વિમલાતાઈનાં ઉત્તરવર્ષોનો સિંહભાગ જે. કૃષ્ણમૂર્તિ અને જયપ્રકાશ વચ્ચેના અનન્ય સંતુલન શો વરતાય છે. સમાજનિસબત વગરની આધ્યાત્મિક જીવનચર્યા એમને એક ઐયાશી (લગ્ઝરી) લાગતી

ઝંઝાવાતી ભૂદાનયાત્રી વિમલાતાઈ
રામ નવમી આવવામાં હોય અને ધુળેટી હજુ હમણાં જ ગઈ હોય એવા આ દિવસોમાં, વિમલાતાઈ(15 એપ્રિલ, 1921: 11 માર્ચ, 2009)નાં જન્મ ને મૃત્યુ કલ્યાણકો વચ્ચે એમનું સ્મરણ એક સાથે બે છેડેથી થઈ આવે છે : હાલના ચૂંટણી કોલાહલ વચ્ચે આ મરમી જીવનસાધિકાએ શું કહ્યું હોત. તે સાથે, જગતને તો શું પૂછીએ પણ જાતને પૂછવાજોગ એ એક સવાલ પણ બારણાં ખટખટાવે છે કે 2021-22માં એમની શતાબ્દી કેમ જાણે લગભગ વણઉજવી બલકે વણગાઈ ચાલી ગઈ.

પ્રકાશ ન. શાહ
કોરોના કાળનું હોવું અને ઊતરતે ઊતરતે એનું તાઈના અંતેવાસીવત્ અરવિંદ દેસાઈને લઈ જવું, એ બીનામાં એક ખુલાસો જરૂર જડે છે: ન મહાજન પરંપરાના કલ્યાણભાઈ ત્રિકમલાલ આપણી વચ્ચે, ન તો રચનાત્મક સ્વાતંત્ર્યસૈનિક ઘરાણાના પ્રફુલ્લ દવે, નહીં થિયોસોફીમાં રમેલા ને તાઈની સંનિધિમાં વિકસેલા અરવિંદભાઈ.
ચાલુ કોલાહલ વચ્ચે તાઈને સંભારું છું ત્યારે જુલાઈ 1975 અને 1979ના ઉત્તરાર્ધના બે પ્રસંગો સામે આવે છે. ’75ના જુલાઈમાં એક દિવસે અનેરાથી ગોવિંદભાઈ રાવળનો સંદેશો મળ્યો કે તાઈ અહીંથી નીકળી ગયાં છે અને તમે એમને હીમાવન (પાલડી ચાર રસ્તા, અમદાવાદ) પાછળ કલ્યાણભાઈને ત્યાં મળો. અમે પહોંચ્યા ત્યારે તાઈ આવીને પરવારવામાં હશે, બેઠકખંડમાં કલ્યાણભાઈ સાથે. અમે કેમ છો, કેમ નહીં કર્યું ન કર્યું ત્યાં તો પડખેના ખંડમાંથી તાઈ ધસમસતાં આવ્યાં, અગ્નિશિખાની એન્ટ્રી જાણે!
બેઠકખંડમાંની વાતો અડધે શબ્દે અટકી પડી, કેમ કે તાઈ રૂંધાયેલા ગળે પણ આક્રોશભેર બોલતાં હતાં – દેશનો બાપ જેલમાં છે ને બાબા શું કરે છે? જયપ્રકાશ ત્યારે જેલમાં હતા ને વિનોબાજી નિષ્ક્રિયવત્ દીસતા હતા એથી આવી પડેલો આ સામાન્ય સંજોગોમાં વણકલ્પ્યો એવો ઉદ્દગાર હતો. (બાકી, તાઈને વિનોબા વિશે આદર ને આત્મીયતા કઈ હદે હશે એનો સાક્ષાત્કાર મને વિનોબાના અંતિમ પર્વમાં થયો હતો. એક્સપ્રેસ ઓફિસ પર કલાકે કલાકે ફોનમાં એ પૂછતાં પુછાવતાં હતાં.)
તાઈના આ અગ્નિશિખા આવૃત્તિ, 1975 પહેલાં વચલાં વરસોમાં જાણે શાંત પડી ગઈ હતી. ક્યારેક એ ઝંઝાવાતી ભૂદાનયાત્રી હશે, પણ પછી એ એક અંતર્યાત્રાના દોરમાં ચાલ્યાં ગયાં. દાન આપનાર કે દાન લેનાર, બેઉમાં આ ઘટના આસપાસ કોઈ આમૂલ પરિવર્તન નથી થતું. માલિકી હક્કનું વિસર્જન એકે પક્ષે નથી અનુભવાતું.
આવી ઉત્કટ પ્રતીતિ સાથે તાઈએ કેટલાક સમય માટે જાતને સંકેલી અંતર્યાત્રાનો રાહ પકડ્યો. જે. કૃષ્ણમૂર્તિ ત્યારે એમને સારુ વાતનો વિસામો હતા. પણ આધ્યાત્મિક મુક્તિના આ આનંદકાળ પછી એમને આગલા અનુભવોએ કરીને અંતરથી ઊગ્યું કે એકલા આંતરિક વિકાસની વાત એકલા સામાજિક વિકાસ જેટલી જ ખોડંગાતી છે : જીવનમાં એક એવો અભિગમ જોઈએ, અખિલાઈભર્યો, જેમાં બંનેનો મેળ હોય. એમનો ઊંડો અભ્યાસી હોવાનો દાવો ન કરી શકું, પણ એટલું જરૂર કહું કે તાઈનાં ઉત્તરવર્ષોનો સિંહભાગ જે. કૃષ્ણમૂર્તિ અને જયપ્રકાશ વચ્ચેના અનન્ય સંતુલન શો વરતાય છે.
પહેલાં 1975નું એક સ્મરણ કહ્યું. હવે 1979ની વાત કરું. કટોકટી ઊઠ્યા પછી જનતા રાજ ટૂંકજીવી પુરવાર થયું હતું, નવી ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. એ દિવસોમાં એક સાંજે યુનિવર્સિટી વિસ્તારમાં દાદાસાહેબનાં પગલાંથી આગળ મોખરાના ભાગમાં થિયોસોફિકલ સોસાયટીની ‘કૃષ્ણકુટિ’માં પ્રો. બબાભાઈ પટેલ અને હું તાઈને મળવા ગયા હતા. ઘેરાતાં ચૂંટણી વાદળ વચ્ચે અમે પૂછ્યું કે આપણી ભૂમિકા શું. એ ધારાધોરણસર ચૂંટણી લડવાથી માંડી હિસાબી ચોખ્ખાઈ અને વેરઝેરથી મુક્ત પ્રચાર વગેરે વાતો કરી શક્યાં હોત. પણ એમનું જે પહેલું બાણ છૂટ્યું તે મર્મવેધી હતું – કાઁગ્રેસ કો એક ચપ્પા જમીં ભી નહીં મિલની ચાહિયે. આજે અધિકારવાદી બળો સંદર્ભે એ આથી જુદું ભાગ્યે જ કહે. સમાજનિસબત વગરની આધ્યાત્મિક જીનવચર્યા એમને એક ઐયાશી (લગ્ઝરી) લાગતી.
નવી પેઢીના વાચકમિત્રોને કદાચ ખયાલ નયે હોય એટલે એમની ટૂંકી તો ટૂંકી પણ જીવનગાથા મારે ઉતાવળે ય કહેવી જોઈએ. નાનપણમાં મિત્રો સાથે મળી વિવેકાનંદ મંડળ ચલાવતી આ મેધાવી છોકરીના રંગઢંગ એવા બિનદુનિયાદારી હતા કે કોઈ કુટુંબીજનોના કહ્યાથી એ મનોરોગી તો નથી ને એવી દાક્તરી તપાસ કરાવાયાનુંયે સાંભળ્યું છે. રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ અને સર્વોદય ચિંતક દાદા ધર્માધિકારી સાથેનો નિકટતાનો એના ભાવજગતને ઘડતો હશે જરૂર, પણ કુ. વિમલા ઠકાર એકદમ ઊંચકાયાં 1951-52 આસપાસ.
સર્વપલ્લી રાધાક્રિષ્ણન્ના આ છાત્ર ફિલસૂફીમાં એમ.એ. થયાં ન થયાં અને વર્લ્ડ એસેમ્બલી ઓફ યૂથ (વે) પ્રકારનાં આયોજનોમાં ભાગ લેવા પરદેશ ગયાં ત્યારે વિજયાલક્ષ્મી પંડિતની નજરમાં એવાં તો વસી ગયાં કે એમણે ભાઈને (જવાહરલાલને) તાર કર્યો કે આ તરુણીને સ્વરાજનિર્માણનાં કામોમાં ઝડપી લેવા જેવી છે! પણ વિમલાને ભૂદાન આંદોલન સાદ દેતું હતું.
ભૂદાનયાત્રાના વર્ષોમાં એ જયપ્રકાશનાં વ્યાખ્યાનોની નોંધ લેનાર તરીકે, તેજસ્વી વક્તા તરીકે, નશામાં ધૂત જમીનદારને ‘ભાઈ’ના સંબોધને જીતી લઈ ભૂદાન મેળવનાર તરીકે, એમ અનેકધા ઝળક્યાં. ચાલુ યાત્રાએ ધર્માધિકારી, જયપ્રકાશ ને અચ્યુત પટવર્ધને બનાવી આવેલી પુસ્તકસૂચિને સેવતાં ને જાગતા સવાલોના જવાબ વિનોબાજી અને આ ત્રણે ઉપરાંત ક્રિપાલાણી, લોહિયા, કાલેલકર પાસે મેળવતાં ગયાં અને એમ આંદોલનના નિંભાડામાં પાકતાં ગયાં.
આસામના છાત્ર આંદોલનથી માંડી વાલેસાના સોલિડારિટી આંદોલન તેમ ગ્રીન મૂવમેન્ટના મિત્રો સાથે દિલી આપલે, ગુજરાત બિરાદરી થકી નિસબત ધરાવતા નાગરિકો પેદા કરવાનો પ્રયત્ન, યુનાઈટેડ નેશન્સને સ્થાને યુનાઈટેડ પીપલ્સની પરિકલ્પના, દક્ષિણ એશિયાઈ બિરાદરી … શું સંભારું, શું ભૂલું!
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 ઍપ્રિલ 2024
![]()



ભારતે આ ટિપ્પણીનો વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયે એક બયાન જારી કરીને કહ્યું હતું કે, “અમે આવી ટિપ્પણીઓને અમારી ન્યાયિક પ્રક્રિયા અને ન્યાયપાલિકાની સ્વતંત્રતાને કમજોર કરવાના રૂપમાં જોઈએ છીએ.”