતીમાં હતા અને સીખો પોતાને હિંદુ તરીકે ઓળખાવતા નહોતા, પણ અલગ ખાલસા ધર્મિય તરીકે ઓળખાવતા હતા. સિખોની વસ્તી પણ મોટી હતી. આમ પંજાબ છોડીને દેશભરમાં કોઈ જગ્યાએ આર્ય સમાજનો સ્વીકાર થયો નહોતો. આ સિવાય દયાનંદ સરસ્વતીની ભાષા પણ આક્રમક હતી. ‘સત્યાર્થપ્રકાશ’ નામના ગ્રન્થમાં તેમણે જે ભાષામાં ધર્મવિવેચન કર્યું છે એ જોઇને આપણને આજકાલના ભક્તોની યાદ આવે. ફરક એટલો કે તેમનું વિવેચન એકંદરે તાર્કિક હતું, પણ સંપૂર્ણપણે તો એ તાર્કિક પણ નહોતું.
અહીં એક રસપ્રદ ઘટના નોંધવા જેવી છે. ૧૯૭૦ના દાયકામાં આર્ય સમાજે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી કે આર્ય સમાજ હિંદુ ધર્મનો હિસ્સો નથી. હિંદુ ધર્મ અલગ છે અને આર્ય સમાજ અલગ છે. આર્ય સમાજની સ્થાપનાને હજુ તો સો વરસ પણ નહોતાં થયાં ત્યાં આર્ય સમાજે દાવો કર્યો હતો કે પોતે એક અલગ ધર્મ છે. જવું હતું હિંદુઓની એકતા સાધવા માટે અને પહોંચ્યા અમે અલગ હોવાનો દાવો કરવા! આવું જ સ્વામી વિવેકાનંદ સાથે બન્યું. તેમને પણ હિંદુઓનું જાગરણ કરનારા પ્રહરી તરીકે ઓળખાવવામાં આવે છે, પણ રામકૃષ્ણ મિશનની સ્થાપનાને હજુ સો વરસ પણ નહોતા થયાં એ પહેલા રામકૃષ્ણ મિશને સર્વોચ્ચ અદાલતમાં તે હિંદુઓથી અલગ સ્વતંત્ર ધર્મ હોવાની માન્યતા મેળવવા દાવો કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે એ દાવાને નકારી કાઢ્યો હતો. એ બન્ને સંસ્થાઓના અધિપતિઓ લઘુમતી ધાર્મિક કોમ હોવાનો ભૌતિક નાણાંકીય લાભ લેવા માગે છે. આમ બહુમતી રાષ્ટ્રવાદીઓને લઘુમતી ધાર્મિક કોમ તરીકેના લાભ લેવામાં શરમ નથી આવતી.
ખેર, હિંદુઓ પોતાને માળખામાં કેદ કરવા માગતા નહોતા. એ તેમને ફાવે એવી ચીજ જ નથી. જો અનેક છોડની વાડી સેંકડો નહીં, બે-ચાર હજાર વરસ સુધી જીવી શકે, તેને કોઈ મિટાવી ન શકે, નવી નવી કલમ થતી રહે, તેઓ જરૂર મુજબ પોતાને ઢાળી શકે એ જ તો તેની તાકાત છે. હિંદુઓની ધાર્મિક બહુવિધતા હિંદુઓની મર્યાદા નથી, પણ તાકાત છે. દયાનંદ સરસ્વતી આ તાકાત સમજી શક્યા નહોતા. આ સિવાય હિંદુઓને જળોની જેમ વળગેલા બ્રાહ્મણો દરેક પડકારનો ઉપાય શોધી કાઢતા હતા. તેમણે સનાતન ધર્મનો મહિમા કરવાનું શરૂ કર્યું હતું કે જેથી સનાતન સામે પ્રશ્ન કરનારાઓને નિરસ્ત કરી શકાય. સરવાળે દયાનંદ સરસ્વતીનો ઈલાજ નિષ્ફળ નીવડ્યો.
ગયા સપ્તાહના લેખમાં લખ્યું હતું એમ દયાનંદ સરસ્વતી પહેલા માણસ હતા જેમણે હિંદુઓને તેમની ઓળખનું અને તેમની સંખ્યાનું ભાન કરાવ્યું. હિંદુ રાષ્ટ્રવાદના તેઓ પહેલા ઉદ્દગાતા હતા. પણ એ છતાં ય સંઘ પરિવારે તેમની દ્વિશતાબ્દી રાષ્ટ્રીય સ્તરે ઉજવી નથી તેનું કારણ દયાનંદ સરસ્વતીના જલદ વિચારો છે. તેમની ભાષા છે. કોઈ કહેતા કોઈને છોડ્યા નથી. બ્રહ્મણોને નહીં, શૈવોને નહીં, વૈષ્ણવોને નથી, જૈનોને નહીં, બૌદ્ધોને નહીં, સીખોને નહીં, ગોરખ જેવા જે તે પંથોને નહીં વગેરે. ટૂંકમાં કોઈ કહેતા કોઈને નથી છોડ્યા અને એ પણ અભદ્ર ભાષામાં. સંઘપરિવારને એ ક્યાંથી પોસાય. જ્યારે સત્તાનું રાજકારણ નહોતું અને દેશ આઝાદીની લડત લડતો હતો ત્યારે પણ આર્ય સમાજીઓ અને સનાતનીઓ સાથે નહોતા ચાલી શકતા. આર્ય સમાજીઓનાં આગ્રહ અને આક્રમકતા અકળાવનારાં હતાં.
હિન્દુત્વવાદીઓને આર્ય સમાજ અને દયાનંદ સરસ્વતીનો ખપ માત્ર અને માત્ર મુસ્લિમ પૂરતો છે. બાકી હિંદુ ધર્મિક અને સામાજિક જાગરણની વાત આવે ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી પરવડે એવા નથી. એક વાર ‘સત્યાર્થપ્રકાશ’ વાંચી જોજો.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 માર્ચ 2024
![]()



ઘણા લાંબા સમય સુધી અનંત અંબાણી ‘લાઇમ લાઇટ’માં નહોતા દેખાયા. તેમની ચર્ચા કદાચ ત્યારે સૌથી વધારે થઇ હતી, જ્યારે તેમને મોટિવેશન આપવા માટે નીતા અંબાણીએ પણ વજન ઉતાર્યું હતું. અનંત અંબાણીની વાત તેમના વજનને લઇને અનેકવાર થઇ, પણ ભાગ્યે જ કોઈએ ગંભીરતાથી એ વાતને ગણતરીમાં લીધી કે નાનપણથી શારીરિક કોમ્પેલિકેશન્સ સાથે જન્મેલા અનંત અંબાણીને અનેક દવાઓ, સારવારનો સહારો લેવો પડ્યો જેની આડ અસર હતી, સતત ફિટ ન રહી શકે તેવું શરીર! ઇશા અને આકાશ અંબાણીએ જ્યારે અંબાણી એમ્પાયરમાં કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે એ.જી.એમ.થી માંડીને નવી જાહેરાતો દરમિયાન તે ચર્ચામાં રહ્યા. આ તરફ અનંત અંબાણીએ એકાદ બે વાર કંપનીના સ્થાપના દિવસના કાર્યક્રમ અથવા તો આઇ.પી.એલ.ની મેચ દરમિયાન ક્યારેક પોતાનાં મમ્મીની બાજુમાં દેખાવા સિવાય ભાગ્યે જ કોઇ નોંધનીય હાજરી આપી. હવે એમ થયું છે કે અનંત અંબાણીના અમુક મીડિયા હાઉસને અપાયેલા ઇન્ટરવ્યુઝના હિસ્સા વાઇરલ થઇ રહ્યા છે, કેટલીક જાણીતી ચેનલ્સ પર તેમની એન્કર સાથેની વાતોમાંથી નાના-મોટા સમાચાર બની રહ્યા છે. દુનિયા આખીમાં વન્ય જીવો અને માણસો વચ્ચેના સંઘર્ષને કારણે પ્રશ્નો ખડા થઇ રહ્યાં છે, જંગલો પાંખા થઇ રહ્યા છે, પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થઇ રહી છે અને આવામાં જામનગરમાં 3,000 એકર જેટલી જમીનમાં વન્ય જીવો માટેના રેસ્ક્યુ સેન્ટરની શરૂઆત કરાઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન હેઠળ લૉન્ચ થયેલો ‘વનતારા’ પ્રોજેક્ટ એક એવી પહેલ છે જ્યાં વન્ય જીવોની સારવાર, સંભાળ અને પુનર્વસન માટે કામ થઇ રહ્યું છે. 200 જેટલા હાથીઓ, 300થી વધુ ચિત્તા, વાઘ, સિંહ, 300થી વધુ શાકાહારી પ્રાણીઓ અને 1,200થી વધુ મગર, સાપ અને કાચબા જેવાં પ્રાણીઓ આ વનતારામાં અત્યારે રહી રહ્યાં છે. અહીં હાથીઓ માટેની ખાસ હૉસ્પિટલ છે તો રેસક્યુ કરેલાં પ્રાણીઓને શારીરિક અને માનસિક રીતે સાજા કરવા માટેના મોટા કુદરતી એનક્લોઝર્સ, પ્રાણીઓનાં સ્વાસ્થ્ય માટે થતા રિસર્ચની વ્યવસ્થાથી માંડીને અનેક સવલતો છે. અનંત અંબાણીએ પોતાના ઇન્ટરવ્યુઝમાં હાથીઓનો બચાવ તેમને માટે ખાસ છે તે વાત કરી છે, અહીં લવાયેલા હાથીઓને આકરી સ્થિતિમાંથી બચાવી લેવાયા છે અને દરેકની સાથે તેમના મહાવતોને સુદ્ધાં અહીં રાખવામાં આવ્યા છે. આ પ્રાણીઓને રાહત મળે એવી રીતે ખડી કરાયેલી એક દુનિયા છે. ક્રૂરતા અને નિર્દયતાની સામે આ એક હૂંફ ભરેલો માહોલ છે જે એક જવાબદારી ભર્યા અભિગમનું પરિણામ છે.