બીજલી અને તેનો વર રોજ બાજુના ગામડેથી અહીં શાક, ફળ વેચવા આવતાં. બન્ને મહેનતુ હતાં. યુવાન હતાં. પોતાની મીઠી બોલીથી ઘરાકને પ્રસન્ન કરતાં તેમને આવડતું હતું. તેમનો ભાવ હમ્મેશાં વ્યાજબી રહેતો. પતિ–પત્ની ક્યારે ય કોઈને છેતરતાં નહીં. સતત હસતાં રહેતાં આ દમ્પતીના આમ તો લગભગ બધા બાંધેલા, નિયમિત ઘરાક હતા. બધો માલ ખાલી કરીને જ રોજ જતાં. સાંજે સાત વાગે તેમની છેલ્લી બસ આવતી. પતિ–પત્ની હાથમાં આવેલા પૈસા ગણતાં, બસમાં રવાના થઈ જતાં. છેલ્લા એક વરસથી તેઓ અહીં શાક વેચવા આવતાં. તેમનાં જેવાં બીજાં પણ કેટલાયે શાકવાળા અહીં આવતાં. તેમને ક્યારેક વધેલું શાક પાછું લઈ જવું પડતું. પણ બીજલીને તો બધું શાક ખાલી થઈ જ ગયું હોય ! કદાચ તેમની મીઠી જીભ, તેમની સરળતા અને કોઈને ન છેતરવાની તેમની વૃત્તિ આ માટે કારણભૂત હતી.
આજે બીજલીના વરને શરીરે થોડું અસુખ જેવું હતું. તેથી બીજલી એકલી જ શાક લઈને આવી હતી. શાક વેચીને જાય ત્યારે તેમનો ચૂલો પેટતો. એટલે બીજલીને અનિચ્છાએ પણ પતિને મૂકીને આવવું પડ્યું. આજે બીજલીનો જીવ સ્વાભાવિક રીતે જ ઉતાવળમાં હતો. આજે બને તો શાક જલદી વેચી તેને વહેલાસર ઘર ભેગા થઈ જવું હતું. પણ સાથે સાથે શાક પડ્યું રહે એ પણ પોષાય તેમ નહોતું ! અને મોટા ભાગના ઘરાકો સાંજે તડકો નમે પછી જ આવતા. એટલે બહુ વહેલું પહોંચવાની કોઈ શક્યતા નહોતી.
થોડા ભાવ ઓછા કરીનેયે તેણે જલદી જલદી શાક ખાલી કરવા માંડ્યું. મોટા ભાગનું શાક તો ખાલી થઈ ગયું. માત્ર થોડાં બોર ઘરાકની રાહ જોતાં હતાં. તેની બસનો સમય પણ થવા આવ્યો હતો. આજે બોર પાછાં લઈ જવાં પડશે કે શું ? બીજલી હવે ક્યારની ઊંચીનીચી થતી હતી. તેનું મન તો ઘરે પહોંચી ગયું હતું. પણ બોર વેચાઈ જાય તો પાછાં ન લઈ જવાં પડે .. વળી, આજે તો પતિ માટે દવા પણ લઈ જવાની હતી. એટલે તે થોડી લાલચમાં પણ હતી. તેણે આશા રાખી બે પાંચ મિનિટ વધુ રાહ જોવાનું નક્કી કર્યું.
ત્યાં જ એક ગાડી પાસે આવી ને ઊભી રહી. એક શેઠાણી તેમાંથી ઉતર્યાં. બીજલીને હાશ થઈ ! હવે બોર વેચાઈ જશે. શેઠાણીએ પાસે આવી બોર હાથમાં લીધાં. બોર સરસ મજેનાં તાજાં જ હતાં. પણ ભાવ ઓછા કરાવવાના ઈરાદાથી બોલી ઊઠ્યાં, ‘કેવા છે? તાજાં નથી લાગતાં!’
બીજલી કહે, ‘ના, ના, એકદમ તાજાં અને મીઠાં છે. લો, ચાખો.’ કહી એક મોટું સરસ મજાનું બોર આપ્યું. શેઠાણીએ ઊભાં ઊભાં મોટું બોર નિરાંતે ખાધું.
પછી કહે, ‘આ તો તું શોધીને આપે. એ તો સારું જ હોય ને ! એમ ખબર ન પડે’, કહી બીજાં ત્રણ–ચાર બોર જાતે લઈ ઊભાં ઊભાં ખાધાં.
બીજલી અકળાતી હતી. બોર લેવા આવ્યાં છે કે મફત ખાવા? પણ આજે પોતાને બોર વેચવાની ગરજ હતી તેથી કંઈ બોલી નહીં. ત્યાં શેઠાણીએ ભાવ પૂછ્યો. ભાવ સાંભળીને કહે, ‘ના રે, વીસ રૂપિયે કિલો તે હોતાં હશે? બોલ, દસમાં દેવાં છે?’
બીજલી આમ પણ ગુસ્સે થઈ હતી. કદાચ જવાની ગરજને લીધે આપી પણ દેત. પણ શેઠાણીની વૃત્તિ જોઈ તેને ગુસ્સો આવ્યો હતો. તેથી બોર આપવાનું મન ન થયું. તેણે સાફ ના પાડી દીધી. ભલે, પાછાં લઈ જવાં પડે. આને તો નથી જ આપવાં.
શેઠાણીને ખબર હતી કે આ લોકોને ગામડે પાછા જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે નહીં આપે તો જશે ક્યાં? રાહ જોઈ જોઈને પાંચ–સાત મિનિટ જોશે. એટલે ધીરજ ધરીને શેઠાણી દલીલો કરતાં રહ્યાં.
ત્યાં સાઈકલ પર એક કાકા આવ્યા. અને ધીમેથી પૂછ્યું, ‘બહેન, કેમ આપ્યાં આ બોર? બીજલીએ કાકા સામે જોયું અને બોલી, ‘કાકા, લઈ જાઓ. તમને ઠીક લાગે તે આલજો.’
કાકાએ કંઈ બોલ્યા સિવાય બધાં બોર લીધાં અને પૂછ્યું, ‘પંદર રૂપિયા ચાલશે ?‘
બીજલી મીઠું હસીને કહે, ‘કાકા, દસ આપત તોયે ચાલત.’ અને બીજલીએ પ્રેમથી કાકાના હાથમાં બોરની કોથળી મૂકી.
પેલા શેઠાણી જરા ધૂંધવાઈને તરત બોલ્યાં, ‘હું ક્યારની કે’તી ’તી તો મને કેમ ન આપ્યાં?’
બીજલી શાન્તિથી બોલી, ‘એ તમને નહીં સમજાય.’
“સન્ડે ઇ મેહફીલ”માંથી સાભાર, [લેખકની પરવાનગી સાથે]
![]()


મહત્ત્વના મરાઠી અખબાર ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ના પૂર્વસંપાદક, અભિજાત ગુણવત્તા ધરાવતા તંત્રીલેખોના લેખક અને અસાધારણ વ્યાપ ધરાવતા વાચક ગોવિંદ તળવલકરનું એકાણું વર્ષની વયે વૃદ્ધાવસ્થાને કારણે બાવીસમી માર્ચે અમેરિકાના હ્યુસ્ટનમાં તેમની દીકરીના ઘરે અવસાન થયું. ગોવિંદ તળવલકર ‘મ.ટા.’ના સત્ત્યાવીસ વર્ષ સુધી સંપાદક હતા. તે પહેલાં તેમણે આ જ દૈનિકમાં સાતેક વર્ષ માટે સહસંપાદક તરીકે કામ કર્યું હતું. ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ગ્રૂપનાં પ્રકાશનોમાંથી સહુથી દીર્ઘકાલીન મુખ્ય સંપાદક રહેનાર તળવલકર મુંબઈ પાસેના હોલીવલીમાં સાધારણ પરિવારમાં જન્મેલા હતા. નાનીમોટી નોકરીઓ કરતાં કરતાં તે ૧૯૪૭માં બી.એ. થયા. તે પછી તરત જ તેમણે શંકરરાવ દેવના વિચારપત્ર ‘નવભારત’થી પત્રકારત્વની કારકિર્દીની શરૂઆત કરી. ઇન્ડિયન ઍક્સપ્રેસ ગ્રૂપના ‘લોકસત્તા’માં બારેક વર્ષ સબએડિટર તરીકેની કામગીરી બાદ તે પાંચ વર્ષ ‘મ.ટા.’ના સહસંપાદક રહ્યા. ત્યાર બાદ ૧૯૬૮થી ૧૯૯૬ની તેમની નિવૃત્તિ સુધી મુખ્ય સંપાદક તરીકે તેમણે વર્તમાનપત્રને વિશિષ્ટ ઊંચાઈએ પહોંચાડ્યું. નિવૃત્તિ પછી છેક હમણાં સુધી તળવલકર વાચન-લેખનમાં સક્રિય હતા. તેમણે બિલકુલ નવાં અંગ્રેજી પુસ્તકો પર લખેલા લેખો સમાજવાદી વિચારપત્ર ‘સાપ્તાહિક સાધના’ અને સાહિત્યિક માસિક ‘લલિત’ના ગયા છએક મહિનાના અંકોમાં પણ વાંચવા મળે છે.