કેટલાક સમાચારો અખબારો માટે રાષ્ટ્રીય રિવાજ જેવા હોય છે. એમાં એક સમાચાર છે : જગતના અને ભારતના સૌથી શ્રીમંત માણસોની યાદી. આપણને સૌથી વધુ અમીર કોણ છે એ જાણવાનું કોઈ વિલક્ષણ આકર્ષણ હોય છે. ૧૯૯૫માં હું જ્યારે ‘ગુજરાત સમાચાર'માં હતો, ત્યારે છાપાના ન્યુઝ એડિટરે મને ન્યુઝ એજન્સીનો એક તાર આપ્યો હતો જેમાં એ સમયે ભારતના સૌથી અમીર એવા દસ ઉદ્યોગપતિઓની યાદી આપવામાં આવી હતી અને મારે તેનો અનુવાદ કરવાનો હતો. મને યાદ છે ત્યાં સુધી એ દસમાંથી આઠ શ્રીમંતો અત્યારે પહેલા દસ નહીં, પાંચસોની યાદીમાં પણ સ્થાન નથી ધરાવતા. ૨૦૧૮ની યાદીમાં એમાંથી બે ઉદ્યોગપતિઓ બચ્યા છે અને બાકીના આથમી ગયા છે. તાતા જૂથમાં તાતા પરિવારની વ્યક્તિગત માલિકી નહીં હોવાના કારણે અને પરિવારના સભ્યોની માલિકી તાતા સન્સ દ્વારા સુરક્ષિત હોવાના કારણે જે.આર.ડી. તાતા કે રતન તાતા સહિત કોઈ તાતાનો શ્રીમંતોની યાદીમાં સમાવેશ થતો નથી. તાતાના નામનો અભાવ જોઇને એમ નહીં સમજતા કે તેઓ પાછળ પડી ગયા છે.
આ વરસની અમીરોની યાદીમાં આટલાં નામ છે : મુકેશ અંબાણી, વિપ્રોના અઝીમ પ્રેમજી, આર્સેલરના લક્ષ્મી મિત્તલ, હિન્દુજા બંધુઓ, શાપુરજી પાલનજીના પાલનજી મિસ્ત્રી, એચ.સી.એલ.ના શિવ નાડર, ગોદરેજ પરિવાર, સન ફાર્માના દિલીપ સંઘવી, કુમાર મંગલમ્ બિરલા અને ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે. જો ૧૯૮૫ સાથે સરખાવવામાં આવે તો આ દસમાંથી ગોદરેજ અને મિસ્ત્રી પરિવારની અમીરાઈ એકંદરે એના એ જ સ્વરૂપમાં જળવાઈ રહી છે. બિરલાઓનો ત્યારે સંયુક્ત પરિવાર હતો અને ઘનશ્યામ દાસ બિરલાના અવસાન પછી પરિવારમાં વિભાજનની મથામણ ચાલી રહી હતી. બિરલા પરિવારમાંથી એક માત્ર કુમાર મંગલમ્ બિરલા(આદિત્ય બિરલા જૂથ)ને છોડીને બાકીના બિરલાઓ ફેંકાઈ ગયા છે.
તો સાર એ એવો નીકળે છે કે ૧૯૮૫માં જેનો ઉદય પણ નહોતો થયો એવા આઠ જણ અત્યારે ઉદિત થઈને ટોપ ટેનમાં સ્થાન ધરાવે છે અને ૧૯૮૫માં જેમનો સૂર્ય મધ્યાહ્ને હતો એવા આઠ જણા ક્ષિતિજે આથમી ગયા છે.
આવું કેમ બનતું હશે? આનો જવાબ શુક્રવારના અખબારોમાં અમીરોની યાદી સાથે પ્રકાશિત થયેલા બીજા બે સમાચારોમાંથી મળી જશે.
આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કના સી.ઈ.ઓ. ચંદા કોચરે રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવું પડ્યું એનું કારણ એ છે કે ચંદા બહેને વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતને અને એસ્સાર ગ્રુપના રવિ રુઈયાના જમાઈ નિશાંત કનોડિયાને ફાયદા સામે ફાયદો કરાવી આપ્યો હતો. તેમને બન્નેને હળવા વ્યાજે અને ઓછી રકમની મિલકત ગિરવે લઈને મોટું ધિરાણ આપ્યું હતું. હળવું વ્યાજ એટલા માટે કે ખોટી થયેલી રકમનો ફુગ્ગો ફુલાતાં વાર લાગે અને જ્યારે ફુગ્ગો ફૂટે ત્યારે વસૂલ કરવા માટે બેંક પાસે પૂરેપૂરી મિલકત હોય જ નહીં. દેખીતી રીતે આવો ખોટનો સોદો કોઈ કરે જ નહીં, સિવાય કે તેમાં અંગત લાભ હોય.
ચંદા કોચરે વીડિયોકોનને ૩,૨૦૦ કરોડ રૂપિયાની અને એસ્સાર રુઈયાને ૩,૯૦૦ કરોડ રૂપિયાની કાચી લોન અપાવી હતી. આ બન્નેએ ચંદા કોચરના પતિ દીપક કોચરની કંપનીમાં રોકાણ કર્યું હતું. એક હાથ સે દિયા દુસરે હાથ સે લિયા. પણ આપ્યા કોના? બેન્કના અને લીધા કોના માટે? પોતાના માટે. આને ચોરી કહેવાય. આને છેતરપિંડી કહેવાય. આને વિશ્વાસઘાત કહેવાય. ચંદા કોચરનું કામ પોતે જે બેન્ક માટે કામ કરતાં હતાં એ બેન્કના હિતોનું રક્ષણ કરવાનું હતું, પરંતુ તેમણે બહારના લોકો સાથે મળીને ખાતર પાડ્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવી એને એક વરસ થવા આવ્યું છે. અમેરિકા જેવો બીજો કોઈ દેશ હોત તો ચંદા કોચર આજે જેલમાં હોત, જ્યારે આપણે ત્યાં તો હજુ રાજીનામું આવ્યું છે. ખાનગી બેન્કની આવી સ્થિતિ છે, તો સરકારી બેન્કોની સ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ નથી. વ્યાજ સાથે કુલ ૧૮ લાખ કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી છે અને આવડી મોટી ચોરી ભાગીદારી વિના ન જ થાય.
આ બધા લોકો સરકારી કાયદા મુજબ સામાજિક જવાબદારીના ભાગરૂપે (સી.એસ.આર.-કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) તેમની વાર્ષિક આવકના બે ટકા રકમની સખાવત કરે છે. બેન્ક પાસેથી સો રૂપિયા લીધા. પચીસ રૂપિયા ચંદા કોચરોને તેમના હિસ્સાના આપ્યા, પચીસ રૂપિયાની મિલકત ટાંચ કરાવી અને બે રૂપિયાની સખાવત કરી. સખાવતના બે રૂપિયા પણ કોઈના હાથમાં નહીં મૂકવાના. દરેકે પોતપોતાનાં ટ્રસ્ટો અને ફાઉન્ડેશનો સ્થાપ્યાં છે અને એ બે રૂપિયા એમાં જમા કરવામાં આવે છે. બે રૂપિયાનું દાન પણ દેખાવ પૂરતું નકલી.
અમીરાઈને અને સત્તાને અનીતિ સાથે સીધો સંબંધ છે. અનીતિ દ્વારા માણસ સત્તા અને પૈસો મેળવે છે અને સત્તા અને પૈસા દ્વારા માણસ વધારે અનીતિ આચરે છે. આની પણ એક કિંમત હોય છે અને એ કિંમતનું નામ પતન છે. માણસ અંદરથી સંવેદનહીન બની જાય છે. તો શુક્રવારના મુંબઈ મિરરમાં છપાયેલા બીજા સમાચાર આ પ્રકારના છે.
રેમન્ડ ગ્રુપના માલિક વિજયપત સિંઘાણિયા એમ માને છે કે તેમના પુત્ર અને રેમન્ડ જૂથના વર્તમાન ચેરમેન ગૌતમ સિંઘાણિયાએ છેતરપિંડી કરીને તેમને લૂંટી લીધા છે. નેપિયન સી રોડ પર નવા બાંધવામાં આવેલા સિંઘાણિયા હાઉસમાં તેમને ફ્લેટ પણ આપવામાં આવ્યો નથી અને તેઓ ભાડેના મકાનમાં રહે છે. કેટલા ય સમયથી બાપ-દીકરા વચ્ચે ઝઘડો ચાલે છે અને ઝઘડો અદાલતમાં પહોંચ્યો છે. દરમ્યાન વિજયપત સિંઘાણિયા આત્મકથા લખી રહ્યા છે અને ટૂંક સમયમાં તે પ્રકાશિત થવાની છે. આત્મકથામાં શું હશે એ જાણવા માટે આત્મકથા વાંચવાની જરૂર નથી, એટલી હદે ગૌતમ સિંઘાણિયાને પોતાની કરણી વિષે ખાતરી છે. એક સમયે ગૌતમ સિંઘાણિયા પિતાજીના એટલા લાડકા હતા કે પિતાજીએ મોટા દીકરાને અન્યાય કરીને ગૌતમ સિંઘાણિયાને પોતાની મિલકત આપી હતી અને કંપની સોંપી દીધી હતી. હવે તેઓ પિતાજીની આત્મકથા પ્રકાશિત ન થાય એવી માંગણી સાથે અદાલતમાં ગયા હતા. બદનામીનો ડર લાગે છે.
સિદ્ધાંત વિનાના રાજકારણનો અને નૈતિકતા વિનાના ધંધાનો ગાંધીજીએ સાત સામાજિક પાપોમાં સમાવેશ કર્યો છે. આજે આ બન્ને વચ્ચે ભાગીદારી વિકસી છે જેને ક્રોની કેપિટલલિઝમ કહેવામાં આવે છે.
હવે ૨૦૧૮ના અમીરોની યાદી પર એક નજર નાખો. કેટલાં નામ વાંચીને તમારા મનમાં આદરની લાગણી જન્મી? છેલ્લાં પચીસ-પચાસ વરસ દરમ્યાન જે આથમી ગયા છે એવા અમીરોની એક યાદી બનાવો અને જુઓ એમાંથી કેટલા માટે તમારા મનમાં આદર જન્મે છે અથવા તેમની કીર્તિ તમારા કાને પડી છે? કોર્પોરેટ કંપનીઓમાં પણ લાબું આયુષ એ ભોગવે છે જે તેન ત્યક્તેન ભુંજીથામાં અર્થાત્ વહેંચીને ખાવામાં માને છે. જેઓ માલી સાથે દિલી અમીરી પણ ધરાવે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 અૉક્ટોબર 2018
![]()


દિલ્હી યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયનાં કર્મશીલ અધ્યાપક નંદિની સુંદરનું ‘ધ બર્નિંગ ફોરેસ્ટ’ છત્તીસગઢમાંના નક્સલવાદ વિશેનું, આપણા સમયનું, એક મહત્ત્વનું અને હૃદયસ્પર્શી પુસ્તક છે. 2016માં પ્રસિદ્ધ થયેલાં આ પુસ્તકનું પેટા મથાળું છે : ‘ઇન્ડિયાઝ વૉર ઇન બસ્તર’. તેમાં લેખકે પ્રતીતિજનક રીતે બતાવી આપ્યું છે કે સત્તા-સંપત્તિની પાછળ પડેલા શાસકો અને હિંસક માર્ગે સત્તા અને સમાનતા લાવવા માગતા નક્સલવાદીઓની ભીષણ લડાઈની વચ્ચે છત્તીસગઢના બસ્તર પ્રદેશના આદિવાસીઓનાં જીવનનો કેવો નાશ થયો છે.

‘પૃથિવીવલ્લભ’ એ મુનશીની નાટ્યાત્મક ને રંગદર્શી લઘુનવલ છે. મૂળ ટૂંકા ઐતિહાસિક વસ્તુને મુનશીએ પોતાની કલ્પનાના અવનવા રંગો પૂરી તેમાં પોતાની આગવી કલાભાવનાનો પૂટ આપીને એક ઉત્તમ કૃતિનું સર્જન કર્યું છે. કથાનો મર્યાદિત વિસ્તાર આ પ્રમાણે ઊઘડે છે : કથાનું મુખ્ય પાત્ર માલવપતિ મુંજે તૈલંગણના રાજવી તૈલપને સોળ સોળ વાર હરાવ્યા પછી, મુંજ તૈલપના સરસામંત ભિલ્લમના હાથે પકડાય છે. મુંજની સાથે તેનો ભત્રીજો ભોજ (રસનિધિ) અને રાજ્યના બીજા કવિઓને પણ કેદ કરી લેવામાં આવે છે. તૈલેપ પોતાને અનેકવાર પરાજય આપનારા આ શત્રુનું પૂરું વેર લેવા માગે છે. પણ મુંજ સ્વાભિમાની નરપુંગવ છે- પોતાની જાતને પૃથ્વીપતિ માને છે. મુનશીએ મુંજનું પાત્રઘડતર ઘડવામાં તેની વીરતાને પ્રગટ કરવા નિત્શેની અતિમાનવ (Superman)ની કલ્પના મુંજમાં પૂરી ઊતારી હોય એમ સહેજે લાગે. તૈલપની આધેડ વયની વિધવા અને સહેજ ઓછી દેખાવડી બહેન – મૃણાલવતીનો રાજસત્તા પર કાબૂ છે. એણે સમસ્ત પ્રજાને સાત્ત્વિક માર્ગે પ્રેરવા રાજ્યમાં ઉત્સવ, જલસા, નૃત્ય, નાટ્ય અને મોજશોખ પર પ્રતિબંધ મૂક્યો છે.