ટ્રીપલ તલાકની બાબતમાં મુસ્લિમ સ્ત્રીઓ માટે આંસુ સારનારાઓ સબરીમાલામાં હિન્દુ સ્ત્રીઓના પ્રવેશનો વિરોધ કરી રહ્યા છે, એની જfયારે આ કોલમમાં ટીકા કરવામાં આવી ત્યારે કેટલાક ભક્તોને માઠું લાગ્યું હતું. હિન્દુઓની અને મુસલમાનોની તે કાંઈ તુલના કરાતી હશે? હિન્દુ સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ નહીં આપવો, અને મુસ્લિમ સ્ત્રીને ત્રણ વાર તલાક બોલીને છૂટાછેડા આપવા એ બે ઘટનાની ગંભીરતામાં કેટલો મોટો ફરક છે.
બીજાને નઠારા હોવાનાં સર્ટિફિકેટ આપનારાઓની પહેલી જરૂરિયાત એ હોય છે કે પોતાને સારા હોવાનું અને નઠારા હોઈ જ ન શકે એવું સર્ટિફિકેટ આપવું પડે. આ અનિવાર્ય છે, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર એ સનાતન સત્ય સ્વીકારી લો તો પાછળ પાછળ બીજું ઘણું બંધુ સ્વીકારવું પડે. જેમ કે માનવનિર્મિત સમાજમાં ખામી હોઈ શકે, માનવનિર્મિત ધાર્મિક રિવાજોમાં ખામી હોઈ શકે, માનવનિર્મિત ધર્મ અને ધર્મગ્રંથોમાં ખામી હોઈ શકે, પરંપરામાં ખામી હોઈ શકે એમ ખામી બતાવનારી વણઝારનો સ્વીકાર કરવો પડે. જો આટલું સ્વીકારવામાં આવે તો બીજું એ સ્વીકારવું પડે કે આપણે બધાં માટીનાં બનેલાંઓ છીએ, કોઈ સંપૂર્ણ નથી કે શ્રેષ્ઠ નથી, આપણા દરેકમાં કોઈને કોઈ પ્રકારની ખામી છે, આપણે દરેકે આત્મપરીક્ષણ અને સમાજ પરીક્ષણ કરવાની જરૂર છે, આપણે દરેકે આંખ ઊઘડે એટલે બદલવાની – સુધરવાની જરૂર છે વગેરે. અમે અને તમેમાં જે મજા છે એ આપણેમાં નથી. પોતાની જાતને છાવરવાની અને છેતરવાની છત્રી હાથમાંથી જતી રહે છે જે અમે અને તમેમાં મળે છે. છત્રી બીજાને ઝૂડવા માટે પણ કામમાં આવે અને મોઢું છુપાવવા માટે પણ કામમાં આવે.
બીજું, અન્યાયનો સ્વીકાર કે અસ્વીકાર અન્યાયનું પ્રમાણ જોઇને કરવાનો કે અન્યાય એ અન્યાય છે અને માટે ત્યાજ્ય છે એ ન્યાયે કરવાનો? પ્રમાણ કોણ નક્કી કરે? સભ્ય સમાજમાં આ નક્કી કરવાનું કામ આપણે ન્યાયતંત્રને સોંપ્યું છે અને ન્યાયતંત્રમાંની સર્વોચ્ચ ગણાતી સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે રજસ્વલા વયની સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશતી રોકવી એ સ્ત્રીઓ સાથેનો અન્યાય છે. કેટલાક મુસ્લિમ દેશોમાં ધર્મઝનૂની લોકો મૂળભૂત માનવીય મૂલ્યો આધારિત આધુનિક રાજ્યનો સ્વીકાર કરતા નથી અને ન્યાયતંત્રને ગાંઠતા નથી, એની નિંદા કરી કરીને તો સત્તા સુધી પહોંચ્યા છીએ. એમના તિરસ્કાર કરવાના કેવા એ સોનેરી દિવસો હતા! ‘જોયું, એ પ્રજા સુધરે એમ જ નથી’ એમ કહેવામાં જે મઝા હતી એને સર્વોચ્ચ અદાલતે ‘લે, તું પણ સુધર’ એમ કહીને કિરકિરી કરી નાખી. માણસાઈનો તકાદો તો વખત આવ્યે થાય, બાકી બીજાની નિંદા કરવાની અને સુધરવાની સલાહ આપવામાં ક્યાં કોઈ પૈસા લાગે છે.
ત્રીજું, માણસ માત્ર ભૂલને પાત્ર અને આપણે બધાં માટીનાં પુતળાં એ વાતનો સ્વીકાર કરવામાં આવે તો રોદણાં કોની સામે રોવા? ફલાણો અમારો દુશ્મન છે, દુશ્મન સતાવે છે, કરગરવા છતાં લાખ વાતે ય અમને સમજવા કોઈ તૈયાર નથી, અમારી સામે કાવતરાં રચવામાં આવી રહ્યાં છે, અમને જ એકલાને ટપારવામાં આવે છે, અમને જાણીજોઇને નીચા બતાવવાના પ્રયાસ કરવામાં આવે છે, વગેરે વગેરે. તમે શિકારી છો અને અમે બિચારા શિકાર છીએ એવાં રોદણાં રોવા જરૂરી હોય છે. અંગ્રેજીમાં આને વિકક્ટિમહૂડ કહેવામાં આવે છે. ધરતીના એક છેડેથી બીજા છેડા સુધી કોઈ પણ વરાયટીના કોમવાદીઓને જોઈ લો, એમાં ત્રણ ચીજ કોમન જોવા મળશે: એક, અમે આખા જગતમાં શ્રેષ્ઠ છીએ. અમારા જેવી બીજી કોઈ પ્રજા નથી. બે, અમારો ઇતિહાસ ભવ્ય છે. તપસ્વીઓ અને વીરો બન્ને અમારે ત્યાં થયા છે એટલે ધર્મરક્ષણ અને રાષ્ટ્રરક્ષણ કરતા અમને આવડે છે. અમારી સામે આંખ બતાવનારાની આંખ કાઢી લેતા અમને આવડે છે. અમારી નસોમાં શૂરનું લોહી વહે છે. ત્રણ, આખું જગત અમારું દુશ્મન છે, અમને જાણીબૂજીને બદનામ કરવામાં આવી રહ્યા છે, અમારી વિરુદ્ધ કાવતરાં રચવામાં આવી રહ્યાં છે અને અમે તો શાંતિપ્રિય રાંક પ્રજા છીએ.
જગતભરના કોમવાદીઓ એક જ સમયે શ્રેષ્ઠ પણ છે, શૂરવીર પણ છે અને રાંક પણ છે. થ્રી ઇન વન. નાગપુરમાં દશેરાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના દશેરાના પ્રવચનમાં આ ત્રણેય તત્ત્વો એક સાથે જોવા મળ્યાં હતાં. એ હોવાનાં જ. મોહન ભાગવત કોઈ અપવાદ નથી. જગતભરના કોમવાદીઓની ભાષા એક સરખી હોય છે.
મોહન ભાગવતે કહ્યું છે કે બનતી ત્વરાએ અયોધ્યામાં રામમંદિર બની શકે એ માટે ન્યાયતંત્રે મદદ કરવી જોઈએ. આ વાક્યનો અર્થ સમજવા જેવો છે. તેઓ એમ કહેવા માંગે છે કે આ દેશમાં હિન્દુઓની બહુમતી છે, તેઓ તેમની સંગઠિત તાકાત બતાવી શકે એમ છે, સરકાર પણ અમારી છે, લોકમત પણ અમારી સાથે છે; પરંતુ અમે ન્યાયતંત્રને આદર આપનારી જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ એટલે લક્ષ્મણ રેખા ઓળંગવા નથી માંગતા. બનતી ત્વરાએ મંદિર માટે અદાલતે માર્ગ મોકળો કરી આપવો જોઈએ એ કથનનો બીજો અર્થ એ થયો કે ચુકાદો તો હિન્દુઓની તરફેણમાં જ આપવાનો છે. આ બાજુ સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે જમીનની માલિકીનો ઝઘડો અમે ઉકેલી શકીએ, બાકી ઇતિહાસ અને ધર્મશ્રદ્ધા અમારો વિષય નથી. આ કથનનો ત્રીજો અર્થ એ થયો કે જો આવતીકાલે અમે કાયદો હાથમાં લઈએ અને લક્ષ્મણરેખા ઓળંગીએ તો એને માટે ન્યાયતંત્રને જવાબદાર ઠેરવવામાં આવે. અમે તો અદાલતને તક આપનારી જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ.
આ જ મોહન ભાગવતે એ જ સ્થળેથી, એ જ પ્રવચનમાં કહ્યું હતું કે સબરીમાલાની બાબતમાં સર્વોચ્ચ અદાલતનો ચુકાદો હિન્દુઓને અન્યાય કરનારો છે એટલે માન્ય નથી. માત્ર પાંચ મિનિટમાં બંધારણનિષ્ઠા, કાયદાનું રાજ, ન્યાયતંત્રમાંની શ્રદ્ધા, મર્યાદાનો વિવેક અલોપ થઈ ગયાં. મોહન ભાગવતે હિન્દુઓને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે એમ પણ કહ્યું હતું. આનો અર્થ એ થયો કે તેઓ અમારા દુશ્મન છે, અમારી સામે કાવતરાં ઘડવામાં આવી રહ્યાં છે અને અમે રાંક શિકારી છીએ. તેઓ શું એમ સૂચવવા માગે છે કે સર્વોચ્ચ અદાલત હિન્દુઓને નિશાન બનાવી રહી છે? સારું છે કે સબરીમાલાનો ચુકાદો આપનારી સર્વોચ્ચ અદાલતની બેન્ચમાં એક પણ મુસ્લિમ જજ નહોતા, નહીંતર મોહન ભાગવતે અને ભક્તોએ કેવી ઇશારતો કરી હોત! આ મોહન ભાગવત હજુ હમણાં સુધી કહેતા હતા કે સબરીમાલાના કેસમાં સર્વોચ્ચ અદાલત જે ચુકાદો આપશે એને અમે શિરોમાન્ય ગણીશું. ગૂગલ ન્યુઝ પર જોઈ લો તારીખ સાથે ભાગવતનાં નિવેદનો હાથ લાગશે. માની લો કે અયોધ્યાના કેસમાં સર્વોચ્ચ અદાલત હિન્દુત્વવાદીઓની વિરુદ્ધમાં ચુકાદો આપે તો? તો હિન્દુઓ સામેનું કાવતરું. દેખીતો જવાબ છે. એટલે તો મોહન ભાગવતના ત્રણ દિવસના સૂફિયાણા ભાષણ વખતે મેં લખ્યું હતું કે તેઓ જે કહે છે એ વિષે લેખિત ઠરાવ કરે. તેમના પોતાના શબ્દોને તેમણે ઠરાવમાં રૂપાંતરિત કરવાના છે, અમારાં નહીં. જે ઠરાવવામાં આવે એ ઠરાવ.
અમે શ્રેષ્ઠ છીએ, અમે શૂર છીએ અને અમે રાંક પણ છીએ. આની જગ્યાએ ચાલો આપણે બધાં મૂલ્યનિષ્ઠ અને ન્યાયનિષ્ઠ બનીએ એમ કહીએ તો? શરૂઆત આપણાથી કરવી પડે અને એ વાતના ઝાટકા લાગે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 22 અૉક્ટોબર 2018
![]()









એક દિવસ યુનિવર્સિટી ઓફ કોલંબિયાના ભૂતપૂર્વ પ્રોફેસર મિ. જ્હોન વુડ – કે જે અમારા પરિવારના છેલ્લાં પચાસ વર્ષથી પરમ મિત્ર રહ્યા છે, તેમની સાથે વાર્તાલાપ કરવામાં ગાળ્યો. તેમણે પોતાની કર્મભૂમિનાં દર્શન કરાવ્યાં અને જ્યાં એશિયન પોલિટિકલ સાયન્સના અભ્યાસના પાયા નંખાયા, તે અને બીજી અનેક વિદ્યાશાખાઓનો વિગતવાર પરિચય આપ્યો. ત્યાંથી વળતાં કેનેડાનો એક ધનિક વિસ્તાર પોઇન્ટ ગ્રે તરીકે પ્રખ્યાત છે, તે અને જેરીકો બીચ પણ જોયાં. તેમણે આપેલ માહિતી મુજબ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીન અને અન્ય દેશોના ધનિકોએ આ વિસ્તારમાં મિલકતો ખરીદી છે, જેથી તેમના જેવા લોકોના સંતાનોને પોતાનું ઘર ખરીદવું પોસાય તેવું નથી રહ્યું. મને કેનેડાની પરિસ્થિતિમાં અને બ્રિટનની સાંપ્રત હાલતમાં આ બાબત થોડું સામ્ય લાગ્યું. 





