પ્રખર ઉનાળાની ધગધગતી બપોરે, ચીંથરેહાલ કંગાળ એક છોકરો, તૂટેલી હાથલારી ખેંચતો હતો. પગમાં ફાટેલાં, કોઈના નાંખી દીધેલાં, માપ વગરનાં જૂતાં ચડાવેલાં હતાં. ડામરની પાકી કાળી, ગરમીથી સળગતી સડકોથી એના પગનાં તળિયાં ફાટેલાં જોડાંને કારણે, ક્યાંક ક્યાંક દાઝતાં હતાં. તેથી વારાફરતી ડાબો-જમણો પગ ઊંચો નીચો કર્યે જતો હતો. સાથે સાથે કપાળનો પરસેવો લૂછતાં લૂછતાં એના હાથમાં માટીનાં બે કોરાં કોડિયાં બતાવી લોકોને ખરીદવા માટે બૂમો પાડ્યે જતો હતો :
“આ કોડિયાં લો, રંગબેરંગી કોડિયાં લો ..”
બારીબારણાં બંધ કરી ‘ઍરકંડિશન્ડ’ ઓરડાઓમાં કે ખસની ટટ્ટીઓના ‘શેડ’ કરીને ઠંડક પામતા અમીરોના કાન સુધી એનો અવાજ ક્યાંથી પહોંચે ? છતાં એ છોકરો ચીસો પાડી પાડીને, વળી વળીને સતત મોટે મોટેથી બોલ્યે જતો હતો.
“આ કોડિયાં લો, રંગબેરંગી કોડિયાં લો ..”
“લાઈટ જશે તો અંધારે ખપ લાગશે .. સાવ સસ્તાં છે …”
નવાંનવાં વાક્યોથી અરજ કરતો રહ્યો.
“એક ઝીણી વાટ મહીં મેલી છે. કામ લાગશે.
લઈ લો … લઈ લો કોડિયાં, માટીનાં ..”
બારી પાસે બેસીને કોડિયાં પર કવિતા લખતી કલમ અચાનક થંભી ગઈ …
થોડીવાર પહેલાં જરાક દૂરથી આવતો’તો એ અવાજ પડઘાયો. બહાર ડોકિયું કર્યું. કોઈ ન દેખાયું, કંઈ ન દેખાયું. ફક્ત અવાજના પડઘા .. પળ વીતી ગઈ હતી.
અસ્સલ ગામઠી, મીઠી સોડમવાળી માટીથી ઘડેલાં અને ઝી….ણી વાટ મૂકીને લારીમાં ગોઠવેલાં, પેલા કુંભકારનાં કાચી માટીનાં કોડિયાંને પ્રગટાવે કોણ?!!
ઓરડામાં અંધારું વધતું જતું હતું. આંખ બંધ કરી. બંધ આંખે ચોક્ખું દેખાયું!!
પડઘાતો અવાજ તો ધીમે ધીમે ચાલી ગયો.
પણ ભીતરની ઝીણી વાટને સંકોરાવી ગયો.
[હ્યુસ્ટન]
e.mail : Ddhruva1948@yahoo.com
![]()


પણ આપણે તો વાત કરવી છે ‘ચાર્લી એન્ડ ધ ચૉકલેટ ફેક્ટરી’ નામની વોર્નર બ્રધર્સની એક સુંદર પારિવારિક ફિલ્મની. ટાઈટલ્સ સાથે વિશ્વવિખ્યાત વિલી વૉન્કાની ચૉકલેટ ફેક્ટરીમાં બનતા મોટાં ચૉકલેટ બાર બતાવાય છે, તેમાંના પાંચ બારમાં એક-એક સોનેરી ટિકિટ મુકાય છે, અને ‘આ વાર્તા છે ચાર્લી નામના આઠ વર્ષના સામાન્ય બાળકની. ચાર્લી ખૂબ ઝડપી કે શક્તિશાળી કે પ્રતિભાશાળી બાળક હતો? ના. તેનું કુટુંબ અત્યંત પ્રતિષ્ઠિત કે સમૃદ્ધ હતું? ના. સાચું પૂછો તો તેઓ માંડ માંડ ખાવાનું પામતા હતા, છતાં ચાર્લી વિશ્વનો સૌથી ભાગ્યશાળી બાળક હતો – માત્ર તેને તે ખબર ન હતી.’

