આડેધડ વિકાસને પાણીનાં વહેવાનાં, બચતનાં અને નિકાલનાં સમીકરણો ખોરવાઈ ગયાં છે.
ભારે વરસાદને કારણે આપણાં દેશનાં ચાર રાજ્યો – કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લગભગ ૧.૨ મિલિયન એટલે કે બાર લાખ લોકોએ પોતાનાં ઘર છોડીને સરકારની રાહત છાવણીમાં ચાલ્યા જવું પડ્યું છે. પૂરને કારણે કેરળમાં એક જ રાતમાં ૯૫, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં ૯૭ અને કર્ણાટકમાં ૬૭ જણાંનો જીવ ગયો છે. આ લેખ તમે વાંચશો ત્યાં સુધીમાં આંકડા ચોક્કસ વધ્યા હશે. માણસોના મૃત્યુ આંક પરથી બાકીનાં નુકસાનનાં વ્યાપની કલ્પના કરી શકાય છે. ભારતીય સૈન્યની ત્રણેય પાંખ પૂરમાં બચાવ કામગીરીમાં રાત-દિવસ જોયા વિના કામે લાગી છે. બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ પૂરમાંથી હજી હમણાં માંડ ઊભા થયાં છે. ૨૦૧૯માં ભારતમાં આવેલાં પૂરને કારણે નવ જેટલાં રાજ્યો પર ભારે અસર થઈ છે અને જનજીવન ખોરવાઈ ગયું છે.
૨૦૧૯નું વર્ષ ભારત માટે મોસમને મામલે વિરોધાભાસથી ભરપૂર રહ્યું છે. હીટ વેવથી માંડીને ફ્લેશ ફ્લડ્ઝનો ભોગ બનેલો આપણો દેશ બે મહિના પહેલાં વિશ્વનાં સૌથી વધુ ગરમી ધરાવતા પંદર દેશની યાદીમાં હતો તો ગણતરીનાં દિવસો પહેલાં વિશ્વમાં આગામી ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડવાનો છેની યાદીમાં ભારતનાં પંદર રાજ્યો/પ્રદેશોનાં નામ હતાં. આપણો દેશ ‘ક્લાઇમેટ ક્રાઇસિસ’ની ધારે આવીને ઊભો છે. આપણે ગ્લોબલ વોર્મિંગની આકરી અસરો નોતરી રહ્યાં છીએ. સત્તાધીશો સ્વીકારે કે ન સ્વીકારે પણ દેશમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તે માનવ સર્જીત આફત જ છે.
૨૦૧૧માં પર્યાવરણ મંત્રાલય દ્વારા વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલની નિમણૂક કરવામાં આવી હતી, જેનાં વડા ઇકોલૉજિસ્ટ માધવ ગાડગીલ હતા. તેમણે રજૂ કરેલા રિપોર્ટ અનુસાર ૧,૪૦,૦૦૦ કિલોમીટર્સનાં વેસ્ટર્ન ઘાટ ઇકોલોજિકલી સેન્સિટીવ એરિયા છે અને પર્યાવરણીય સુરક્ષા અંતર્ગત ત્યાં ખાણિયા પ્રવૃત્તિ અને ખોદકામ ન થવાં જોઇએ. સરકારે એ રિપોર્ટ માન્ય ન રાખ્યો કારણ કે કે તે વિકાસલક્ષી રિપોર્ટ ન હતો. તાજેતરની પરિસ્થિતિ અંગે એક અહેવાલમાં પ્રોફેસર ગાડગીલે જણાવ્યું છે કે જે પણ વિસ્તારોમાં પૂરની માઠી અસર થઈ છે તે તમામ એક સમયે ઇકોલોજિકલી સેન્સિટીવ એરિયા તરીકે વર્ગિકૃત કરાયા હતા. બેજવાબદાર પર્યાવરણ નીતિ, વધુ પડતી ખાણિયા પ્રવૃત્તિ અને ખોદકામ, આડેધડ બાંધકામને કારણે જ ડેક્કન વિસ્તારો પૂરમાં બેહાલ થયા છે.
કમનસીબે આ હાલત અમુક જ પ્રદેશમાં કે રાજ્યોમાં છે તેમ નથી. જે રીતે ભારતમાં પૂરની સ્થિતિ ખડી થઈ છે તે દર્શાવે છે કે મોટા ભાગનાં શહેરો કોઈપણ પ્રકારનાં યોગ્ય પ્લાનિંગ વગર વિસ્તરી રહ્યાં છે. આ શહેરોમાં સિંચાઈ કે ગટર યોજના કરાય ત્યારે આડેધડ વધી રહેલી વસ્તીને જાણે ગણતરીમાં જ લેવામાં નથી આવતી. સિંચાઈ અને ગટર યોજનાનું તો કામ જ એ છે કે જળાશયોમાંથી શહેરોમાં સરળતાથી પાણી પહોંચે અને નકામું કે વધારાનું પાણી શહેરમાંથી બહાર કાઢે. ઇતિહાસમાં નદી કાંઠે સંસ્કૃતિઓ વિકસતી હતી તેની પાછળ આ જ કારણો હતાં.

જો શહેરોનાં વિકાસ-વિસ્તાર પર્યાવરણને ધ્યાનમાં રાખીને થયા હોત ઓવરફ્લો થયેલી નદીઓનાં વધારાનાં પાણી તેનાં પ્રવાહને અનુસરીને મેદાનો અથવા નિચાણ વાળા વિસ્તારોમાં થઈને દરિયામાં ઠલવાઈ ગયા હતો. પરંતુ ટાઉનશીપ, શહેરો, મકાનો અને રસ્તાઓને કારણે વધુ પડતાં પાણીના પ્રવાહને જવા માટે કોઈ દિશા બચી નથી. ઠેર ઠેર એન્ક્રોચમેન્ટ-દબાણો થયાં છે અને આડેધડ બાંધકામો કરાયા છે. આ બાંધકામો વેટલેન્ડ્ઝ પર કે પછી જળાશયોને પૂરી દઈને કરવામાં આવ્યા છે અને પાણીને પસાર થવા માટે વણખેડી જમીનનો એક ઇંચ જેટલો હિસ્સો પણ બાકી નથી રખાયો. આ ચણતરોને પગલે પાણી જમીનમાં પણ નથી ઊતરી શકતું જેને કારણે ભૂગર્ભ જળનું સ્તર સતત નીચે ઊતરતું રહ્યું છે, તો બીજી તરફ વરસાદનાં પાણીનાં પ્રવાહને જવા માટે કોઇ જગ્યા જ ન હોવાથી ટાઉનશીપ્સ અને શહેરો પૂરગ્રસ્ત થઈ રહ્યાં છે. વળી બંધનાં મોટામસ પ્રોજેક્ટ્સ પણ પૂરનું કારણ બને છે. જ્યારે જળાશયો ભરાઈ જાય છે ત્યારે બંધનાં દરવાજા ખોલવામાં આવે છે જેથી વધારાનું પાણી બહાર નીકળી જાય. બંધમાં બહુ જ મોટા જથ્થામાં પાણી સંઘરાતું હોય છે અને માટે જ્યારે તેને કારણે પૂર સર્જાય ત્યારે નદીનાં પૂર કરતાં કપરી સ્થિતિ સર્જાય છે. વરસાદની મોસમ હોય એટલે પાણીનાં બાષ્પીભવન કે સુકાવાની શક્યતાઓ નથી હોતી અને પાણીને જવા માટે કોઇ રસ્તો નથી હોતો, પાણી બંધનાં તળિયે જમીનમાં ઊતરી જાય એવી પણ શક્યતાઓ નથી રહેતી કારણ કે તળિયે ડામર અને કોંક્રિટ હોય છે.

નદીઓને જોડનારી યોજનાઓ પણ સરિયામ નિષ્ફળતા સિવાય બીજું કંઈ જ નહીં આપે કારણ કે આમ કરવામાં કુદરતી પ્રક્રિયાઓમાં અવરોધ જ પેદા થશે. જે નદીઓમાં વધારે પાણી આવતું હોય તેમાંથી જેમાં પાણી ઓછું હોય તે નદીની દિશામાં પાણીનો પ્રવાહ ફેરવવાની વાત પર્યાવરણ કે આર્થિક દ્રષ્ટિએ અયોગ્ય છે. દુકાળ કે પૂર કુદરતી આફત જ હોય છે પરંતુ તેની અસર કેટલી ગાઢ અને વિસ્તૃત છે તેની પાછળ માનવ સર્જિત સંજોગો કામ કરે છે. સામાન્ય સંજોગોમાં જ્યારે પણ પૂરનાં પાણી ઊતરી જાય પછી જમીન ખેતી લાયક બનતી હોય છે કારણ કે જમીનનું બંધારણ બદલાય અને તે કાંપની જમીન બને છે. જો કે કાંપની જમીન બનાવીને પાણી વેટલેન્ડ્ઝમાં ઊતરી જાય છે જે કુદરતી સિંકનું કામ કરે છે પણ દબાણોને કારણે આ વેટલેન્ડ્ઝ, કુદરતી સિંક બચ્યાં જ નથી. જે મેદાનોમાં થઈને પૂર આ વેટલેન્ડ્ઝ સુધી પહોંચી શકે તે પણ નથી રહ્યાં. બંધ, પાળા, બેરેજીઝ જેવાં માનવીય સંશોધનનો પર્યાવરણનાં ઉકેલ નહીં પણ પ્રશ્ન ખડા કરે છે. પાણીનો વહીવટ પાણીની માગને તથા કુદરતનાં મિજાજને ધ્યાનમાં રાખીને થવો જોઇએ.
બાય ધી વેઃ
પ્રકૃતિનું નિયંત્રણ કરવાની લ્હાય અને બધાં જ સ્રોતોનો ઉપયોગ કરી લેવાની લાલચ વિનાશ જ નોતરશે. જો પરિસ્થિતિ નહીં બદલાય તો સત્તાધીશો કૅફમાં રહેશે અને લોકો પીડામાં. એક તરફ હિમાલયન ગ્લેસિયર્સ પિગળી રહ્યાં છે જે ઉત્તરીય રાજ્યોમાં આકરો દુકાળ સર્જશે તો બીજી તરફ પૂરની તારાજીનો ક્યાં ય અંત આવતો નથી. વિનાશ નોતરે એવો વિકાસ કોઈને પણ સદવાનો નથી.
સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 18 ઑગસ્ટ 2019
![]()


ભારત સમૃદ્ધ સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદથી લઇને ભરત મુનિના નાટ્યશાસ્ત્ર જેવા ગ્રંથોની ભવ્ય વિરાસત ધરાવતાં આપણા આ દેશની સમૃદ્ધ સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી છે. વિશેષ કરીને નાટકના સંદર્ભે જોઈએ તો કાલિદાસ, ભાસ, અશ્વઘોષથી ચાલી આવતી શૃંખલામાં ભારતેન્દુ હરિચંન્દ્ર રવીન્દ્રનાથ, બેલ્લારી રાઘવ, ભીષ્મ સાહની, સી.વી. રામનપિલ્લાઈ જેવા મહાન સર્જકોએ નાટ્યસાહિત્યને સીમા ચિહ્નનરૂપ પ્રદાન કર્યુ. આ શૃંખલામાં આધુનિક ભારતના કેટલાક નાટ્યકારોને પણ મૂકવા પડે એવું જેમનું તેજસ્વી પ્રદાન રહ્યુ છે, એવા બાદલ સરકાર, વિજય તેન્ડુલકર, હબીબ તન્વીર, મોહન રાકેશ અને ગિરીશ રઘુનાથ કર્નાડ છે. તો વળી જાવેદ સિદ્દીકી, એચ. નારાયણરાવ જયમોહન, ગુરુ ઠાકુર અને અભિજીત જોષીનું પ્રદાન પણ નોંધપાત્ર છે.


નાટ્યકાર ગિરીશ કર્નાડનું ૧૯૬૪માં પ્રગટ થયેલું બીજું નાટક ‘તુઘલક’ ૧૪મી સદીના દિલ્હીના સુલતાન મુહમ્મદ-બીન-તુઘલકના ખ્યાત કથાનક પર આધારિત છે. નાયિકાવિહીન ‘તુઘલક’ non-romantic નાટક છે. વિવાદાસ્પદ ઐતિહાસિક નાટકના કેન્દ્રમાં એક બાદશાહનું સનકીપણું છે, પરંતુ સામાન્ય લોકો જે આવી ઉપરછલ્લી વાત જાણે છે તે સર્જકને અભિપ્રેત નથી. કર્નાડ બાદશાહના મનનાં ઊંડાણોને તાગવાની કોશિશ આ નાટકમાં કરે છે. એના આંતરિક વ્યકિતત્વની પરતોને લેખક ખોલતા જાય છે. સુલતાન તુઘલક પોતાની રાજધાની દિલ્હીથી દોલતાબાદ કેમ લઈ જાય છે? કેમ કે સુલતાન કોમી એખલાસ, સૌહાર્દ ઇચ્છે છે. દોલતાબાદમાં હિન્દુ વસતી વધુ હતી, તેમનો પ્રેમ જીતવો એનું જીવન લક્ષ્ય હતું. બન્ને પ્રજા વચ્ચે સમન્વય થાય તો જ પ્રગતિ શક્ય બને. સોનાને બદલે અન્ય ધાતુ કે ચામડાના સિકકા ચલણમાં મૂકવા પાછળ પણ તેની આર્થિક દૃષ્ટિ કેન્દ્રમાં હતી. લેખક નાટકમાં તુઘલકના સનકીપણાને એના ઘાતકીપણાને આલેખી એના વ્યકિતત્વની અસદ્ બાજુને પણ ઉજાગર કરે છે. છળકપટમાં માહિર તુઘલક, પિતા, ભાઈ અને અપર માની હત્યાઓ કરાવી શકે છે. પોતાના જેવા દેખાતા એક ઇમામની હત્યા પણ તેણે કરાવી. આમ છતાં તુઘલક દેશનો વિકાસ ઇચ્છતો અને એ માટે હિન્દુ-મુસ્લિમ સમન્વય અને શાંતિને એ પ્રાથમિકતા આપે છે .. નાટ્યકારે ઐતિહાસિક પાત્રના મીથને સાંપ્રત ભારતના રાજકારણ સાથે જોડીને જોતાં નવું અર્થઘટન પ્રાપ્ત થાય છે. સમયે સમયે બદલાતી રાજકીય પરિસ્થિતિમાં એનાં અર્થઘટનોની પ્રસ્તુતતા સર્જકની કાબેલિયત સિધ્ધ કરે છે. ૬૦ના દશકનો નહેરુનો આદર્શવાદનો ભ્રમ ભાંગનાર સમાજવાદ કે પછી નાટકના બે પાત્રો(સુરક્ષા ગાર્ડ)ની વાતચીત(સંવાદ)માં એક ગાર્ડના “આ કિલ્લો મજબૂત છે”ના જવાબમાં બીજો ગાર્ડ – ‘This fort will crumble due to its inner weakness’ને ૮૦ના દશકના દર્શકોને ઇન્દિરા ગાંધીની હત્યા સાથે જોડે છે. દરેક સમયના દર્શકોએ ‘તુઘલક’નું પોતાની રીતે અર્થઘટન કર્યું છે. પ્રશ્ન એ છે કે દર્શકો ’તુઘલક’ને મોદી સાથે કઈ રીતે સાંકળે છે.