આ શ્રેણીમાં આપણે વેદો, ઉપનિષદો અને ભગવદ્ ગીતાને તપાસ્યાં. એમાં ક્યાં ય તમને નાની, સંકુચિત, દ્વેષને ઉત્તેજન આપનારી વાત જડી? હા, એ વાત ખરી છે કે સ્થળના અભાવે એમાંના કેટલાક પ્રાતિનિધિક વચનોને જ અહીં ટાંકવામાં આવ્યાં છે. મૂળ સંસ્કૃત વચનો ટાંકવાની પણ લાલચ રોકવી પડી છે. જે વચનો અહીં ટાંક્યાં છે એના ઉપર વિવેચન કરવામાં આવે તો બે-ચાર વરસ ચાલે એટલી લાંબી લેખમાળા કરવી પડે. માટે અહીં માત્ર પંચામૃત આપવામાં આવે છે. આ ઉપરાંત બ્રહ્મસૂત્ર, સાંખ્ય, યોગસૂત્ર, ન્યાય અને વૈશેષિક, કર્મકાંડોનું અર્થઘટન કરનારી જૈમિનીય પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા તરીકે ઓળખાતું વિવિધ શાખાઓનું વેદાંતદર્શન, ભક્તિ સૂત્રો વગેરે સનાતન ધર્મના ગ્રંથો વિષે વાત કરવાનું જતું કરીએ છીએ. ગૃહિણી ચોખાનો એક દાણો દબાવીને ભાત પાક્યો છે કે નહીં એની ખાતરી કરી લે છે એમ અહીં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભગવદ્ ગીતાની સર્વસમાવેશકતા પણ ઉપયોગી નીવડી છે. ગીતામાં લગભગ બધું આવી જાય છે.
શું છે સનાતન ધર્મનો સાર? જે પિંડે તે બ્રહ્માંડે. મોક્ષ અર્થાત્ મુક્તિ જીવનનો પરમ પુરુષાર્થ છે. આસક્તિ કોઈ પ્રકારની ન હોવી જોઈએ. સંતાન, સંપત્તિ અને પરિવારની તો નહીં જ; પરંતુ વેદો(શાસ્ત્રો)ની પણ નહીં. ‘વેદા અવેદા:’ એવું વચન આગળ ટાંક્યું હતું. આ પરંપરા શ્રમણો આગળ લઈ જાય છે એની આગળ જતાં વાત કરવામાં આવશે. ધર્મનો અર્થ કર્તવ્ય થાય છે અને તેમાં પણ માણસ અનાસક્ત અનાગ્રહી હોવો જોઈએ. કર્મ પર માનવીનો અધિકાર છે, ફળ પર નથી. ફળ આસક્તિ પેદા કરે છે અને કર્મને પ્રભાવિત કરે છે, ખમો, અભડાવે છે. આપણાં શાસ્ત્રો જ્ઞાન, ભક્તિ અને સાધના વિષે વિવેક કરી આપે છે. કોઈ કોઈથી ચડિયાતું નથી, જેને જે માર્ગ સુલભ લાગે તે અપનાવવાનો. સાંખ્યમાં સત્વ, રજસ અને તમસ એમ માનીવીમાં રહેલા ત્રણ ગુણોની વાત આવે છે અને યોગસૂત્રકાર પતંજલિ કહે છે કે જો પ્રયત્ન કરવામાં આવે તો ગુણ-પ્રાધાન્યને બદલી શકાય છે. પતંજલિએ તેનો માર્ગ પણ બતાવ્યો છે. પતંજલિએ દરેક પ્રકારના ઓળખ-અભિમાન(અસ્મિતા)ને ત્યાજ્ય ગણાવ્યાં છે. ન્યાય અને વૈશેષિક દર્શનમાં પદાર્થ, દ્રવ્ય, આત્મા, મન, પ્રમાણ, પરીક્ષણ વગેરે વિષયોનો ઘન વિચાર કરવામાં આવ્યો છે.
બીજું તમે આમાં ડરાવનારાં વચનો જોયાં? લાલચ આપનારાં વચનો જોયાં? આમ નહીં કરો તો આમ થઈ જશે, દારુણ નરકમાં જવું પડશે, ઉકળતા તેલમાં તમારા દેહને ફેંકવામાં આવશે વગેરે ચીતરી ચડે અને ભય પમાડે એવાં કોઈ વચનો ઉપર કહ્યાં એ સનાતન ધર્મના ગ્રંથોમાં જોવા મળતાં નથી. તેમાં લાલચ આપનારાં વચનો પણ જોવા નહીં મળે. કર્મકાંડી બ્રાહ્મણોએ પોતાના સ્વાર્થ ખાતર વેદવચનોનો માફક આવે એવો અર્થ કરીને લોકોને ડરાવવાનું અને લલચાવવાનું શરૂ કર્યું હતું, પણ તેમનાં સ્વાર્થજન્ય અતિરેકોને પણ પડકારવામાં આવ્યા હતા. ઉપનિષદના ઋષિઓએ, બુદ્ધ અને મહાવીરે, એ સિવાયના અજાણ્યા શ્રમણ ચિંતકોએ અને ઈશ્વર તેમ જ વેદોના પ્રામાણ્યને નકારનારા ભૌતિકતાવાદી લોકાયતો(ચાર્વાક વગેરે)એ પડકારવાનું કામ કર્યું હતું. પ્રાચીન ભારતમાં એ ધીંગાણું ઘણું મોટું હતું જેમાં સિદ્ધાંત: લાલચની જગ્યાએ માણસાઈનો વિજય થયો હતો, પરંતુ સંપૂર્ણ વિજય નહોતો થયો એ કબૂલ કરવું રહ્યું. જો એમ હોત તો આધુનિક યુગમાં દયાનંદ સરસ્વતીએ સનાતની રૂઢિચુસ્ત બ્રાહ્મણો સામે બાથ ન ભીડવી પડત. એનો અર્થ જ એ કે બ્રાહ્મણોનો પાખંડી કર્મકાંડ સાવ નાબૂદ નહોતો થયો.
આ શ્રેણીમાં જે વચનો ટાંકવામાં આવ્યાં છે એમાં કોઈ જગ્યાએ ધર્મ શબ્દનો અર્થ આજે જે રીતે રિલીજિયનના અર્થમાં કરવામાં આવે છે એવો અર્થ કોઈ જગ્યાએ જોયો? એક પણ સ્થળે નહીં. ધર્મનો અર્થ છે; ફરજ-કર્તવ્ય, ગુણધર્મ, વ્યવસ્થા, નિયમન, સ્વભાવ. બ્રહ્મસૂત્રના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’, યોગસૂત્રના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે; ‘અથ યોગાનુશાસનમ્’. જૈમિનિ ઋષિની પૂર્વમીમાંસામાં કહેવામાં આવ્યું છે ‘અથાતો ધર્મજિજ્ઞાસા’. એ પછી જૈમિનિએ વેદોની પહેલી નજરે યાચનાપરક લાગતા મંત્રો કે – જેનો કર્મકાંડી બ્રાહ્મણો લાભ ઉઠાવતા હતા – તેની મોક્ષપરક વાખ્યાઓ કરી છે. એક રીતે એમ કહી શકાય કે એ સુધારકોના દબાવનું પરિણામ હતું. રિવોલ્યુશન ફ્રોમ બીલો, એન્ડ વિધીન ટૂ.
ઉક્ત ગ્રંથોમાં ત્રિવર્ણનો ઉલ્લેખ છે, ચતુર્વણનો નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. અને તે ભેદ ફરજ આધારિત છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે વખત આવ્યે લડવું એ તારો ધર્મ (કર્તવ્ય) છે અને લડ્યા વિના તું રહી જ ન શકે એ પણ તારો ધર્મ (સ્વભાવ) છે; કારણ કે તું ક્ષત્રિય છે. ચોથી જ્ઞાતિ શૂદ્ર ક્યાંથી આવી, ક્યારે શરૂ થઈ અને એમાં પણ જેનો ચતુર્વર્ણમાં સમાવેશ નથી થતો તે અછૂતોની પંચમ જાતિની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ એ વિષે મતભેદ છે. કેટલાક આમ દેખીતી રીતે માનવતાવાદી પણ પાછા હિંદુધર્માંભિમાની વિદ્વાનો મારી મચડીને જ્ઞાતિ-વ્યવસ્થાને તેનાં મૂળ સ્વરૂપમાં નિર્દોષ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે જે કરવાની જરૂર નથી. હિંદુઓએ એટલું સ્વીકારી લેવું જોઈએ કે એ હિંદુઓનું કલંક છે. આ જગતમાં કોઈ ધર્મ, કોઈ સમાજ, કોઈ વ્યક્તિ સંપૂર્ણ હોતાં નથી એમ આપણે પણ નથી. થોડું શરમાવાપણું આપણી ઝોળીમાં પણ છે.
ઉક્ત ગ્રંથો તપાસશો તો તેમાં રાષ્ટ્રની વાત આવે છે, પણ ખૂબ વ્યાપક અર્થમાં. આજે બહુમતી કોમ આધારિત સીમાબદ્ધ રાષ્ટ્રના કોઈ લક્ષણ પ્રાચીન ભારતીય દાર્શનિક ગ્રંથોમાં નથી મળતા. એને માટે કૌટિલ્ય સુધી રાહ જોવી પડે એમ છે અને તેની પણ રાજ્યની કલ્પના આધુનિક રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ કરતાં ભિન્ન છે. આજના અર્થમાં વિધર્મી શું કહેવાય એ ત્યારના વિચારકો જાણતા નહોતા.
આપણાં શાસ્ત્રો વિષે હજુ એક વાત સમજી લેવી જોઈએ. જેના નામે કોઈ શાસ્ત્ર ઓળખાય છે એ સો ટકા તેનું લખેલું નથી. જેમ કે વ્યાકરણ એકલા પાણિનિએ લખેલું નથી. પાણિનિએ વ્યાકરણ વિશેના આગળથી ચાલ્યા આવતા મતોનું અને અભિગમોનું શાસ્ત્રશુદ્ધ સંકલન કર્યું છે. આવું જ યોગસૂત્રકાર પતંજલિ વિષે, મીમાંસક જૈમિનિ વિષે, સાંખ્યકાર કપિલ વિષે, સ્મૃતિકાર મનુ વિષે અને બીજાઓ વિષે સમજવું. તેમણે પોતે તેમના પૂર્વેના વિદ્વાનોનો અને પરંપરાઓનો ઉલ્લેખ કર્યો છે.
છેલ્લે કાલનિર્ણય વિષે. આપણા પૂર્વવર્તી આચાર્યો પોતાના વિષે લખતા સંકોચ અનુભવતા હતા. પંડિતરાજ જગન્નાથને જેટલો રસની વ્યાખ્યા માટે યાદ કરવામાં આવે છે એટલો જ તેનાં અભિમાન અને તોછડાઈ માટે પણ યાદ કરવામાં આવે છે. વિનય વિનાની વિદ્યા ન શોભે. એટલે આપણાં વિચારકો ગ્રંથરચના કરતી વખતે પોતાનાં નામ-ઠામ નહોતાં લખતાં. આપણે ત્યાં અલગ અલગ સમયખંડમાં લખાયેલા ગ્રંથોના રચયિતા વ્યાસ છે. આ વ્યાસ એટલે મહાભારતકાર વ્યાસ બાદરાયણ નહીં, પણ કોઈ બીજાએ વ્યાસને નામની જગ્યાએ વિચાર-પ્રવર્તક ગણીને વ્યાસના નામે ગ્રંથ રચ્યા છે. તેઓ લખ્યાની સંવત પણ નહોતા લખતા, કારણ કે જો શબ્દમાં સત્ત્વશક્તિ હશે તો તે સમયને અતિક્રમી જશે અને જો નહીં હોય તો કાળ તેને દફનાવી દેશે. આમ જે તે ગ્રંથના રચયિતા વિષે અને પ્રાચીનતા વિષે નક્કર પ્રમાણ નહીં મળવાથી જે તે ધર્મ અને સંપ્રદાયના વિદ્વાનો પોતાના પંથના ગ્રંથની બીજાં કરતાં વધુ પ્રાચીનતા સ્થાપિત કરવા પ્રયત્નો કરતા રહે છે. આ પણ એક પ્રકારની આસક્તિ છે અને જ્યાં આસક્તિ હોય ત્યાં વિચાર-વ્યાપાર ઓછો હોય, મલ્લયુદ્ધ વધુ હોય. મૂળ ગ્રંથકાર અનાસક્ત હતા એ તેઓ વિસરી જાય છે.
અને છેલ્લે, કોઈ એમ કહી શકે કે તમે જાણીબૂજીને અનુકૂળ વચનો જ ટાંક્યાં છે તો એનો જવાબ એ છે કે તમે પોતે આ બધા ગ્રંથો જોઈ શકો છો. ગુજરાત નસીબદાર છે કે આ બધા ગ્રંથોનો ગુજરાતીમાં અનુવાદ ઉપલબ્ધ છે. ભારતીય દર્શન-પરંપરાનો ઇતિહાસ ગુજરાતીમાં લખાયો છે. જોઈ જાઓ અને ખાતરી કરી લો.
પણ આનો અર્થ એવો પણ નથી કે આપણામાં કોઈ ખામી નહોતી. હવે પછી સ્થગિત થવા લાગેલા વિચારોને પડકારનારા અને પુન:પ્રવાહિત કરનારા દર્શનોની વાત કરવામાં આવશે.
11 જૂન 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 16 જૂન 2019
![]()



સાંપ્રદાયિકતાનાં વિભાજક રાજકારણ સામે સંઘર્ષ ઊપાડનારા સાહિત્યકારો-કલાકારોએ કર્નાડ પણ હતા. ચિકમંગલૂર ખાતે આવેલા બાબાબુધનગિરી નામના સેક્યુલર સૂફી દર્શનસ્થાનને કટ્ટર હિંદુત્વવાદીઓ ‘દક્ષિણનું આયોધ્યા’ બનાવવા માંગતાં હતા. તેની સામે ઝુઝારુ પત્રકાર ગૌરી લંકેશે ડિસેમ્બર 2003માં શરૂ કરેલી લડતમાં કર્નાડે ખ્હોબ મહેનત લીધી હતી. ગયાં પાંચ વર્ષમાં તો લિન્ચિન્ગ, દલિતો પર જુલમો, મહિલાઓ પર અત્યાચાર, કોમવાદ સામેના અનેક જાહેર કાર્યક્રમોમાં તે સામેલ થતા રહ્યા હતા. પૂનાનાં જનવાદી યુવા ગાયકવૃંદ ‘કબીર કલા મંચ’ પર સરકારે ચલાવેલ દમનના વિરોધમાં તે મંચની એક સી.ડી.ના પ્રકાશન કાર્યક્રમમાં અભ્યાસ અને આક્રોશ સાથે બોલ્યા હતા. પોતે બીફ ખાતા નહીં, પણ રાજ્ય સરકારોએ માત્ર હિન્દુત્વના રાજકારણને ધ્યાનમાં લાદેલા બીફ પ્રતિબંધનો તેમણે વારંવાર વિરોધ કર્યો.
ધારવાડના રૅશનાલિસ્ટ એમ.એમ. કાલબુર્ગીની ઑગસ્ટ 2015માં થયેલી હત્યાના વિરોધ પ્રદર્શનમાં તે ગૌરી લંકેશની સાથે હતા. ગૌરી લંકેશની હત્યાની વરસી પરની સભામાં ગયાં વર્ષે પાંચમી સપ્ટેમ્બરે બંગલુરુની સભામાં તે નાકમાં ઓક્સિજન માટેની ટ્યૂબ અને ગળામાં ‘મી ટૂ અર્બન નક્સલ’ એવું પાટિયું લટકાવીને બેઠા હતા. ‘અર્બન નક્ષલ’ ગણીને પૂનાની પોલીસે સાત કર્મશીલોની કરેલી ધરપકડથી તે ગૌરી લંકેશની હત્યાથી જન્મેલો તેટલો જ અજંપો અનુભવતા હતા. તેમણે કર્મશીલો પર પોલીસે કરેલાં અરોપોનો ઉલ્લેખ કરીને સભામાં ધીમા પણ ધૈર્યવાન અવાજમાં કહ્યું હતું : ‘આ બતાવે છે કે પોલીસ એમ સૂચવવા માગે છે કે અમારે જે કહેવું હોય એ અમે કહી શકીએ એટલે કે અમારે જે કરવું હોય એ અમે કરી શકીએ.’ તે પછી આ સંદર્ભમાં ‘હિન્દુ’ અખબારને આપેલી એક મુલાકાતમાં તેમણે દેશમાં ફેલાઈ રહેલા ફાસીવાદ અંગે તીવ્ર વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું : ‘આજે તમે જે કંઈ જુઓ છો તે બધાંનાં મૂળ 1975માં લાદવામાં આવેલી કટોકટીમાં છે. અત્યારની આપણી સ્થિતિ તરફ માત્ર આર.એસ.એસ.ના સર્જન તરીકે જોવાની જરૂર નથી, એ ખરેખર કૉન્ગ્રેસનું સર્જન છે.’ જો કે 2014ની લોકસભાની ચૂંટણીમાં તેમણે ભા.જ.પ.નો વિરોધ કરીને કૉન્ગ્રેસના બંગલુરૂના ઉમેદવાર નંદન નિલેકણીનો પ્રચાર કર્યો હતો.
એક્યાસી વરસનું સમૃદ્ધ એવું સહસ્રચંદ્રદર્શન પૂર્ણાયુષ ભોગવી એ ગયા. હમણે માંદા ચાલતા હતા – ગયા સપ્ટેમ્બરમાં ગૌરી લંકેશને ગયે વરસ થયું ત્યારે ‘મી ટુ અર્બન નક્સલ’ના હાંસડીપાટિયા સાથે એ હૉસ્પિટલમાંથી પરબારા હાજર થયા હતા. એટલે જવું અણચિંતવ્યું નહોતું. પણ ‘જબ તક સાંસ તબ તક આસ’ એ રીતે જોતાં જવું ખટકે તો ખરું; કેમ કે ન ઓલવાવા જેવા જે થોડાએક અવાજો, ગિરીશ કર્નાડ તે પૈકી હતા.